Sensex

વિગતવાર સમાચાર

તમારી 'કથા'માં કોઈને રસ નથી, તેથી ગમે તેની પાસે રોદણાં રોવાનો કોઈ અર્થ નથી

આપણી લડાઈ આપણે જ લડવાની છે, તેથી આપણે સ્વયં તમામ પ્રયાસો કરી લેવા પડે...

માહિતી ખાતમાં નોકરી દરમિયાન મને થયેલા ઘણાં અનુભવો હંમેશાં યાદ રહેશે, અને તેમાંથી કેટલાક અનુભવો તો પથદર્શક અને મુંઝવણોની માસ્ટર 'કી' જેવા હતાં. ત્રીસ વર્ષની નોકરી દરમિયાન હજારો લોકોના સંપર્કમાં આવ્યો અને સેંકડો લોકો સાથે વ્યક્તિગત ઓળખાણ પણ થઈ હતી. મારી નોકરી જ એવી હતી કે તેમાં સી.એમ.થી સી.એમ. એટલે કે કોમનમેનથી ચીફ મિનિસ્ટર સુધીની વ્યક્તિવિશેષો સાથે કામ કરવાનું થયું હતું. ગુજરાત સરકારના માહિતી ખાતામાં ફરજ બજાવતો હોવાથી મંત્રીમંડળ, ધારાસભ્યો, મેયર-કોર્પોરેટરો, નગરપાલિકાના પ્રમુખો-સભ્યો, ગ્રામ પંચાયતોથી લઈને જિલ્લાપંચાયત સુધીના હોદ્દેદારો, જનતાના ચૂંટાયેલા તમામ ક્ષેત્રોના પ્રતિનિધિઓ, સહકારી ક્ષેત્ર, બોર્ડ, નિગમ બેન્કીંગ સેક્ટર, ઉદ્યોગ-વ્યાપાર ક્ષેત્રના હોદ્દેદારો અને અગ્રણીઓ, સામાજિક અને ધાર્મિક ક્ષેત્રના અગ્રગણ્ય મહાનુભાવો, સેલેબ્રિટીઝ, બ્યુરોક્રેટ્સ એટલે કે કલેક્ટર, ડી.ડી.ઓ., એસ.પી., સચિવાલયના અધિકારીઓ, સેક્રેટરીઓ, અધિકારીઓ, કર્મચારીઓ, રાજ્ય અને કેન્દ્ર સરકારના ઉચ્ચ અધિકારીઓથી લઈને કર્મચારીગણ અને ખાસ કરીને પ્રેસ-મીડિયાના મિત્રો અને કલાક્ષેત્રની અગ્રગણ્ય વિભૂતિઓ, લેખકો, ઈતિહાસવિદે, શિક્ષણ વિદે, અધ્યાપકો-પ્રાધ્યાપકો અને પુરાતત્ત્વ, ઈતિહાસ, ભૂગોળ, સાયન્સ, મેથ્સ અને કાનૂની ક્ષેત્રના બુદ્ધિજીવીઓ સાથે પણ કામ કરવાનું થતું હતું.

રાઉન્ડ ધ ક્લોક-ટ્વેન્ટી

ફોર બાય સેવન એક્ટિવનેસ

કોઈપણ જાહેર કાર્યક્રમો હોય કે મહત્ત્વપૂર્ણ મિટિંગો હોય, મંત્રી-મહાનુભાવો દ્વારા વિકાસકામોના લોકાર્પણ-ઉદ્ઘાટન-ભૂમિપૂજનોના કાર્યક્રમો હોય કે લોકસંપર્ક હોય, વીવીઆઈપીની વિઝિટો હોય કે દ્વારકા જેવા યાત્રાધામોમાં યોજાતા સાંસ્કૃતિક, પ્રાસંગિક કે સરકારી સમારોહો હોય, ચૂંટણીઓ હોય કે રાષ્ટ્રીય કાર્યક્રમો, વસતિ ગણતરી, ઈમ્યુનાઈઝેશન, હેલ્થ પ્રોગ્રામો કે અભિયાનો હોય, એક્ઝિબિશનો હોય કે જનજાગૃતિની ઝુંબેશો અને ફ્લેગશીપની યોજનાઓ હોય, યોજનાકીય વિતરણો હોય કે સ્વચ્છતા અભિયાન, શાળા-પ્રવેશોત્સવ કે ગુણોત્સવ જેવા વિવિધ અભિયાનો હોય, કુદરતી આફતો હોય કે આગ-અકસ્માત-દુર્ઘટનાઓ હોય, આંદોલનો હોય, હિંસક તોફાનો હોય, કર્ફયુ હોય કે લોકડાઉન હોય, રાજ્યના માહિતીખાતાનું તેમાં એક્ટિવ ઈન્વોલ્વમેન્ટ (સક્રિય સહયોગિતા) અને કોન્સ્ટેટ ડ્યુટી (અવિરત ફરજો) રાઉન્ડ ધ ક્લોક અને ટ્વેન્ટી ફોર બાય સેવન ચાલુ જ રહેતી હતી.

આટલી પૂર્વભૂમિકા બાંધ્યા પછી એટલું તો સ્પષ્ટ થઈ જ ગયું હશે કે તે સમયે રાજ્યના માહિતી ખાતાની મારી સક્રિય અને સતત કામગીરી દરમિયાન મારે અસંખ્ય લોકોની સાથે રહીને કામ કરવું પડ્યું હશે અને તેમાંથી મને બહોળો અનુભવ તથા વિશાળ લોકસંપર્કનો અવસર પણ મળ્યો હશે.

'રાઉન્ડ ધ ક્લોક' અટલે કે 'ચોવીસેય કલાક' અને 'ટ્વેન્ટી બાય સેવન' એટલે કે 'આખું અઠવાડિયું અથવા દરરોજ એવું' અર્થઘટન થાય, મતલબ કે અમારે જાહેર રજા હોય, રાત હોય કે દિવસ હોય, સતત સતર્ક રહીને ગમે ત્યારે દોડવું પડતું હતું. આ દૃષ્ટિએ અમારૂ કામ સરકાર, સમાજ, પબ્લિક, બ્યુરોક્રેસી અને પ્રેસ-મીડિયા સાથે સંકળાયેલું હતું.

લોકોના 'મન'ને સમજવાનો અવસર

આ બહોળા અનુભવો દરમિયાન મને લોકોના 'મન'ને સમજવાનો અવસર મળ્યો હતો. ઘણાં લોકો સંપર્કમાં આવ્યા પછી ખૂબ જ ઘનિષ્ઠ નાતો બાંધી લેતા હતાં, તો ઘણાં લોકોનો આ ઘનિષ્ઠ નાતો 'પ્રાસંગિક' જ રહેતો હતો. મારી સાથે સંપર્કમાં આવેલા ઘણાં લોકો મને પ્રારંભિક સમયે અતડા, કડક સ્વભાવના અને સ્વાર્થ પ્રકૃતિના લાગતા, પરંતુ સાથે કામ કર્યા પછી તેમની અંદર છૂપાયેલા નરમ, સંવેદનશીલ અને માનવતાવાદી વ્યક્તિત્વનો પરિચય થતો, તેનાથી ઉલટુ, ઘણાં સરળ, સીધા અને મદદરૂપ થવાની ભાવના દેખાડતા લોકો પોતાનો ગુપ્ત ઉદ્દેશ્ય સિદ્ધ થતા જ પોતાની અસલિયત પણ દેખાડી દેતા જોવા મળતા હતાં. એકંદરે મને ઘણાં સારા અને જીવનોપયોગી અનુભવો થયા હતાં.

ઘણાં પોતાનું 'દિલ' ઠાલવતા

મારો મૂળભૂત સ્વભાવ એવો છે કે કોઈની પણ ગુપ્ત કે અંગત વાત અન્યને ક્યારેય કરવી નહીં. શક્ય હોય ત્યાં સુધી બધાને સાંભળવા, શક્ય હોય ત્યાં સુધી કોઈને વણમાગી સલાહ આપવી નહીં, અને કોઈ સલાહ માંગે, તો તેને સાચી જ સલાહ આપવાનો પ્રયાસ કરવો, જો કે ફરજો દરમિયાન જરૂર પડ્યે બાંધછોડ કરવી પડે, ત્યારે પણ કોઈનું પણ હિત જોખમાય, અહિત થાય કે અશાંતિ-તકરાર ઉદ્ભવે નહીં, તેની કાળજી પણ રાખવી જ પડે ને?

આ પ્રકારની સ્વભાવગત ખૂબી ગણો કે ખામી ગણો, પરંતુ તે સમયે પોતાનું ધર્મસંકટ, દુઃખ, વેદના, પીડા કે દર્દ વર્ણવતા કોઈપણ વ્યક્તિને હું ધીરજ અને શાંતિથી સાંભળતો અને વિશેષ સમય કાઢીને તેને સમજવાનો પ્રયાસ કરતો રહેતો હતો.

આ કારણે ઘણાં લોકો પોતાનું 'દિલ' મારી પાસે ઠાલવી દેતા હતાં અને મારી સાથે વાતચીત કર્યા પછી ઘણાં જ હળવા ફૂલ થયા હોય, તેવી લાગણીઓ પ્રદર્શિત કરતા હતાં. ઘણાં લોકોને તેમની વેદના, સમસ્યા કે મુંઝવણ સાંભળ્યા પછી મારી સમજણ કે અનુભવ મુજબ હું સલાહ-સૂચન કે માર્ગદર્શન આપવાનો પ્રયાસ કરતો, અને મારાથી થાય તેમ હોય, તેવી મદદ કરવાનો અભિગમ રહેતો, તે કારણે ઘણાં બધા લોકો આજે પણ જ્યારે મુલાકાત થાય ત્યારે વર્ષો કે દાયકાઓ પહેલાની એવી વાતો યાદ કરાવતા હોય છે, જે મારાથી ભૂલાઈ જ ગઈ હોય કે ઓછી યાદ હોય. એકંદરે, એ વાતનો સંતોષ જરૂર થાય કે ભલે બહુ મદદ ન થઈ શકી હોય, પરંતુ કોઈનું મન તો હળવું થયું!

આવું બને ત્યારે હું પણ મને જીવનમાં અણીના સમયે મદદ કરનાર, સાચી સલાહ અને મુંઝવણના સમયે યોગ્ય માર્ગદર્શન આપનાર એ તમામ લોકોને યાદ કરૂ છું, જેમની પાસેથી હું જિંદગી જીવવાના અને સૌની સાથે સહાનુભૂતિ રાખવાવાળા પાઠ શિખ્યો હતો.

જમાનો બદલાયો-કોઈ પાસે 'ટાઈમ' નથી

તાજેતરમાં એક મિત્ર ઘણાં સમયે મને મળ્યા, ત્યારે તેમણે જુના સંસ્મરણો તાજા કર્યા અને પોતાની પ્રવર્તમાન જિંદગીની વાતો શેર કરી. તેઓ વાતો કરતા રહ્યા, હું સાંભળતો રહ્યો, વાતો કરતાં કરતાં તેઓ ભાવુક થઈ ગયા અને હું પણ ભાવુક થઈ ગયો, ભાવનાઓ અશ્રૂવાટે વહેવા લાગી, તે પછી તેમણે જે કાંઈ કહ્યું તે મને 'સચોટ' અને ઘણું જ 'વાસ્તવિક' લાગ્યું.

તેમણે કહ્યું કે, મારી વેદના, મારી પ્રવર્તમાન મુંઝવણો અને દ્વિધાઓ વિષે મેં ઘણાં લોકો સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો, અને જેને હું મારા આત્મિય, પોતાના ગણતો હતો, તેવા દોસ્તોથી લઈને મારા એ પરિવારજનો, કે જેને મેં મુશ્કેલીના સમયે મદદ કરી હતી, તે બધા પાસે મારી વિટંબણા વર્ણવતો રહ્યો, પરંતુ મને કડવા અનુભવો જ થતા રહ્યા. કોઈએ ઉપર ઉપરથી સાંત્વના આપીને વાત ટૂંકાવી, તો કોઈએ વાતમાં રસ જ લીધો નહીં, કોઈકે વાત સાંભળ્યાની શરૂઆતમાં જ કહી દીધું કે ક્યારેક ટાઈમ કાઢીને વાત કરીશું. એક મિત્ર તો ચાલુ વાતે જ 'હમણાં' આવું છું' કહીને ચાલ્યા ગયા!

તે પછી તેમણે કહ્યું કે, હવે યુગ બદલાયો છે. તમારી વેદના (એમની ભાષામાં કથા) સાંભળવાનો કોઈ પાસે ટાઈમ નથી, જે વ્યક્તિને તમારી વાત સાંભળવાનો જ ટાઈમ ન હોય, તે તમને સમજવાનો જ નથી. તમારી મુંઝવણ જાણવાનો જ નથી, તેથી તેમની પાસે રોદણાં રળવાનો કોઈ જ અર્થ નથી. એના કરતા તો ઈશ્વર, પ્રભુ, ગોડ કે તમે જેમનામાં શ્રદ્ધા ધરાવતા હોવ, તેને સ્મરીને આંખો મીંચીને મનોમન તમારી મુંઝવણ કે વેદના વ્યક્ત કરો, તો કોઈને કોઈ સ્વરૂપમાં તે દૈવી શક્તિ જરૂર તમને મદદ કરશે!!

જિંદગીમાં કોઈ એકાદ-બે વ્યક્તિ એવી પણ મળે, જેને સાચી લાગણી હોય કે તેમને મળેલી કુદરતી બક્ષિસના કારણે તે તમને સાંભળે અને મદદરૂપ પણ થાય, પરંતુ અહીં એટલી સતર્કતા પણ રાખવી પડે કે આ પ્રકારે મદદરૂપ થતી વ્યક્તિ એક વખત મદદ કરે, તે પછી વારંવાર દરેક નાની-મોટી વાતમાં તેને હેરાન કરવા ન જવાય. આપણી લડાઈ આપણે જ લડવાની છે, અને તેથી આપણી મુંઝવણ, સમસ્યા કે વેદના દૂર કરવા માટે આપણે તમામ પ્રયાસો કરી છૂટવા જોઈએ, જ્યારે કોઈ માર્ગ ન દેખાય, ત્યારે કોઈને કોઈ એવી વ્યક્તિ જરૂર મળી જશે, જે તમને અણધારી મદદ કરશે... બસ... મન ચોખ્ખું અને સાચી શ્રદ્ધા હોવી જોઈએ... અજમાવી જો જો!

વિનોદ કોટેચા

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial