Sensex

વિગતવાર સમાચાર

કમુરતાની કમઠાણ

કમુરતા આવે અને લગ્નની સિઝનમાં બ્રેક લાગે એટલે મેરેજ હોલ, પાર્ટી પ્લોટ, વગેરે બધું જ ખાલી ખાલી લાગે. કેટરર્સ ફ્રી, ડેકોરેટર્સ ફ્રી, ફોટોગ્રાફર ફ્રી...

બધા જ ફ્રી થાય પરંતુ ડોક્ટર કદી ફ્રી ન થાય. લોકસાહિત્યમાં કહ્યું છે ને કે, *કચ્છડો બારેમાસ..* ખરેખર તો કમુરતાના આ સમયે ડોક્ટરો તો રૂટીન કરતાં પણ વધુ બીઝી હોય. કારણ કે લગ્ન પ્રસંગે ઉત્સાહી મહેમાનોએ, લગ્ન પ્રસંગને પૂરેપૂરો માણી લેવા માટે શહેરના બધા જ મેરેજ હોલ કે પાર્ટી પ્લોટમાં હાજરી આપી હોય, સવાર બપોર અને સાંજે હાજરી આપી હોય,  અને ત્યાં બે હાથે ભોજનને ન્યાય આપ્યો હોય, પછી તેનું પરિણામ શું આવે ? પેટમાં ગરબડ...

ખરેખર તો લગ્ન પ્રસંગે હાજરી આપવા જતા દરેકને ઘરના વડીલો, શુભચિંતકો અને તેમના ફેમિલી ડોક્ટરો પણ સલાહ આપતા કહે છે કે, *ભાઈ (અથવા તો બહેન), જમવામાં થોડું ધ્યાન રાખજો...*

આટલું સાંભળતા જ જે તે ભાઈ અથવા બહેન એક જ જવાબ આપશે કે, *અમારું તો પૂરેપૂરું ધ્યાન જમવામાં જ હોય છે, તમે ચિંતા ન કરો..!*

...અને કમુરતા આવતા સુધીમાં તો આ ભાઈ કે બહેનની પાચનશક્તિ બળવો પોકારે છે, અને પેટમાં ગરબડ શરૂ થાય છે. એટલે પછી સીધા ડોક્ટરને ત્યાં દોડે છે...

લગ્નની આવી ભરચક મોસમમાં પણ ઘણા મુરતિયાઓ (અને કન્યાઓ પણ), કુવારા રહી જાય છે. અહીં તકલીફ બે પ્રકારે આવે છે -- જેને લગ્ન કરવા છે તેને કોઈ હા નથી પાડતું અને જેને બધા લગ્ન કરવા માટે આગ્રહ કરે છે તેને લગ્ન કરવા નથી..

આવી જ એક યુવતી કે જેને લગ્ન નહોતા કરવા પરંતુ બધા જ તેને લગ્ન કરવા માટે ખૂબ જ આગ્રહ કરતા હતા, તે એક કંટાળીને એક મનોચિકિત્સકને મળવા ગઈ અને બોલી, *મારે લગ્ન કરવા નથી.. હું શિક્ષિત છું, સ્વતંત્ર છું, અને આત્મનિર્ભર પણ છું.. મને પતિની જરૂર નથી.. છતાં પણ મારા માતા-પિતા મને લગ્ન કરવા કહે છે.. કૃપા કરીને કહો કે મારે શું કરવું જોઈએ  ?

મનોચિકિત્સકે તેને શાંતિથી સમજાવતા કહ્યું, *તમે શિક્ષિત છો એટલે નિઃશંકપણે તમારા જીવનમાં ઘણું બધું હાંસલ કરશો.. પરંતુ કોઈ દિવસ વસ્તુઓ અનિવાર્યપણે તમે ઇચ્છો તે રીતે નહીં થાય,  અથવા તો કંઈક ખોટું થશે. અને ક્યારેક તમે નિષ્ફળ થશો અથવા ક્યારેક તમારી યોજનાઓ નિષ્ફળ થશે. અને તમારી ઇચ્છાઓ પૂર્ણ ન થાય તો... તો તે સમયે તમે કોને દોષ આપશો...? શું તમે તમારી જાતને દોષિત માનશો ?*

યુવતી તરત બોલી, *ના, બિલકુલ નહીં..!*

આટલું સાંભળીને મનોચિકિત્સકે તેને શાંતિથી સમજાવી કે, *એટલે જ તમારે પતિની જરૂર છે... જેથી જ્યારે પણ તમારો મૂડ ખરાબ હોય, અને તમારું ધારેલું કામ ન થાય, અથવા તો ક્યારેક તમારી યોજનાઓ સદંતર નિષ્ફળ જાય, ત્યારે તમે તમારા પતિને દોષી ઠેરવી શકશો અને તમારી જાતને રાહત આપી શકો...!!*

વિદાય વેળાએ : નવનીતલાલ ઓફિસેથી છૂટીને ફરી એક વાર આજે ઘરે મોડા પહોંચ્યા. અને ફરી એક વખત શ્રીમતીજીએ તેની ઉલટ તપાસ ચાલુ કરી.

શ્રીમતીજી, *કેમ આજે ફરીથી ઓફિસેથી મોડા આવ્યા ?*

નવનીત લાલ, *તારી બેનપણી મળી હતી આજે મને રસ્તામાં. મને અડધો કલાક રસ્તામાં ઊભો રાખીને વાત કર્યે જ જાય, કર્યે જ જાય. ખરી લોહચુંબક છે એ..!*

શ્રીમતીજી, *એ તો લોહચુંબક જ છે.. પણ તમે લોખંડ શું કામ બન્યા ? !!*

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial