પહેલી વખત વિદેશી મહેમાનો રહેશે ઉપસ્થિતઃ સમર્થકોમાં ઉત્સાહ, પરંતુ ઈન્ડોર શપથવિધિના કારણે નિરાશા
વોશિંગ્ટન તા. ર૦: ભારતીય સમય મુજબ આજે રાત્રે ૧૦-૩૦ વાગ્યે અમેરિકાના રાષ્ટ્રપતિ પદે ડોનાલ્ડ ટ્રમ્પ શપથ લેશેે. આ શપધવિધિમાં નવી પરંપરા હેઠળ વિદેશી મહેમાનો પણ ઉપસ્થિત રહેવાના છે, જો કે કડકડતી ઠંડીના કારણે સંસદની અંદર શપથવિધિ યોજાશે.
અમેરિકામાં ઈતિહાસ રચવા માટે હવે વધુ સમય બાકી નથી આખી દુનિયાની નજર ડોનાલ્ડ ટ્રમ્પના રાજ્યાભિષેક પર છે. આ વખતે ઘણી બધી એવી ઘટનાઓ બની રહી છે જે દાયકાઓમાં ક્યારેય બની ન હતી. આ વખતે અમેરિકન રાષ્ટ્રપતિનો શપથ ગ્રહણ સમારોહ સંસદની અંદર એટલે કે ઘરની અંદર થઈ રહ્યો છે. આનું કારણ કોઈ દુશ્મનના હુમલાનો ડર નથી, પરંતુ અહીં ભારે ઠંડી અને વર્ષા છે. આમ છતાં તેમના સમર્થકો વોશિંગ્ટન ડીસી પહોંચી ગયા છે. ટ્રમ્પ સમર્થકો ફટાકડા ફોડી રહ્યા છે. આ કડકડતી ઠંડીમાં પણ અમે તેમના માટે વાતાવરણ બનાવી રહ્યા છીએ.
યુએસ ચીફ જસ્ટિસ જોન રોબર્ટસ ટ્રમ્પને શપથ લેવડાવશે. શપથ ગ્રહણ સમારોહ સોમવારે ભારતીય સમય મુજબ રાત્રે ૧૦-૩૦ વાગ્યે થશે. પહેલી વાર વિદેશી મહેમાનો શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે. ડોનાલ્ડ ટ્રમ્પ ફ્લોરિડાથી પોતાના પરિવાર સાથે ખાસ વિમાનમાં વોશિંગ્ટન પહોંચ્યા હતાં. આ ફ્લાઈટને સ્પેશિયલ એર મિશન-૪૭ નામ આપવામાં આવ્યું હતું. મિશન-૪૭નો અર્થ એ છે કે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના ૪૭ મા રાષ્ટ્રપતિ બનશે.
એક તરફ ટ્રમ્પના વિરોધીઓ તેમના શપથ ગ્રહણ અંગે ગુસ્સે છે, તો બીજી તરફ તેમના સમર્થકો નિરાશ છે. નિરાશાનું કારણ સંસદની અંદર યોજાનારા શપથ ગ્રહણ સમારોહ છે. ટ્રમ્પના સમર્થકો તેમના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા માટે ઉત્સાહિત હતાં. તેઓ મોટી સંખ્યામાં હાજર રહેવાના હતાં, પરંતુ કાર્યક્રમ સંસદની અંદર યોજાતો હોવાથી તેમની ઈચ્છાઓ ફળીભૂત થઈ નથી.
અમેરિકન રાજકારણમાં વ્હાઈટ હાઉસ છોડ્યાના ચાર વર્ષ પછી પાછા ફરવું લગભગ અશકય માનવામાં આવે છે, પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પ આ અશક્ય લક્ષ્યને શક્ય બનાવીને ઈતિહાસ રચવા જઈ રહ્યા છે. ફરીથી યુએસ રાષ્ટ્રપતિ તરીકે શપથ લઈને ટ્રમ્પ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિના રેકોર્ડની બરાબરી કરશે.
ગ્રોવર ક્લેવલેન્ડ એવા પહેલા અમેરિકન રાષ્ટ્રપતિ હતાં જેમણે ૧૩૧ વર્ષ પહેલા વ્હાઈટ હાઉસની બહાર ૪ વર્ષ રહ્યા પછી જોરદાર વાપસી કરીને રેકોર્ડ બનાવ્યો હતો. ગ્રોવર ક્લેવલેન્ડ ૧૮૮પ થી ૧૮૮૯ અને ૧૮૯૩ થી ૧૮૯૭ સુધી બે વાર યુનાઈટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિ રહ્યા. તેમના પછી ડોનાલ્ડ ટ્રમ્પ બીજા નેતા છે જે ૪ વર્ષના અંતરાલ પછી સત્તામાં પાછા ફર્યા છે.
ડોનાલ્ડ ટ્રમ્પનો શપથ ગ્રહણ સમારોહ પણ પોતાનામાં એક રેકોર્ડ બનાવશે. ગઈ વખતે ટ્રમ્પે ખુલ્લા આકાશ નીચે શપથ લીધા હતાં, પરંતુ આ વખતે શપથ ગ્રહણ સમારોહ ખુલ્લા આકાશ નીચે નહીં થાય. કડકડતી ઠંડીને કારણે આ વખતે અમેરિકી રાષ્ટ્રપતિનો શપથ ગ્રહણ સમારોહ યુએસ કેપિટોલની બહાર ખુલ્લી જગ્યાને બદલે યુએસ સંસદની અંદર કેપિટોલ રોટુન્ડા હોલમાં થઈ રહ્યો છે.
૧૯૮પ માં જ્યારે રોનાલ્ડ રીગન અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા ત્યારે તેમણે ઘરની અંદર શપથ લીધા. તે સમયે પણ ખરાબ હવામાનને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ રીતે અમેરિકન ઈતિહાસમાં ૪૦ વર્ષ પછી રાષ્ટ્રપતિ સંસદની અંદર શપથ લેશે.
સંસદની અંદર શપથ ગ્રહણ સમારોહ સંબંધિત માહિતી આપતા ટ્રમ્પે કહ્યું કે અમેરિકામાં ઉત્તર ધ્રુવ નજીક બરફનું તોફાન ચાલી રહ્યું છે. તે નથી ઈચ્છતો કે લોકો કોઈપણ રીતે ઘાયલ થાય. એટલા માટે તેમણે આદેશ આપ્યો છે કે ઉદ્ઘાટન ભાષણ કેપિટોલ રોટુન્ડામાં પણ આપવામાં આવે. હંગેરીના વડાપ્રધાન વિક્ટર ઓર્બન, આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ જાવિઅર મેલી અને ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપે તેવી અપેક્ષા છે, જ્યારે એવા અહેવાલ છે કે બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટારમર અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન ટ્રમ્પના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે નહીં. આમંત્રણ નહીં મળે. જર્મની જાપાન અને ઓસ્ટ્રેલિયા જેવા અમેરિકન મિત્રોએ પણ તેમના પ્રતિનિધિઓ મોકલવાનું નક્કી કર્યું છે.
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગના સ્થાને ઉપરાષ્ટ્રપતિ હાન ઝેંગ ડોનાલ્ડ ટ્રમ્પના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે. આ પહેલી વાર છે જ્યારે કોઈ વરિષ્ઠ ચીની નેતા આવા પ્રસંગે હાજર રહેશે.
ભારત તરફથી વિદેશમંત્રી એસ. જયશંકર આ સમારોહમાં હાજરી આપશે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને નીતા અંબાણી પણ સમારોહમાં હાજરી આપશે. આ ઉપરાંત ટ્રમ્પના સલાહકાર એલોન મસ્ક, એમેઝોનના એક્ઝિક્ુટિવ ચેરમેન જેફ બેઝોસ અને મેટા પ્લેટફોર્મ્સના સીઈઓ માર્ક ઝુકરબર્ગ પણ આ કાર્યક્રમમાં હાજરી આપી રહ્યા છે. આ રીતે ડોનાલ્ડ ટ્રમ્પનો બીજો શપથ ગ્રહણ સમારોહ ઘણી પરંપરાઓ તોડવા અને નવા રેકોર્ડ બનાવવા જઈ રહ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial