મધ્ય પ્રદેશમાં હમણાં જ એક અધિકારી લાંચ લેતા પકડાયા.. નહીં નહીં, લાંચ તો તેણે ઘણાં સમય પહેલા લીધેલી, પરંતુ લાંબી ખાતાકીય તપાસ બાદ તેનો રિપોર્ટ આવ્યો અને તે ભ્રષ્ટાચારના કેસમાં દોષી સાબિત થયા. અને આ કિસ્સામાં સરકારે તેને અનોખી સજા કરી, એ ભ્રષ્ટાચારી અધિકારીને સરકારે પટાવાળો બનાવી દીધો..! આવી અનોખી સજા ની વાત સાંભળતા જ સરકારી વિભાગોમાં સનસનાટી મચી ગઈ. હેં, આપણા જ સાહેબ હવે આપણા પટાવાળા ?
સજા ખરેખર અનોખી છે, એક જવાબદાર અધિકારી હવે પટાવાળાની પોસ્ટ શોભાવશે.. અત્યાર સુધી જે અધિકારીના હુકમ મુજબ ઓફિસ ચાલતી હતી તે જ અધિકારી હવે બીજાના હુકમનો અમલ કરશે. જોકે મને તો આવી સજાનો હુકમ કરનાર કલેકટર સાહેબનો ઉદ્દેશ તો એકદમ શુભ જણાય છે કે, *કોઈના પેટ પર લાત મારવી નહીં..*
હવે અહીં પ્રશ્ન તો એક બીજો આવીને ઊભો રહે છે કે, 'શું તે અધિકારી પટાવાળાની પોસ્ટ સ્વીકારશે ? એટલે કે તે પોતાની જ ઓફિસમાં એક પટાવાળા તરીકે ફરજ બજાવી શકશે ?'
છાપામાં તો આ બાબતે કશી જ સ્પષ્ટતા નથી, કે નથી તે ઓફિસરના ભવિષ્યના પ્લાનની કોઈ માહિતી. મને લાગે છે કે કોઈ જવાબદાર પત્રકારે આ ઓફિસરનો ઇન્ટરવ્યૂ લેવો જોઈએ. જો આવો ઇન્ટરવ્યૂ લેવામાં આવે તો સવાલ જવાબ કંઇક આ પ્રમાણે હોઈ શકે.
*મિસ્ટર ઓફિસર, શું તમે લાંચ લીધેલી ?*
*નહીં, મને ખોટી રીતે ફસાવવામાં આવ્યો છે.. ઓફિસમાં મારી પ્રગતિ જોઈ ન શકતા મારા સાથી મિત્રો દ્વારા..*
*અને તમને કરવામાં આવેલી આ સજા ?*
*સરકાર તો માઇ-બાપ છે, તેણે જે નિર્ણય લીધો તે સાચો..*
*એટલે કે તમે સજાનો આ નિર્ણય સ્વીકારો છો ?*
*મેં આજ દિવસ સુધી સરકારના દરેક નિર્ણયનો પ્રામાણિકતાથી સ્વીકાર કર્યો છે..*
*એટલે કે તમને થયેલી સજા પ્રમાણે તમે ઓફિસમાં પટાવાળા તરીકેની ફરજ બજાવશો, બરાબર ને ?*
*ચોક્કસ.. મેં આજ સુધી સરકારના દરેક નિર્ણયનું શબ્દશઃ પાલન કર્યું છે, અને ભવિષ્યમાં પણ પાલન કરીશ..*
જોકે આવા કોઈ ઇન્ટરવ્યૂ કે તેમાં કહેવામાં આવેલી વાતથી લાલાને કોઈ સંતોષ ન થયો. તેણે તો બિન્દાસ પોતાનો મત વ્યક્ત કરતા કહ્યું કે, *આ અધિકારીશ્રી હવેથી પટાવાળા તરીકેની નોકરી સ્વીકારી લેશે..*
*કેમ..?*
*કેમ કે છેલ્લા ત્રિસેક વર્ષ થયા તેમણે ફક્ત હુકમ જ કર્યા છે, કામ તો કશું કર્યું જ નથી.. તો હવે તેને બીજી નોકરી મળે પણ કઈ રીતે ?*
*હા એ વાત સાચી..* નટુએ ટાપસી પૂરી.
*અને બીજી પણ એક વાત છે. ઓફિસમાં જો તેની હાજરી સતત હશે તો તેના બીજા કોઈ કૌભાંડ હશે તો તે પણ દબાયેલા જ રહેશે.*
લાલાની વાતમાં દમ તો હતો જ. બધા તેની સાથે સહમત થયા. નટુએ તેની વાતમાં થોડો ઉમેરો કરતાં કહ્યું કે, *આ સાહેબ ભ્રષ્ટાચાર કરવા માટે દોષિત જાહેર થયા છે, એટલે તેઓ ભ્રષ્ટાચારની વિવિધ રીત-રસમો પણ સારી રીતે જાણતા જ હશે. હવે આ જ્ઞાનનો પોતાના ઉત્તરાધિકારીને લાભ આપવા માટે, અને તેમાંથી પણ કશીક મલાઈ મેળવવા માટે પણ, તેમની ઓફિસમાં હાજરી જરૃરી છે..!!!*
વિદાય વેળાએ ઃ આપણા ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીએ પણ એક વખત કહ્યું કે, સરકાર ગરીબોના કલ્યાણ પાછળ જ્યારે એક રૃપિયો ખર્ચે છે ત્યારે તેમાંથી ગરીબોના હાથમાં તો ફક્ત ૧૫ પૈસા જ આવે છે...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial