જામનગરની મહાનગરપાલિકાને વિકાસના કામો માટે જંગી રકમની ફાળવણી મુખ્યમંત્રીએ કરી હોવાના અહેવાલો પછી જામનગરના માર્ગોનું નવીનિકરણ થશે અને જામનગરની ચોતરફ રીંગરોડના વિસ્તૃતિકરણ અને આધુનિકરણનું મંથર ગતિથી ચાલતું કામ હવે વેગ પકડશે, તેવી આશા તો નગરજનોને બંધાણી છે, પરંતુ આ યોજનાનો અમલ થાય, અને કામો સંપન્ન થાય, ત્યાં સુધી નગરજનોને ઓછામાં ઓછી મુશ્કેલી પડે, તેવી રીતે વિકાસના કામો થવા જોઈએ અને સ્થાપિત હિતો તથા કેટલાક લાપરવાહ ધંધાર્થીઓ દ્વારા ઊભા થતા કૃત્રિમ અવરોધો હટાવીને લોકોની અવરજવર સલામત અને સરળ બનાવવા માટે મહાનગરપાલિકા, વહીવટી તંત્ર તથા પોલીસતંત્રે સંયુક્ત અભિયાન આદરવું અત્યંત જરૂરી છે.
જામનગરનું આધુનિક બસપોર્ટ બનાવવા માટે હંગામી ધોરણે બસડેપો પ્રદર્શન ગ્રાઉન્ડમાં આવશે, તેથી સાત રસ્તા પર ટ્રાફિક જામની સમસ્યા વધુ વકરે તે પહેલા જ વૈકલ્પિક વ્યવસ્થાઓ ઊભી કરવી તથા ફ્લાય ઓવર બ્રીજનું કામ વધુ ઝડપી બનાવીને તત્કાળ પૂરૃં કરવાની માંગ ઊઠી રહી છે, ત્યારે જેવી રીતે ગુરૂદ્વારા ચોકડીથી સાત રસ્તા વચ્ચેનો માર્ગ ખૂલ્લો મૂકાયો, તેવી જ રીતે અન્ય બંધ કે અંશતઃ માર્ગો તેમજ ડાયવર્ટ કરેલા માર્ગો પણ તબક્કાવાર ખુલી જાય, તેવી આશા નગરજનો રાખી રહ્યા છે.
નગરની ચોતરફ રીંગરોડનું આધુનિકરણ અને વિસ્તૃતિકરણ થઈ રહ્યું છે અને તેમાં સમાવિષ્ટ દિગ્જામ મીલથી બેડીબંદર રોડના કામના વિસ્તૃતિકરણ તથા આધુનિકરણનું કામ ખૂબ જ મંથર ગતિથી ચાલી રહ્યું છે. એટલું જ નહીં, આ માર્ગ પર કેટલાક ફેરિયા, લોકલ ધંધાર્થીઓ ટ્રાફિકને અવરોધરૂપ થાય, તેવી રીતે રોડ પર ચીજવસ્તુઓ કે બેઠક વ્યવસ્થાઓ ગોઠવી રહ્યા છે, તેથી રોડ સાંકડો થઈ જાય છે. તે ઉપરાંત લક્ષ્મીકાંટા સુધી બન્ને તરફ તોતિંગ ટ્રકો રાત્રિના સમયે પાર્ક થઈ જાય છે, તથા કેટલીક ખાનગી કંપનીઓની બસો તથા અન્ય વાહનો પણ આ રીંગરોડ પર પાર્ક થઈ જતા બન્ને તરફથી અવરજવર કરતા વાહનોને પસાર થવાની જગ્યા પણ રહેતી નથી. આ સાંકડા થયેલા માર્ગ પર રાત્રિના સમયે પણ રખડુ ઢોર અડીંગા જમાવે કે આખલા યુદ્ધ થાય, તેવા દૃશ્યો હવે કાયમી બની ગયા છે.
સમર્પણથી બેડીબંદર તરફ જતા તોતિંગ ખટારા, રખડતા ઢોર અને અન્ય કારણોસર મહાકાળી સર્કલથી બેડીબંદર સુધીનો રોડ સાંકડો થઈ જતા ત્યાં ક્યારેક કોઈનો જીવ જાય, કે ખતરનાક જીવલેણ અકસ્માત થાય, તે પહેલા સંબંધિત તંત્રો કદમ ઊઠાવશે ખરા? તેવા પ્રશ્નો નગરજનોમાં ઊઠી રહ્યા છે.
આ વિસ્તારના કોર્પોરેટરો તથા સ્થાનિક નેતાગીરી અંગત રસ લઈને અને મહાનગરપાલિકા, વહીવટી તંત્ર અને પોલીસતંત્ર દ્વારા સંકલન કરાવીને આ ભયજનક સંભાવનાઓ ટાળવા સમયોચિત કદમ નહીં ઊઠાવે તો અહીં સામૂહિક જીવલેણ વાહન અકસ્માતો ઉપરાંત ઢોરની ઢીંકથી મોત અથવા વણજોઈતી અનિચ્છિનિય તકરારો થવાનો ખતરો ઝળુંબતો જ રહેવાનો છે. લોકો એવો વેધક સવાલ પણ પૂછી રહ્યા છે કે આ મુદ્દે જનતાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ ચૂપ કેમ છે? શું વોટબેંકની રાજનીતિ આડે આવી રહી છે કે પછી પક્ષીય રાજકરણનો ભોગ સ્થાનિક લોકો બની રહ્યા છે?
આ તો જામનગરની ચોતરફ વિસ્તરી રહેલી સોસાયટીઓને સાંકળતા રીંગરોડ અને શહેરની વચ્ચેથી પસાર થતા ફ્લાયઓવર બ્રીજના ચાલી રહેલા કામોની આડઅસરોના કારણે ઊભી થતી સમસ્યાઓ તથા જીવલેણ ખતરાઓના જ દૃષ્ટાંતો છે, પરંતુ આ જ પ્રકારના દૃષ્ટાંતો ખંભાળિયા બાયપાસથી ખોડિયાર કોલોની, લાલપુર બાયપાસને જોડતા આંતરિક માર્ગો, ત્રણ દરવાજા વિસ્તાર, કાલાવડ નાકા અને સુભાષ માર્કેટથી બર્ધનચોક તથા માંડવી ટાવરથી પવનચક્કી, દિગ્વિજય પ્લોટને જોડતા માર્ગો અને તળાવની પાળની ફરતે આવેલા માર્ગો પર પણ અવારનવાર જોવા મળતા હોય છે.
અત્યારે રોજ-બ-રોજ ગમખ્વાર, કરૂણ અને ભયંકર રોડ અકસ્માતોના સમાચાર રોજ-બ-રોજ ટી.વી. કે અખબારો દ્વારા પ્રકાશિત અને પ્રસારિત થઈ રહ્યા છે, પરંતુ જ્યાં સુધી આપણા શહેરમાં કોઈ ગંભીર અને ભયાનક જીવલેણ અકસ્માતમાં સંખ્યાબંધ લોકોના જીવ જાય, તેની રાહ જોવાઈ રહી છે? તે પ્રકારના લોકોનો વ્યંગાત્મક આક્રોશ પણ બહેરા કાને અથડાઈ રહ્યો હોય, ત્યારે નગરના જાગૃત, માનવતાવાદી નાગરિકો તથા ખાસ કરીને 'સેવાભાવી' નેતાગીરીએ આગળ આવીને ફ્રન્ટ ફૂટ પરથી આ સમસ્યા ઉકેલવી જોઈએ, તેમ નથી લાગતું?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial