હમાસ સાથે કરાયેલી ડીલનો વિરોધ
નવી દિલ્હી તા. ર૦: ઈઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહૂની ખુરસી ખતરામાં છે. હમાસ સાથે ડીલ મોંઘી પડી છે. એક પછી એક રાજનેતાઓના રાજીનામા પડ્યા છે. કેટલાક મંત્રીઓએ પણ રાજીનામા આપ્યા છે.
પંદર મહિના પછી જ્યાં એક તરફ હમાસ અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધવિરામનો કરાર થયો છે અને ૧૯ જાન્યુઆરથી યુદ્ધવિરામ શરૂ પણ થઈ ગયો છે. તો બીજી તરફ હમાસ સાથે યુદ્ધવિરામ માટે લંબાયેલો હાથ વડાપ્રધાન નેતન્યાહૂ માટે મુશ્કેલ બની શકે છે. યુદ્ધવિરામથી નાખુશ, નેતન્યાહૂ સરકારના ઘણાં મંત્રીઓએ રાજીનામું આપી દીધું છે. ઓત્ઝમા યેહુદિત પાર્ટીએ પણ ગઠબંધન સરકારમાંથી ટેકો પાછો ખેંચી લીધો છે, જેથી વડાપ્રધાન નેતન્યાહૂની મુશ્કેલીઓ વધી રહી છે.
નેતન્યાહૂ સરકારના મંત્રીઓ જે રીતે આ ડીલની વિરૂદ્ધ ઊભા છે તેનાથી સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે આ ડીલ નેતન્યાહૂની ગાદી પર અસર કરી શકે છે. નેતન્યાહૂ સરકારના ઘણાં મંત્રીઓ હમાસ સાથેના યુદ્ધવિરામ કરારથી નારાજ છે અને વિરોધ કરી રહ્યા છે. હમાસ અને ઈઝરાયલ સરકાર વચ્ચેના યુદ્ધવિરામ કરારના વિરોધમાં ઈઝરાયલના રાષ્ટ્રીય સુરક્ષા મંત્રી ઈટામર બેન-ગવીરે વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂની કેબિનેટમાંથી રાજીનામું આપી દીધું છે. માત્ર રાષ્ટ્રીય સુરક્ષા મંત્રી ઈટામર બેન-ગવીર જ નહીં, પરંતુ તેમની રાષ્ટ્રવાદી-ધાર્મિક પાર્ટી ઓત્ઝમા યુહુદિતના અન્ય બે મંત્રીએ પણ રાજીનામું આપ્યું છે. આ સાથે ઓત્ઝમા યહુદિત પાર્ટીએ પણ નેતન્યાહૂની ગઠબંધન સરકારમાંથી પોતાનું સમર્થન પાછું ખેંચી લીધું છે.
આ રાજીનામાઓ સામે આવ્યા પછી નેતન્યાહૂના નેતૃત્વવાળી ગઠબંધન સરકારમાં તણાવ વધી ગયો છે. જો ગઠબંધન સરકારના મંત્રીઓ પોતાનું સમર્થન પાછું ખેંચી લે તો નેતન્યાહૂ માટે પોતાની સત્તા બચાવી રાખવી મુશ્કેલ બનશે. ઓત્ઝમા યેહુદિત પક્ષે યુદ્ધવિરામ કરારની 'હમાસ પ્રત્યે શરણાગતિ' તરીકે ટીકા કરી. આ સાથે જ પાર્ટીએ એમ પણ કહ્યું કે આ 'સેંકડો હત્યારાઓની મુક્તિ' છે અને તેની નિંદા કરી. પાર્ટીએ દાવો કર્યો છે કે આનાથી ગાઝામાં ઈઝરાયલી સેનાની ઉપલબ્ધિઓમાં ઘટાડો થયો છે.
આ રાજીનામાઓથી ચોક્કસપણે નેતન્યાહૂની ગઠબંધન સરકાર નબળી પડી છે. જો બેન-ગવીરની જેમ અન્ય સાંસદો પણ પોતાનો ટેકો પાછો ખેંચી લે તો વડાપ્રધાન તેમની બહુમતી ગુમાવી શકે છે. સંભવિતપણે વહેલી ચૂંટણીની ફરજ પાડી શકે છે. ઈટામર બેન ગ્વીરના સમર્થન પછી જ નેતન્યાહૂ વડાપ્રધાન બની શક્યા હતાં. આવી સ્થિતિમાં એવી આશંકા છે કે તેમના રાજીનામા પછી નેતન્યાહૂનું વડાપ્રધાન પદ પણ જોખમમાં આવી શકે છે.
ઈઝરાયલ અને હમાસ વચ્ચે ૧૬ જાન્યુઆરી ર૦રપ ના યુદ્ધવિરામ પર સંમતિ થઈ હતી. આ પછી રવિવાર એટલે કે ૧૯ જાન્યુઆરીથી બન્ને વચ્ચે યુદ્ધવિરામ શરૂ થયો અને ધીમે ધીમે લોકોને મુક્ત કરવાનું કામ કરવામાં આવી રહ્યું છે. આ યુદ્ધ વિરામથી છેલ્લા ૧પ મહિનાથી ચાલી રહેલી હિંસાનો અંત આવ્યો છે. હમાસ અને ઈઝરાયલ વચ્ચે ૭ ઓક્ટોબર ર૦ર૩ ના યુદ્ધ શરૂ થયું. ત્યારપછી સતત હુમલામાં મોટી સંખ્યામાં લોકોના મોત થયા અને ઘણાં ઘાયલ થયા. આ યુદ્ધના કારણે ગાઝામાં ભારે તબાહી જોવા મળી રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial