Sensex

વિગતવાર સમાચાર

ખંભાળિયાના ડો. સોમાત ચેતરિયાએ સર્વાધિક ઠંડા ખંડનું માઉન્ટ વિન્સન શિખર સર કર્યું: અનોખી સિદ્ધિ

આ પહેલા પણ પાંચ શિખર સર કર્યા છે માત્ર ર૪ કલાકમાં એવરેસ્ટ સહિત બે શિખર સર કરવાનો રેકોર્ડ

ખંભાળિયા તા. ૩૧: ખંભાળિયાની સાકેત હોસ્પિટલના જાણીતા સર્જન ડો. સોમાત ચેતરિયા કે જે દ્વારકા જિલ્લાના ખંભાળિયાના આહિર સમાજ તથા રાજ્યના ડોકટર વર્ગના ગૌરવ સમાન છે. જેમણે તાજેતરમાં દુનિયાના સૌથી ઠંડા ગણાતા ખંડના સૌથી ઊંચા શિખર માઉન્ટ વિન્સનને સર કરીને વિશેષ સિદ્ધિ સાથે દુનિયાનું ૬ઠ્ઠું શિખર સર કર્યું છે.

ર૪ કલાકમાં એવરેસ્ટ

લહોત્સે સરનો રેકોર્ડ

ર૦ર૦થી પર્વતારોહણ શરૂ કરનાર ડો. સોમાત ચેતરિયાએ ર૦રર માં માત્ર ર૪ કલાકમાં મહત્ત્વના બે શિખરો એવરેસ્ટ તથા લાહોત્સે સર કરવાનો રેકોર્ડ કર્યો હતો તથા પર્વતો પર ચઢીને ટ્રેનીંગ લઈને શરીરને ઓછા ઓક્સિજનને અનુરૂપ બનાવવાને બદલે માત્ર ર૩ દિવસમાં ઘેર રહી સંપૂર્ણ એક્સપેટીશન પૂર્ણનો પણ રેકોર્ડ બનાવ્યો હતો.

ડોક્ટરની પ્રેક્ટીશ સાથે

જ ટ્રેકીંગની પ્રેક્ટીસ

ખંભાળિયામાં સાકેત હોસ્પિટલ ચલાવતા સર્જન તબીબ સોમાત ચેતરિયા સવારે ૮-૩૦ થી રાત્રિના ૧૧ વાગ્યા સુધી હોસ્પિટલમાં સતત કામ કરતા રાત્રિના તેમના પત્ની કાજલ તથા પુત્રી હિરવા સાથે થોડો સમય વિતાવીને સવારે ૩-૪પ વાગ્યે ઊઠીને સવારના ૮ વાગ્યા સુધી રોજ ર૦ કિલો વજન સાથે ૧૦ કિલો મીટર ચાલવાનું, ૧૦ કિલોમીટર દોડવાનું તથા તે પછી કોટ એક્સરસાઈઝ કરીને ૮-૩૦ વાગ્યે હોસ્પિટલમાં જોડાઈ જતા.

એવરેસ્ટ ચડવાના અભિયાનમાં તેમણે એક વર્ષ ચાર કલાકથી ઓછી ઊંઘ કરી હતી અને નક્કી કર્યું કે એવરેસ્ટ તથા તેની નજીકના દુનિયાના પાંચમા નંબરનો લાહોત્સે એક સાથે સર કરશે જે ખૂબ જોખમી હતું, પણ ર૦ર૧ ના ૧૩ મે થી ૧૪ મે ર૪ કલાકમાં બન્ને પર્વતો સર કરી રેકોર્ડ સર્જયો.

રાજ્ય  નહીં દેશ વિશ્વના આ એવા પર્વતારોહી છે કે જેમણે પર્વતોના બેઇજ કેમ્પમાં ક્યાંય ટ્રેકીંગ કે ટ્રેનીંગ પણ લીધી નથી.

ડુંગરો સર કરવાની અવિરત પ્રવૃત્તિ

ર૦૧૯ માં પર્વતારોહણની પ્રેક્ટીસ ચાલુ કરનાર ડો. સોમાત ચેતરિયાએ ર૦રર માં માઉન્ટ એવરેસ્ટ અને માઉન્ટ લાહોત્સે સર કર્યા પછી પાછું જોયા વગર જ દુનિયાના સાતેય ખંડના ઊંચા પર્વતો સર કરવાનો 'પ્રોજેક્ટ' બનાવીને તે પછી આફ્રિકા ખંડના સૌથી ઊંચા પર્વત માઉન્ટ કિલીમાંજારો ૬ર કલાકમાં સર કરવાનો રેકોર્ડ કર્યો. તે પછી યુરોપ ખંડનો સૌથી ઊંચો પર્વત માઉન્ટ એલબ્રુસ સર કર્યો અને તે પછી દક્ષિણ અમેરિકાનો દુનિયાની સૌથી ઊંચી ગીરીમાળા એન્ડીઝમાં આવેલો એકોરન્કાગુવા સર કર્યો અને તે પછી ઉત્તર અમેરિકનો માઉન્ટ ડેનાલી સર કર્યો અને તાજેતરમાં એન્ટાર્કટીકા ખંડનો માઉન્ટ વિન્સન સર કરી ત્યાં ભારતનો તિરંગો લહેરાવ્યો અને હાલ પણ તેઓ એન્ન્ટાર્કટીકા ખંડમાં જ છે.

હવે પછી તેઓ ઓસ્ટ્રેલિયાના સૌથી ઊંચા માઉન્ટ કોઝીત્સકો સર કરવાના છે. જે પછી તેઓ ભારતના એવા વિશિષ્ટ પર્વતારોહી થશે જે સાતેય ખંડના ઊંચા પર્વનો તથા દક્ષિણ ધ્રુવ તથા ઉત્તર ધ્રુવના શિખરો સર કરનાર પ્રથમ વ્યક્તિ બની જશે.

હાઈપોકિસક સિસ્ટમનો ઉપયોગ

સૌરાષ્ટ્રના અને ભારતના છેવાડાના જિલ્લા દ્વારકાના ખંભાળિયાના અને પર્વતારોહણમાં માત્ર ર૦૧૯ માં પ્રવેશ કરનાર અને ડોક્ટરી વ્યવસાય આજીવિકાને બદલે પર્વતારોહણના શોખને મુખ્ય માનીને લોઢાના ચણા ચાવવા જેવું કામ કરીને રેકોર્ડ સર્જનાર ખંભાળિયાના તથા આહિર સમાજના આંતરરાષ્ટ્રીય ગૌરવ સમાન ડો. સોમાત ચેતરિયા હાઈપોક્સિક સિસ્ટમથી પર્વતારોહણ કરે છે. જેમાં તેઓ નક્કી કરેલ પર્વતના બેઈઝ કેમ્પ જ્યાંથી ચઢાણ શરૂ થતું હોય ત્યાં ચાર્ટડ પ્લેન કે હેલિકોપ્ટરથી પહોંચીને સીધું ચઢાણ શરૂ કરી દે છે જે તેમની હિંમત બહાદુરી તથા પર્વતારોહણના શોખનું સૂચક છે.

ડો. સોમાત ચેતરિયાએ ૬ઠ્ઠા ખંડના એન્ટાર્કટીકાના માઉન્ટ વિન્સન સર કરતા સમગ્ર ખંભાળિયામાંથી તથા ગુજરાતમાંથી ડોક્ટરો, અગ્રણીઓ દ્વારા તેમના પર અભિનંદનવર્ષા થઈ રહી છે. રાજ્યના વન અને પ્રવાસન રાજ્ય મંત્રી મૂળુભાઈ બેરા, સાંસદ પૂનમબેન માડમ, ખંભાળિયાના પાલિકા પ્રમુખ રચનાબેન મોટાણી દ્વારા અભિનંદન પાઠવાયા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial