શિયાળો જમાવટ કરી રહ્યો છે, અને હિમાચલમાં થતી હિમવર્ષાની અસરો હેઠળ ફૂંકાતા ઠંડા પવનોની સાથે હવે ઋતુગત શિયાળાનું સંયોજન થયું છે, ત્યારે વર્ષ ર૦૧૯-ર૦ ના ડિસેમ્બર-જાન્યુઆરીથી શરૂ થયેલી કોવિડ-૧૯ ની મહામારીએ વેરેલા વિનાશની કડવી યાદ તાજી થઈ જાય, તેવા અહેવાલોએ ભારત સહિત આખી દુનિયાને ફરીથી ડરાવી દીધી છે.
ચીનમાં 'એચએમપીવી' નામનો વાયરસ ફેલાતા છેલ્લા કેટલાક દિવસોથી ચીનની હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે, અને સંખ્યાબંધ લોકોના જીવ જતા સ્મશાનો પણ પાર્થિવદેહોથી ભરપૂર થઈ ગયા છે, તે પ્રકારના અહેવાલો પછી કોવિડ-૧૯ ના પ્રારંભ સમયે જે સ્થિતિ ઊભી થઈ હતી, અને પ્રારંભમાં જે રીતે એ ખતરનાક વાયરસને ગંભીરતાથી લઈને વિશ્વના ઘણાં દેશોએ લાપરવાહી દાખવી હતી, તેને ટાંકીને એ ભૂલ ફરીથી ન થઈ જાય, અને એચએમપીવી વાયરસ સામે પણ અત્યારથી જ જરૂરી તમામ કદમ ઊઠાવાય,તેવી જરૂર પણ જણાવાઈ રહી છે.
તબીબી ક્ષેત્રના નિષ્ણાતોએ પણ મોટાભાગે આ જ પ્રકારના અભિપ્રાયો આપ્યા છે. તબીબી ક્ષેત્રના તજજ્ઞોને ટાંકીને એવા તારણો કાઢવામાં આવી રહ્યા છે કે આ વાયરસના સંક્રમણને અટકાવવા માટે તાકીદના પગલાં ભરવા જ પડે તેમ છે. લેબોરેટરી ક્ષેત્રના તજજ્ઞ ડો. ડેંગને ટાંકીને એવું કહેવામાં આવી રહ્યું છે કે હ્યુમન મેટાન્યૂમોવાયરસના એચએમપીવીનું સંક્રમણ ઝડપભેર વધીને તેનો પ્રકોપ બેકાબૂ બની રહ્યો છે, ત્યારે તેના લક્ષણો (સિમ્ટમ્સ) ની ઓળખ થવી જરૂરી છે. ગીચ વસતિ ધરાવતા વિસ્તારોમાં ઝડપથી ફેલાતો શ્વસનતંત્રના આ રોગ જો બેકાબૂ બની જાય, તો તે ભયાનક સ્વરૂપ ધારણ કરી શકે છે.
તબીબી ક્ષેત્રના ભારતીય નિષ્ણાતોના ભિન્ન ભિન્ન અભિપ્રાયો આવી રહ્યા છે. હેલ્થ સેક્ટરના ડાયરેક્ટર ડો. અતુલ ગોયલને ટાંકીને આ મહામારીના લક્ષણો વર્ણવાઈ રહ્યા છે, અને દેશવ્યાપી સર્વેક્ષણ કરીને આપણા દેશમાં શ્વાસ સંબંધિત બીમારી ધરાવતા દર્દીઓનો ડેટા એકઠો કરાઈ રહ્યો હોવાનું પણ જણાવાઈ રહ્યું છે. એચએમપીવી વાયરસની મહત્તમ અસરો બાળકો અને વૃદ્ધોને થતી હોવાથી વયજુથ મુજબના ડેટા વર્ગિકરણ કરીને તંત્રો દ્વારા તકેદારીના તમામ કદમ ઊઠાવાઈ રહ્યા હોવાના દાવાઓ પણ થઈ રહ્યા છે. શ્વાસને લગતા આ નવા વાયરસને લઈને ભારતભરમાં જરૂરી કદમ ઊઠાવાઈ રહ્યા છે, અને આ સંક્રમણ દીવાલો કે અન્ય સપાટીના સ્પર્શ કે સંક્રમિત વ્યક્તિની છીંક કે ઉધરસ દ્વારા ફેલાતો હોવાથી લોકોએ રાખવાની સાવચેતી અંગે પણ ચર્ચા શરૂ થઈ ગઈ છે.
ચીનમાં આ નવા વાયરસને કારણે હેલ્થ ઈમરજન્સી જાહેર કરાઈ હોય, ત્યારે ભારત સરકારે પણ ગંભીરતાથી કદમ ઊઠાવીને આ મુદ્દે તત્કાળ કોઈ ગાઈડલાઈન્સ બહાર પાડવી જોઈએ, તેવી માંગ પણ ઊઠી રહી છે. ચીનમાં હેલ્થ ઈમરજન્સી જાહેર થયા પછી સમગ્ર વિશ્વમાં હડકંપ મચ્યો છે, ત્યારે વિશ્વ આરોગ્ય સંસ્થા પણ આ નવા વાયરસને કોવિડ-૧૯ ની જેમ મહામારી જાહેર કરીને કોઈ ગાઈડલાઈન જાહેર કરશે, તેવી ચર્ચાઓએ જોર પકડ્યા પછી આજે જે અપડેટ આવી રહ્યું છે તે આપણી સામે છે.
કોવિડ-૧૯ ના પ્રારંભે પણ ચીનમાં આવી સ્થિતિ હતી, જેની ગંભીરતા સમજાઈ નહોતી, અને રાજકીય ઘટનાક્રમોમાં વ્યસ્ત સરકારે પણ બહું ધ્યાન પ્રારંભમાં આપ્યું ન હતું, જેના દુષ્પરિણામો પણ આપણે ભોગવ્યા હતાં, જો કે તે સમયના કેન્દ્રિય આરોગ્ય મંત્રી ડો. હર્ષવર્ધને પ્રારંભથી ઊઠાવેલા કેટલાક કદમ મહત્ત્વપૂર્ણ પૂરવાર થયા હતાં. આ નવી સંભવિત મહામારી સમયે પણ દેશના આરોગ્ય મંત્રી પોતે આગળ આવીને આ મુદ્દે સરકારની તૈયારીઓ તથા નવી બીમારીની ગંભીરતા અને અધિકૃત નિવેદન આપે, તેની રાહ જોવાઈ રહી છે.
ચીનમાંથી ફેલાતી મહામારીઓ આખી દુનિયામાં ઉથલ-પાથલ સર્જે છે, અને નરસંહાર સર્જે છે, તે જોતા આ પ્રકારની મહામારીઓ કુદરતી નહીં, પરંતુ માનવ સર્જિત તો નથી ને? તેવી આશંકા પણ હંમેશાં વ્યક્ત થતી રહે છે.
ચીનનો વાયરસ અને વાયડાઈની વ્યંગાત્મક ચર્ચા પણ આજે 'ટોક ઓફ ધ નેશન' બની ગઈ છે. એવા અહેવાલો આવ્યા છે કે ચીને એક તરફ તો ભારત સાથે સંબંધો સુધારવાનું નાટક શરૂ કર્યું છે, તો બીજી તરફ લદ્દાખમાં ચીને બે નવી કાઉન્ટી (ગામ) ના નિર્માણની જાહેરાત કરી છે, જો કે તેની સામે ભારતીય દિેશ મંત્રાલયે સખ્ત વિરોધ નોંધાવ્યો છે. ભારતે બ્રહ્મપુત્રા નદી પર બંધ બાંધવાની યોજનાનો પણ સત્તાવાર રીતે વિરોધ કર્યો છે, અને બ્રહ્મપુત્રા નદીના નિચાણવાળા ભારતીય પ્રદેશોના હિતો સુરક્ષિત રાખવાની તાકીદ પણ કરી છે. આમ, ચીનનો વાયરસ અને ચીનની વાયડાઈ આજે નેશનલ અને ઈન્ટરનેશનલ ચર્ચાના મુદ્દા બન્યા છે, ભારતે ચીનને પૂછ્યું છે કે, 'યે કયા હો રહા હૈ?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial