Sensex

વિગતવાર સમાચાર

ભેંસ પાસે ભાગવત વાચવાથી શું ફાયદો? સલાહ આપતા પહેલા સ્વયં સુધરો...

નવા વર્ષના પ્રારંભે જ અમેરિકા સહિત વિશ્વના કેટલાક દેશોમાં હિંસક અને આતંકી ઘટનાઓ બની, જીવલેણ અકસ્માતો થયા, ઘણાંના જીવ ગયા, ભારતનો રૂપિયો કંગાળ બન્યો અને આજે રોહિત શર્માની હકાલપટ્ટી પછી બુમરાહની કેપ્ટનશીપ હેઠળ ઓસ્ટ્રેલિયા સામે રમાઈ રહેલી પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચમાં પ્રારંભિક સેશનમાં જ ભારતીય ટીમની વિકેટો ટપોટપ પડવા લાગી, તે પ્રકારના અહેવાલો વચ્ચે સુરતની પોલીસે કુનેહપૂર્વક ઓરિસ્સાના દુષ્કર્મ અને હત્યાકેસના આરોપીઓને દબોચી લીધા, તેની વાહવાહી પણ થઈ રહી છે.

બીજી તરફ અમરેલીમાં ભાજપની કથિત આંતરિક ખેંચતાણ પ્રગટ કરતો જે 'લેટરકાંડ' થયો, અને તેમાં થયેલી ફરિયાદ પછી એક ટાઈપીસ્ટ યુવતીની થયેલી ધરપકડના પાટીદાર સમાજમાં ઘેરા પડઘા પડ્યા. આ પ્રકરણ પછી રાજ્યની ભાજપ સરકાર હચમચી ગઈ અને ડેમેજ કંટ્રોલ માટે હડિયાપટ્ટી શરૂ કરી, તો કોંગ્રેસે આ મુદ્દે પાટીદાર સમાજની ખ્યાતનામ સંસ્થાનો હસ્તક્ષેપ માંગ્યો, તે પછી આજે જે કાંઈ બની રહ્યું છે, તે આપણી સામે જ છે, અને 'લેટરબોંબ'નો વિવાદ એકબાજુ રહ્યો, અને હવે એક સામાજિક મુદ્દો ઉપસ્થિત થઈ રહ્યો છે, તેથી આ પ્રકારની રાજકીય ખેંચતાણમાં તંત્રની ભૂમિકાને લઈને પણ એક અલગ જ પ્રકારની ચર્ચા 'ટોક ઓફધ સ્ટેટ' બની ગઈ છે.

અમરેલીની પડોશમાં આવેલા જૂનાગઢ જિલ્લામાં પણ સ્ટેટ મોનીટરીંગ સેલના સ્ટાફે ગ્રામ્ય વિસ્તારમાં એક ગોડાઉનમાંથી દસ લાખ રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો જપ્ત કરી ત્રણ બૂટલેગરો સામે ફરિયાદ દાખલ કરતા સ્થાનિક પોલીસ તંત્રમાં હડિયાપટ્ટી થઈ પડી અને ગોડાઉન સિમેન્ટ રાખવા માટે ભાડે આપનાર પૂછપરછ પણ થઈ, તે કિસ્સો ચર્ચાસ્પદ બન્યો છે. સ્થાનિક પોલીસતંત્રને જાણ કર્યા વગર સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા પાડવામાં આવેલા આ દરોડા પછી રાજ્યભરમાં સ્થાનિક પોલીસતંત્ર પણ સાબદા થઈ ગયા છે, અને થર્ટી ફર્સ્ટની ઉજવણી પૂરી થયા પછી 'ચેકીંગ' અને 'ઝુંબેશ'ની મંદ પડેલી ગતિ ફરીથી તેજ થઈ ગઈ હોવાનો વ્યંગ પણ કેટલાક જિલ્લાઓમાં થવા લાગ્યો છે. આ ઉપરાંત થર્ટી ફર્સ્ટ પહેલાના અઠવાડિયા જેવી જ 'ડ્રાઈવ' કાયમી ધોરણે થતી રહેવી જોઈએ, તેવી સલાહો પણ અપાઈ રહી છે!

જો કે, જૂનાગઢમાં સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડા પછી ત્યાંના જ એક ઉચ્ચ પોલીસ અધિકારીનો પત્ર પણ સોશ્યલ મીડિયામાં વાયરલ થયો અને તેને પણ 'લેટરબોમ્બ' તરીકે વર્ણવીને તંત્રની વાસ્તવિક્તા પ્રગટ થઈ હોવાની ચર્ચા થઈ રહી છે. એવું કહેવાય છે કે, જિલ્લા કક્ષાના ઉચ્ચ પોલીસ અધિકારીએ ગત્ માર્ચ મહિનામાં જિલ્લાના પોલીસતંત્રના અધિકારીઓને પત્ર લખીને સ્થાનિક પોલીસની મીઠી નજર હેઠળ દારૂની પ્રવૃત્તિ ચાલી રહી હોવાનું જણાવીને ચેતવ્યા હતાં અને બહારની એજન્સીની કોઈ સફળ રેડનો ઉલ્લેખ તે વખતે પણ થયો હતો. એવો સવાલ પણ ઊઠી રહ્યો છે કે તે સમયે 'મીઠી નજર' હોવાના કથિત પોલીસકર્મીઓ-અધિકારીઓ સામે કડક પગલાં કેમ ન લેવાયા? જો તે સમયે જ કડક કદહ ઊઠાવ્યા હોત તો સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા હાલમાં પડાયેલા કથિત દરોડા પછી જે નામોશી સહન કરવી પડી રહી છે, તેવી સ્થિતિ ઊભી જ ન થઈ હોત!

અંગ્રેજીમાં કહેવત છે કે સખાવતની શરૂઆત પોતાના ઘરથી જ થવી જોઈએ, એટલે કે કોઈને સલાહ આપતા પહેલા સ્વયં સુધરવું પડે. આપણે ત્યાં એક સંતની ટૂંકી વાર્તા ઘણી જ પ્રચલિત છે,જેમાં એક બાળકને ગોળ નહીં ખાવાની સલાહ આપતા પહેલા તે સતે પોતે ગોળ ખાવાનું છોડી દીધું હતું. 'ચેરિટી બિગીન્સ હોમ' એટલે કે દાનની શરૂઆત પોતાના ઘરથી જ કરવી જોઈએ, તેવી કહેવતોની અસર કેટલી થશે, તેને લઈને પણ એક અલગ જ પ્રકારની ચર્ચા થઈ રહી છે!

આપણે ત્યાં એક એવી કહેવત છે કે, ભેંસ પાસે ભાગવત વાચવાથી શું ફાયદો? બીજી એક કહેવત છે કે 'લાતોં કે ભૂત બાતોં સે નહીં માન તે'. ત્રીજી કહેવત છે કે 'મન હોય તો માળવે જવાય, નાચવું ન હોય, તેનું આંગણું વાંકુ'... આ બધી જ કહેવતો ટૂંકામાં ઘણું બધું કહી જાય છે, પરંતુ નિંભર થઈ ગયેલા તંત્રો, સડી ગયેલી સિસ્ટમ, લાપરવાહ નેતાગીરી અને 'શિષ્ટાચાર'નું સ્વરૂપ લઈ ચૂકેલો હપ્તાખોર, ભ્રષ્ટાચાર એટલો વ્યાપક બન્યો છે કે તેની સામે તંત્રની જ અંદર રહેલા પ્રામાણિક ઉચ્ચ અધિકારીઓથી લઈને ગ્રાસરૂટ સુધીના નિષ્ઠાવાન કર્મચારીઓ પણ લાચાર થઈ જતા હશે!!!

ગઈકાલે જ અહીં બેડીબંદર તરફ જતા રીંગ રોડની વ્યથા સહિત જામનગર શહેરની ચોતરફ વિસ્તરી રહેલા રહેણાંક વિસ્તારો તથા તેને સંલગ્ન સમસ્યાઓ વર્ણવી હતી, તેના આગલા દિવસે પણ નગરની મૂળભૂત જરૂરિયાતોની વાત કરી હતી. જામનગરમાં નિર્માણ થઈ રહેલા વિકાસકામોની સાથે સાથે લોકોની રોજીંદી વ્યવસ્થાઓ પણ જળવાઈ રહે, અને બહું તકલીફ ન પડે, તેવો અભિગમ પણ ધીમે ધીમે આકાર લઈ રહેલો જણાય છે. ત્યારે નગરના તંત્રો સંકલન કરીને સંપૂર્ણ રીંગરોડ સહિતના વિસ્તારોનું અવલોકન કરે, લોકોના અભિપ્રાયો માંગે અને જરૂરી કદમ ઊઠાવે તે જરૂરી છે. નેતાઓ તથા કોર્પોરેટરો, જનપ્રતિનિધીઓ પણ આ મુદ્દે 'ચૂંટણી ફેઈમ' વોર્ડવાઈઝ મિટિંગો કે સભાઓ કરીને સમસ્યાઓ ઉકેલશે, તેવી આશા રાખીએ...

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial