Warning: Undefined array key "read" in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 6

Deprecated: json_decode(): Passing null to parameter #1 ($json) of type string is deprecated in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 14
Nobat - Daily News Jamnagar

Sensex

વિગતવાર સમાચાર

જામનગરની ગોલ્ડ મેડાલિસ્ટ સ્વીમર ઉષા સારડાની રોમાંચક-પ્રેરણાદાયી વિજયગાથા

જિંદગીના સંઘર્ષને સફળતાની સોનેરી સિદ્ધિઓમાં પલટાવ્યોઃ રાષ્ટ્રીય ક્ષેત્રે ખિતાબો મેળવી ગુજરાતનું ગૌરવ વધાર્યું

જામનગર તા. ૧૭: જામનગરની એક વિજેતા મહિલાએ જિંદગીના સંઘર્ષ ને સફળતાની સોનેરી ઉપલબ્ધિમાં પલટાવી દીધો છે અને સ્વિમિંગની વિશેષ કળામાં રાષ્ટ્રીય સ્તરે ખિતાબો મેળવી ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.

સમુદ્રને નાથી સ્વિમિંગ સ્પર્ધામાં રાષ્ટ્રીય સ્તરે ગોલ્ડ મેડલ્સ મેળવવાની રોમાંચક સફરની શ્રીમતી ઉષા ગૌરાંગભાઈ સારડાની 'નોબત' દૈનિક સાથેની વાતચીત આજની યુવા પેઢી માટે સાચા અર્થમાં પ્રેરણાદાયક બની રહે તેમ છે.

સવારે ચાર વાગે ઉઠી રાત્રે દસ વાગે સૂવાનું, આ અતિ વ્યસ્ત દૈનિક  દિનચર્યામાં સ્વિમિંગના પેશનને ઉષા બેને જીવનમાં વણી લીધું છે.હાલમાં, ઘરકામમાં ગૃહિણીની જવાબદારી સહિત તેઓ ઓરિએન્ટલ ઇન્સ્યોરન્સ કંપનીમાં નોકરી કરે છે અને જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સ્વીમીંગ કોચ  તરીકે સેવા આપે છે.

ડાયાબિટીસ અને હ્ય્દયની તકલીફોને કારણે ઉષાબેનના પતિને ડોક્ટર દ્વારા સંપૂર્ણ વ્યાયામના પર્યાય તરીકે સ્વિમિંગ કરવાની સલાહ આપવામાં આવી હતી. પરંતુ, તેમને પાણીનો ડર લાગતો હોવાથી તેમને મદદરૂપ થવા માટે ઉષાબહેને ૨૦૧૩ ના વર્ષમાં ૩૭ વર્ષની ઉંમરે સ્વિમિંગ શીખવાની શરૂઆત કરી હતી. બાદમાં ૨૦૧૯ ના વર્ષમાં તેમના પતિનું અવસાન થતાં આજે પણ તેઓએ તેમના પતિના સ્વપ્નને જીવંત રાખી અને સ્વિમિંગમાં પોતાની કારકિર્દી ચાલુ રાખી છે.

જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્વિમિંગ પૂલમાં જ તેઓએ વર્ષ ૨૦૧૩માં ત્રણ મહિનાનો બેઝિક કોર્સ કરી સ્વિમિંગની સફરની શરૂઆત કરી જે વર્તમાન સમયમાં પોરબંદરના આક્રમક દરિયાના મોજાની લહેરોમાં પાંચ કિલોમીટરની સ્વિમિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ્સ જીતવા સુધી પહોંચી છે.

તેઓ જણાવે છે કે, બેઝિક કોર્સ કરતી  હતી ત્યારે જ મેં યુ ટ્યૂબમાં ઓલમ્પિક પ્લેયર્સના વિવિધ વીડિયો જોઈ સ્વિમિંગની જુદી જુદી ટેકનીક શીખવાનું શરૂ કર્યું હતું. સ્વિમિંગની ચાર મુખ્ય ટેકનીક ફ્રી સ્ટાઈલ, બેક સ્ટ્રોક,બ્રેસ્ટ સ્ટ્રોક અને બટરફ્લાય સ્ટાઈલ છે. આ તમામનું કોમ્બો એટલે  ઇન્ડીવિઝ્યુઅલ મિડલે.

ઇન્ડીવિઝ્યુઅલ મીડલે અને બટરફ્લાય આ બંને કપરી પદ્ધતિને પોતાની પસંદગી જણાવતા ઉષાબેન ઉમેરે છે કે, મેં ૨૦૧૩ના વર્ષથી આજ સુધી આઠ ખેલ મહાકુંભમાં ભાગ લીધેલો છે જેમાં જિલ્લા સ્તરે અને રાજ્યસ્તરે વિજેતા રહી ચૂકી છું. ૨૦૧૫ ના વર્ષથી મેં રાષ્ટ્રીય સ્તરની સ્વિમિંગ સ્પર્ધામાં ભોપાલ, મૈસુર, મેંગલોર, બેંગ્લોર, અંબાલા જઈને સિલ્વર મેડલ્સ મેળવ્યા છે; જેના કારણે આંતરરાષ્ટ્રીય કક્ષાએ સ્વિમિંગ પ્રતિયોગીતામાં ભાગ લેવા માટે પણ મેં માન્યતા મેળવી લીધી છે. મારા ઘણાં શિષ્યો પણ ૨૦૨૦ના વર્ષથી જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રકક્ષાએ સ્વિમિંગ સ્પર્ધા જીતી ચૂક્યા છે.

૨૦૨૦ના વર્ષથી મેં જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્વિમિંગ પૂલમાં કોચિંગ આપવાનું શરૂ કર્યું છે. ખેલ મહાકુંભમાં ગયા વર્ષે જુદી જુદી વય મર્યાદાના જૂથમાં મારા ૫૦થી વધુ શિષ્યો વિજેતા બન્યા છે. હાલમાં જ મૂળ ભારતીય એવી અમેરિકાના વતની બે દસ વર્ષીય બાળકીઓ મારી પાસે સ્વિમિંગ શીખીને ગઈ છે અને હવે અમેરિકા જઈ સ્વિમિંગ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા મહેનત કરી રહી છે.

સમુદ્રમાં સ્વિમિંગ અને સ્વિમિંગ પૂલ માં સ્વિમિંગના ફર્ક ને જણાવતા ઉષાબેન ઉમેરે છે કે, સ્વિમિંગ પૂલનું પાણી સ્થિર હોય છે જ્યારે દરિયાના મોજામાં ભરતી અથવા ઓટ બંનેમાં એક વખત તો વિરુદ્ધ લહેરોનો સામનો કરવાનો આવે જ છે. વધુમાં, ફૂંકાતા પવનની અસરોને લીધે ખારા પાણીનો પ્રવાહ તમને વધુ પડકાર આપે છે અને પગ ટેકવવા સ્વિમિંગ પૂલની જેમ જમીન પણ મળતી નથી અને પાણીમાં આગળ જોવું મુશ્કેલ બને છે.

યાદગાર અનુભવને વાગોળતા તેઓ કહે છે કે, ૨૦૧૮ના વર્ષમાં જ્યારે મેં પહેલી વાર એક કિલોમીટરની સ્પર્ધા માટે પોરબંદરના દરિયામાં ઝંપલાવ્યું ત્યારે પરિસ્થિતિ શરીરને અનુકૂળ ન જણાતા મારે સ્પર્ધા અડધેથી છોડવી પડી હતી. પરંતુ, મેં જ્યારે આ જ સ્પર્ધામાં પેરાસ્વિમર્સને ભાગ લેતા જોયા કે,જેમને હાથ અથવા પગ ન હોય, દિવ્યાંગ હોય તેમને જોઈને મારી આંખોમાં આંસુ આવી ગયા અને એ જ ક્ષણે મેં નિર્ધાર કર્યો કે હવે હું દરિયો તરીને જીતીને જ જંપીશ .બાદમાં, મેં શિવરાજપુરના દરિયામાં કલાકો સુધી પ્રેક્ટિસ કરી અને સમય જતા પોરબંદરના દરિયાની સ્વિમિંગ સ્પર્ધામાં ૨૦૨૦ નાં વર્ષમાં ફરીથી ભાગ લીધો. ત્યારબાદ એક, બે અને પાંચ કિલોમીટરના તરણમાં સતત પાંચ વખત મેં ગોલ્ડ મેડલ મેળવ્યા છે. હવે ૨૦૨૦ ના વર્ષથી મારી સાથે જુદી જુદી વયના છ વર્ષથી શરૂ કરી સાઈઠ વર્ષની ઉપરના અન્ય શિષ્ય સ્પર્ધકો પણ જોડાય છે. અમે દરિયામાં સ્વિમિંગની પ્રેક્ટિસ પણ કરીએ છીએ.સ્પર્ધા સમયે નેવી અને કોસ્ટ ગાર્ડની સર્ચ અને રેસ્ક્યુ ટીમ વિવિધ બોટ્સ અને કાયાકીંગ દ્વારા સતત મોનિટરિંગ કરી સ્પર્ધકોનું ધ્યાન રાખે છે.

 જામનગરમાં સ્વિમિંગ ક્ષેત્રમાં ઉજ્જવળ ભવિષ્યની આશા કરતા તેઓ જણાવે છે કે, એનઆઇએસ (નેતાજી સુભાષચંદ્ર નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ સ્પોર્ટ્સ) ના કોચ જામનગરમાં સ્વિમિંગ શીખવવા ત્યારે જ આવે જ્યારે તેમની પાસે તાલીમ લઈ શકે તેવા રાષ્ટ્રીય સ્તરના બાહોશ સ્પર્ધકો જામનગરમાં હોય; જેને સેન્ટર ઓફ એક્સિલન્સ પ્લેયર તરીકે ઓળખવામાં આવે છે. આવા સીઓઈ પ્લેયર જે રાષ્ટ્રીય સ્તરે રમવાની માન્યતા મેળવી ચૂક્યા હોય તેવા વધુમાં વધુ સ્વિમર્સ જામનગરમાં તૈયાર કરવા હું પ્રયત્નો કરી રહી છું અને એ જ મારું લક્ષ્ય છે.

સ્પોર્ટ્સ ક્વોટા, સ્વિમિંગ, એથલેટીક્સ જેવી રમતોમાં સરકારી નોકરી સહિત અન્ય ક્ષેત્રોમાં કારકિર્દીની જે તકો છે તેનાથી હજુ સ્થાનિક યુવાન યુવતીઓ સંપૂર્ણપણે પરિચિત નથી.સ્પોર્ટ્સમાં ઉત્કૃષ્ટ દેખાવના આધારે શિષ્યવૃત્તિ માટે પણ સરકારની વિશેષ યોજનાઓ છે. ઓલમ્પિકના સુવર્ણ ભવિષ્યને જોઈએ તો સ્વિમિંગ કોચની ભરતી આવનારા સમયમાં કારકિર્દી પસંદગી માટે ખૂબ આકર્ષક વિકલ્પ બની રહેશે.

સ્વિમિંગ એટલે પ્રાણાયામ અને તંદુરસ્તીનો પર્યાય

ઉષાબેન જણાવે છે કે, સ્વિમિંગ એ પ્રાણાયામનો પર્યાય છે. જીમમાં શરીરના વિવિધ અંગોની અલગ અલગ કસરતો કરવામાં જેટલો વધુ સમય લાગે છે મોટાભાગે તે તમામ કસરતોનો કોમ્બો અને એ પણ પ્રાણાયામ સહિત સ્વિમિંગમાં ત્રીસેક મિનિટમાં જ થઈ જાય છે. સ્વિમિંગ એક જ એવી કળા છે, જે પૃથ્વીના ગુરુત્વાકર્ષણના નિયમોથી પર છે. ઘુંટણની તકલીફ વાળાને પણ કસરત માટે સ્વિમિંગ પ્રિસ્ક્રાઈબ કરવામાં આવે છે સ્કીનનું ટેનીંગ એટલે કે સ્વિમિંગ કરવાથી ત્વચા કાળા પડવાની જે પ્રક્રિયા બહુચર્ચિત છે તેના વિશે તેઓ જણાવે છે કે, તડકામાં સ્વિમિંગ કરવામાં આવે ત્યારે સ્કીન ટેનીંગની શક્યતા વધે છે ઉપાય તરીકે પાણી વધારે પીવું, સ્વિમિંગ પહેલા ત્વચા પર એલોવેરા અને કાકડીનો ઉપયોગ કરવો તે બાબતો સરાહનીય છે. ત્રણ-ચાર મહિનાની પ્રેક્ટિસ બાદ શરીર પોતે જ ક્લોરીનને લીધે થતી ત્વચાના ટેનિંગની સેલ્ફ રિકવરી શરૂ કરી દે છે અને બાદમાં  ત્વચા કાળી થવાની અસર ઓછી થવા લાગે છે.

સ્વિમિંગ માત્ર શારીરિક જ નહીં પણ માનસિક તંદુરસ્તી માટે પણ એટલું જ અસરકારક છે એકાગ્રતા અને શારીરિક માનસિક સ્ટેમિના વધારવામાં અતિ ઉપયોગી છે. જેના માટે ગાયનું ઘી, સ્પ્રાઉટસ, લીલા શાકભાજી સહિતના પૌષ્ટિક આહાર નું નિયમિત સેવન દૈનિક જીવનમાં આવશ્યક બને છે. અન્ય કોઈ એનર્જી ડ્રિંક લેવા કરતાં લીંબુપાણી, નારિયેળ પાણી જેવા કુદરતી આહારો જ સહાયરૂપ બને છે.

જામનગર મનપા પાસેથી અપેક્ષા

જામનગરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્વિમિંગ પૂલમાં વહેલી સવારે પાંચ થી છ કલાક દરમિયાન સ્વિમિંગ નિષ્ણાત સ્પર્ધકો માટે વિશેષ બેચને પ્રેક્ટિસની મંજૂરી મળે તો, રાજ્ય અને રાષ્ટ્ર સ્તરની વિવિધ સ્પર્ધામાં તેમની મહેનતના હજી વધુ સારા પરિણામો મળી શકે તેમ છે.

:: મુલાકાત-આલેખન :: તોરલ ઝવેરી

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial