અત્યારે નગરથી નેશન સુધી એચએમપીવી વાયરસની જ ચર્ચા ચાલી રહી છે. આ જૂનો વાયરસ નવા સ્વરૂપે પ્રગટ થતાં ચીનથી શરૂ થયેલી આ બીમારી હવે ભારતમાં પ્રવેશી ચૂકી છે અને ગુજરાતમાં પણ એચએમપીવીનો શંકાસ્પદ બાળદર્દી નોંધાયા પછી સમગ્ર રાજ્યમાં આરોગ્ય અને તબીબી તંત્રો સતર્ક થઈ ગયા છે. જી. જી. હોસ્પિટલમાં આઈસોલેશન વોર્ડ સહિતની વ્યવસ્થાઓ સાથે જરૂરી માર્ગદર્શન પણ અપાઈ રહ્યું છે. અખબારો અને ન્યૂઝ ચેનલોમાં આ વાયરસના લક્ષણો અને જરૂરી સાવચેતીઓ ઉપરાંત તેના ઉપચારને લઈને પણ ગહન ચર્ચાઓ ચાલી રહી છે.
જો કે, આ વાયરસ ઘણો જૂનો છે, અને કોવિડ-૧૯ જેવો ખતરનાક નથી, તેવા મતલબના તબીબી નિષ્ણાતોના અભિપ્રાયો ઉપરાંત ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલથી લઈને કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી. નડ્ડા સુધીના અધિકૃત મંત્રીઓએ પણ આ વાયરસથી ડરવાની જરૂર નથી, પરંતુ બાળકો તથા ખૂબ જ વૃદ્ધોને આ વાયરસ વધુ અસર કરતો હોવાથી જરૂરી સાવધાની રાખવાની જરૂર હોવાની વાત કરી છે. એકંદરે આ વાયરસ ભલે કોવિડ-૧૯ જેટલો અત્યારે ખતરનાક ન ગ્ણાવાઈ રહ્યો હોય, તો પણ જરાયે બેદરકાર રહેવું પાલવે તેમ નથી, અને એ દૃષ્ટિએ જ નગરથી નેશન સુધીના તંત્રો સતર્ક અને સક્રિય થયા હશે ને ?
એક ગુજરાતી કહેવત છે કે દૂધનો દાઝયો છાશ ફૂંકી ફૂંકીને પીવે, અને હાલમાં કોવિડ-૧૯ના કડવા અનુભવો પછી આખી દુનિયા એચએમપીવીને હળવાશથી લઈ રહી નથી, તેથી એમ પણ કહી શકાય કે દૂધનો દાઝયો છાશને ફૂંકો ભલે ન મારે, પરંતુ છાશ બગડેલી તો નથી ને ? તેની ખાત્રી કરી લ્યે તે અત્યંત જરૂરી છે. કોઈપણ સંક્રમણને પ્રારંભમાં હળવાશથી લેવાના કેવા ગંભીર પરિણામો ભોગવવા પડે છે, તે કોરોના મહામારીએ દુનિયાને શિખવી જ દીધું છે. યોગાનુયોગ ચીનમાંથી જ્યારે કોવિડ-૧૯નું સંક્રમણ વિશ્વમાં ફેલાવવા લાગ્યુ અને ભારતમાં દસ્તક દીધી હતી ત્યારે દેશમાં રાજકીય માહોલ પણ ગરમ હતો. લોકસભામાં વિજય મેળવ્યા પછી એનડીએની સરકાર રચાઈ ચૂકી હતી, અને વડાપ્રધાન પદે નરેન્દ્ર મોદી રિપીટ થયા હતં. આ વખતે પણ લોકસભાની ચૂંટણી પછી એનડીએની સરકાર છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ છે. ફરક એટલો જ છે કે વર્ષ ૨૦૧૯ની ચૂંટણીમાં લોકસભામાં એકલા ભાજપની બહુમતી હતી, પરંતુ વર્ષ-ર૦ર૪ની લોકસભાની ચૂંટણી પછી ભાજપ બહુમતી થી ઘણું દૂર રહી જતાં એનડીએના સાથીદાર પક્ષો જેડીયુ અને ટીડીપી ની કાંખઘોડીના આધારે સરકાર રચવી પડી છે !
દેશની શાણી જનતાએ ભાજપના નેતાઓને ઘંડ છોડવા અને માપમાં રહેવા તથા વિપક્ષોને વધુ મહેનત કરવા અને વાસ્તવિક રીતે જનલક્ષી બનવાનો જનાદેશ આપ્યો હતો પરંતુ કેટલાક નેતાઓ મતદારોનો આ સંકેત સમજ્યા હોય, તેમ જણાતું નથી અને ઉભય પક્ષે વિવાદાસ્પદ નિવેદનો તથા અશોભનિય ટિપ્પણીઓ બંધ થઈ નથી...
દિલ્હી વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે જ ભાજપના નેતા રમેશ બિઘુડીએ એવા નિવેદન કર્યા, જેથી ભારતીય જનતા પક્ષ બેકફૂટ પર તો આવી જ ગયો, સાથે સાથે ભૌઠપ પણ અનુભવવી પડે.
હકીકતે બિઘુડીએ દીલ્હીના કેટલાક બિસ્માર માર્ગાેને લઈને પ્રિયંકા ગાંધીને ટાંક્યા, અને દાયકાઓ પહેલા લાલુ પ્રસાદ યાદવે હેમા માલિનીને ટાંકીને જેવું નિવેદન કર્યું હતું, લગભગ તેવું જ વિવાદાસ્પદ નિવેદન કર્યું અને તેમણે દિલ્હીના વર્તમાન મહિલા મુખ્યમંત્રી આતિશી અને તેના પિતાને લઈને જે અભદ્ર ગણી શકાય, તેની ટિપ્પણી કર્યા પછી જબરદસ્ત વિરોધનો વંટોળ ઉઠયો અને ત્રિ પાંખિયા જંગમાં ભાજપની સામે પ્રતિસ્પર્ધી બન્ને પક્ષો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી આ મુદ્દે એક થઈ ગયા , તે પછી બિઘૂડીએ ખેદ વ્યક્ત કર્યાે, અને તે પ્રકારની પોષ્ટ સોશ્યલ મિડીયામાં મૂકી, પરંતુ ઘણું મોડું થઈ ગયું હતું હવે ભાજપની નેતાગીરી આ બફાટને લઈને કડક કદમ નહીં ઉઠાવે તો દીલ્હીના મહિલા મતદારો એક જૂથ થઈને પાઠ ભણાવશે, તેવા અભિપ્રાયો પણ રાજકીય વિશ્લેષણો વ્યક્ત કરી રહ્યા છે.
આજે દિલ્હી વિધાનસભાની ચૂંટણીઓની જાહેરાત થવાની સાથે જ ત્યાં આચર સંહિતા લાગુ થઈ ગઈ છે અને હવે રિમોટ કંટ્રોલથી ચાલતી દિલ્હીની સરકાર કોઈ નવી જાહેરાતો કરી શકે તેમ નથી, તેથી હવે ચૂંટણીઓમાં રેવડી ફેઈમ વાયદાઓ કરવાની મોસમ પૂરજોશમાં ખીલી ઉઠશે તેમ જણાય છે. આ વખતે કોંગ્રેસ પક્ષ પોતાની તમામ તાકાત લગાવીને ભાજપ અને આમ આદમી પાર્ટીને પછાડીને દિલ્હીમાં સત્તા મેળવીને પોતાની રાષ્ટ્રીય મજબૂતી વધારવાના પ્રયાસો કરી રહી છે, ત્યારે દિલ્હીની જનતા (મતદારો) કેવો નિર્ણય લેશે, તે જોવાનું રહે છે. જો કે, દિલ્હીમાં 'આપ'ને પછાડવું સરળ નથી, પરંતુ કૌભાંડોના આક્ષેપો તથા કેટલીક અન્ય વાસ્તવિકતાઓ જાહેર થયા પછી 'આપ' માટે પણ તોતીંગ બહુમતી સરળ જણાતી નથી, જોઈએ શું થાય છે તે...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial