Warning: Undefined array key "read" in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 6

Deprecated: json_decode(): Passing null to parameter #1 ($json) of type string is deprecated in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 14
Nobat - Daily News Jamnagar

Sensex

વિગતવાર સમાચાર

ઘેર ઘેર માટીના નહીં, ગેસના ચૂલા...!!

પીપળ પાન ખરતા, હસ્તી કુંપડિયા, મુજ વીતી તુજ વિતશે, ધીરી બપુડિયા

આપણે બાઈક કે કાર લઈને ક્યાંક જતા હોઈએ, અને રોડ પર લોકોનું ટોળું એક્ઠું થયેલું જોવા મળે, તો તરત જ આપણે સેલ્ફ ડ્રાઈવીંગ કરતા હોઈએ, ત્યારે આપણા પગ બ્રેક તરફ વળી જઈને એક્સીલીટર પરથી ઉઠી જાય, બાઈક ચલાવતા હોઈએ તો લીવર ઘટી જાય, અને શું થયું છે? તે નજરે જોઈ લેવાનું કુતૂહલ જાગે. જો ઉતરવાની હોય તો ત્યાં ટોળાની છેડે ઊભેલા કે પછી આંખે દેખ્યો અહેવાલ મેળવીને ત્યાંથી રવાના થઈ રહેલા કોઈને પૂછીએ કે શું થયું છે?... જવાબમાં મળેલી માહિતીને મમળાવતા મમળાવતા આપણે આગળ વધી જઈએ, કે પછી આપણા સહપ્રવાસી સાથે તે અંગેની થોડી ચર્ચા કરી લઈએ.

જો બહું ઉતાવળ જેવું ન હોય તો આખરે સાઈડમાં (કે ઘણી વખત જ્યાં લાઈન ઊભી હોય ત્યાં) વાહન પાર્ક કરીને ટોળામાં ઘૂસીને બનેલી ઘટનાની રજેરજની માહિતી મેળવવા પ્રયત્ન કરીયે છીએ, અને માહિતી મેળવ્યા પછી ત્યાંથી પુનઃ આપણાં વાહનમાં પ્રવાસ આગળ વધારીએ છીએ, અને જે-તે ઘટનાની ચર્ચા સહયાત્રી કે આજુબાજુ ઊભેલા કે ઘટના સ્થળેથી રવાના થઈ રહેલા લોકો સાથે કરવાનું ચૂકતા નથી, અને તેમાં પણ આપણું મંતવ્ય આપવાનું પણ ચૂકતા નથી, પરંતુ...

જો એવું લાગે કે ત્યાં બે આખલાનું યુદ્ધ ચાલે છે, તકરાર મારા-મારી સુધી પહોંચી ગઈ છે કે પછી કોઈ પર લાકડી કે હથિયારોથી હુમલો થઈ રહ્યો છે, તો મોટાભાગના લોકો ત્યાંથી નવ...દો...ગ્યારા (એટલે કે રવાના) થઈ જતા હોય છે, જ્યારે ક્યારેક કોઈ પીઢ, સમજદાર કે પછી બન્ને પક્ષો કે બેમાંથી એક તરફની વ્યક્તિને ઓળખતા હોય તેવા વ્યક્તિ બચાવવા જાય, કે હસ્તક્ષેપ કરીને તકરાર ઠંડી પણ પાડી દેતા હોય છે, જો કે કેટલાક કિસ્સાઓમાં બચાવ કરવા જનાર વ્યક્તિ પર પણ તકરારી વ્યક્તિ પ્રહાર કરી દેતા ગમખ્વાર કે ગંભીર પરિણામ પણ આવતા હોય છે.

રોજ-બ-રોજના કેટલાક 'બોધક' દૃશ્યો

એવું જ કાંઈક જ્યારે ઘર કે આપણા કાર્યસ્થાનની આજુબાજુ કોઈ નાની-મોટી તકરાર થાય, ત્યારે બનતું હોય છે. ઘણી વખત અકસ્માતમાં ઈજા પામેલ વ્યક્તિને મદદરૂપ થવા ઘણાં લોકો તત્પરતાથી પહોંચી જતા હોય છે, જ્યારે ઘણાં લોકો તડપતા ઘાયલોને જોતા હોવા છતાં પોતાની ધીમી કરેલી ગાડીની ગતિ વધારીને અને પગપાળા જતા લોકો આંખ આડા કાન કરીને તારો મારીને (થોડા દૂરથી જ) આગળ વધી જતા હોય છે. આ પ્રકારના દૃશ્યો આપણે રોજ-બ-રોજ જોતા જ હોઈએ છીએ, પરંતુ જેવી રીતે દિવસ-રાત થાય છે અને તડકા-છાયો થાય છે, તેવી જ રોજીંદી ઘટમાળ સમજીને આપણે તેની ખાસ નોંધ પણ લેતા હોતા નથી, અને થોડી વારમાં (કે દિવસોમાં) તેને વીસરી પણ જતા હોઈએ છીએ. આ આપણા રોજીંદા જીવનની નક્કર વાસ્તવિક્તા જ છે ને? એટલે જ કહેવત છે ને કે ઘેર ઘેર માટીના ચૂલા...!!

કુતૂહલવૃત્તિની ફલશ્રૂતિ

આપણે અડોશ-પડોશમાં કોઈના ઘરમાંથી ઊંચા અવાજો આવતા હોય કે મારામારી થતી હોય, ત્યાં ઘણી વખત એવું કુતૂહલ જાગી ઊઠતું હોય છે કે આપણા બારણા પાસે જઈને કે પછી પડોશીના મકાનની દીવાલની શક્ય તેટલા નજીક જઈને તે 'અવાજો'ની વાસ્તવિક્તા જાણવાના પ્રયાસો કરતા હોઈએ છીએ. જો આંતરિક કરાર મારામારી સુધી પહોંચી હોય તો તે ઘરમાં પ્રવેશીને ઘણાં લોકો તકરાર ખતમ કરીને સમાધાન કાઢવાનું પવિત્ર કામ કરતા હોય છે, જ્યારે ઘણાં લોકો એ મારામારી થવા પાછળના કારણોમાં સંશોધનાત્મક અને પારદર્શી વિસ્તૃત ચર્ચા કરવામાં પણ પરોવાઈ જતા હોય છે.

ધર્મ કરવા જતા ધાડ પડે તેવો ઘાટ

જો કે, ઘણાં કિસ્સાઓમાં બંધ બારણે થતી તકરારને ઠંડી પાડવા જતા રમૂજી કિસ્સાઓ પણ સર્જાતા હોય છે, તો ઘણી વખત તેમના આંતરિક મામલામાં હસ્તક્ષેપ કરવા બદલ એ આખો પરિવાર 'એકજુથ' થઈને તકરાર ઠંડી પાડવા ગયેલા વ્યક્તિ, સજ્જનો કે સન્નારીઓ સાથે જ તકરાર કરવા લાગી જાય છે, ત્યારે ત્યાંથી માંડ છૂટેલા આ 'મધ્યસ્થીઓ' માટે ધર્મ કરવા જતા ધાડ પડે તેવો ઘાટ સર્જાતો હોય છે, અને બોલી ઊઠતા હોય છે કે, 'કોલસાની દલાલીમાં કાળા હાથ...'

ઘીણી વખત આવી તકરારો ઠંડી પાડવા જતા જે સલાહ અપાય, તેને કોઈપણ એક તરફનો પક્ષ પોતાની વિરૂદ્ધનો અભિપ્રાય સમજે, ત્યારે એ બીચારા 'મધ્યસ્થી' પર જ પક્ષપાતી હોવાનું કલંક લાગી જતું હોય છે, અને એ તકરાર દ્વિપક્ષીયમાંથી 'ત્રિપક્ષીય' કે ચતુર્થીય પણ થઈ જતી હોય છે. આ કારણે એમ કહી શકાય કે નવા જમાનામાં ઘેર-ઘેર માટીના નહીં, ગેસના ચૂલા આવી ગયા છે!!!

જો કે, આ બધા અપવાદો છે. મોટાભાગે આ પ્રકારનું સમાધાન કારગત નીવડતું હોય છે અને તકરાર ઠંડી પડી જતી હોય છે. બન્ને પક્ષે 'વરાળ' કાઢી નાંખ્યા પછીની સ્થિતિમાં કોઈ મધ્યસ્થી આવે, અને 'ઠંડુ' પાડે, તેવી અપેક્ષા હંમેશાં ઉભયપક્ષે રહેતી જ હોય છે, જ્યારે ઘણી વખત સળગતું પકડીને તકરાર કર્યા પછી 'વટભેર પીછેહઠ' કરવા માટે 'રશિયન પ્રમુખ પુતિનની જેમ' કોઈ મધ્યસ્થીની રાહ પણ જોવાતી હોય છે!!

'પંચાત'ના રમુજી દૃષ્ટાંતો

એક વખત આ જ રીતે પડોશમાં બંધ બારણે આંતરિક તકરારના અવાજો સંભળાયા પછી પડોશીઓએ ભેગા થઈને દરવાજો ખોલાવ્યો ત્યારે જોયું તો ત્યાં પરિવારના સભ્યો તેના સંતાનો તથા સંતાનોના મિત્રોને શાળામાં પ્લે કરવા (ભજવવા) ના નાટકનું રિહર્સલ કરાવી રહ્યા હતાં, અને તે સ્ટોરીમાં જ એક 'તકરાર' હતી!

એવા એક અન્ય કિસ્સામાં વાસણો ફેંકતા હોય અને બૂમ-બરાડા પડતા હોય તેવા અવાજો સંભળાયા પછી બારણું ખોલાવ્યું, ત્યારે ત્યાં કોઈ અંગ્રેજી એક્સન થ્રીલર ફિલ્મ ચાલી રહી હતી, જેને મોટા અવાજે તે પરિવાર માણી રહ્યો હતો!!

આ પ્રકારની તકરારો, પડોશીના ઘરમાં થતી હિલચાલ, ઘરમાં સીગ્નલ મળતા ન હોય કે ઘરના સભ્યોનો ડિસ્ટર્બ ન કરવા હોય, તેવી 'સહકારી' ભાવનાથી ઘરની બહાર આવેલા પડોશીની વીડિયોકોલ કે ફોન કોલ પર થતી વાતચીતના ટૂકડે-ટૂકડે સંભળાતા અવાજો કે પછી પડોશીના ઘરમાં થતા કોઈ ફેરફારોને સાંકળીને ઘણી વખત ઘણાં લોકો અવનવા તારણો કાઢી લેતા હોય છે, અને તેમાંથી રચાતી કાલ્પનિક 'વાસ્તવિક્તાઓ' થોડા જ સમયમાં જે-તે શેરી-મહોલ્લા, સોસાયટી કે ગામમાં એક ઈનોવેટિવ આવિસ્કારના સ્વરૂપમાં ચર્ચાવા લાગતી હોય છે. ઘણી વખત પારકા ઘરની પંચાત કરવા ટેવાછેલા લોકોના પોતાના જ ઘરમાં જ્યારે 'પંચાત' પ્રવેશી જતી હોય છે, અને ખોદણીયુક્ત ખટપટની જ્યારે થપાટ લાગે ત્યારે તે પંચાતિયા વ્યક્તિ કે પરિવારને ક્યાંય મોઢું દેખાડવા જેવું રહેતું નથી. આ કારણે તેની દશા ચોરનીમાં કોઠીમાં મોઢુ નાંખીને રડે તેવી થઈ જતી હોય છે.

મુજ બીતી તુજ બીતશે...

હકીકતે કોઈપણ વ્યક્તિ પરિવાર, સમાજ કે સમૂહ વિષે ટિકા-ટિપ્પણીઓ કરતા પહેલા એ વિચારી જ લેવું જોઈએ, કે આ સ્થિતિનો સામનો આપણે જ કરવાનો આવશે, ત્યારે આપણી પાસે કોઈ જવાબ હશે ખરો? એક કવિએ કહ્યું જ છે ને કે 'પીપળ પાન ખરતા હસ્તી કુંપડિયા, મુજ બીતી તુજ બીતશે, ધીમી બપુડિયા...'

કવિની અદ્ભુત કલ્પના

પીપળાના પાકી ગયેલા કે સૂકાઈ ગયેલા પાન પવનની ઝપાટે ચડીને જ્યારે ખરવા લાગે, ત્યારે પીપળાની નાની નાની કુંપડિયું તેની મજાક ઊડાવે છે, ત્યારે ખરતા પાન કહે છે કે આજે અમારો વારો છે, કાલે તમે પણ સૂકાઈ જશો ત્યારે ખરશો... ધીરજ રાખો...

આ પ્રકારની કલ્પના એ કવિએ માતવ-જીવનની નક્કર વાસ્તવિક્તાને લઈને જ કરી છે જે અહીં તદ્ન બંધબેસતી હકીકત છે.

સંગીતના સાધનો

અને સંબંધો

પારિવારિક સંબંધોનું ઊંડાણ ઘણું જ અલકલપ્ય અને ગર્ભિત હોય છે. સંગીતના સાધનો તબલા, નોબત, ડમરૂ, ઢોલક પર જેમ હળવા હાથે પ્રહારો વધે, તેમ તે મધૂર સંગીત આપે છે, અને હારમોનીયમ, વીણા, શરણાઈ અને વાંસળી જેવા વાદ્યો પણ આંગળીના સ્પર્શ કે ધીમી ફૂંકથી મધૂર કર્ણપ્રિય ધ્વનિ ઉત્પન્ન કરે છે, તેવું જ કાંઈક પરિવારિક સંબંધોનું છે, બસ તેના પર ભારે પ્રહાર કરવાથી બચવું જોઈએ...!!

વિનોદ કોટેચા

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial