ગઈકાલે ગુજરાત રાજ્ય ચૂંટણીપંચે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની જાહેરાત કરી દીધી, જેની અટકળો છેલ્લા એક અઠવાડિયાથી થઈ રહી હતી. આ ચૂંટણીઓમાં રસાકસી થશે, ત્રિપાંખિયો જંગ થશે કે એકતરફ હશે, તે અંગેની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે, તો બીજી તરફ બોર્ડની પરીક્ષાઓ ટાણે જ ચૂંટણીઓ જાહેર થઈ, તેને સાંકળીને પણ કેટલાક સવાલો ઊઠી રહ્યા છે, અને તેના સંદર્ભે ચોખવટો પણ થઈ રહી છે.
પ્રારંભિક પ્રત્યાઘાતો આપતા કોંગ્રેસે કહ્યું કે ભાજપના શાસનમાં ભયમુક્ત ભ્રષ્ટાચાર અને ભેદભાવનો દબદબો છે, અને ભ્રષ્ટ ભોરીંગોએ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને પ્રભાવિત કરી છે. કોંગ્રેસ પ્રવક્તાએ એક ડિબેટીંગ દરમિયાન કહ્યું કે રાજ્યમાં ઘણી નગરપાલિકાઓની તિજોરીના તળિયા દેખાઈ ગયા છે, અને વીજબીલ ભરવાના નાણા નથી, તો ક્યાંક ક્યાંક તો કર્મચારીઓને પગાર ચૂકવવાના પણ ફાંફા પડી રહ્યા છે. હાલારની જામજોધપુર, કાલાવડ, ધ્રોળ, સલાયા, ભાણવડ, દ્વારકા વગેરે નગરપાલિકાઓની ચૂંટણીઓમાં કેટલાક સ્થળે આ વખતે ત્રિપાંખિયો જંગ જામી શકે છે, કારણ કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંતભાઈ ખવા અને અન્ય હોદ્દેદારો આ ચૂંટણીમાં 'આપ'ના ઉમેદવારોને ઉતારીને જોરદાર પ્રચાર કરશે, તો ત્રિપાંખિયો જંગ જામશે, જેથી ભાજપ માટે પણ આ વખતે કપરા ચઢાણ હશે, તેવા તારણો નીકળી રહ્યા છે.
ધાનેરા સહિત કેટલીક નગરપાલિકાની ચૂંટણી જાહેર નહીં થતાં વિવાદનો વંટોળ ઊઠ્યો છે, અને ભાજપ દ્વારા રાજ્ય ચૂંટણી પંચને પ્રભાવિત કરવામાં આવી રહ્યું હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે, અને આ પ્રશ્ને રાજ્ય ચૂંટણી પંચ તરફથી અપાઈ રહેલા કથિત જવાબની ચર્ચા પણ પ્રેસ-મીડિયા અને રાજકીય વર્તુળોમાં જોરશોરથી થઈ રહી છે.
બીજી તરફ કોંગ્રેસ આ વખતે પૂરી તાકાતથી ચૂંટણીજંગ લડશે, તેવા એંધાણ પણ વર્તાઈ રહ્યા છે, અને ભાજપ શાસિત નગરપાલિકાઓના વહીવટથી કંટાળેલા મતદારો આ વખતે કોંગ્રેસ પર પસંદગીનો કળશ ઢોળશે અને મોટાભાગની નગરપાલિકાઓ કોંગ્રેસ જીતશે, તેવો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે, જો કે આમ આદમી પાર્ટી તરફથી કોંગ્રેસ જેવો રણકાર હજુ સંભળાઈ રહ્યો નથી, પરંતુ ગુપચુપ તૈયારીઓ થઈ રહી હશે, તેવા અનુમાનો લગાવાઈ રહ્યા છે.
ભારતીય જનતા પક્ષના પ્રવક્તાઓ તથા નેતાઓ પણ છાતી ઠોકીને દાવો કરી રહ્યા છે કે વિકાસની રાજનીતિ તથા મોદી-પટેલના ડબલ નેતૃત્વને કારણે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પણ ભાજપનો ભવ્ય વિજય થશે અને કોંગ્રેસના વાવટા વિંટાઈ જશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ર૬ ટકા અનામતનો ઉલ્લેખ કરીને ભાજપના નેતાઓ-પ્રવક્તાઓ ફરીથી પ્રચંડ જીતનો દાવો કરી રહ્યા છે, તો એ જ મુદ્દો આ વખતે વિપક્ષોને ફાયદો કરાવશે અને કોંગ્રેસ-આમ આમ આદમી પાર્ટીને ભાજપ શાસિત પંચાયત-પાલિકાઓમાં એન્ટી ઈન્કમ્બન્સી એટલે કે પ્રજાના અસંતોષનો પણ ફાયદો મળશે, તેવા તારણો નીકળી રહ્યા છે, તો તટસ્થ વિશ્લેષણો થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી રહ્યા છે.
હાલારની નગરપાલિકાઓની વાત કરીએ તો હજુ કાંઈપણ કહેવું વહેલું ગણાશે. જામજોધપુરમાં તો આમ આદમી પાર્ટી માટે ઉજળી સંભાવનાઓ છે, પરંતુ કાલાવડ અને ધ્રોળમાં જો ત્રિપાંખિયો જંગ થાય, તો કોને ફાયદો થાય, તે અત્યારથી કહેવું મુશ્કેલ છે અને ઉમેદવારીપત્રો ભરાય, ત્યાર પછી જ સાચા તારણો નીકળી શકે તેમ છે, જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભાજપ માટે વિજય સરળ જણાતો હોવા છતાં આંતરિક ખેંચતાણ તથા એન્ટી ઈન્કમ્બન્સી ઉપરાંત તાજેતરની સમસ્યાઓ-અસંતોષનો ફાયદો વિપક્ષના ઉમેદવારોને પણ થઈ શકે છે. દ્વારકા અને ભાણવડ નગરપાલિકાઓની ચૂંટણીમાં કેવા સમિકરણો રચાય છે, અને કોને કોને ટિકિટ મળે છે, તેના પર બધો આધાર રહેવાનો છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થયા પછી કોંગ્રેસના એક પ્રવક્તાએ તો ચૂંટણી પંચનો આભાર માનતા કહ્યું કે કમ-સે-કમ હવે વહીવટદારોના કુશાસનમાંથી તો જનતાને મુક્તિ મળશે. જ્યાં જ્યાં વહીવટદારોનું શાસન છે, ત્યાં ત્યાં એકાદ અપવાદ સિવાય લોકો ત્રાસી ગયા છે. સલાયામાં પણ આ વખતે રસાકસી જામશે, તેવા આશાવાદ સાથે કોંગ્રેસ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ઝંપલાવવાની હોવાથી હાલારમાં હલચલ તેજ બની ગઈ છે. ભાજપ અને કોંગ્રેસની તો આ માટે તૈયારીઓ પહેલેથી જ હશે, પરંતુ આ વખતે આમ આદમી પાર્ટી ચૂંટણીઓમાં કેટલું જોર બતાવે છે, તે જોવાનું રસપ્રદ રહેવાનું છે.
જો કે, રાજ્ય ચૂંટણી પંચ અને રાજ્ય સરકાર હજારો ગ્રામ પંચાયતોને વહીવટદારોના કુશાસનમાંથી ક્યારે છોડાવશે, તેવા અણિયાળા સવાલો પણ ઊઠવા લાગ્યા છે. જ્યારે હજારો ગ્રામ પંચાયતોમાં લોકોનું પ્રતિનિધિત્વ જ ન હોય અને વહીવટદારો દ્વારા કામ ચલાવાતું હોય, ત્યારે સ્વાભાવિક રીતે જ લોકોની મૂળભૂત સમસ્યાઓ, જરૂરિયાતો અને રજૂઆતોને વાચા મળે નહીં, અને અમલદારશાહીમાં જનતા અટવાયા અને અકળાયા કરે, લાંબા સમય સુધી હજારો ગ્રામ પંચાયતોને જનપ્રતિનિધિત્વ મળે નહીં, ત્યારે એવું પણ કહી શકાય કે ગાંધીજીના ગ્રામ સ્વરાજનું સ્વપ્ન રોળાઈ ગયું છે, અને 'અસલ' ગાંધવાદીઓનું હવે કોઈ સાંભળનારા નથી, ખરૃં ને?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial