જામનગર સહિત જામનગર જિલ્લા તથા હાલારમાં ભાજપના પ્રમુખોની નિયુક્તિની પ્રક્રિયા હોય કે દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી માટે તારીખો જાહેર થયા પછી રાષ્ટ્રીય કક્ષાએ રાજનીતિમાં આવેલો ગરમાવો હોય,ં જામનગરમાં કામચલાઉ બસડેપો હોય કે આવી રહેલો પતંગોત્સવ હોય, પબ્લિકમાં આ મુદ્દાઓને લઈને જોરશોરથી ચર્ચાઓ થઈ રહી છે, અને સોશ્યલ મીડિયામાં પણ કોમેન્ટોના ઘોડાપૂર આવ્યા હોય તેમ જણાય છે. આ પ્રકારના પ્રચંડ પ્રચારના વાવાઝોડા વચ્ચે વ્યાપાર-ઉદ્યોગ ક્ષેત્રોથી લઈને નોકરિયાત વર્ગ તથા કૃષિકારોના વર્તુળોમાં પણ કેન્દ્રિય બજેટના અનુમાનો થવા લાગ્યા છે.
દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણીઓ જોહર થઈ ગયા પછી કેન્દ્ર સરકારબ બજેટમાં તો દિલ્હી ક્ષેત્રને લઈને કોઈ વિશેષ જાહેરાત નહીં કરી શકે, પરંતુ સમગ્ર દેશની સાથે દિલ્હીની જનતાને પણ ફાયદો પહોંચે તેવી સર્વગ્રાહી જાહેરાતો બજેટમાં જરૂર થઈ શકે છે, અને તેમાં પણ ભાજપનાએક નેતા અને ઉમેદવારે બફાટ કર્યા પછી થયેલા પોલિટિકલ નુક્સાન પછી ડેમેજ કન્ટ્રોલ માટે કેન્દ્રિય નાણામંત્રી મહિલાઓને લઈને કોઈ દેશવ્યાપી પેકેજ કે સ્પેશ્યલ પેકેજની જાહેરાત પણ કરી શકે છે. આ પ્રકારના અંદાજો વચ્ચે કેન્દ્રિય નાણામંત્રી જ નહીં, પરંતુ દેશના અર્થતંત્ર માટે પણ ચિંતાજનક અહેવાલો આવ્યા છે, અને તેની ચિંતાની અસર પણ પ્રવર્તમાન રાજકીય પ્રવાહો પર પડ્યા વિના રહેવાની નથી.
અહેવાલો મુજબ નાણાકીય વર્ષ ર૦ર૪-રપ એટલે કે ચાલુ નાણાકીય વર્ષમાં દેશને ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ એટલે કે જીડીપીનો વૃદ્ધિ દર ૬.૪ ટકા જ રહેશે, તેવો અંદાજ મૂકાયો છે, જે મોદી સરકાર અને નાણામંત્રી માટે ઝટકારૂપ ગણાવાઈ રહ્યો છે.
ગયા વર્ષે ભારતનો જીડીપી ૮.ર ટકા રહ્યો હતો, અને હવે આ વર્ષે ૬.૪ ટકાનું આ વાર્ષિક અનુમાન ભારતીય અર્થતંત્ર માટે કેટલું ચિંતાજનક છે, અને તેની વિસ્તૃત ચર્ચાઓથી બચવા કેન્દ્રિય બજેટમાં કેવા ઉપાયો થશે, તેની અલગથી ચર્ચા શરૂ થઈ ગઈ છે.
વિવિધ આંકડાકીય માહિતી અને અધિકૃત ડેટા માટે કાર્યરત રહેતી નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ (એનજીઓ) દ્વારા ગઈકાલે કરાયેલી જાહેરાત મુજબ ૬.૪ ટકાનો જીડીપી વૃદ્ધિ દર રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ચાલુ વર્ષ માટે જાહેર કરેલા અંદાજ ૬.૬ ટકા કરતા પણ ઓછો હોવાથી એવું કહી શકાય કે કેન્દ્રિય નાણામંત્રી નિર્મલા સિતારમણ માટે એક તરફ કૂવો અને બીજી તરફ ખાઈ છે. એક તરફ દિલ્હીની ચૂંટણીઓ તથા આગામી વર્ષે થનારી વિવિધ અન્ય ચૂંટણીઓને લક્ષ્યમાં લઈને લોભામણું બજેટ રજૂ કરવાની જરૂર છે, તો બીજી તરફ ચાલુ વર્ષે જીડીપીને લાગનારા ઝટકાને સરભર કરવાના ઉપાયો પણ આગામી બજેટમાં જ કરવા પડે તેમ છે, ત્યારે જોઈએ, નાણામંત્રી કેવો રસ્તો અપનાવે છે તે...
ચાલુ નાણાકીય વર્ષમાં જીડીપીમાં પણ શેરબજારની જેમ જ ઉતાર-ચઢાવ થતા રહ્યા છે. ચાલુ નાણાકીય વર્ષ ર૦ર૪-રપ ના એપ્રિલથી જૂન સુધીના પ્રથમ ક્વાર્ટરમાં ભારતનો વિકાસદર (ક્વાર્ટર) ઘટીને પ.૪ ટકા જ રહી ગયો હતો. ત્રીજા ક્વાર્ટરમાં જીડીપી વધીને ૬.૬ ટકા થશે, તેવી આરબીઆઈની ધારણા પણ સાચી પડી રહી નથી અને ૬.૪ ટકાનું નવું અનુમાન સામે આવ્યું છે, ત્યારે કેન્દ્રિય નાણામંત્રી સાથે બજેટ પહેલા જ દ્વિધામાં મૂકાઈ જવું પડે, તેવા આ સંજોગો સર્જાતા છેલ્લા એકાદ-બે અઠવાડિયાથી કેન્દ્રિય બજેટને લઈને થઈ રહેલી અટકળોમાં પણ બદલાવ આવ્યો છે, અને નવા અનુમાનો થઈ રહ્યા છે. પહેલી ફેબ્રુઆરીના બજેટ રજૂ થવાનું છે, અને તે પછી દિલ્હી વિધાનસભાની ચૂંટણી થવાની છે, જે શાસક ગઠબંધન માટે પણ પ્રતિષ્ઠાનો પ્રશ્ન છે, તો બીજી તરફ જીડીપીના નિર્ધારિત અનુમાનોમાં થતો ઘટાડો દેશની અર્થતંત્રની મબજબૂતી માટે ચિંતાજનક છે, તેથી આગામી કેન્દ્રિય બજેટ પર સૌ કોઈની નજરો મંડાયેલી રહેવાની છે.
એક તરફ મોદી સરકાર વિવિધ ક્ષેત્રે ઊંચા લક્ષ્યો સિદ્ધ કરવાના દાવા કરતી રહે છે, તો બીજી તરફ જીડીપીના અનુમાનો કાંઈક અલગ જ ચિત્ર રજૂ કરી રહ્યા છે, તેથી એવો સવાલ પણ ઊઠી રહ્યો છે કે ઈન્ડિયન ઈકોનોમીને ઝટકો કેમ લાગ્યો? તેવા પ્રશ્નનો ઉત્તર ક્યાંયથી મળી જ રહ્યો નથી.
ગઈકાલે દિલ્હીમાં પાંચમી ફેબ્રુઆરીના મતદાન અને આઠમી ફેબ્રુઆરીના મતગણતરીની જે જાહેરાત થઈ છે, તે પછી દિલ્હીમાં સ્વાભાવિક રીતે જ હલચલ તેજ થઈ ગઈ છે, પરંતુ મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવકુમારે રાજનેતાઓ દ્વારા મહિલાઓને સાંકળીને જે ગંદી ટિપ્પણીઓ થાય છે, તેની સ્પષ્ટ શબ્દોમાં ટિકા કર્યા પછી રમેશ બિઘુડીના વિવાદાસ્પદ નિવેદનોને લઈને ફરીથી વિરોધનો વંટોળ ઊઠતા ભાજપ ભોંઠપ અનુભવી રહ્યું હશે... હવે જોઈએ, બિઘુડીનું શું થાય છે તે...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial