Sensex

વિગતવાર સમાચાર

'રાજકીય ભૂમિ' પર દબાણ? ભાંગજડ-ડેમેજ કંટ્રોલ? 'ગુજરીબજાર'નો મુદ્દો ઉકેલાયો?

એવું લાગતું હતું કે, શિયાળો વિદાય લઈ રહ્યો છે, અને ઠંડી ઘટી રહી છે, પરંતુ ફરીથી ઠંડી વધી અને નવી આગાહીઓ થઈ છે. ગુજરાતમાં કડકડતી ઠંડી વચ્ચે પણ ગરમાવો આવી જાય, તેવા આક્ષેપો-પ્રતિઆક્ષેપો અને ધગધગતા નિવેદનો થઈ રહ્યા છે. એક તરફ ગેરકાયદે બાંધકામોને હટાવવાની ઝુંબેશ ચાલી રહી છે, તો બીજી તરફ ટ્રાફિકને અડચણરૂપ કામચલાઉ દબાણો પણ હટાવાઈ રહ્યા છે. આ સીલસીલો ઘણાં વર્ષોથી ચાલી રહ્યો છે. ઝુંબેશો ચાલે ત્યારે 'સાફસુફી' થાય અને થોડા મહિનાઓ (કે દિવસો) માં જ 'જૈસે થે' થઈ જાય. તેથી એવું કહી શકાય કે કાં તો આ બધી કવાયત માત્ર ડ્રામેબાજી છે, અથવા તો તંત્ર અને સ્થાનિક શાસકોની કોઈ 'મજબુરી' હશે, જેથી જે-તે સમયે ફરી ફરીને કાયમી અને હંગામી દબાણોનો સીલસીલો ચાલતો રહ્યો છે, ખરૃં ને?

રાજકીય ક્ષેત્રોમાં પણ એકબીજાની રાજકીય ભૂમિ છીનવવાના, પચાવી પાડવાના તથા હવે તો ત્યાં પણ 'ગેરકાયદે દબાણો'સર્જવાના ઘટનાક્રમો સર્જાવા લાગ્યા છે. ભારતીય જનતા પક્ષને જબરદસ્ત જનાદેશ મળ્યા પછી હવે ત્યાં મૂળ વફાદાર નેતાઓ-કાર્યકરોની જમીન પક્ષ પલટો કરીને નવા આવેલા નેતાઓ-કાર્યકરો છીનવી રહ્યા હોવાની અનુભૂતિ પ્રગટી રહી હોય તેમ કેટલાક જિલ્લાઓમાં છૂપો અસંતોષ પ્રસરી રહ્યો છે, તો કેટલાક જિલ્લાઓમાં ફૂંફાડા પણ મારી રહ્યો છે.

એવી ટીકા થવા લાગી છે કે ભાજપના આયાતી નેતાઓએ પોત-પોતાના વિસ્તારોમાં રાજકીય ભૂમિ (વર્ચસ્વ) વધારવા પક્ષના મૂળ વફાદાર સ્થાનિક નેતાઓ-કાર્યકર્તાઓને સાઈડમાં ધકેલવાના પ્રયાસો શરૂ કર્યા, અને તેના કારણે ઉભય પક્ષોથી થતા તેજાબી નિવેદનોના કારણે શિસ્તબદ્ધ પાર્ટીની આબરૂના ધજાગરા ઊડી જાય, તેવા ઘટનાક્રમો સર્જાઈ રહ્યા છે, તેનો તોડ કાઢવામાં પ્રદેશની નેતાગીરી કદાચ ટૂંકી પડી રહી છે. એવું કહેવાય છે કે, હમણાંથી અમિતભાઈ શાહની ગુજરાતની મુલાકાતો વધી રહી છે, તેની પાછળ પણ ભાજપમાં પ્રવેશી ગયેલી યાદવાસ્થળી (આંતરવિગ્રહ) જ જવાબદાર છે. વિશ્લેષકો ટીકા કરી રહ્યા છે કે ભાજપે ચૂંટણી ટાણે કરેલા 'ભરતીમેળાઓ'નું આ ભુંડુ પરિણામ છે.!

જો કે, નિર્જન અને વસ્તી ધરાવતા ટાપુઓ પરથી દબાણો હટાવાયા અને ગેરકાયદે બાંધકામો તોડી પડાયા, તેને આમ જનતામાંથી આવકાર મળી રહ્યો છે. હવે એવી માંગણી પણ ઊઠી રહી છે કે જ્યાં અવર-જવર પર પણ પ્રતિબંધ હોય અને આંતરરાષ્ટ્રીય દરિયાઈ સરહદોની દૃષ્ટિએ સંવેદનશીલ હોય, તેવા ટાપુઓ પર મોટા પાયે દબાણો કેમ થઈ ગયા? તેની ઊંડી તપાસ કરીને જો તંત્રના પરિબળો કે રાજકીય પરિબળોની સંડોવણી જણાય, તો તેની સામે પણ હિચકિચાટ વગર કડક કદમ ઊઠાવવા જોઈએ, કારણ કે આ મુદ્દો રાષ્ટ્રીય સુરક્ષા અને સરહદોની સલામતિ સાથે સંકળાયેલો હોવાથી તેમાં બાંધછોડ કરવી એ રાષ્ટ્રદ્રોહ જ ગણાય, ખરૃં ને?

જેવી રીતે ખરાબાની સરકારી, ગૌચરની જમીનો પરના દબાણો હટાવાઈ રહ્યા છે, તેવી જ રીતે 'રાજકીય ભૂમિ' પર થયેલા 'દબાણો' હટાવા પણ કદાચ હાઈકમાન્ડ દ્વારા 'ડ્રાઈવ' યોજાય, અને ટોપ ટુ બોટમ ધરખમ ફેરફારો થાય, તેવી શક્યતાઓ પણ અંતરંગ વર્તુળોમાં ચર્ચાઈ રહી છે.

બીજી તરફ એવો આક્ષેપ થઈ રહ્યો છે કે, ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં પણ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને ઈરાદાપૂર્વક ધીમી ગતિએ ટેકાના ભાવે મગફળીની ખરીદીની પ્રક્રિયા થઈ રહી છે, જેથી નણાની ખેંચ અનુભવતા ખેડૂતોએ ના છૂટકે બજારભાવે મગફળી વેચવી પડી રહી છે. આ પ્રકારની આક્ષેપબાજી પછી અમરેલી વિસ્તારમાં ભાજપમાં ભડકો થયો હોય તેમ જણાય છે.

ભાજપના જ એક ધારાસભ્ય દ્વારા ગુજકોમાસોલ દ્વારા થતી મગફળી ખરીદીમાં 'મલ્લાઈ' કોણ ખાઈ ગયું? તેવા સવાલો ઊઠાવાયા અને ગુજકોમાસોલના સર્વેસર્વા અને પી.એમ. સુધીની પહોંચ ધરાવતા ભાજપના દિગ્ગજ નેતા દ્વરા માનહાનિનો દાવો કરવાની ચીમકી અપાઈ, તે પ્રકરણના પડઘા છેક દિલ્હી સુધી પડ્યા છે. તેથી ગુજરાતમાં સરકાર અને સંગઠનની કક્ષાએ કાંઈક નવાજુની થાય, કે ધરખમ ફેરફારો થાય, તેવી શક્યતાઓ પણ જણાવાઈ રહી છે. બીજી તરફ કોંગ્રેસ પણ વહેતી નદીમાં હાથ પલાળીને ડાંગર સહિતની ખરીદીઓમાં ચાલતા ભ્રષ્ટાચાર તથા ભાજપ સરકારની ખેડૂત વિરોધી નીતિરીતિના આક્ષેપો કર્યા, જો કે આ બધી હુંસાતુંસીથી હાલાર અલિપ્ત થઈ રહ્યું હોય, તેમ જણાય છે. બાકી આંતરિક કે ગુપ્ત રીતે કાંઈ હલચલ થતી હોય તો ભગવાન જાણે!

જામનગર મનપાની સ્ટેન્ડીંગ કમિટી દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં ભરાતી ગુજરીબજારો કાયમી ધોરણે નદીના પટમાં યોજવા દેવાનો ઠરાવ કરાયો તેના મિશ્ર પ્રત્યાઘાતો પડી રહ્યા છે, અને આ નિર્ણયના કારણે શહેરમાં ટ્રાફિક સમસ્યા હળવી થશે અને બજારો ચોખ્ખી રહેશે. તેનેઆવકાર મળી રહ્યો છે, પરંતુ કાયમી ધોરણે નદીના પટમા ગુજરીબજાર ભરાય, તો તેની સંભવિત આડઅસરો હંગામી કે કાયમી દબાણોની શક્યતા, વર્ષાઋતુ, માવઠું કે પૂર જેવી સ્થિતિમાં વિકલ્પ અને ખાસ કરીને નદીના પટમાં કાયમી ગંદકી ન ફેલાય, તથા પર્યાવરણીય સુરક્ષા જળવાય, તેની તકેદારી વગેરે અંગે પણ અત્યારથી જ વિચારી લેવું પડે... આમાં 'હોતી હૈ, ચલતી હૈ...' નહીં ચાલે!

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial