દુનિયાનો સૌથી મોટો અને વિશાળ મેળો ગણાતો મહાકુંભ આજથી ગંગા, યમુના અને સરસ્વતીનો ત્રિવેણી સંગમ ધરાવતા પ્રયાગરાજં આજથી શરૂ થયો છે, અને તેને સંબંધિત વ્યવસ્થાઓ થા આ મુદ્દે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે થયેલી લાંબી વાતચીત પછી રાજકીય વર્તુળોમાં પણ અટકળોનું બજાર ગરમ છે, અને ભાજપમાં કાંઈક નવાજુની થશે, તેવા એંધાણ પણ વર્તાઈ રહ્યા છે.
બીજી તરફ મકસંક્રાંતિના તહેવારને ઉજવવાની તૈયારીઓ દેશભરમાં ચાલી રહી છે, અને દેશના જુદા જુદા રાજ્યોમાં વિવિધ નામે ઉજવાતા આ તહેવારમાં ગુજરાતના પતંગ મહોત્સવે કાંઈક અલગ જ આકર્ષણ જમાવ્યું છે. જામનગર સહિત હાલારમાં પણ પતંગબાજો આવતીકાલે મકસંક્રાંતિના પર્વે ખાણી-પીણી અને ગીત-સંગીત સાથે પતંગ ચગાવવા થનગની રહ્યા છે. દ્વારકામાં શિવરાજપુરમાં આંતરરાષ્ટ્રીય કક્ષાના પતંગ મહોત્સવે પણ ગ્લોબલ એટ્રેક્શન ઊભું કર્યું છે અને ત્યાં તો રિલિજિયસ ટુરિઝમ, ઈકો-ટુરિઝમ અને કાઈટ ફેસ્ટીવલનો અનોખો ત્રિવેણી સંગમ ઊભો થયો છે.
ઉત્તરાયણ પછી ધનુર્માસ સમાપ્ત થતા જ લગ્નસરાની સિઝન પણ આવી રહી છે અને ૧૪ મી જાન્યુઆરી પછીના પખવાડિયામાં જ નવ જેટલા દિવસોએ શુભલગ્નના મુહૂર્ત હોવાથી લગ્નની તૈયારીઓમાં અનેક પરિવારો વ્યસ્ત છે. તે પછી ફેબ્રુઆરી મહિનામાં તો અડધોઅડધ દિવસોમાં એટલે કે લગભગ ૧પ જેટલા મુહૂર્ત હોવાથી આ વર્ષે ફેબ્રુઆરી મહિનો જાણે શુભલગ્ન મહિના તરીકે ઉજવાઈ રહ્યો હોય અને ઈતિહાસ દોહરાવાઈ રહ્યો હોય, તેમ જણાય છે.
એવું કહેવાય છે કે ઉત્તરાયણ અથવા મકસંક્રાંતિના આગળ-પાછળના કાંધા બહું ઠરે, તેથી ઠંડી વધુ પડે, અને પછી ધીમે ધીમે ઠંડીનો પ્રકોપ ઘટતો જાય, પરંતુ એવી માન્યતા પણ છે કે શિયાળો હોળી તાપીને વિદાય લ્યે, એટલે હૂતાસણી સુધી ઓછા-વત્તા પ્રમાણમાં ઠંડીનું અસ્તિત્વ અને તે પછી ઋતુચક્ર ફરવાથી ઋતુ બદલે.
દેશની રાજનીતિમાં પણ ઉત્તરાયણ પછી ઉથલપાથલની અટકળો થઈ રહી છે. મોદી-યોગીની લાંબી મુલાકાત રાષ્ટ્રીય કક્ષાએ ભાજપમાં નવાજુનીના સંકેત આપે છે, તેવી જ રીતે ઈન્ડિયા ગઠબંધનના ચક્રવ્યૂહમાંથી બહાર નીકળીને કોંગ્રેસ કદાચ નવો ધડાકો કરે અને ફરીથી 'એકલા ચલો રે'ની નીતિ જાહેર કરીને અત્યારથી જ આગામી લોકસભા તથા કેટલીક વિધાનસભાઓની ચૂંટણીઓની સ્વબળે તૈયારીઓ કરે, તેવી સંભાવનાઓ પણ જોવા મળી રહી છે. આવું એટલા માટે થઈ રહ્યું છે કે કેટલાક પ્રાદેશિક પક્ષો કેન્દ્રમાંથી મોદીની એનડીએ સરકારને હરાવવાનું લોકતાંત્રિક લક્ષ્ય સાધી ન શકાયુ, તે માટે કોંગ્રેસને જવાબદાર ઠેરવી રહ્યા છે, જ્યારે કોંગી નેતાઓ તથા કોંગ્રેસના રણનીતિકારોનું મંતવ્ય એવું છે કે ભાજપને લોકસભામાં એકલા હાથે બહુમતી ન મળી, એનડીએની પીછેહઠ થઈ, અને પ્રાદેશિક પક્ષો ફાવી ગયા, તેની પાછળ કોંગ્રેસે (સીટોનું) આપેલું બલિદાન કારણભૂત છે. જો કોંગ્રેસ એકલા હાથે લોકસભાની મહત્તમ સીટ લડી હોત અને ૪પ૦ થી પ૦૦ ઉમેદવારો ઊભા રાખ્યા હોત, તો કદાચ આ વખતે કોંગ્રેસને ૯૯ બેઠકો મળી છે, તેનાથી ઓછામાં ઓછી ડબલ સીટો તો મળી જ હોત!
મહારાષ્ટ્રના વારંવાર નિવેદનો બદલતા રહેતા નેતા સંજય રાઉતે લોકસભામાં નિષ્ફળતા પછી ઈન્ડિયા ગઠબંધનમાં તડા પડ્યા અને હવે વિખેરાવા લાગ્યું છે, તેના માટે કોંગ્રેસને જવાબદાર ઠેરવી છે, જ્યારે સમાજવાદી પાર્ટી, કેટલાક ડાબેરી પક્ષો તથા નેશનલ કોન્ફરન્સે પણ આ જ પ્રકારની વાતો કરી છે, ત્યારે કોંગ્રેસના રણનીતિકારો પણ કહે છે કે, 'હવે બહુ થયું, જાગ્યા ત્યારથી સવાર!!'
બીજી તરફ એનડીએમાં પણ બધું બરાબર નથી. મહારાષ્ટ્રમાં એક તરફ શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરેની શિવસેના ઈન્ડિયા ગઠબંધન છોડવાની તૈયારીઓ હોવાની સંભાવનાઓ જણાવાઈ રહી છે, ત્યારે બીજી તરફ અમિતભાઈ શાહે શરદ પવારને લઈને જાહેરમાં કરેલા તાજેતરના ઉચ્ચારણો જોતા એમ જણાય છે કે, શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરેને તત્કાળ એનડીએમાં સમાવીને ભાજપ શિંદે જુથને નારાજ કરવા માંગતું નથી, કારણ કે મહારાષ્ટ્રની ફડણવીસ સરકાર પણ અજીત પવાર જુથ અને શિંદે જુથની કાંખઘોડી પર જ ટકેલી છે ને?
ગુજરાતમાં તો અમરેલીમાં ભાજપના આંતરિક જુથવાદે જ રાજ્યની પટેલ સરકારને 'ફિક્સ'માં મૂકી દીધી હોય તેમ જણાય છે, અને પાટીદાર મહિલાકર્મીની બેઈજ્જતીના મુદ્દે ભાજપના જ રૂપાલા સહિતના નેતાઓ સમર્થનમાં આવ્યા પછી અંતે સરકારે કેટલાક પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવા પડ્યા હોવાના અહેવાલો જોતા એ કહેવત યાદ આવી જાય છે કે, 'ઘર ફૂટે ઘર જાય...!'
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial