ગઈકાલે સમાચાર આવ્યા કે દ્વારકા જિલ્લાની મતદારયાદીઓની આખરી પ્રસિદ્ધિ થઈ ગઈ છે અને ૬૯૦૦ નવા મતદારો ઉમેરાયા છે, તો ર૭૦૦ થી વધુ મતદારોના નામો કમી પણ કરાયા છે. નવા મતદારોને ટપાલ દ્વારા ઘેર બેઠા ઓળખપત્રો પહોંચાડાશે, વગેરે... વગેરે...
આ જ રીતે ગઈકાલે દિલ્હી વિધાનસભાની ચૂંટણીઓની તારીખો જાહેર કરતી વખતે દેશના મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવકુમારે પણ દિલ્હીની મતદારયાદીઓમાં ઉમેરાયેલા અને રદ્ કરાયેલ મતદારોની સંખ્યા અને તેને સંબંધિત આંકડાકીય વિગતો આપી. એટલું જ નહીં, મતદારયાદીઓમાંથી હજારો નામ ગાયબ કરી દેવાયા, તો કેટલાક વિસ્તારોમાં ઉમેરી દેવાયા હોવાના આક્ષેપોને મક્કમતાથી ફગાવી દઈને તમામ પ્રક્રિયાત્મક હકીકતો, ચોક્સાઈ અને ટ્રાન્સપરન્સી સમજાવી હતી. આ મુદ્દો તે પછી રાજકીય ક્ષેત્રે પણ ચર્ચાયો હતો, અને બેબુનિયાદ આક્ષેપો કરવાની માનસિક્તા તથા લૂલો બચાવ કરાતો હોવાની દલીલોનું દંગલ સર્જાયું હતું.
ચૂંટણ ભલે દિલ્હી વિધાનસભાની હોય, દ્વારકા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની હોય, રાષ્ટ્રીય કક્ષાની હોય, પ્રાદેશિક કક્ષાની હોય કે પછી સહકારી ક્ષેત્રોની હોય, તેનું મહત્ત્વ લોકતાંત્રિક પ્રક્રિયાની દૃષ્ટિએ સમાન જ ગણાય, અને ચૂંટણી પ્રક્રિયાઓમાં જો આશંકાઓ જાગે કે આક્ષેપો થાય, તો તેની સ્પષ્ટતા કરવાની ચૂંટણી પંચની ફરજ છે, જે મુખ્ય ચૂંટણી કમિશનરે બજાવી, પરંતુ તેમાંથી જે તારણો અને વિશ્લેષણો ઉત્પન્ન થયા છે, અને ચૂંટણી પંચની ગઈકાલની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રાજનેતાઓના બેહુદા નિવેદનોને લઈને મુખ્ય ચૂંટણી કમિશનરે જે કડક ટિપ્પણીઓ કરી, તેના ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે, તે આપણી સામે જ છે ને?
ગઈકાલે દિલ્હીમાં ભાજપ પર આક્રોશિત આમ આદમી પાર્ટીના નેતાઓએ મીડિયાને સાથે રાખીને મુખ્યમંત્રીના આવાસ (શિશમહેલ) અને વડાપ્રધાનના નિવાસસ્થાન (રાજમહેલ) માં પ્રવેશવાનો પ્રયાસ કર્યો અને પોલીસે તેઓને અટકાવ્યા તો આક્ષેપ-પ્રતિઆક્ષેપો વચ્ચે આ તમાશો નિહાળી કોંગ્રેસે વહેતી ગંગામાં હાથ ધોવાનું ટાળ્યું!!
જો કે, દિલ્હી વિધાનસભાની ચૂંટણી ભારતીય જનતા પક્ષ અને કોંગ્રેસ માટે પોતાનો જનાધાર વધારવા અને મેળ આવી જાય તો સત્તારૂઢ થવાની તક છે, તો આ વખતે આમ આદમી પાર્ટી માટે કપરાં ચઢાણ ગણાવાઈ રહ્યા છે. હજુ ચૂંટણીની તારીખો જ જાહેર થઈ છે, ત્યારે પ્રારંભિક અનુમાનો પછી દબાતા અવાજે પણ એવા તારણો તો નીકળી જ રહ્યા છે કે, પહેલા જેવી પ્રચંડ બહુમતી નહીં મળે, તો પણ દિલ્હીમાં સરકાર તો 'આપ'ની જ રચાશે, સાથે સાથે એવી સંભાવના પણ દર્શાવાઈ રહી છે કે બહુપાંખિયો જંગ હોવાથી આ વખતે 'આપ'નું ધોવાણ પણ થઈ શકે છે!
દિલ્હીમાં ચૂંટણીની તારીખો જાહેર થઈ તે પહેલા એવું જણાતું હતું કે મુખ્યમંત્રીપદ માટે કોંગ્રેસ કે ભાજપ પાસે કેજરીવાલ જેવો કદાવર ચહેરો પણ નથી અને પ્રચંડ જનાધાર ધરાવતો કોઈ મોટો નેતા પણ નથી, તેથી આમ આદમી પાર્ટી માટે ચૂંટણીઓ જીતવી સરળ હશે, પરંતુ કોંગ્રેસે ભાજપ કરતા પણ વધુ અક્રમક્તાથી દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ઝંપલાવ્યા પછી ચિત્ર બદલાયું અને આમ આદમી પાર્ટીના નેતાઓ સોફ્ટ હિન્દુત્વનું વલણ અપનાવાતા જોવા મળ્યા. નવાઈની વાત એ છે કે દિલ્હીમાં ઉપર આભ અને નીચે ધરતી જેવી સ્થિતિમાં જીવન ગુજારતા હજારો પરિવારોની ચિંતા કરવાના બદલે મુખ્યમંત્રીના આવાસ માટે 'આપ' લડાઈ લડી રહી છે, અને ભાજપ પણ આ જ પ્રકારના રાજકીય મુદ્દાઓ ઊઠાવી રહી છે, અને તેમાંથી જ શિશમહલ અને રાજમહલ જેવા વિવાદો ઊભા થયા છે. આમ પણ આ 'મહેલો'ના વિવાદોમાં જ જનતાને સ્પર્શતા મૂળ મુદ્દાઓ દબાઈ જ જતા હોય છે ને?
દિલ્હીમાં જ્યારે માયાવતીએ બહુજન સમાજવાદી પાર્ટીના ઉમેદવારોને મેદાનમાં ઉતારવાની જાહેરાત કર્યા પછી ભાજપને રાજકીય ફાયદો થશે, તેમ જણાતું હતું, પરંતુ સમાજવાદી પાર્ટી અને તૃણમુલ કોંગ્રેસે આમ આદમી પાર્ટીને ખુલુ સમર્થન આપ્યા પછી ચિત્ર બદલાયું છે, અને કોંગ્રેસ એકલી અટુલી પડી ગઈ હોવાના અહેવાલો આવવા લાગ્યા, ત્યારે કોંગ્રેસે કહ્યું કે દિલ્હીમાં 'આપ' અને ભાજપને સત્તાથી દૂર રાખવા હવે મતદારો પાસે માત્ર કોંગ્રેસ જ એક વિકલ્પ રહ્યો છે. ટૂંકમાં કોંગ્રેસ કહે છે કે, 'જિસ કા કોઈ નહીં, ઉસકા તો 'વોટર' હૈ યારોં'...!!
જો કે, આ વખતે દિલ્હીના વોટર્સ પણ કદાચ કન્ફ્યુઝનમાં છે, તેથી આગામી ત્રણ અઠવાડિયામાં દિલ્હીના મતદારો ફરી એક વખત શીલા દિક્ષિતના પુત્ર સંદીપ દિક્ષિતના નેતૃત્વને સ્વીકારીને કોંગ્રેસને સત્તા સોંપશે, ભાજપને તક આપશે કે પછી ફરીથી કેજરીવાલમાં વિશ્વાસ મૂકશે, તે જાણવા માટે તો આઠમી ફેબ્રુઆરીની વાટ જ જોવી પડશે...!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial