Sensex

વિગતવાર સમાચાર

મેલેરિયા મુક્ત ભારત ક્યારે? મચ્છરમુક્ત હાલાર ક્યારે? રખડુ શ્વાનથી મુક્તિ ક્યારે?

વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા કોઈપણ દેશમાં સતત ત્રણ વર્ષથી એક પણ કેસ ન નોંધાયો હોય,તેને મેલેરિયમુક્ત દેશ જાહેર કરવામાં આવે છે. ગઈકાલે ડબલ્યુએચઓએ મેલેરિયામુક્ત જાહેર કરેલો જોર્જિયા વિશ્વનો ૪પ મો અુછલ દેશ બન્યો છે, જેને આ સર્ટીફિકેટ મળ્યું હોય.

વિશ્વ આરોગ્ય સંસ્થાના મુખ્યમંત્રી જીનીવાથી જાહેર થયેલા અહેવાલો મુજબ જ્યોર્જિયામાં મેલેરિયા નાબૂદીની ઝુંબેશ વર્ષ ૧૯૦૦ થી ચાલતી હતી. જે ત્રણ પ્રકારના મેલેરિયાના વાયરસ જ્યોર્જિયામાં ફેલાયેલા હતાં, તે જ વયરસ આજે ભારતમાં ફેલાયેલા છે. ભારતમાં પણ મેલેરિયા નાબૂદીની ઝુંબેશ ચાલી રહી છે. ભારતમાં મેલેરિયા નાબૂદ તો હજુ થઈ શક્યો નથી, પરંતુ તેમાં ઘટાડો થઈ રહ્યો હોવાના આંકડા બહાર આવ્યા છે.

સરકારી આંકડાઓ મુજબ આઝાદીના સમયગાળામાં ભારતમાં સાડાસાત કરોડ જેટલા મેલેરિયાના વાર્ષિક કેસ નોંધાયા હતાં, તે હવે ર૦ લાખ થઈ ગયા છે, અને ગુજરાતમાં દસેક વર્ષ પહેલા ૧૧.૭૦ લાખ હતાં, તે વર્ષ ર૦ર૩ માં ઘટીને સવાબે લાખ અને ચાલુ વર્ષે અત્યાર સુધીમાં ૩૬૩૩ કેસો નોંધાયા છે. ભારતના પડોશી દેશ માલદીવ્ઝ, શ્રીલંકા, ચીન ઉપરાંત સિંગાપુર, મોરોક્કો, યુ.એ.ઈ. ઈટાલી, ઓસ્ટ્રેલિયા સહિત ૪પ દેશો મેલેરિયામુક્ત જાહેર થયા છે. ભારતે પણ વર્ષ ર૦૩૦ સુધીમાં મેલેરિયા મુક્તિનું સર્ટીફિકેટ મેળવવાનું લક્ષ્ય રાખ્યું છે, એટલે કે ભારતમાં જો વર્ષ ર૦ર૭, ર૦ર૮ અને વર્ષ ર૦ર૯ માં મેલેરિયાનો એક પણ કેસ ન નોંધાય તો વર્ષ ર૦૩૦ માં વિશ્વઆરોગ્ય સંસ્થા આ પ્રકારનું પ્રમાણપત્ર આપે, અને ભારત પણ મેલેરિયામુક્ત જાહેર થઈ શકે, જો કે આ લક્ષ્ય એકલી સરકાર કે તેના તંત્રો પૂરા કરી શકે તેમ નથી, અને તેમાં પ્રચંડ જનસહયોગ, જનજાગૃતિ અને ખાસ કરીને લોજેસ્ટિક સપોર્ટની જરૃર પડે, અને તે માટે પ્રત્યેક ભારતીય નાગરિકો તથા વિદેશથી અવરજવર કરતા કે પ્રવાસે આવતા હોય, તેવા તમામ લોકોએ કારોનાફેઈમ જાગૃતિ રાખવી પડે, ખરૃં ને?

મેલેરિયા, ડેન્ગ્યૂ વગેરે મચ્છરજન્ય રોગોથી મુક્તિ મેળવ્યા પહેલા તો મચ્છર નાબૂદી થવી જઈએ, અને મચ્છર નાબૂદી માટે માત્ર ગંદકી નાબૂદી જ નહીં, પરંતુ ચોખ્ખા પાણીમાં ઉત્પન્ન થતા મચ્છરોથી બચવાના ઉપાયો પણ ખૂબજ ગંભીરતાથી કરવા જ પડે. પંચાયત, પાલિકા કે મહાપાલિકા દ્વારા ફોગીંગ થાય કે ઘેર-ઘેર દવા છંટકાવ થાય, તેની રાહ જોવાના બદલે આપણે ઘર, દુકાન, ઓફિસ, સંકુલ, ફાર્મ કે ફેક્ટરીમાં એક પણ મચ્છર ન રહે, તેવા ઉપાયો આપણે બધાએ જ કરવા પડે ને?

જામનગર હોય કે યાત્રાધામ દ્વારકા હોય, સમગ્ર હાલારમાં મચ્છરનો ઉપદ્રવ એટલો બધો છે કે તમને ધોળે દિવસે પણ મચ્છરોનો ગણગણાટ સાંભળવા મળે અને હવે તો ઘરમા જ નહીં, વાહનો તથા ઘણી સરકારી કચેરીઓમાં પણ મચ્છરો ડંખ મારી જતા અનુભવાય, પરંતુ આપણે આ બધી રોજીંદી સમસ્યાઓથી એટલા ટેવાઈ ગયા છીએ કે તેને ગંભીરતાથી વિચારતા જ નથી, અને તેથી જ મચ્છરજન્ય બીમારીઓ વધી રહી હોય તેમ નથી લાગતું?

એવું નથી લાગતું કે 'મચ્છરમુક્ત હાલાર'ની ઝુંબેશ સમગ્ર હાલારમાં શરૃ થવી જોઈએ, અને તેનો હાલારવ્યાપી પ્રારંભ સંસદીય કક્ષાના જનપ્રતિનિધિઓ કરાવે અને તેમાં બન્ને જિલ્લાના કલેક્ટરોના નેતૃત્વમાં તમામ સરકારી-અર્ધસરકારી, બોર્ડ-નિગમ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, શાળા-કોલેજો તથા એનજીઓઝ જોડાય. એટલું જ નહીં, તાલુકા-જિલ્લાવાર સતત આ પ્રકારની ઝુંબેશ ચાલતી રહે અને તેનો તબક્કાવાર પ્રારંભ રાજ્ય-જિલ્લા-તાલુકા કક્ષાના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, અન્ય નેતાઓ, કાર્યકરોને સાંકળીને થાય તો? મચ્છર નાબૂદી અભિયાનને સફળ બનાવવા માટે આવી ઝુંબેશ ચલાવી જ શકાય, અને તેમાં શાસક પણ-વિપક્ષો તથા હેલ્થ સેક્ટરના આગેવાનો, સંસ્થાઓ, હોસ્પિટલો, તબીબો અને બુદ્ધિજીવીઓ જોડાતા રહે, તો જ વર્ષ ર૦ર૭ સુધીના રાષ્ટ્રીય નિર્ધારિત લક્ષ્ય સાથે હાલાર કદમ મિલાવી શકશે. ખરૃં કે નહીં? જાગો...જનતા...જાગો... તંત્રો-નેતાઓ ઢંઢોળો... જાગ્યા ત્યારથી સવાર...

આપણે મચ્છરમુક્ત હાલારની ઝુંબેશ ઉપાડશું, અને તેમાં સફળ થઈશું તો તેના ઘણાં જ 'સાઈડ બેનિફિટ્સ' થવાના છે. આ કારણે જાહેર આરોગ્ય તો સુધરશે જ, પરંતુ તેની સાથે સાથે લોકોની કાર્યક્ષમતા સુધરતા એકંદરે આર્થિક રીતે લાંબાગાળાના ફાયદા પણ થશે.

જામનગરની એક ટાઉનશીપના ગ્રુપે સોશ્યલ મીડિયામાં એક વીડિયો મૂક્યો હતો, જે ઘણો જ વાયરલ થયો હતો. આ વીડિયોમાં એક મહિલાને ઘેરીને રખડુ કૂતરાઓએ પજવણી કરી, જેની સામે રક્ષણ મેળવવા લાચાર મહિલાએ અથાગ પ્રયત્નો કર્યા, પરંતુ અંતે પડી ગઈ અને એ ખતરનાક કૂતરાઓ તેને ઢસડીને એક શેરીમાં લઈ ગયા. વહેલી સવારની ઘટના હોય, તેવો જણાતો આ વીડિયો જામનગરમાં ખતરનાક રખડુ શ્વાનની સમસ્યાને ઉજાગર તો કરે જ છે, પરંતુ તેમાં લોકોને વહેલી સવારે કે મોડી રાત્રે એકલા બહાર નીકળવાનું થાય, તો લાકડી જેવી કાંઈક રક્ષણાત્મક વસ્તુ જરૃર સાથે રાખવી જોઈએ, તેવો બોધપાઠ પણ આપે છે.

જામનગરને શ્વાનથી મુક્ત કરવાની ઝુંબેશ પણ જામનગર મહાનગરપાલિકાની કક્ષાએથી શરૃ કરવી જોઈએ, અને આ પ્રકારના રખડુ શ્વાનોને નગરના ગલી-મહોલ્લા અને માર્ગો પરથી હટાવીને કોઈ અલાયદા ડોગ હાઉસ (ઢોરના ડબ્બાની જેમ) માં જીવદયાના ધારાધોરણો મુજબ રાખવાની વ્યવસ્થા સુદૃઢ બનાવી જોઈએ, તેવી માંગણી ઊઠી રહી છે. મનપાના તંત્રો માત્ર ખસિકરણ કરીને કૂતરાઓની જનસંખ્યા નાથવાની કામગીરી વર્ણવીને છૂટી જાય છે અને રખડુ કૂતરાઓને રખડુ ઢોરની જેમ સ્થળાંતરિત કરવામાં અસમર્થતા બતાવાઈ રહી હોય, તો હવે પછી શું કરવાનું છે, તે જનતાએ જ વિચારવાનું છે, અને મોટાભાગે ચૂપકીદી સેવી રહેલા વિક્ષના નેતાઓએ પણ વિચારવાનું છે, ખરૃં કે નહીં?

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial