આપણે પ્રજાસત્તાક પર્વની ગૌરવપૂર્ણ ઉજવણી કરી અને જામનગરમાં યોજાયેલા કાર્યક્રમો દરમિયાન એરફોર્સના શક્તિ પ્રદર્શને આકર્ષણ જમાવ્યું હતું, જ્યારે જામનગર જિલ્લાના પીરોટન, ચાકડી, જિંદડા અને સેજા જેવા ટાપુઓ પર ભારત આઝાદ થયા પછી સર્વપ્રથમ પ્રજાસત્તાક પર્વ ઉજવાયું અને ધ્વજવંદન સાથે તિરંગો લહેરાયો, તેથી આ વખતે હાલાર માટે પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો ઉમંગ બેવડાયો હતો અને જાણે કે સોનામાં સુગંધ ભળી હોય તેમ જામનગરના એરપોર્ટ નજીક યોજાયેલા વિશેષ કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં નગરજનો ઉમટ્યા હતાં. હાલારમાં ઠેર-ઠેર પ્રજાસાત્તક પર્વની ગરિમામય ઉજવણીથી દેશભક્તિનો માહોલ છવાઈ ગયો હતો.
દેશની રાજધાની દિલ્હીમાં પણ પ્રજાસત્તાક પર્વ આન-બાન અને શાનથી ઉજવાઈ ગયું. આ વખતે દુર્લભ મહાકુંભ પ્રયાગરાજમાં ઉજવાઈ રહ્યો છે, જેથી ધર્મ-આધ્યાત્મ અને દેશભક્તિનો અદ્ભુત ત્રિરંગો સંગમ પણ સર્જાયો હતો.
દિલ્હી વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર પણ પરાકાષ્ટાએ પહોંચ્યો છે અને ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ખેલાઈ રહેલો ત્રિપાંખિયો જંગ પણ રાજનીતિની તિરંગી તસ્વીર ઊભી કરી રહ્યો છે. આજે તમામ મુખ્ય રાજકીય પક્ષોના દિગ્ગજો દિલ્હીના મતદારોને રિઝવવા શ્રેણીબદ્ધ રેલીઓ, રોડ-શો ને ચૂંટણીસભાઓ યોજી રહ્યા છે, ત્યારે કોંગ્રેસે ડો. આંબેડકરના જન્મસ્થળ મઉમાં કાર્યક્રમ યોજીને વ્યૂહાત્મક રણનીતિ અખત્યાર કરી છે, જેની સીધી અસરો દિલ્હીની ચૂંટણીના પ્રચારને પણ થઈ જ હશે ને?
બીજી તરફ હવામાન વિભાગે ગુજરાતમાં હજુ પણ વધુ ઠંડી પડશે, તેવી આગાહી કરી છે, અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હટી જતા ઠંડી વધી હોવાના અહેવાલો છે, તો આજે રાજકોટમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટી-ર૦ ક્રિકેટ મેચ યોજાવાની હોવાથી રાજકોટમાં સર્વત્ર ક્રિકેટ ફીવર છવાયો હોય તેમ ક્રિકેટ રસિયાઓમાં રોમાંચ જોવા મળી રહ્યો છે. જો આજે સાંજે ભારતની ટીમ જીતી જાય તો પાંચ ટી-ર૦ ની શ્રેણીમાં ભારત શ્રેણીનો વિજય પણ મેળવી શકે છે, કારણ કે આ પહેલાની બન્ને ટી-ર૦ મેચો ભારતે જીતી લીધી હતી. રાજકોટ જ નહીં, સમગ્ર સૌરાષ્ટ્રમાં આ ટી-ર૦ ને લઈને ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
જામનગર અને રાજકોટથી પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મહાકુંભમાં સ્નાન કરીને પુણ્યનું ભાથું બાંધવા જઈ રહ્યા છે, અને તમામ ટ્રેનો હાઉસફૂલ થયા પછી એસ.ટી. દ્વારા વોલ્વો બસોની જે વ્યવસ્થા થઈ છે, તે અમદાવાદથી જ શરૂ થઈ છે, જેને વિસ્તારીને દરેક જિલ્લા મથકે તથા યાત્રાધામો-મોટા શહેરોમાંથી પણ શરૂ થાય, તો હજુુુુુુુુુુુુુુુુુુ ટ્રાફિક વધે તેમ છે, અને ત્યાં પહોંચ્યા પછી કેવી સગવડો હોય છે, તથા પગપાળા કેટલું ચાલવું પડે તેમ છે, તેની વિસ્તૃત માહિતી જો રાજ્ય સરકારના પ્રવાસન વિભાગ તથા માહિતી ખાતા મારફત પ્રેસ-મીડિયાના માધ્યમથી અપાશે, તો આ અલભ્ય અવસરે હજુ પણ મહાકુંભ જવાની ઈચ્છા ધરાવતા લોકોને ખૂબ જ ઉપયોગી થશે, તેવા જન-પ્રતિભાવો આવી રહ્યા છે.
શ્રદ્ધાળુઓ માટે એક બીજા સારા સમાચાર પણ આવ્યા છે. અહેવાલો મુજબ ચીન અને ભારત વચ્ચે સમજુતિ પુનઃ અમલી બનતા ટૂંક સમયમાં એટલે કે ઉનાળામાં માનસરોવરની યાત્રા શરૂ થશે. ભારતના વિદેશ સચિવે ભારતના પ્રજાસત્તાક પર્વે જ આ અંગે ચીનની મુલાકાત લીધા પછી આ પ્રકારના સંકેતો આપ્યા હતાં અને હવે તેની પુષ્ટિ પણ થઈ ગઈ છે. અહેવાલો મુજબ વિદેશ મંત્રાલયે આ જાહેરાત કરવાની સાથે સાથે બન્ને દેશોમાંથી વહેતી બ્રહ્મપુત્રા સહિતની નદીઓનો ડેટા પણ શેર કરવામાં આવી હોવાની જાણકારી આપી છે, જે ઘણું જ મહત્ત્વપૂર્ણ છે. તે ઉપરાંત ભારત અને ચીન વચ્ચે સીધી હવાઈસેવા સુદૃઢ બનાવવા માટે પણ સૈદ્ધાંતિક સહમતી સધાઈ હોવાના અહેવાલો ભારત અને ચીન વચ્ચે તંગદિલી ઘટી રહી હોવાના સંકેતો આપે છે. કૈલાસ માનસરોવર યાત્રા પુનઃ શરૂ થશે, તેવા અહેવાલોએ ભારતીય પ્રવાસીઓ જ નહીં, દુનિયાભરના શ્રદ્ધાળુઓમાં આનંદની લાગણી વ્યક્ત થઈ રહી છે.
બીજી તરફ ચીને એ.આઈ. ક્ષેત્રે મોટો ધડાકો કર્યો છે. સસ્તુ એ.આઈ. (ડીપસીક) એન્જિન રજૂ કરતા ઈન્ફર્મેશન ટેકનોલોજી ક્ષેત્રોમાં હલચલ મચી ગઈ છે અને શેરબજારોમાં કડાકો બોલ્યો છે. ચીનના સ્ટાર્ટઅપ ડીપસીકે બાવન કરોડ રૂપિયાના મૂડીરોકાણ સાથે લર્નીંગ એ.આઈ. એન્જિન લોન્ચ કરતા વૈશ્વિક શેરબજારોમાં નવો ભૂકંપ આવ્યો હોય, તેવી વિપરીત અસરો થઈ હતી. જેનાથી ભારતીય શેરબજાર પણ અલિપ્ત રહી શક્યું નહોતું, જો કે સોશ્યલ મીડિયામાં એવી કોમેન્ટો પણ થઈ રહી છે કે ચીનની સસ્તી વસ્તુઓ તકલાદી નિવડતી હોવાથી તેને વિશ્વસનિય ગણી શકાય નહીં. બીજી તરફ આ અહેવાલો પછી અમેરિકન એ.આઈ. સેક્ટરને ઝટકો લાગ્યો હોવા છતાં ટૂંક સમયમાં આ સેક્ટર રિકવર થઈ જશે, તેવો આશાવાદ પણ વ્યક્ત થઈ રહ્યો છે.
ટૂંકમાં કૈલાસ માનસરોવર યાત્રા શરૂ થવાના પોઝિટિવ તથા સસ્તા ડીપસીક એ.આઈ. એન્જિ નેગેટીવ અહેવાલોના કારણે ચીન અત્યારે વૈશ્વિક ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.
ભારતીય શેરબજાર તો હવે દરિયાઈ ભરતી-ઓટ જેવું બની ગયું છે, અને વૈશ્વિક પ્રવાહોની અસરો, સ્થાનિક પરિબળો તથા રાષ્ટ્રીય તથા રાજકીય પ્રવાહો ઉપરાંત ઋતુચક્ર અને દેશભરમાં ચાલતી બહુવિધ પ્રવૃત્તિઓની અસરો શેરબજાર પર પડતી હોય છે, તેથી ચીનમાં આ ધડાકાની અસરો લાંબો સમય નહીં રહે અને ટૂંક સમયમાં જ માર્કેટ રિકવરી મેળવી લેશે તેવા આશાવાદ વચ્ચે ઋતુપરિવર્તન સાથે દિલ્હીમાં સત્તા પરિવર્તન થશે કે કેજરીવાલને વધુ એક વખત જનાદેશ મળશે? તેવા સવાલો સાથેની ગરમાગરમ રાજકીય ચર્ચાઓ ઠંડીમાં પણ ગરમીનો અહેસાસ કરાવી રહી છે, ખરૃં કે નહીં?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial