Sensex

વિગતવાર સમાચાર

આજના સમયની માંગ છે ટપાલ ખાતું યુગને અનુરૂપ સેવાઓ સુધારે... કર્મચારીઓ-ટપાલીઓને તાલીમ બદ્ધ કરે...

જામનગરમાં સાદી ટપાલો, પોષ્ટથી મોકલાતા મેગેઝિન્સ, અખબારો વગેરે કેટલાક વિસ્તારોમાં પહોંચાડાતા નથી, અથવા સમયસર પહોંચતા નથી, તે પ્રકારની ફરિયાદો ટપાલ કચેરીઓ સમક્ષ તો થતી જ હશે, પરંતુ કેટલીક ફરિયાદો તો અખબારોના પાને ચમકે છે અને સોશ્યલ મીડિયાના માધ્યમથી પણ આક્રોશ વ્યક્ત થતો હોય છે, અને આ ફરિયાદોમાં વજુદ પણ જણાય છે.

એક જમાનો હતો, જ્યારે લોકો ટપાલી (પોષ્ટમેન) ની રાહ જોઈને બેસતા હતાં અને પત્રો, મનીઓર્ડર તથા પોષ્ટ પાર્સલની સેવાઓ ઝડપી, ચોક્કસ, વિશ્વસનિય અને નિયમિત હતી. આજે પણ દુર્ગમ અને ગ્રામ્ય વિસ્તારોમાં ટપાલ વિભાગની સેવાઓ દ્વારા સંદેશા વ્યવહાર ચાલી જ રહ્યો છે, છતાં કથળતી જતી સેવાઓની ફરિયાદો પણ દિવસે દિવસે વધી રહી છે, જેનું નિવારણ પણ આ વિભાગોએ તત્કાળ સ્વયં જ લાવવું પડે તેમ છે.

દાયકાઓથી ટપાલ વિભાગ દ્વારા રજિસ્ટર્ડ પોષ્ટની સેવાઓ સમગ્ર દેશમાં વ્યાપેલી છે. વર્ષો સુધી રજિસ્ટર એ.ડી.થી મોકલાતી ટપાલો સાથે એક પોષ્ટકાર્ડ જેવું એકનોલોજમેન્ટ કાર્ડમાં ટપાલ સ્વીકારનારની સહી મેળવીનેે તે ચોક્કસપણે રજિસ્ટર એ.ડી. કરનારને પહોંચાડાતું હતું, અને તે સંબંધિત વ્યક્તિ, સંસ્થા, કચેરી, સરકાર કે સંગઠનને મળ્યું હોવાનું મહત્ત્વપૂર્ણ પ્રૂફ ગણાતું હતું, જે અદાલતોમાં પણ સ્વીકૃત રહેતું હતું.

હવે આ પ્રકારનું એકનોલોજમેન્ટ કાર્ડ ભાગ્યે જ રજિસ્ટર્ડ-ટપાલ મોકલનારને પરત પહોંચાડાય છે, અને આ કાર્ડ સાદી ટપાલની જેમ જ મોકલનાર સુધી પહોંચાડાતું હોવાથી તે પહોંચાડાયું છે કે નહીં, તેની કોઈ નોંધ પણ રહેતી નથી, તેથી મોટાભાગના લોકો હવે સ્પીડ પોષ્ટનો ઉપયોગ કરવા લાગ્યા છે, કારણ કે આ સ્પીડપોસ્ટને ઓનલાઈન ટ્રેક અને ટ્રેસ કરી શકાય છે, અને ટપાલ વિભાગ દ્વારા આ ટપાલ પહોચાડનાર ટપલી તથા ટાઈમીંગ સહિતની હિસ્ટ્રી પૂરી પાડે છે. એટલું જ નહીં, આ ટપાલ સ્વીકારનારની સહી મેળવીને જ તેની ડિલિવરી કરવામાં આવે છે. કોઈ ચોક્કસ કારણસર ટપાલ પહોંચાડી શકાય તેમ જ ન હોય, તો પણ એ ટપાલ સેન્ડર એટલે કે મોકલનારને તેના જણાવેલા સરનામે પરત પહોંચાડવામાં આવે છે, જેથી આ ટપાલની મૂવમેન્ટની તમામ હિસ્ટ્રી ઓનલાઈન જાણી શકાય અને સેન્ડર અને રિસિવર તેને ટ્રેક પણ કરી શકે.

જો કે, હવે સ્પીડપોષ્ટ પણ પંદર-પંદર દિવસ સુધી પહોંચતી નહીં હોવાના પૂરેપૂરૂ સરનામું અને મોબાઈલ ફોન નંબર લખેલા હોવા છતાં ગણતરીના કલાકોમાં જ 'ઈન્સફિશિયન્ટ એડ્રેસ' એટલે કે પૂરતું સરનામું નહીં હોવાનો શેરો મારીને સેન્ડર તરફ રવાના કરી દેવાના કિસ્સાઓ વધવા લાગ્યા છે. જામનગરમાંથી તો આ પ્રકારની ફરિયાદ તાજેતરમાં જ ઈ-મેઈલથી ચીફ પોસ્ટ માસ્ટર જનરલ ગુજરાત સુધી પહોંચી અને ત્યાંથી તાકીદની સૂચનાઓ પછી સેન્ડર સુધી ટપાલ પહોંચી, એટલું જ નહીં, ઈ-મેઈલથી કરાયેલી ફરિયાદ અંગે ઈન્કવાયરી પણ શરૂ થઈ હોવાનું કહેવાય છે.

જો આ પ્રકારની ફરિયાદો વધશે, તો લોકોનો વિશ્વાસ ટપાલ તંત્રમાંથી ઊઠી જશે, અને ટેલિગ્રામ ઓફિસોની જેમ ટપાલતંત્ર પણ વિંટાઈ જશે, તેમ નથી લાગતું?

હકીકતે ટપાલ કચેરીઓ અને ખાસ કરીને જિલ્લા કચેરીઓ, સબ-પોષ્ટ ઓફિસો તથા બ્રાન્ચ પોષ્ટ ઓફિસોમાં 'સાફસૂફી' કરીને ટપાલતંત્રને અદ્યતન યુગને અનુકૂળ કાર્યાન્વિત કરવું પડે તેમ છે. કેટલાક નવા નિમાયેલા પોષ્ટમેનો (ટપાલીઓ) તથા શોર્ટીંગ કરતા સ્ટાફને નવેસરથી પ્રશિક્ષિત કરીને તેઓને સમયાંતરે તાલીમ આપતી રહેવી પડે તેમ છે. તેઓ હકારાત્મક અભિગમ અપનાવીને તથા વ્યવહારૂ બનીને ટપાલો રિસિવર સુધી અવશ્ય પહોંચાડે, તેવી રીતે તાલીમબદ્ધ કરવાની જરૂર છે, તેમ નથી લાગતું?

અત્યારે ઈન્ટરનેટ યુગમાં જ્યારે સ્પીડપોષ્ટ તથા રજિસ્ટર્ડ પાર્સલ વગેરે કન્સાઈન્મેન્ટનું ટ્રેકીંગ થઈ શકે છે, ત્યારે અધુરૂ સરનામું હોય કે ઘર બંધ હોય ત્યારે ટપાલ તે જ દિવસે પરત મોકલી દેવાના બદલે પાંચ-સાત દિવસ જે-તે સંબંધિત બ્રાન્ચ પોષ્ટ ઓફિસમાં રહે, અને રિસિવરને જાણ કરાય, જેથી રિસિવર તે રૂબરૂ સંપર્ક સાધીને મેળવી શકે, તેવી વ્યવસ્થા સુદૃઢ કરવી અત્યંત જરૂરી છે. ખાસ કરીને જ્યારે ટપાલ પર મોબાઈલ કે ફોન નંબર લખ્યા હોય, ત્યારે ટપાલી દ્વારા તેને ફોન કરીને ટપાલ ફરજિયાત પહોંચાડે, તેવી વ્યવસ્થા અને તાલીમ આપવી જોઈએ, કારણ કે હવે બાબા આદમના વખતથી ચાલી આવતી વ્યવસ્થાઓ ચાલે તેમ નથી ખરૃં ને?

આ તો થઈ ટપાલો પહોંચાડવાની વાત, પરંતુ ટપાલ વિભાગ દ્વારા અમલી બનેલી કેન્દ્ર સરકારની કેટલીક યોજનાઓ, બચતયોજનાઓ તથા નવતર પોષ્ટ-બેન્કીંગ ેસેવાઓ માટે પણ ભારતીય ટપાલ વિભાગમાં ટોપ-ટુ-બોટમ ધરમૂળથી ફેરફારો કરવા જરૂરી બન્યા છે, તે નક્કર હકીકત જ છે ને?

હાલમાં ભારતીય ટપાલ વિભાગની રાજ્ય-ડિવિઝન કક્ષાની કચેરીઓ તથા અધિકારીઓ જેવી ફરજનિષ્ઠા હવે ઘણાં સ્થળે ગ્રાસરૂટના કર્મચારીઓ-કચેરીઓમાં દેખાતી નથી, તેથી નવી ભરતીના કર્મચારીઓ જુના ટપાલીઓ જેવી સંવેદનશીલતા અને નિષ્ઠા ધરાવતા થાય, સીધી પબ્લિક સાથે સંપર્કમાં આવતી ટપાલ કચેરીઓના નાના અધિકારીઓ, ક્લાર્કો, ટપાલીઓ વગેરે પ્રો-પબ્લિક અભિગમ અપનાવતા થાય, તે અત્યંત જરૂરી છે, કારણ કે કુરિયર સેવાઓ તથા ઓનલાઈન સંદેશાવ્યવહારના યુગમાં ટકી રહેવા માટે હવે લોલંલોલ કે બેદરકારી ચાલે તેમ જ નથી, તે પણ નક્કર વાસ્તવિક્તા જ છે ને?

અત્યારે પણ રાષ્ટ્રીયકૃત બેંકો, રાજ્ય-કેન્દ્ર સરકારની કચેરીઓ, સરકારી કામકાજ કરતી ખાનગી એજન્સીઓ, અદાલતો તથા અન્ય સરકારી અને બંધારણીય સંસ્થાઓ તમામ પત્રવ્યવહાર અને પબ્લિક સાથેનો પત્રાચાર માત્ર ટપાલ વિભાગ દ્વારા સંચાલિત સેવાઓ મારફત જ કરી રહી હોવાથી ટપાલ તંત્રની બેદરકારી કે વિલંબ ઘણી વખત ઘણા લોકો માટે મુશ્કેલી અને સમસ્યા વધારી શકે તેમ હોવાથી ટપાલ ખાતુ સવેળા જાગૃત બને, તે સમયની માંગ છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial