જાન્યુઆરીના પ્રારંભે જ મન-શરીર, પરિવાર કલ્યાણના દિવસોની ઉજવણી
ઈસ્વીસનનું નવું વર્ષ શરૂ થયું અને પહેલી જાન્યુઆરીના દિવસે નવા વર્ષના વધામણાં થયા, પરંતુ ઘણાં ઓછા લોકોને ખબર હશે કે જાન્યુઆરીના પ્રારંભે જ માનવીના મન, શરીર, પરિચયને સાંકળતા દિવસો વિશ્વકક્ષાએ ઉજવાય છે, અંતર્મુખી દિવસે લોકોને સમજવાનો પ્રયાસ થાય છે, જે મેં મારા માહિતી ખાતાના કાર્યકાળ દરમિયાન અનુભવ્યો છે. તે ઉપરાંત બ્રેઈલ લિપિના આવિષ્કાર અને ઉપયોગિતાનું મહિમાગાન પણ ગવાય છે.
પહેલી જાન્યુઆરીના દિવસે વિશ્વ પરિવાર દિવસ ઉજવાય છે, અને વિશ્વભરમાં શાંતિ અને સદ્ભાવનો પ્રચાર-પ્રસાર થાય છે. ભારતની તો સંસ્કૃતિ જ વસુધૈવ કુટુમ્બકમ્ની ભાવના પર આધારિત છે, જેને અનુરૂપ ઉજવણી નવા વર્ષના પ્રથમ દિવસે જ થાય છે, જે ગજબનો યોગાનુયોગ છે કે ભારતીય સંસ્કૃતિની વૈશ્વિક અસરોનું પરિણામ છે, તે વિદ્વાનો ભલે નક્કી કરે, આપણે તો પહેલેથી જ આખા વિશ્વને આપણો પરિવાર માનીએ છીએ, તે હકીકત જ છે ને?
બીજી જાન્યુઆરીના દિવસે અંતર્મુખી એટલે કે ઓછું બોલતા કે પોતાનામાં વ્યસ્ત રહેતા લોકોને યોગ્ય રીતે સમજીને તેને હૂંફ આપવાના વૈશ્વિક પ્રયાસો કરવામાં આવે છે, જ્યારે ત્રીજી જાન્યુઆરીના દિવસે આંતરરાષ્ટ્રીય કક્ષાએ 'મન અને શરીર કલ્યાણ' દિવસ મનાવાય છે.
આ દિવસે વૈશ્વિક કક્ષાએ માનવ કલ્યાણ અને વિકાસ માટે આપણા મન અને શરીરને બન્નેને પ્રેમ કરવાનો સંદેશ વહેતો કરવામાં આવે છે. આ માટે માનવમનને સમજવાની જરૂર હોય છે, જેની વાત આપણે 'મન હોય તો માળવે જવાય'ના આ લેખમાં પણ વિસ્તૃત રીતે કરી છે. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે લોકોના મન અને શરીરના કલ્યાણ માટે ત્રીજી જાન્યુઆરીના દિવસે થતી ઉજવણી વૈશ્વિક ક્ષેત્રે લોકોની તંદુરસ્તી અને મન-દુરસ્તીનો સંદેશ પણ આપે છે. વિશ્વમાં શાંતિ, સદ્ભાવ અને પરસ્પરને સમજવાની વૃત્તિ જેટલી ફેલાશે, તેટલી જ શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ વધતી જશે, ખરૃં ને?
દર વર્ષે ચોથી જાન્યુઆરીના દિવસે ઉજવાતો વિશ્વ બ્રેઈલ દિવસ આ લિપિનો આવિષ્કાર કરનાર લૂઈ બ્રેઈલની સ્મૃતિઓ તાજી કરે છે. દૃષ્ટિહીન લોકોને પણ શિક્ષણ મળે, સમાન ધોરણે તમામ પ્રકારની તાલીમ મળે, અને સમાન ધોરણે તમામ પ્રકારના અધિકારો તેઓને મળે, તે માટે આ દિવસે વૈશ્વિક કક્ષાએ તથા દરેક દેશોમાં છેક ગ્રામ્ય કક્ષા સુધી વિવિધ જનજાગૃતિના કાર્યક્રમો યોજાય છે અને તદ્વિષયક સેમિનારો, સમારોહો, વ્યાખ્યાનો, વર્કશોપ અને સ્પર્ધાત્મક કાર્યક્રમો પણ યોજાતા હોય છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial