સૂર્યની ફરતે પ્રદક્ષિણા કરતી પૃથ્વી પોતાની ધરી પર પણ ગોળ-ગોળ ફરતી રહે છે, અને તેથી ઋતુ બદલાય છે, અને દિવસ-રાત થાય છે. આ કુદરતી ક્રમમાં હવે ગ્લોબલ વોર્મીંગ તથા ક્લાઈમેટ ચેઈન્જ જેવા પરિબળો ઉમેરાયા છે, જે ઋતુચક્રને પ્રભાવીત કરી રહ્યા હોવાની ચિંતા પણ હવે વિવિધ પ્રકારના ઈન્ટરનેશનલ પ્લેટફોર્મ્સ પરથી વ્યક્ત થવા લાગી છે. આ મુદ્દો હવે ગ્લોબલ ટોકીંગની પ્રથમ હરોળમાં છે, જેનો ઉકેલ લાવવામાં વિકસિત દેશોની આડોડાઈની ચર્ચા પણ થતી રહે છે.
અત્યારે પૃથ્વીના એક ભાગમાં જોરદાર હિમવર્ષા થઈ રહી છે, અને ઠેર-ઠેર બરફના તોફાને જન-જીવન અસ્તવ્યસ્ત કરી નાંખ્યું છે, તો બીજી તરફ ૪પ અંશે પહોંચેલા તાપમાનથી પ્રચંડ ગરમીનો પ્રકોપ પણ પૃથ્વીના બીજા ભાગોમાં તબાહી મચાવી રહ્યો છે, તેવી દહેશતે પણ કેટલાક વિશ્વના ભાગોમાં ભય ફેલાવ્યો છે.
એક તરફ ગ્લોબલ વોર્મીંગથી પૃથ્વીનું વાતવારણ પલટી રહ્યું છે, તો બીજી તરફ અશાંતિ, યુદ્ધો, ગૃહયુદ્ધો, વિવાદો અને આંતરિક ઉથલ-પાથલના કારણે ઘણાં દેશોમાં ઊભી થયેલ વિચિત્ર સ્થિતિના કારણે પૃથ્વી પરનો રાજકીય માહોલ પણ ગરમાઈ રહ્યો છે. અમેરિકામાં વિદાય લઈ રહેલા જો બાઈડનના અંતિમ કેટલાક નિર્ણયોને ટ્રમ્પને નારાજ કરી દીધા છે, તો બીજી તરફ પાકિસ્તાનમાં ભારતીય એજન્સીની 'રો' દ્વારા આતંકીઓની હત્યાઓ કરાવાઈ રહી હોવાના એક અમેરિકી અખબારે લગાવેલા સણસણતા આક્ષેપોએ ખળભળાટ મચાવી દીધો છે. રાજધાની દિલ્હીની વિધાનસભાની ચૂંટણીમાં કેજરીવાલ અત્યારે હોદ્દા પર નહીં હોવા છતાં ભાજપને હંફાવી રહ્યા છે, અને આ ચૂંટણીમાં રાજ્ય કક્ષાની (પ્રાદેશિક) નબળી નેતાગીરીના કારણે ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણી પ્રચારના મેદાનમાં ઉતરવું પડ્યું છે, તે આમ આદમી પાર્ટી અને ખાસ કરીને કેજરીવાલની રાજકીય તાકાત દેખાડે છે, તેવા અભિપ્રાયો સામે ભાજપ દ્વારા કેજરીવાલને ડ્રામેબાજ અને આમ આદમી પાર્ટીને દિલ્હીવાસીઓ માટે 'આપદા' ગણાવાઈ રહી છે. આ ચૂંટણીમાં આક્રમક રીતે ત્રીજો મોરચો માંડીને કોંગ્રેસે પણ આક્રમક રીતે ઝંપલાવ્યું છે, અને ભાજપ તથા આમ આદમી પાર્ટીને પ્રજાવિરોધી તથા ભ્રષ્ટ ગણાવીને દિલ્હીમાં સત્તા મેળવવાના પ્રયાસો કોંગ્રેસ કરી રહી છે, જેની સામે ('વોટરકટ' તરીકે?) માયાવતીએ બીએસપીના ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. આ ચતુર્મુખી ફાઈટમાં કોંગ્રેસ મેદાન મારી જશે તેવા તારણો સાથે 'બે બિલાડીની લડાઈમાં વાંદરો ફાવી ગયો' તે પ્રકારની કહેવતો પણ ટાંકવામાં આવી રહી છે. જોઈએ, હવે શું થાય છે તે...!!
રિસર્ચ એન્ડ એનાલિસિસ વિન્ડો નામની ભારતની ગુપ્તચર એજન્સી, જેને સંક્ષિપ્તમાં 'રો' તરીકે ઓળખવામાં આવે છે, તેના દ્વારા ભારત ભાડાના હત્યારાઓ દ્વારા આતંકીઓ તથા આતંકી સંગઠનો સાથે સંકળાયેલા લોકોની પોતાના ઘરમાં ઘૂસીને હત્યાઓ કરાવી રહ્યું હોવાના સણસણતા આક્ષેપો થયા છે. 'વોશિંગ્ટન પોસ્ટ' નામના અમેરિકાના આંતરરાષ્ટ્રીય કક્ષાના અખબારમાં થયેલા આ આક્ષેપો 'ટોક ઓફ ધ ગ્લોબ' બન્યા છે, અને તેના સંદર્ભે વિશ્વકક્ષાએથી વિવિધ પ્રતિભાવો સાથે ઘેરા પ્રત્યાઘાતો પણ પડી રહ્યા છે.
આ અહેવાલો મુજબ ભારતે રાષ્ટ્રવિરોધી એવા પ૮ શત્રુઓની યાદી બનાવી છે, જે વિદેશોમાં છૂપાયા હોય કે પછી પાકિસ્તાનમાં રહીને ભારત વિરોધી ષડ્યંત્રો રચાતા હોય, કે પછી આતંકી સંગઠનો સાથે સંકળાયેલા હોય, રિપોર્ટ મુજબ છેલ્લા ચાર વર્ષ એટલે કે વર્ષ ર૦ર૧ થી ર૦ર૪ દરમિયાન 'રો' દ્વારા પાકિસ્તાનમાં ૧૧ દુશ્મનોની હત્યા આ રીતે કરાવી નાંખવામાં આવી છે, અને હજુ ૪૭ દુશ્મનો સામે આ જ પ્રકારની પદ્ધતિથી કાર્યવાહી થઈ શકે છે.
આ અહેવાલો મુજબ વર્ષ ર૦રર માં તો આઈએસઆઈએ આ મુદ્દે સીઆઈએ (અમેરિકન જાસૂસી સંસ્થા) સમક્ષ રાવ (ફરિયાદ) પણ કરી હતી.
અત્યારે તો દિલ્હીની રાજનીતિ પણ ઉકળી રહી છે, તેમાં પણ ભાજપના એક નેતાએ દિલ્હીમાં અદ્યતન માર્ગો બનાવવાનો વાયદો કરતી વખતે ભાન ભૂલીને પ્રિયંકા ગાંધીને લઈને કરેલા નિવેદન પછી કથિત રીતે માફી માંગવી પડી, કેજરીવાલે મોદીને દિલ્હીની જનતાના વિરોધી ગણાવ્યા, તો મોદીએ આમ આદમી પાર્ટીને 'આપદા' ગણાવી તેની રાજકીય ચર્ચાએ કડકડતી ઠંડી વચ્ચે પણ માહોલ ગરમાવી દીધો છે. આ તરફ જામનગરમાં પણ કોઈ કાર્યક્રમ દરમિયાન વિવાદાસ્પદ ગીત (ગઝલ) ને લઈને કોંગી નેતાઓ સામે કથિત આક્ષેપો થયા પછી રાજકારણમાં ગરમી આવી હતી.
ઈઝરાયેલ પર ગાઝામાં નિઃસહાય અને નિર્દોષ લોકો પર બોમ્બવર્ષા અને ગોળીબાર કરવાના સણસણતા આક્ષેપો થઈ રહ્યા છે, તો પાક-અફઘાન, ભારત-પાકિસ્તાન તથા બાંગ્લાદેશ, ચીન-તાઈવાન, ઈરાન-ઈઝરાયેલ તથા રશિયા-યુક્રેન જેવી તંગદિલીઓ વચ્ચે ઈસરો અને નાસા દ્વારા કેટલીક અંતરીક્ષની સફળતાઓ અને કેટલાક વૈશ્વિક સફળ અભિયાનોની નોંધ પણ લેવાઈ રહી છે. અત્યારે સૌથી વધુ ચર્ચા તો ચીનમાં ઉદ્ભવેલા નવા ખતરનાક વાયરસની જ થઈ રહી છે!
અત્યારે નગરથી નેશન સુધી અને ગામડાથી ગ્લોબલ સ્તરે નૈસર્ગિક ટાઢોડા વચ્ચે રાજનીતિ ગરમ છે. પૃથ્વીના કેટલાક વિસ્તારોમાં હિમવર્ષાનો પ્રકોપ, તો કેટલાક દેશોમાં દુષ્કાળના ડાકલા સાથે પ્રચંડ ગરમી જોવા મળી રહી છે. મેરા ભારત મહાન... વસુધૈવ કુટુમ્બકમ્..
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial