Sensex

વિગતવાર સમાચાર

મોંઘવારીનો મુદ્દો વિશ્વવ્યાપી છે... ટ્રમ્પે પણ કરી કબુલાત

ગઈકાલે અમેરિકાના રાષ્ટ્રપતિપદે શપથવિધિ સાથે જ નવા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જે શ્રેણીબદ્ધ જાહેરાતો કરી તેમાં દક્ષિણ અમેરિકાની સરહદે કટોકટી જાહેર કરી, તથા મોંઘવારીને અંકુશમાં લેવાનો વાયદો કર્યો છે. તે જોતા ડોનાલ્ડ ટ્રમ્પ આ વખતે ફ્રન્ટફૂટથી બેટીંગ કરશે, અને અમેરિકા ફર્સ્ટની નીતિ અપનાવીને 'શાંતિદૂત'ની જેમ વિશ્વના યુદ્ધોને ખતમ કરવાના પ્રયાસો કરશે તેમ જણાય છે.

જ્યાં સુધી ભારતને લાગે-વળગે છે, ત્યાં સુધી ટ્રમ્પની નીતિ કેવી રહેશે, તેની ખબર હવે પછી તે કેવો અભિગમ દાખવે છે, તેના પરથી પડશે, પરંતુ આતંકવાદના વિરોધમાં તેની નીતિ ભારતીય નીતિને અનુરૂપ રહેશે તથા બીજા દેશોના યુદ્ધમાં વિનાકારણ કૂદી પડવાની એટલે કે જગતના જમાદાર થવાની અમેરિકન પોલિસીમાં બદલાવ આવશે, તેમ જણાય છે, અને તેથી જ ભારત-પાક-ચીનના વિવાદો ઠારીને ટ્રમ્પ હવે નવા જ વૈશ્વિક સમીકરણો ઊભા કરવા જઈ રહેલા જણાય છે.

બીજી ભારતને સીધી અસર થાય તેવી બાબત ટ્રમ્પે બ્રિક્સના દેશોને આપેલી ચેતવણીની છે. ટ્રમ્પે બ્રિક્સ દેશોને પડકાર કરતા કહ્યું છે કે અમેરિકા જેવા સાથે તેવાની નીતિ અપનાવશે અને જરૂર પડ્યે ૧૦૦ (સો) ટકા ટેરિફ લાદતા અચકાશે નહીં. એક તરફ ચીનની ટિકટોકને રાહતના સંકેતો આપ્યા તો બીજી તરફ અમેરિકન સામાન પર અન્ય દેશો જે રીતે કરવેરા લાદશે તે જ રીતે અમેરિકા પણ વર્તશે, તેવા મતલબની ચેતવણી તથા બ્રિક્સ સંગઠનને લઈને ટ્રમ્પનું વલણ ભારત માટે અમેરિકાની બદલાઈ રહેલી નીતિનો સંકેત હોવાની ચર્ચા પણ શરૂ થઈ ગઈ છે.

ભૂતકાળમાં એક વડાપ્રધાને ભ્રષ્ટાચાર વિશ્વવ્યાપી છે અને તેને સદંતર નિર્મૂળબ કરવો અઘરો છે, તે પ્રકારના નિવેદનો આપ્યા હતાં, તેવી જ રીતે ટ્રમ્પે મોંઘવારીને લઈને ચિંતા વ્યક્ત કરતા એવું કહી શકાય કે મોંઘવારી હવે કોઈ એક દેશની સમસ્યા રહી નથી, પરંતુ એક વૈશ્વિક સમસ્યા (ગ્લોબલ ઈશ્યુ) બની ગઈ છે. તેવી ચર્ચા પણ શરૂ થઈ ગઈ છે અને આજે સામે આવી રહેલા વૈશ્વિક પ્રત્યાઘાતોમાં પણ મોંઘવારી અને ટેરિફના મુદ્દાઓ અગ્રીમ હરોળમાં ચર્ચાઈ રહ્યા છે.

ઈમિગ્રેશન પોલિસીને લઈને ડોનાલ્ડ ટ્રમ્પે કરેલા નવા નિર્ણયો પણ ભારતીયોને સીધા સ્પર્શે તેવા છે, અને તેને લઈને વિશ્વ પ્રત્યાઘાતો સામે આવી રહ્યા છે. કોઈ કહે છે કે ટ્રમ્પની નવી નીતિઓ ભારતના લોકો કે અમેરિકન ભારતીયો કે ભારતીય અમેરિકનોને બહુ અસર કરશે નહીં. કેટલાક લોકો એવું પણ માને છે કે ટ્રમ્પ ભારતને લઈને ઈમિગ્રેશન પોલિસીમાં બહુ ફેરફાર કરશે નહીં, અને જો ફેરફાર કરશે, તો પણ તે ભારત કે ભારતીયોના હિતોને હાનિકર્તા નહી હોય, આગે આગે દેખતે હૈ... હોતા હૈ ક્યા?

અમેરિકાએ વિશ્વઆરોગ્ય સંસ્થા તથા ક્લાઈમેટ ચેઈન્જ એગ્રીમેન્ટને તિલાંજલિ આપવાનો જે નિર્ણય લીધો છે, તેની પણ વૈશ્વિક અસરો પડવાની છે. કોરોના દરમિયાન થયેલા અનુભવો તથા અમેરિકામાં ટ્રમ્પકાળ દરમિયાન વૈશ્વિક રોગચાળામાં થયેલી સામૂહિક જાનહાની પછી ટ્રમ્પનું વલણ જોતા એવું લાગતું જ હતું કે વિશ્વ આરોગ્ય સંસ્થા સામે જબરદસ્ત નારાજગી છે. આ કારણે જ કદાચ ટ્રમ્પે વિશ્વ આરોગ્ય સંસ્થામાંથી અમેરિકાએ હટી જવાનું મન બનાવ્યું હશે.

ટ્રમ્પે સૌથી મોટી જાહેરાત યુક્રેન-હમાસ વગેરે સામેના યુદ્ધોની સમાપ્તિ તથા ત્રીજા વિશ્વયુદ્ધ નિવારવાની કરી છે. આ બન્ને જાહેરાતો સાથે તેમણે વિશ્વશાંતિ માટે કામ કરવા અને બીજા દેશોના યુદ્ધોમાં કૂદી પડવા પર અંકુશ લાવવાના નિર્ણયો જાહેર કર્યા છે, તે ઘણાં જ સૂચક અને અમેરિકાની જગતના જમાદાર તરીકેની મૂળ પોલિસીની વિરૂદ્ધમાં હોય તેમ જણાય છે, જો કે કેટલાક નિર્ણયો વિરોધાભાષી જણાતા હોવાથી હવે પછી શું થાય છે અને સંજોગોને અનુકૂળ ટ્રમ્પ પોતાની નીતિઓ બદલે છે કે કેમ? તેના પર બધો આધાર રહેવાનો છે.

ટ્રમ્પે મોંઘવારીની સમસ્યા કબુલી છે, અને દક્ષિણ સરહદે ઈમરજન્સી ઘોષિત કરી છે, તેવી જ રીતે રાષ્ટ્રીય ઊર્જા કટોકટી જાહેર કરીને અમેરિકામાં ઊર્જાની સમસ્યા વધુ ઘેરી બની રહી હોવાની માન્યતાઓને પુષ્ટિ પણ આપી છે, અને વાસ્તવિક્તા સ્વીકારી છે, તેવા અભિપ્રાયો પણ બહાર આવી રહ્યા છે.

અત્યારે તો ભારતને લઈને ટ્રમ્પ કેવી નીતિ અપનાવશે, તે સ્પષ્ટપણે કહી શકાય તેમ નહીં હોવાથી 'વેઈટ એન્ડ વોચ'ની નીતિ ભારત અપનાવી રહ્યું હોય તેમ જણાય છે. ટ્રમ્પની શપથવિધિમાં મોદીને આમંત્રણ નહીં અપાયું હોવાના અહેવાલો તથા શપથવિધિ સંપન્ન થયા પછી ટ્રમ્પ સૌ પ્રથમ ભારત અને ચીનની મુલાકાત લેશે, તેવા અહેવાલોનો વિરોધાભાસ જોતા એમ જણાય છે કે ભારતે ટ્રમ્પના પહેલા કાર્યકાળ જેવી અપેક્ષાઓ રાખવાના બદલે 'થોભો અને રાહ જુઓ'ની નીતિ જ અપનાવવી જોઈએ. આ વખતે ટ્રમ્પ ચૂંટણીમાં મજબૂતીથી જીત્યા હોવાથી હવે 'અમેરિકા ફર્સ્ટ'ની નીતિ અપનાવીને ફરી એક વખત 'ગ્રેઈટ અમેરિકા'ના સંકલનને દોહરાવી રહ્યા છે, તે ભારત માટે પણ ઘણું સૂચક છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial