Sensex

વિગતવાર સમાચાર

નાગરિક ધર્મ-રાજધર્મ અને આધ્યાત્મ ધર્મનો ત્રિવેણી સંગમ, સારે જહાઁ સે અચ્છા, હિન્દુસ્તાં હમારા...

આવતીકાલે પ્રજાસત્તાક પર્વ છે, અને આઝાદીના ૭પ વર્ષ પૂરાં થતા ઉજવાઈ રહેલા અમૃત મહોત્સવના ગૌરવ સાથે આપણા દેશમાં જાણે નાગરિક ધર્મ, રાજધર્મ અને આધ્યાત્મ ધર્મ અથવા એમ પણ કહી શકાય કે, કર્તવ્ય, ભક્તિ અને દેશભક્તિનો ત્રિવેણી સંગમ સર્જાયો છે.

વર્ષ-૧૯પ૦ ની ર૬મી જાન્યુઆરીના દિવસે આપણો દેશ પ્રજાસત્તાક બન્યો..., અને પ્રજાએ ચૂંટેલા પ્રતિનિધિઓએ લોકો માટે, લોકો દ્વારા અને લોકોનું શાસન સંભાળી લીધુ અને રાજધર્મનું પાલન કર્યુ. રાજધર્મ એટલે કોઈપણ ભેદભાવ વગર દેશ અને દેશવાસીઓ માટે પૂરેપૂરી કર્તવ્યનિષ્ઠા અને પ્રામાણિકતાથી શાસન ચલાવવું, એવો સાર પણ કાઢી શકાય.

પ્રયાગરાજમાં દર ૧૪૪ વર્ષે આવતો મહાકુંભ ચાલી રહ્યો છે, જ્યાં આગામી મહાશિવરાત્રિ સુધી દેશ-દુનિયાના શ્રદ્ધાળુઓ ગંગા મૈયા, યમુનાજી અને સરસ્વતીજીના ત્રિવેણી સંગમમાં ડુબકી લગાવીને પુણ્ય કમાવા આવી રહ્યાં છે. કરોડો દેવી-દેવતાઓ અને ભગવાનના વિવિધ સ્વરૂપો તથા અનેક સંપ્રદાયોને સમાવતા સનાતન હિન્દુધર્મનો આ મહાકુંભ આધ્યાત્મ અને આત્મકથાનું દુર્લભ પર્વ છે. ગુજરાતમાંથી પ્રયાગરાજ તરફ જતી તમામ ટ્રેનોમાં બુકીંગ થઈ ગયું છે, ત્યારે ગુજરાત સરકાર અને પ્રવાસન નિગમે સસ્તા ભાડામાં પ્રયાગરાજની યાત્રા માટે વોલ્વો બસોનું જે આયોજન જાહેર કર્યુ છે, તેમાં પણ વધારો કરવો પડશે અને દરરોજની એક બસ પૂરી નહીં પડે, તેમ જણાય છે. જો કે, આ પ્રયોગ સફળ રહ્યો તો ગુજરાતનું એસ.ટી. કોર્પોરેશન ભવિષ્યમાં પણ જુદા-જુદા મોટા પ્રસંગોમાં આંતરરાજ્ય ટૂર પેકેજનું પ્રવાસન નિગમ સાથે મળીને આયોજન કરશે, અને તેના કારણે રાજ્યના આંતરરાજ્ય પ્રવાસન (ટુરીઝમ) ને વેગ મળશે અને રાજ્યના પ્રવાસીઓ, યાત્રિકોને પણ ઘર આંગણેથી સુવિધા મળી રહેશે. પ્રયાગરાજ જવા માટે જો એસ.ટી. દ્વારા રિટર્ન બુકીંગ આધારિત બસો પ્રત્યેક જિલ્લા મથકેથી પણ અર્ધ સાપ્તાહિક કે દૈનિક ધોરણે શરૂ કરશે, તો મહાકુંભ ચાલે છે, ત્યાં સુધી તેમાં પણ ભરપૂર ટ્રાફિક મળી રહે, તેવી સંભાવના છે.

આવતીકાલે નાગરિક ધર્મ બજાવવાનું પર્વ પણ છે. આપણો દેશ વર્ષ-૧૯૪૭ માં આઝાદ ગયો, અને લોકોના હાથમાં વાસ્તવિક સત્તા ભલે વર્ષ-૧૯પર ની પ્રથમ સંસદીય ચૂંટણીઓ પછી આવી હોય, પરંતુ વિધિવત રીતે લેખિત બંધારણ સ્વીકારીને ભારત જે રિપબ્લિક નેશન એટલે કે, પ્રજાસત્તાક રાષ્ટ્ર વર્ષ-૧૯પ૦ ની ર૬મી જાન્યુઆરીના દિવસે જ જાહેર કરી દેવાયું હતું, તેથી ર૬મી જાન્યુઆરીથી સત્તા મળવાની સાથે-સાથે આપણા શિરે નાગરિક ધર્મ બજાવવાની જવાબદારી પણ આવી હતી. જે આજપર્યંત આપણે નિભાવતા રહ્યાં છીએ. આપણો દેશ આઝાદ થયો, ત્યારથી આજ સુધી અનેક આફતો આવી, યુદ્ધો થયા, કુદરતી આફતો તથા કૃત્રિમ મુશ્કેલીઓ, દુર્ઘટનાઓ તથા હિંસક તોફાનોથી લઈને આંતકવાદી હૂમલાઓ સુધીના પડકારો આવ્યા. લોકતાંત્રિક ઢબે સત્તા પરિવર્તનો થયા, મહામારીઓ, મંદી અને મોંઘવારીની વિષમ સ્થિતિમાં સર્જાઈ અને ઘણાં વૈશ્વિક અને આંતરિક દબાણોનો સામનો કરવો પડ્યો, તેમ છતાં આપણો દેશ એક ગૌરવપૂર્ણ મોટી લોકતાંત્રિક સાર્વભૌત્વ સત્તા તરીકે દુનિયામાં ડંકો વગાડી રહ્યો છે, અને આજે આખી દુનિયા ભારતીય પ્રાચીન વારસા તથા સંસ્કૃતિ તરફ આકર્ષિત થઈ રહી છે, તેમાં આપણા આ અનોખા ત્રિવેણી સંગમનો સિંહફાળો છે. નાગરિક ધર્મ, રાજધર્મ અને આધ્યાત્મના ત્રિવેણી સંગમ સમુ આ પર્વ પણ ઈતિહાસના પાને સુવર્ણ અક્ષરે લખાવાનું છે.

પ્રજાસત્તાક પર્વને આપણે ગણતંત્ર દિવસ અને રિપબ્લિક ડે તરીકે ઉજવીએ છીએ અને પરંપરાગત રીતે આ ઉજવણી દર વર્ષે થાય છે. આપણો દેશ પ્રજાસત્તાક જાહેર થયો ત્યારે પણ ઘણાં પડકારો હતાં અને આજે પણ બદલતા વૈશ્વિક પ્રવાહો, બદલતી આબોહવા અને આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ સુધીની અદ્યતન ટેકનોલોજીના યુગમાં નવા પડકારો ઊભા થતા રહે છે, તેમ છતાં ભારત આજે વિશ્વમાં સૌથી મોટો સફળ લોકતંત્ર, મજબૂત અર્થતંત્ર અને વિરાટ જનસંખ્યા છતાં વિકાસશીલમાંથી વિકસિત રાષ્ટ્ર તરફ જવાના લક્ષ્ય સાથે આગળ વધી રહ્યું છે, તેમાં આઝાદી પછીની તમામ સરકારો તથા દેશની પરિપકવ જનતાના સક્રિય યોગદાનનો સિંહફાળો છે.

આ ગૌરવ લેવાની સાથે-સાથે આપણે થોડું આત્મમંથન કરવાની જરૂર પણ છે. એક નાગરિક તરીકેના પૂરેપૂરા કર્તવ્યો આપણે બજાવી રહ્યાં છીએ ખરા...! આઝાદીકાળમાં જે પ્રકારની દેશભક્તિની ભાવનાઓ હતી અને દેશ માટે કૂરબાન થઈ જવાની તાલાવેલી પ્રત્યેક ભારતીયોને હતી, તે આપણી અને આવનારી પેઢીઓને યાદ રહેશે ખરી...? આપણે દેશ પ્રત્યેની કર્તવ્યભાવનાઓ વિસરી તો ગયા નથી ને...? આપણા સમૃદ્ધ અને સુસંસ્કૃત દેશને કોઈ નવા સ્વરૂપના છર્ર્દ્મવેશી આક્રાંતાઓ ફરીથી લૂંટવા અને પરોક્ષ રીતે ગુલામ બનાવવાના પ્રયાસો તો કરી રહ્યાં નથી ને...?

નવા માર્કેટીંગ યુગમાં આપણાં મૂલ્યો અને સિદ્ધાંતોના પણ મુલ-ભાવ થઈ રહ્યાં નથી ને...? તેવા પ્રશ્નોના જવાબ (સાચા) શોધવાની જરૂર નથી લાગતી...?

આજે મતદાતા જાગૃતિ દિવસ પણ ઉજવાઈ રહ્યો છે, આખી દુનિયા આપણાં દેશના મહાકુંભમાં ડુબકી લગાવતા કરોડો લોકોને આશ્ચર્યાચકિત થઈને નિહાળી રહી છે. દુનિયાભરના વિચારકો અને વિશ્લેષકો આપણાં દેશની તંદુરસ્ત લોકશાહી અને પ્રાચીન સભ્યતાથી લઈને અર્વાચીન ભારતની ઉપસ્થિતિઓના ગુણગાન ગાઈ રહ્યાં છે, અને ખૂબીઓની સાથે-સાથે આપણાં દેશમાં પ્રવર્તતી કેટલીક કૂપ્રથાઓ તથા અંધશ્રદ્ધાનો ઉલ્લેખ પણ થઈ રહ્યો છે, ત્યારે આપણે કેટલીક "ઊણપો" ને હટાવીને દેશને ફરીથી આપણા ભવ્ય ભારતીય વારસાને અનુરૂપ પ્રગતિના પંથે લઈ જવાનો સંકલ્પ લેવો પડશે.

લોકતંત્રના પર્વ સમી દિલ્હીની ચૂંટણીઓએ જેવી રીતે સમગ્ર દેશનું ધ્યાન ખેંચ્યું છે, તેમજ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે. મહાકુંભના ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવવાની જેમ જ આપણે લોકતંત્રના મહાપર્વમાં ડૂબકી લગાવવા માટે જ્યારે-જ્યારે ચૂંટણી આવે ત્યારે-ત્યારે મતદાન કરવાનું ભૂલી ન જઈએ, આજે મતદાન જાગૃતિનો સંદેશ પણ ફેલાવીએ...

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial