Sensex

વિગતવાર સમાચાર

પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહનસિંહની અંતિમ વિદાય... દેશમાં શોકનો માહોલ

પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહનસિંહે ૯ર વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા અને તેઓ અનંતયાત્રાએ નીકળી ગયા, તેથી દેશભરમાં શોકનો માહોલ છવાયો છે. ડૉ. મનમોહનસિંહે વડાપ્રધાનપદે તો દસ વર્ષ સુધી સેવાઓ આપી, પરંતુ તે પહેલા તેઓએ બ્યુરોક્રેટ અને નાણામંત્રી તરીકે પણ દેશને સેવાઓઆપી હતી.

ડૉ. મનમોહનસિંહના યોગદાન અને જીવન ઝરમર આજે પ્રેસ-મીડિયમાં છવાયેલી છે અને સરકારે સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે. વડાપ્રધાન, રાષ્ટ્રપતિ, મંત્રીમંડળ, રાજકીય પક્ષોના નેતાઓ ઉપરાંત વિવિધ ક્ષેત્રના દિગ્ગજો અને વિશ્વકક્ષાના અર્થશાસ્ત્રીઓએ દુઃખ વ્યક્ત કર્યું છે અને કોંગ્રેસના નેતાઓ ડૉ. મનમોહનસિંહના નિવાસસ્થાને દોડી ગયા છે, અને હવે ડૉ. મનમોહનસિંહના પાર્થિવ દેહના અંતિમ દર્શને વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ, કોંગી નેતાઓ, કાર્યકરો તથા લોકો પહોંચી રહ્યા છે.

ડૉ. મનમોહનસિંહે ૯ર વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા, ત્યાં સુધી દેશભક્તિનો પરિચય આપ્યો અને કેટલાક સમયથી બીમાર હોવા છતાં મહત્ત્વના પ્રસંગે તેઓ વ્હીલચેરમાં બેસીને પણ હાજરી આપતા હતાં, તે તેઓની કર્તવ્યનિષ્ઠા દર્શાવે છે.

ડૉ. મનમોહનસિંહ વર્ષ ૧૯૭૧ માં બ્યુરોક્રેસીમાં જોડાયા હતાં, અને વાણિજ્ય મંત્રાલયમાં આર્થિક એડવાઈઝર તરીકે તેઓની નિમણૂક થઈ હતી. સેક્રેટરીએટમાં તેઓની અર્થશાસ્ત્રી તરીકેની નિપૂણતા પ્રગટ થઈ હતી અને તે પછી વર્ષ ૧૯૯૧ માં નરસિંહરાવના મંત્રીમંડળમાં તેઓ નાણામંત્રી બન્યા હતાં. તેપછી આર્થિક ઉદારીકરણની નીતિએ દેશનું અર્થતંત્ર વેગીલુ બનાવી દીધું હતું.

દેશમાં ધંધા-ઉદ્યોગ-બિઝનેસને અમલદારશાહી તથા લાયસન્સરાજમાંથી મુક્તિ અપાવીને અર્થતંત્રને પૂરપાટ દોડતું કરનાર નાણામંત્રી ડૉ. મનમોહનસિંહ તે સમયે એક ઉચ્ચકોટિના અર્થશાસ્ત્રી તરીકે પણ ઉભરી આવ્યા હતાં, અને તબક્કાવાર આર્થિક ઉદારીકરણના શ્રેણીબદ્ધ કદમ ઊઠાવ્યા હતાં.

ડૉ. મનમોહસિંહે કેટલાક ક્રાંતિકારી કદમ ઊઠાવ્યા હતાં, જેની કેટલાક લોકોએ તે સમયે ટીકા પણ કરી હતી, પરંતુ એકંદરે તેઓએ બધાને સાથે લઈને કેટલાક મુદ્દે સર્વસંમતિ મેળવવામાં સફળતા મેળવી હતી. નાણામંત્રી તરીકે તેમણે રૂપિયાનું અવમૂલ્યન,, ટેક્સીઝમાં કાપ અને ફોરેન ઈન્વેસ્ટમેન્ટને પ્રોત્સાહન આપવા જેવા તે સમયે ક્રાંતિકારી અને સાહસિક ગણાતા એવા કદમ ઊઠાવ્યા હતાં. જેથી આપણો દેશ અન્ય વિકસિત તથા વિકાસશીલ દેશો સાથે આર્થિક ક્ષેત્રે સ્પર્ધા કરી શકે, તેવો સક્ષમ બન્યો હતો.

વર્ષ ૧૯૯૯ થી ર૦૦૪ સુધી દેશમાં જ્યારે એનડીએનું શાસન હતું અને વાજપેયી વડાપ્રધાન હતાં, ત્યારે પણ આર્થિક ઉદારીકરણની નીતિ યથાવત્ રહી હતી, અને વર્ષ ર૦૦૪ માં જ્યારે યુપીએની સરકારમાં ડૉ. મનમોહસિંહ વડાપ્રધાન બન્યા, ત્યારે તેઓએ આર્થિક ઉદારીકરણની નીતિને વધુ વેગીલી બનાવી હતી. ડાબેરીઓના સમર્થનથી ચાલતી ગઠબંધન સરકારના વડાપ્રધાન તરીકે પણ તેમણે આર્થિક ઉદારીકરણની નીતિ તથા દેશને વિશ્વકક્ષાએ આર્થિક રીતે સક્ષમ અને સ્પર્ધક બનાવવાની નીતિ છોડી નહોતી, જે તેઓની અનોખી સિદ્ધિ ગણાય.

આજે ડૉ. મનમોહનસિંહની અંતિમ વિદાય પછી તેઓની સિદ્ધિઓ વર્ણવાઈ રહી છ ે, અને યુપીએના દસ વર્ષના શાસનકાળ દરમિયાન અર્થતંત્રમાં ૭.૭ ટકા જેવી વૃદ્ધિ થઈ હતી, તેવો દાવો થઈ રહ્યો છે, ત્યારે મોંઘવારી, કૌભાંડો તથા ભ્રષ્ટાચારના આક્ષેપો વચ્ચે પણ સૌને સાથે રાખીને પોતાની ફરજો બજાવી અને વ્યક્તિગત કોઈ કલંક લાગવા દીધું નહીં. તેની પણ આજે ચર્ચા થઈ રહી છે. ભારતને વિશ્વમાં આર્થિક શક્તિ તથા સર્વક્ષેત્રી સામર્થ્ય ધરાવતા દેશ તરીકેની ઓળખ આપવામાં ડૉ. મનમોહનસિંહના બ્રયુરોક્રેટ, નાણામંત્રી તથા વડાપ્રધાન તરીકે સિંહફાળો રહ્યો છે તેમ કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી.

ડૉ. મનમોહનસિંહના કાર્યક્રમમાં મનરેગા જેવી રોજગારલક્ષી યોજનાઓને વેગ મળ્યો હતો. માહિતી અધિકારના કાયદા માટે પણ તેઓની ભૂમિકા નોંધપાત્ર હતી. દેશવાસીઓની સુખાકારી અને દેશની આર્થિક સ્થિતિ મજબૂત રાખવાના બન્ને ક્ષેત્રે તેઓએ નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ કરી હતી. વડાપ્રધાન તરીકે તથા અર્થશાસ્ત્રી તરીકે ડૉ. મનમોહનસિંહને અનેક રાષ્ટ્રીય તથા વિશ્વકક્ષાના સન્માનો પણ મળ્યા છે.

આજે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, કોંગી પ્રમુખ ખડગે, રાહુલ ગાંધી, વિવિધ પક્ષોના વડાઓ સદ્ગત મનમોહનસિંહના પાર્થિવ દેહના અંતિમ દર્શને પહોંચ્યા, ત્યારે જે ભાવવાહી દૃશ્યો સર્જાયા હતાં, તે જ સ્વ. મનમોહનસિંહ પ્રત્યે દેશવાસીઓના સન્માનનું દ્યોતક છે. પૂર્વ પી.એમ. તથા મહાન અર્થશાસ્ત્રી ડૉ. મનમોહનસિંહને કોટિ કોટિ વંદન, સાથે શ્રદ્ધાંજલિ...