Sensex

વિગતવાર સમાચાર

પ્રજાના પ્રશ્નો આ રીતે ઉકેલાશે ખરા? લોકદરબારો, ડાક અદાલતો, પબ્લિક હિયરીંગ શું માત્ર ડ્રામેબાજી હોય છે?

આપણે ઘણી વખત જોઈએ છીએ કે જ્યાં 'નો પાર્કિંગ'નું મોટું બોર્ડ લગાવ્યું હોય, ત્યાં જ વાહનો આડેધડ પાર્ક કરેલા હોય છે. જામનગર સહિતના નગરોમાં કેટલાક સ્થળે સ્વચ્છતા અભિયાનમાં મોટા હોર્ડીંગ્ઝ લગાવેલા હોય, ત્યાં જ ભયંકર ગંદકી અને ઉકરડામાં રખડતા ઢોર ખોરાક શોધી રહ્યા હોય, ઘણાં લોકો વન-વેમાં 'વટ'થી ઘૂસી જતા હોય છે, અને આ પ્રકારે વન-વેમાં વટ મારતા લોકોમાં મોટાભાગે શ્રીમંત નબીરાઓ હોય છે, તો ઘણી વખત નેતાપુત્રો, પોતાને કાયદાથી પર માનતા અને વીઆઈપીનો વહેમ રાખતા વિવિધ ક્ષેત્રના પ્રતિનિધિઓ અને તંત્રવાહકો કે સરકારી વાહનો પણ હોય છે, તે ઓપન સિક્રેટ નથી?

સરકારી કામ હોય કે ભગવાનના દર્શન કરવાના હોય, મંદિર હોય કે સરકારી કચેરી હોય, હોસ્પિટલની કેસબારી હોય કે બેન્કીંગ કાઉન્ટર હોય, બસમાં ચડવાનું હોય કે ટ્રેનમાં જવાનું હોય, આપણે શિસ્તબદ્ધ રીતે કતારો લગાવીને ભાગ્યે જ આગળ વધીએ છીએ, અને ધક્કામૂક્કી કરવી, એ જન્મસિદ્ધ અધિકાર હોય, તેવું વર્તન કરતા હોઈએ છીએ. આમ, આપણી માનસિક્તા જ એવી થઈ ગઈ છે કે, આપણે લખેલી કે અપાતી સૂચનાઓ કે ઘડાયેલા નિયમોનું સતત ઉલ્લંઘન જ કરતા રહીએ છીએ.

જ્યારે એવા અહેવાલો અનેક ચાઈનીઝ દોરીથી કોઈનું ગળું કપાયું, અથવા ચાઈનીઝ દોરીઓ વીજવાયરોમાં ચોંટી જતા ખંભાળિયામાં કલાકો સુધી અંધારપટ છવાયો, ત્યારે એ વિચાર કેમ નથી આવતો કે પ્રતિબંધ હોવા છતાં ચાઈનીઝ દોરી આવી ક્યાંથી? ચાઈનીઝ દોરીથી કોઈનું ગળું કપાયું હોય, તે દોરી વાપરનારને પકડીને અને તેના વેંચનારને દબોચીને કડક કાનૂની કદમ લેવાની 'ડ્રાઈવ' કે 'પાઈલોટ પ્રોજેક્ટ' કેમ નથી અજમાવાતો?

ગુજરાતમાં દારૃબંધી હોવા છતાં દેશી કે વિદેશી, બિયર કે કોચ અને ંચલપું, હાફ કે હોલ, જેવો જોઈએ તેવો અને જેટલો જોઈએ તેટલો દારૃ મળે છે, તે ઓપન સિક્રેટ છે. દેશમાં ડ્રગ્સ અને માદક દ્રવ્યો પર પ્રતિબંધ હોવા છતાં નશીલી ડ્રગ્સ પકડાય જ છે ને ? આ ડ્રગ્સનો જથ્થો પકડનારાઓને બિરદાવવા જોઈએ, પરંતુ તેને મોકલનારના મુળિયા સુધી પહોંચીને સમગ્ર ચેઈનને નેસ્તનાબૂદ કેમ કરી શકાતી નથી? આ નશીલા દ્રવ્યો, ડ્રગ્સ, શરાબ વગેરેની કોઈને કોઈ રીતે હેરાફેરી તો થતી જ હશે ને? આ બધું કાંઈ આકાશમાંથી ટપકતું નથી હોતું ને? છે કોઈની પાસે કોઈ જવાબ?

વાસ્તવમાં જેનો પ્રતિબંધ હોય, તે કરવાની વૃત્તિને કાબેલિયત કે 'વટ' ગણવાની માનસિક્તા જ સર્વવ્યાપક અને સર્વસ્વીકૃત બની ગઈ છે, તેમ નથી લાગતું?

જાહેરમાં ધુમ્રપાન કરવાની મનાઈ હોય ત્યાં જ સિગારેટના કસ ખેંચતા ખેંચતા 'વટ'થી આંખ મારવી, નજીક જ જાહેર મૂતરડી હોવા છતાં જાહેરમાં યુરીન (પેશાબ) કરવું, ટ્રાફિકને અડચણરૃપ થાય તેવી રીતે વાહન પાર્ક કરવું કે રોંગ સાઈડમાં ધરાર વાહન ચલાવીને વણજોઈતી તકરારો કરવી, વગેરે માનસિક્તા ધરાવતા લોકો જ જ્યારે કોઈ મહત્ત્વપૂર્ણ હોદ્દા પર પહોંચે છે, ત્યારે તેઓ ત્યાં પણ આ જ પ્રકારની હરકતો કરવા લાગતા હોય છે, અને તેથી જ 'પ્રતિબંધાત્મક' આદેશોનો ઉલાળિયો કરનારાની બોલબાલા હોય છે, અને સિસ્તબદ્ધ અને પ્રામાણિક રહેનારા લોકો લાઈનોમાં લાગીને ધક્કા ખાતા હોય છે કે પછી રોંગસાઈડમાં આવીને અથડાનારને પણ 'દયાવાન' બનીને જવા દેતા હોય છે, તેવી જે જનધારણાઓ વ્યાપી રહી છે, તેને અટકાવવા સમાજે, સરકારે અને ખાસ કરીને નિયંત્રક તંત્રોએ કોઈ નવા અભિગમો અને અભિયાનો ચલાવવા જોઈએ, તેમ નથી લાગતું?

લોકોના પ્રશ્નોના ઉકેલના નામે પણ ઘણાં નાટકો ચાલે છે. લોકોને પોતાના પડતર પ્રશ્નો ઉકેલવા માટે પણ ચોક્કસ એક જ મુદ્દો, કાગળ પર લખીને ચોક્કસ સમયમર્યાદામાં સ્થળે પહોંચાડો, ત્યાં હાજર રહો અને તેમ છતાં પ્રશ્ન ઉકેલાઈ, તો ઉકેલાય, તેને પ્રજાલક્ષી અભિગમ ગણવો કે પ્રજાને મુરખ બનાવીને હાથ ઊંચા કરી દેવાની તરકીબ ગણવી- તે જનતાએ નક્કી કરવાનું છે.

એક તો આ પ્રકારના દરબારો, ફરિયાદ નિવારણ અભિયાનો કે ડાક અદાલતો-પબ્લિક હીયરીંગ જેવા કાર્યક્રમો યોજવા જ કેમ પડે? આટલા બધા પ્રશ્નો પડતર જ કેમ રહે? તોતિંગ પગાર ખાતા તંત્રો કરે છે શું? તેવા પ્રશ્નો વિપક્ષો પણ કદાચ એટલા માટે નહીં ઊઠાવતા હોય કે કદાચ તેઓ સત્તામો આવે, ત્યારે પોતાના જ પ્રશ્નો ગળાની ફાંસ બની જતા હોય છે, ખરૃં કે નહીં?

એક તાજુ દૃષ્ટાંત છે, તાજેતરમાં જ વિનાકારણે ટપાલ રિટર્ન કરી દેવાની માનસિક્તા બદલવા તથા પોષ્ટતંત્રની સેવાઓ સુધારવાનું સૂચન થયું હતું, તો ટપાલ વિભાગે શરતો સાથે ચોક્કસ ફરિયાદો માટે જ (નીતિવિષયક બાબતો સિવાય) અરજીઓ ચોક્કસ સમયમર્યાદામાં મંગાવીને 'ડાક અદાલત'ની જાહેરાત કરી દીધી, જેથી નવા સ્ટાફ, ટપાલીઓને તાલીમબદ્ધ કરવા અને પ્રો-પબ્લિક સેવાઓમાં સુધારણાના 'નીતિવિષયક' સૂચનોનો છેદ જ ઊડી જાય...!? હવે રાજ્ય કક્ષાએથી આ ઉપયોગી સૂચનોની નોંધ લેવાશે ખરી?

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial