આજે પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહની અંતિમયાત્રા હતી. હજુ તો તેઓનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલિન પણ થયો નહોતો અને અંતિમ દર્શન સાથે શ્રદ્ધાંજલિઓ અપાઈ રહી હતી, ત્યાં જ સદ્ગતના સ્મારકના મુદ્દે કેન્દ્ર સરકાર અને કોંગ્રેસ વચ્ચે તનાતની શરૂ થઈ ગઈ હતી. કેન્દ્ર સરકારે નિગમ બોધ ઘાટ પર અંતિમ સંસ્કાર અને થોડા સમય (દિવસો કે મહિનાઓ?) પછી તેઓના સ્મારક અંગે નિર્ણય લેવાશે, તેવું જાહેર કર્યું, જ્યારે કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ સદ્ગતના અંતિમ સંસ્કાર તેઓનું સન્માન જળવાય, તેવા સ્થળે કરીને ત્યાં જ તેઓનું સ્મારક બને, તેવી માંગણી સરકાર સમક્ષ કરી, અને તે પછી જે કાંઈ વાદ-વિવાદ તથા આક્ષેપો-પ્રતિઆક્ષેપો થઈ રહ્યા છે, તે જોઈને કદાચ સદ્ગત મનમોહનસિંહનો આત્મા પણ દુભાતો હશે, ખરૃં કે નહીં?
રાજનીતિની તાસીર જ અલગ હોય છે. હજુ તો ગઈકાલે જ સદ્ગત મનમોહનસિંહની મુક્તકંઠે પ્રશંસા થઈ રહી હતી, તેના સ્મારક સ્થળનો વિવાદ હજુ તેના અંતિમ સંસ્કાર પણ ન થયા હોય, ત્યાં જ ઊભો થયો , તેની પાછળના રાજકીય ઉદ્દેશ્યો જે હોય તે ખરા, પરંતુ કોંગ્રેસ પછી અકાલી દળના નેતાઓએ પણ ટીકા-ટીપ્પણીઓ કરી અને શાસક પક્ષ દ્વારા વિપક્ષ પર રાજનીતિ રમવાનો આક્ષેપ કર્યો, તે ઘણો જ દુર્ભાગ્યપૂર્ણ તથા દેશની છબિને ખરાબ કરનારો ગણાય, તેવી આલોચના પણ થવા લાગી છે, જો કે આજે અંતિમ સંસ્કાર થાય, તે પછી ઉભય પક્ષે ખુલ્લા મને ચર્ચા-પરામર્શ કરીને આ મુદ્દે સર્વમાન્ય નિર્ણય લેવાશે, તેવી અપેક્ષા રાખીએ. આ અંગે કમિટીની રચનાની જાહેરાત થતા આવી આશા પ્રબળ બની છે.
આજે પ્રેસ-મીડિયા અને સોશિયલ મીડિયામાં દિવંગત મનમોહનસિંહની સાથે સંકળાયેલા સંસ્મરણો, ઘટનાક્રમો તથા તેઓની સાદગી તથા દેશપ્રેમની જે પ્રશંસા થઈ રહી છે, અને તેઓના શાસનકાળમાં કથિત કૌભાંડો છતાં તેઓ નિર્દોષ રહ્યા, તેની નોંધ પણ લેવાઈ રહી છે, અને 'રેઈનકોટ પહેરીને બાથરૂમમાં સ્નાન કરવાની કળા ડોક્ટર સાહેબ જાણે છે' તેવા પ્રચલિત નિવેદનને ટાંકીને ડો. મનમોહનસિંહની પ્રામાણિક્તાના મુક્તકંઠે વખાણ પણ થઈ રહ્ય છે.
આજે સૌથી વધુ ચર્ચા ડો. મનમોહનસિંહની છેલ્લી પ્રેસ કોન્ફરન્સની થઈ રહી છે, જેમાં તેઓએ પોતાના વડાપ્રધાનપદની શાસનકાળની છેલ્લી ચર્ચા પ્રેસ મીડિયા સાથે કરી હતી. તેઓની આ પ્રેસ કોન્ફરન્સ તે સમયે પણ ઘણી જ ચર્ચામાં આવી હતી. આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી તેઓએ ટીકાકારોને સ્પષ્ટ અને સચોટ જવાબો આપ્યા હતાં.
ડો. મનમોહનસિંહના નિધન પછી દેશમાં અત્યારે સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરાયો હોવાથી તમામ સરકારી કાર્યક્રમો તથા કોંગ્રેસના જાહેર કરાયેલા તમામ આયોજનો તો રદ્ થઈ ગયા છે, પરંતુ પંચાયત-પાલિકાઓથી લઈને રાજ્ય અને કેન્દ્ર સરકારના તંત્રો અત્યારે આર્થિક બજેટની તૈયારી કરી રહ્યા છે, અને તેના સંદર્ભે અટકળો, અંદાજો અને અભિપ્રાયો પણ સામે આવી રહ્યા છે.
કેન્દ્રિય બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ પહેલી ફેબ્રુઆરીના દિવસે રાહતો આપશે કે કડવો ડોઝ આપશે, તેની ચર્ચા થઈ રહી છે. ગયા બજેટમાં તો મધ્યમવર્ગને બહું મોટી નોંધપાત્ર રાહતો મળી નહી, પરંતુ આ વખતે નાણામંત્રી ટેક્સના ક્ષેત્રે મોટી જાહેરાતો કરી શકે છે અને આવકવેરાના સ્લેબમાં મધ્યવર્ગને રાહત મળે, તેવા બદલાવ કરી શકે છે. એવું મનાય છે કે વાર્ષિક ૧પ (પંદર) લાખની આવક હોય તેવા મધ્યમવર્ગિય કરદાતાઓને લઈને નાણામંત્રી કોઈ રાહત પેકેજ અથવા સીધી રાહતની જાહેરાત કરી શકે છે.
નિષ્ણાતોના મંતવ્યો મુજબ જો કેન્દ્ર સરકાર બજેટમાં સીધો કરવેરો (ડાયરેક્ટ ટેક્સ) ભરતા મધ્યમ વર્ગિય કરદાતાઓને રાહત આપશે, તો તેથી લોકોની ખર્ચ શક્તિ વધશે, અને તેના કારણે અર્થતંત્રને વેગ મળશે, જે ભવિષ્યમાં મોંઘવારીનો સામનો કરવા માટે સરકારને પણ મદદરૂપ બનશે.
અત્યારે કરદાતાઓ જુની ટેક્સ સિસ્ટમ મુજબ વિવિધ પ્રકારની કરમુક્તિઓ અને છૂટછાટોનો ફાયદો મેળવી શકે છે, અથવા મોટાભાગની છૂટછાટો-કરમુક્તિ વિનાની ઓછા કરવેરાની નવી સ્કીમ મુજબ આવકવેરો ભરી શકે છે. નાણામંત્રી ૩ થી ૧પ લાખ સુધીની આવક ધરાવતા આ પ્રકારના કરદાતાઓને કોઈ નોંધપાત્ર રાહત આપશે, તેવો આશાવાદ સેવાઈ રહ્યો છે.
અત્યારે મોટાભાગના પરોક્ષ કરવેરા જીએસટી હેઠળ આવરી લેવાયેલા હોવાથી તેમાં વધ-ઘટના નિર્ણયો જીએસટી કાઉન્સિલ લેતી હોવાથી કેન્દ્રિય બજેટ પછી ચીજવસ્તુઓના ભાવો પર બહુ મોટી અસર થતી નહીં હોવા છતાં કેન્દ્રિય બજેટ પર આધારિત અર્થતંત્રના પ્રવાહો બદલી શકે તેમ હોવાથી માર્કેટ અને શેરબજારને પણ બજેટમાં કેવી જોગવાઈઓ થશે, તેનો ઈન્તેજાર હોય છે.
જીએસટી સિસ્ટમના કારણે રાજ્યોના બજેટના કારણે પણ માર્કેટ કે ભાવો પર બહુ અસર થતી નથી હોતી, પરંતુ હજુ પણ પેટ્રોલિયમ પદાર્થોને જીએસટી હેઠળ આવરી લેવાયા નથી અને રાજ્યોની આવકમાં 'વેટ'ની બહુ મોટી ભૂમિકા હોય છે, ત્યારે રાજ્યો દ્વારા રજૂ થતા બજેટમાં જો વેટ ઘટાડાશે, તો પેટ્રોલ-ડીઝલ-ઓઈલ વગેરે સસ્તા થઈ શકે છે. જોઈએ, હવે શું થાય છે તે...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial