આજે થર્ટી ફર્સ્ટની ઉજવણી થઈ રહી છે અને વર્ષ-ર૦ર૪ ને વિદાયની સાથે નવા વર્ષને ધમાકેદાર કાર્યક્રમો દ્વારા ઉજવવાની તૈયારીઓ થઈ રહી છે. આપણા દેશમાં પણ નાતાલ પછી ૩૧ મી ડિસેમ્બરે ઈસ્વીસન મુજબ કેલેન્ડર વર્ષ પૂરૂ થતા નવા વર્ષને આવકારવાની પરંપરા વધુને વધુ વિસ્તરી રહી છે, અને દુનિયા સાથે કદમ મિલાવીને મોટાભાગના દેશોમાં નવા વર્ષને આવકારવાના કાર્યક્રમો યોજાય છે. ભારતમાં પણ ઠેર ઠેર થર્ટી ફર્સ્ટની ઉજવણીને લઈને ગીત-સંગીત, ખાણી-પીણી, નૃત્ય અને મનોરંજક કાર્યક્રમોનો જલસો થાય છે.
ગુજરાત સહિત દેશભરમાં આજની રાત્રે મહેફિલો જામશે, અને રંગારંગ કાર્યક્રમો યોજાશે, પરંતુ ગુજરાતમાં દારૂબંધી હોવાથી પોલીસતંત્ર દ્વારા છેલ્લા એકાદ અઠવાડિયાથી વિદેશી દારૂના સંગ્રહ, હેરાફેરી અને વેંચાણ ઝડપી લેવાની ઝુંબેશ ચાલી છે, તો જામનગર સહિત રાજ્યભરમાં દેશી દારૂ બનાવવાની ઘણી ફેક્ટરીઓ ધ્વસ્ત કરીને દારૂના અડ્ડાઓ બંધ કરાવ્યા છે, જો કે આ બધું ગુજરાતમાં દારૂબંધીની શરૂઆત થઈ, ત્યારથી થતું આવ્યું છે, અને 'કડક' દારૂબંધીના દાવાઓ પછી પણ રાજ્યમાં દેશી દારૂ બનતો બંધ થયો નથી, દેશી અને વિદેશી દારૂની ગેરકાયદે હેરાફેરી, સંગ્રહ, વેંચાણ અને સેવન પર અંકુશ આવ્યો નથી, તે પણ હકીકત જ છે ને?
દારૂબંધી તો બિહારે પણ લાગુ કરી દીધી છે, અને ત્યાં પણ ગુજરાતની જેમ જ દેશી-વિદેશી દારૂના સેવન, સંગ્રહ, હેરાફેરી અને વેંચાણ પર અંકુશ માટે ઝુંબેશો ચલાવાય છે, તેમ છતાં ત્યાં પણ તંત્રોની કથિત મિલિભગત અને શાસકોની ઈચ્છાશક્તિના અભાવે શરાબની રેલમછેલ થઈ રહી હોવાના અહેવાલો પણ અવારનવાર આવતા રહે છે. 'ગુજરાત અને બિહારમાં દારૂબંધીની નિષ્ફળતા'ના વિષય પર પીએચ.ડી. કરવા જેવું છે, ખરૃં કે નહીં?
બિહારની ચર્ચા આજે થર્ટી ફર્સ્ટની ઉજવણી ઉપરાંત રાજકીય ક્ષેત્રે પણ વિશેષ ઢબે થઈ રહી છે, અને વિશ્લેષકો તથા કેટલાક રાજનેતાઓ આ નવી હિલચાલ તથા રાજનૈતિક હલચલને સાંકળીને 'કાચીંડા'ને પણ યાદ કરી રહ્યા છે!!!
રાજનીતિમાં કોઈ કાયમી દોસ્ત કે દુશ્મન હોતું નથી, અને રાજનૈતિક સંબંધો સગવડિયા હોય છે, પરંતુ જ્યારે કોઈ રાજનેતાને લઈને પલટુરામ, કાચીંડાની જેમ રંગ (પક્ષ) બદલતા નેતા કે આયારામ-ગયારામ જેવા વિશેષણો લાગવા માંડે, ત્યારે તેની વ્યક્તિગત અને રાજનૈતિક પ્રતિષ્ઠા પણ ઝંખવાતી હોય છે. બિહારના મુખ્યમંત્રી નીતિશકુમાર સાથે પણ હવે કાંઈક એવું જ થઈ રહ્યું હોય તેમ લાગે છે?
એમ કહેવાય છે કે અમિતભાઈ શાહના આંબેડકરને લઈને સંસદમાં અપાયેલા નિવેદનના વિરોધ તથા બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાના મુદ્દે નીતિશકુમારે એનડીએમાં રહીને વિરોધ કર્યો છે અને હવે એનડીએ સાથે ફરીથી છેડો ફાડવાના મૂડમાં છે!
એક તરફ પેપરલીક સહિતના મુદ્દે આંદોલન કરી રહેલા વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જને પ્રિયંકા ગાંધીએ એનડીએ સરકારનો 'અત્યાચાર' ગણાવ્યો છે, તો બીજી તરફ નીતિશકુમાર ખુરશી બચાવવામાં વ્યસ્ત છે!
વાસ્તવમાં એનડીએની બેઠકમાં ગેરહાજર રહ્યા પછી નીતિશકુમાર અચાનક દિલ્હી દોડ્યા, પરંતુ મોદી-શાહ-નડ્ડાએ તેને ભાવ આપ્યો નહીં, અને વીલા મોઢે પાછા ફરવું પડે, તેવી સ્થિતિમાં મૂકાયેલા નીતિશકુમારે ફરીથી એનડીએમાંથી છેડો ફાડીને 'કાંઈક નવું' કરવાનું મન બનાવ્યું હોવાના અહેવાલો વહેતા થયા પછી તક જોઈને કોંગી નેતા રાહુલ ગાંધીએ નીતિશકુમારને (જેડીયુને) ફરીથી ઈન્ડિયા ગઠબંધનમાં જોડાઈ જવાનું આમંત્રણ આપ્યું હોવાની ચર્ચા જોરશોરથી થઈ રહી છે, અને તેના સંદર્ભે જ કેટલાક 'વિશેષણો' પણ ચર્ચાસ્પદ બન્યા છે. આ અહેવાલોની વચ્ચે કેટલાક જેડીયુ નેતાઓએ કરેલા નિવેદનો પણ 'કાંઈક તો ગરબડ છે'ની આશંકાને દૃઢ કરે, તેવા છે.
જો કે, તેજસ્વી યાદવે એવો પ્રત્યાઘાત આપ્યો છે કે હવે વિપક્ષી ગઠબંધનમાં નીતિશકુમાર માટે દરવાજા બંધ થઈ ગયા છે, જેથી ઈન્ડિયા ગઠબંધન પણ નીતિશકુમારને લઈને અવઢવમાં જણાય છે.
આ પહેલા જ્યારે કર્પુરી ઠાકુરને ભારતરત્ન અપાયા પછી નીતિશકુમારે પાટલી બદલી, તે પહેલા ભાજપની ટોચની નેતાગીરી પણ નીતિશકુમાર માટે એનડીએના દરવાજા બંધ હોવાની જોરશોરથી વાતો કરતા હતાં, પરંતુ લોકસભાની ચૂંટણીઓ આવતા જ નીતિશકુમારની પાર્ટીની બેઠકો ભાજપ કરતા ઓછી હોય તો પણ નીતિશકુમાર જ મુખ્યમંત્રી રહેશે, તેવી શરત સાથે જેડીયુને એનડીએમાં સામેલ કરી લીધું હતું. તેથી જ કહેવાય છે કે 'પ્યાર ઔર જંગ મેં હી નહીં, રાજનીતિ મેં ભી સબકુછ જાયઝ હે...'
મહારાષ્ટ્રમાં શિવસેના પછી એકનાથ શિંદે, પંજાબમાં અકાલીદળ, બિહારમાં રામવિલાસ પાસવાનની પાર્ટી, ગુજરાતમાં શંકરસિંહ, કાંશીરામ રાણા, કેશુબાપા, રજસ્થાનમાં વસુંધરારાજે સિંધિયા સહિત ઘણાં એવા દૃષ્ટાંતો છે, જેમાં એનડીએ દ્વારા પોતાના જ સાથીદાર પક્ષો (અને નેતાઓ) સાઈડલાઈન કરીને તેને કદ પ્રમાણે વેંતરી નંખાયા હોય, કદાચ આ દૃષ્ટાંતોને ધ્યાને લઈને જ કદાચ નીતિશકુમાર ફરીથી પલટી મારવાનું વિચારતા હોઈ શકે છે, જો કે હવે તેઓ જે કાંઈ કરશે, તેના પર જ તેનું રાજકીય ભવિષ્ય ટકેલું હશે, તે નક્કી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial