ઈસ્વીસન મુજબ આજે ર૧ મી સદીનું રપમું વર્ષ શરૂ થયું છેઃ
ગત્ રાત્રે મહેફિલો અને નાચગાન સાથે નવા વર્ષના વધામણા થયા અને વર્ષ ર૦ર૪ ની સમાપ્તિ થઈ. છેલ્લા એકાદ અઠવાડિયાથી ગત્ વર્ષની સ્મૃતિઓ, સિદ્ધિઓ અને સંકટની ઘડીઓને વાગોળી રહ્યા હતાં. આજે જ્યારે વર્ષ ર૦રપ નો પ્રથમ દિવસ છે, ત્યારે નવી આશાઓ-ઉમ્મીદો, નવા લક્ષ્યો, નવા ઉમંગની સાથે સાથે પૂરા થયેલ વર્ષનું સરવૈયું નિહાળીને તેના અનુભવે નવી કેડી કંડારીએ...
જામનગર રજવાડી નગર છે. સંખ્યાબંધ મંદિરો-ધર્મસ્થળો ધરાવતું હોવાથી છોટીકાશી પણ કહેવાય છે. ભારતીય સેનાની ત્રણેય પાંખો અહીં આવેલી છે. બાંધણી, અત્તર અને બ્રાસપાર્ટ માટે વિખ્યાત જામનગર હવે વ્યાપાર-ઉદ્યોગ અને પ્રવાસનના ક્ષેત્રે પણ ગ્લોબલ મેપમાં ઝળકવા લાગ્યું છે.
એવી જ રીતે યાત્રધામ દ્વારકા, રિફાઈનરીઓ, ઉદ્યોગો, મત્સ્યોદ્યોગ, પ્રવાસન સ્થળો અને લાંબા દરિયાકાંઠાના કારણે સમગ્ર હાલારને પણ વિશ્વના નક્શામાં મહત્ત્વપૂર્ણ સ્થાન મળી ચૂક્યું છે. યાત્રાધામ દ્વારકા તો હવે બારમાસી ટુરીઝમ ડેસ્ટિનેશન બની જ ચૂક્યું છે, અને હવે અન્ય નાના-મોટા યાત્રા સ્થળો તથા હરવા-ફરવાના સ્થળો પણ વિકાસની પાંખે વિહરીને ધમધમવા લાગ્યા છે. હાલારીઓની હિંમત અને હાડવર્ક તો સૌ કોઈને પ્રેરણા આપે, તેવા જ હતાં, અને હવે તેમાં પોટેન્શિયલ સરક્યુમટેન્સીઝ એટલે કે ઉજળી સંભાવનાઓ ઉમેરાતા સમગ્ર હાલાર હવે વિકાસના નભમાં ઊંચી ઊડાન ભરશે, તે નક્કી છે.
ગુજરાતીઓ તો વિશ્વભરમાં સાહસ, શૌર્ય અને સખાવત માટે પ્રખ્યાત છે. ગુજરાત રાજ્ય પણ પ્રગતિ, પરંપરા અને વ્યાપાર-ઉદ્યોગના ક્ષેત્રે અગ્રેસર રહ્યુંછે. પ્રાચીનકાળથી અત્યાધુનિક વર્તમાન યુગ સુધીના ઈતિહાસમાં ગુજરાત તથા ગુજરાતીઓની અનેક પ્રેરક કથાઓ-ગાથાઓ અને બલિદાનો-સાફલ્યગાથાઓ સૂવર્ણ અક્ષરે લખાયેલી છે. ભગવાન શ્રીકૃષ્ણે પણ પોતાના જીવનનો મહત્તમ સમયગાળો ગુજરાતમાં જ વિતાવ્યો હતો ને?
દલાઈલામાથી લઈને શેખ હસીના સુધીની વૈશ્વિક કક્ષાની અનેક હસ્તીઓને ભારતે શરણ આપ્યું છે, તે પણ એક હકીકત છે, અને તેવી જ રીતે રાજા-રજવાડાના સમયમાં જામનગરના રાજવીએ પોલેન્ડના લોકોને આશરો આપ્યો, અને નવસારીમાં તે સમયના રજવાડાઓએ ઈરાનથી આવેલા પારસી શરણાર્થીઓને હરખભેર આવકારીને પોતાના કરી લીધા હતાં, તે ઘટનાઓ ગુજરાત સહિત આપણાં સમગ્ર દેશની ઉદારતા, દરિયાદિલી અને વસુધૈવ કુટુમ્બકમ્ના સંસ્કારોને પ્રજ્જવલિત કરે છે, ખરૂ ને?
આપણા દેશમાં પણ ગત્ વર્ષે લોકતંત્રના મહોત્સવ સમી ચૂંટણીઓ, કેટલાક ધાર્મિક અને સામાજિક મહોત્સવો ઉપરાંત જી-ર૦ સહિતના વૈશ્વિક કાર્યક્રમો યોજાઈ ગયા. દેશમાં વિકાસ, લોકકલ્યાણ તથા સામૂહિક ઉત્થાનના કાર્યક્રમો ઉપરાંત દેશના તેજસ્વી તારલાઓ તથા વિવિધ ક્ષેત્રના માધાંતાઓ કેટલીક રાષ્ટ્રીય અને વિશ્વકક્ષાની સિદ્ધિઓ પણ હાંસલ કરી. બીજી તરફ કેટલાક દુર્ભાગ્યપૂર્ણ વિવાદો પણ થયા અને હલચલ મચી જાય તેવી ઘટનાઓ પણ બની. એકંદરે પૂરૃં થયેલું વર્ષ પડકારરૂપ રહ્યું. હવે નવા વર્ષે મોંઘવારી, બેરોજગારી અને વિવાદો પર અંકુશો આવે તેવું ઈચ્છીએ.
આ બધા અનુભવોમાંથી બોધપાઠ લઈને નવા વર્ષે આગળ વધવાનું છે. આપણું નગર હોય કે જિલ્લો, હાલાર હોય કે સૌરાષ્ટ્ર, આપણું રાજ્ય હોય કે અન્ય રાજ્યો હોય, સૌએ સાથે મળીને આગળ વધવા માટે પહેલા તો કેટલીક સમસ્યાઓનું નિવારણ તથા સિસ્ટમોનો બદલાવ કરવો પડે તેમ છે.
જામનગરમાં કેટલીક સમસ્યાઓ ઘણાં વર્ષોથી યથાવત્ જ રહી છે. રખડતા ઢોર, આવારા કૂતરા, ટ્રાફિકજામ, ગંદકીની સમસ્યા દરેક ચૂંટણી સમયે ચર્ચાય છે અને પછી વિસરાઈ જાય છે. કરોડો રૂપિયાના ખર્ચાઓ પછી પણ નગરના માર્ગો નગરજનોને સંતોષ થાય, તેવા બની શક્યા નથી. વિકાસના કામોની આડઅસરો પણ તંગ કરનારી હોય છે.
નગરજનો એવી આશા રાખી રહ્યા છે કે વિક્ટોરિયા પુલથી સાત રસ્તા થઈને સમર્પણ સર્કલ તરફનો જે ફ્લાય ઓવરબ્રીજ બની રહ્યો છે, તેના કામની ઝડપ વધે, રાત-દિવસ કામ ચાલે અને આ ફ્લાયઓવર બ્રીજનું કામ ઝડપથી (ગુણવત્તાસભર નિર્માણ સાથે) સંપન્ન થાય અને વર્ષ ર૦રપ માં જ તેનું લોકાર્પણ થઈ જાય... આવું થશે, તો જ આ મેગા પ્રોજેક્ટથી નગરજનોને સમયોચિત સુવિધા મળશે. આ કામ જેટલું લાંબુ ચાલશે, તેટલી અસુવિધા પણ નગરજનોને થાય તેમ હોવાથી આ કામો પ્રાયોરિટીમાં સમયસર સંપન્ન થાય તે જરૂરી છે.
નગરના માર્ગો પર હજુ પણ સંખ્યાબંધ રખડુ ઢોર આંટા મારે છે અને અડીંગા જમાવે છે. સમગ્ર નગરમાં આવારા કૂતરાઓ ઘણાં લોકોને કરડે છે. એટલું જ નહીં, લોકોની અવર-જવરને અડચણો ઊભી થાય, તે રીતે લોકો તથા વાહનોની પાછળ દોડે છે. રખડતા ઢોર અને આવારા કૂતરાની સમસ્યાને શાસકો અને તંત્રો ગૌણ ગણાતા હશે, પરંતુ વાસ્તવમાં આ બન્ને સમસ્યાઓ ઘણી જ ગંભીર છે. આશા રાખીએ કે, વર્ષ ર૦રપ માં આ સમસ્યા અંકુશમાં આવી જાય!
નગરમાં ઠેર-ઠેર રેંકડી, પથારા, મોબાઈલ દુકાનો તથા ગુજરી બજારોના કારણે અવારનવાર દબાણ હટાવ ઝુંબેશોની ડ્રામેટિકલ તસ્વીરો તથા દૃશ્યો પ્રકાશિત અને પ્રસારિત થતા રહે છે, તો બીજી તરફ આ નાના ધંધાર્થીઓના પરિવારોના ગુજરાનની સંવેદનશીલ સમસ્યા પણ સંકળાયેલી છે, તેથી આ વર્ષે આ સમસ્યાના નિવારણ માટે દરેક વોર્ડ અને માર્કેટોમાં આ પ્રકારના નાના ધંધાર્થીઓ માટે કોઈ ચોક્કસ વ્યવસ્થા ઊભી કરીને ત્યાં લોજેસ્ટિક સુવિધાઓ અપાય, તેવું કોઈ નક્કર કદમ ઊઠાવાય, તેવી આશા રાખીએ.
તે ઉપરાંત નગરની તમામ ફૂટપાથો માત્ર પગપાળા અવરજવર માટે જ ખુલ્લી રહે, અને ફૂટપાથો, સર્કલો, સડકો કે જાહેર સ્થળોમાં દુકાનદારોનો સામાન, ખાણી-પીણીના સાધનો, ફર્નિચર અને ડિસ્પલે બોર્ડ વગેરે ન ખડકાય જાય, તે માટે પણ નક્કર કદમ આ વર્ષે ઊઠાવાય અને કાયમી ધોરણે જનલક્ષી વ્યવસ્થાઓ જળવાઈ રહે, તેવી આશા રાખીએ.
જામનગરથી બહારગામ જવા માટે એસ.ટી. તથા ખાનગી વાહનોના જ્યાં જ્યાં રિકવેસ્ટ સ્ટોપ કે પીક-અપ પલેસ છે, ત્યાં ત્યાં શૌચાલયો તથા મહિલાઓ, પુરુષો માટે અલગ અલગ નિઃશુલ્ક યુરીનલોની સુવિધા ઊભી થાય, તે અત્યંત જરૂરી છે. આ નાની વાત લાગે, પરંતુ સ્વાસ્થ્ય અને મહિલા સુરક્ષા તથા સૌજન્યની દૃષ્ટિએ અત્યંત જરૂરી અને મહત્ત્વપૂર્ણ છે. તેવી રીતે ગ્રામ્ય વિસ્તારો તથા શહેરોના પછાત વિસ્તારોમાં ઘેર-ઘેર શૌચાલયોનો કોન્સેપ્ટ છે, તેવી જ રીતે ચોકે-ચોકે યુરીનલ, શૌચાલયો ઊભા થાય અને તે કાયમી ધોરણે સ્વચ્છ રહે, તેવી નિઃશુલ્ક વ્યવસ્થાઓ કરવી પણ અત્યંત જરૂરી છે. આ માટે સ્થાનિક શાસકો જરૂર પડે તો આ 'કોન્સેપ્ટ' આપનાર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું ગાઈડન્સ મેળવી શકે છે, ખરૃં કે નહીં?!
'નોબત'ના પ્રિયવાચકો, વીડિયો સમાચાર, યુટ્યુબ ન્યૂઝના દર્શકો, ઈ-પેપરના વાચકો, બ્રેકીંગ ન્યૂઝ ગ્રુપ સાથે જોડાયેલા લોકો, 'નોબત'ના સોશ્યલ મીડિયાના માધ્યમો સાથે જોડાયેલા ફોલોઅર્સ, વિજ્ઞાનપનદાતાઓ, વિતરકો, એજન્ટો, શુભેચ્છકો, પત્રકારો સહિત સૌ કોઈને અમારા જાજા કરીને અભિનંદન... હેપ્પી ન્યૂ યર...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial