Sensex

વિગતવાર સમાચાર

ઋતુ અને રાજનીતિ પર છવાયું ગાઢ ધુમ્મસ... ઠંડી મેં ભી ગરમી કા અહેસાસ

શિયાળાની જમાવટ વચ્ચે છવાયેલા ધુમ્મસે માત્ર સડક પરિવહન જ નહીં, પરંતુ વહેલી સવારે રેલવે અને હવાઈ સેવાઓને પણ થંભાવી દીધી અને દિલ્હીમાં ગાઢ ધુમ્મસથી વિઝિબિલિટી ઝીરો થઈ ગઈ હતી. આજે દેશની રાજધાનીમાં કમોસમી વરસાદની આગાહી થતા જાહેર આરોગ્યની દૃષ્ટિએ જોખમી સ્થિતિ સર્જાવા પામી છે. આજે વહેલી સવારે ઉત્તર ભારતના ઘણાં માર્ગો પર ધુમ્મસનું આવરણ છવાયેલું જોવા મળ્યું, તો આબુમાં પણ બરફની ચાદર છવાઈ ગઈ હતી, અને કાશ્મીર જેવું બરફીલું વાતાવરણ જામતા આબુના પ્રવાસીઓ પણ મોજ માણી રહેલા જોવા તાં. આજે સિઝનની સૌથી વધુ ઝાંકળવર્ષા થઈ રહી હોવાના અહેવાલો પણ આવી રહ્યા છે. આજે છવાયેલું ધુમ્મસ બપોર થતાં થતાં ઘટી જશે અને બપોરે લઘુતમ તાપમાન દોઢું થઈ જશે, તેવી આગાહી આજે સવારે જ કરાઈ હતી.

જો કે, દિલ્હીમાં હળવું માવઠું થાય તો ધૂમ્મસ ઘટે અને સાથે સાથે પ્રદૂષણ પણ ઘટે તેમ હોવાથી કમોસમી વરસાદ પણ ઉપયોગી બને છે. સાથે સાથે ઠંડી પણ વધતી હોવાથી સિઝનલ બીમારીઓનો ખતરો વધી જતો હોવાથી લોકોને સતર્ક પણ કરવામાં આવી રહ્યા છે.

ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભમાં એક તરફ કરોડો શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે, તો બીજી તરફ કડકડતી ઠંડીના કારણે બીમારીનો ખતરો પણ વધી રહ્યો છે. ગઈકાલે એક નેતા સહિત બે-ત્રણ લોકોના મૃત્યુ થયા તથા કેટલાક લોકો બીમાર પડી ગયા હોવાના અહેવાલો પછી શ્રદ્ધાળુઓને કેટલીક સાવધાનીઓ રાખવાની અપીલ પણ ત્યાંના સ્થાનિક તંત્રો દ્વારા કરવામાં આવી રહી છે, તો બીજી તરફ આજે માર્ગ-રેલવે અને હવાઈ પરિવહન ગાઢ ધુમ્મસની અસર થતાં ખોરવાઈ ગયું હતું, તેની વિપરીત અસરો મહાકુંભની વ્યવસ્થાઓ તથા પ્રવાસીઓ પર પણ પડી રહી છે, જો કે મૃતકોની ખોટી સંખ્યા દર્શાવીને અફવાઓ ફેલાવતા અને ભ્રમ ઊભો કરતા પરિબળો સામે એફઆઈઆર નોંધીને પોલીસે કડક કદમ ઊઠાવ્યા પછી સોશ્યલ મીડિયા દ્વારા ભ્રમ ફેલાવતી પોષ્ટ દૂર થવા લાગી હતી. લોકોને અફવાઓથી દૂર રહેવા અને સ્થાનિક તંત્રો દ્વારા અપાતા માર્ગદર્શન તથા સૂચનાઓ અનુસરવારની અપીલો પણ થઈ રહી છે.

મહાકુંભના કારણે દેશના અર્થતંત્રને ફાયદો થશે અને જીડીપીમાં એક ટકાનો વધારો થશે, તે પ્રકારના અહેવાલો તથા મહાકુંભના મહાત્મય તથા તેને સંલગ્ન માહિતીના માધ્યમથી આજે દેશભરમાં મહાકુંભનું મહિમાગાન થઈ રહ્યું છે, અને તેમાં વિદેશથી આવેલા કેટલાક મૂળ ભારતીય ન હોય, તેવા પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓ, સંતોના પ્રતિભાવો પણ પ્રેસ-મીડિયા અને સોશ્યલ મીડિયામાં છવાયેલા છે.

કડકડતી ઠંડી વચ્ચેેેેેેેેેેેેેેેેેેેકેટલીક ઘટનાઓ ગરમાવો ઉત્પન્ન કરી રહી છે, અને આંતરરાષ્ટ્રીય અશાંતિના માહોલમાં હમાસે બંધકો છોડવાનો પ્રસ્તાવ સ્વીકાર્યો હોવાના અહેવાલો છતાં અવિશ્વાસ અને અજંપાનો માહોલ ખતમ થઈ રહ્યો નથી, તો ભારતમાં મહાકુંભ પછી સૌથી વધુ ચર્ચા દિલ્હી વિધાનસભાની ચૂંટણીને લઈને થઈ રહી છે.

દેશની રાજધાનીમાં છવાયેલું ધુમ્મસ જાણે ત્યાંની રાજનીતિ પર પણ જાણે ગાઢ ધુમ્મસ છવાયું હોય, તેમ આ વખતે થનારી હાર-જીતને લઈને કોઈ સ્પષ્ટ અનુમાનો ભલભલા રાજકીય પંડિતો પણ કરી શક્યા હોય, તેમ જણાતું નથી, કારણ કે હવે રાહુલ ગાંધીએ પોતે જ દિલ્હીની ચૂંટણીના પ્રચારમાં ઝંપલાવીને કેજરીવાલ પર પ્રહારો કર્યા છે, અને કોંગ્રેસે ભાજપ કરતા યે વધુ સક્રિય રીતે આ વખતે દિલ્હીની ચૂંટણીમાં ઝંપલાવ્યું હોવાથી ત્યાં સત્તામાં ટકી રહેવું આમ આદમી પાર્ટી માટે સરળ નહીં હોય, જ્યારે ભાજપનો પણ અઢી-ત્રણ દાયકાઓ પછી દિલ્હીની સત્તા પર આવવાનું સ્વપ્ન પણ રોળાઈ જવાનું છે, તેવી અટકળો વચ્ચે કોંગ્રેસની સક્રિયતા કોને ફાયદો કરાવશે, તે નક્કી થઈ શકતું નથી, જો કે રાજકીય પંડિતો ભાજપ કરતા આ વખતે કોંગ્રેસને વધુ ફાયદો થશે અને શીલા દિક્ષિતના પુત્ર સંદીપ દિક્ષિત પર દિલ્હીના મતદારો પસંદગીનો કળશ ઢોળી શકે છે, તેવી સંભાવનાઓને  નકારી રહ્યા નથી.

દિલ્હીના મતદારો મન કળવા દેતા નથી અને પોસ્ટોર તથા સોશ્યલ મીડિયામાં બીજેપી-આમ આદમી પાર્ટી વચ્ચેના પ્રચાર-યુદ્ધ વચ્ચે કોંગ્રેસ ગૂપચૂપ પોતાના ચોકઠાં ગોઠવી રહી હોવાના તારણો પણ નીકળી રહ્યા છે.

કોંગ્રેસને જનાદેશ મળે, તો સંદીપ દિક્ષિત મુખ્યમંત્રી બનશે, તે લગભગ નક્કી છે, જ્યારે આમ આદમી પાર્ટીનો ચહેરો તો કેજરીવાલ જ છે, અને તેમણે પોતે આ ચૂંટણીમાં વિજયને પોતાની ઈમાનદારીનું સર્ટીફિકેટ ગણવાની જાહેરાત કરી દીધી છે, તેથી આમ આદમી પાર્ટીનો મુખ્યમંત્રી પદ માટે કદાવર ચહેરો છે પરંતુ ભાજપ પાસે તો મુખ્યમંત્રીપદનો કોઈ ચહેરો જ નથી, તેથી આ વરરાજા વગરની જાન 'વિજયવધૂ' લઈને કેવી રીતે આવી શકે, તેવા કટાક્ષો પણ થઈ રહ્યા છે, તેથી રાજકીય ગરમાવો વધી ગયો છે.

કડકડતી ઠંડી વચ્ચે પણ કેટલાક ક્ષેત્રોમાં ગરમી વધી રહી છે અને પૃથ્વીના એક ક્ષેત્રમાં બરફવર્ષા તથા બીજા ક્ષેત્રમાં ગરમી તથા પ્રચંડ આગના પ્રકોપ વચ્ચે દિલ્હીથી વોશિંગ્ટન અને નગરથી નેશન સુધી ધૂંધળો માહોલ છવાઈ ગયો હોય તેમ જણાય છે, અને ઠંડીમાં પણ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે, તો બીજી તરફ ખેડૂત આંદોલનથી લઈને અમરેલી ફેઈમ આંદોલનો તથા વકીલ મંડળોથી લઈને સહકારી ક્ષેત્રોમાં થતી હલચલ, હિલચાલ અને ગરમાગરમી આગામી દિવસોમાં મોટી નવાજુનીના સંકેતો આપી રહ્યા છે, તેમ નથી લાગતું?

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial