દરરોજ કરોડો લોકો જ્યાં સ્નાન કરી રહ્યા છે, તે પ્રયાગરાજના કુંભમેળામાં મોડી રાત્રે થયેલી ભાગદોડમાં કેટલાક લોકોના મૃત્યુ થયા, અને કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા છે, તે સમાચારો મળ્યા પછી આ કુંભમેળામાં સ્નાનાર્થે ગયેલા શ્રદ્ધાળુઓના સગા-સંબંધીઓમાં તો ચિંતા પ્રસરી જ છે, પરંતુ હવે પછી જેણે આ મહાકુંભમાં જવાનું આયોજન કર્યું છે, તેઓ પણ દ્વિધામાં મૂકાયા છે, જો કે ઉત્તરપ્રદેશ સરકાર તરફથી ખૂબ જ સારી વ્યવસ્થા કરવામાં આવી છતાં ભાગદોડ કેવી રીતે થઈ અને તેને અંકુશમાં લેવા કેવા પગલાં લેવાયા, તેના અહેવાલો ટેલિવિઝન ચેનલોના માધ્યમથી આવી જ રહ્યા છે. બીજી તરફ સંગમઘાટ તરફ જ ધસારો વધી ગયો, તેથી આ સ્થિતિ સર્જાઈ હોવાથી લોકોને પણ પ્રશાસન તરફથી મળતી સૂચનાઓનો અમલ કરવાનો અનુરોધ કરવામાં આવી રહ્યો છે. શ્રદ્ધાળુઓ તથા સાધુ-સંતોના અખાડાઓના કુંભસ્નાનનું મેનેજમેન્ટ કરવાનો મોટો પડકાર ઊભો થયો છે. પહેલા સંતોનું આજનું અમૃતસ્નાન રદ્ કરાયું હોવાના અહેવાલો આવ્યા પછી તેમાં ફેરફાર થયો અને હવે શોભાયાત્રા મોકુફ રાખીને સંતોનું આજનું અમૃતસ્નાન યથાવત્ રહેશે, તેવા અહેવાલો જોતા કદાચ આજે સ્થિતિ સંપૂર્ણપણે અંકુશમાં આવી જાય, તેવા આશાવાદ વચ્ચે સંતો-મહંતો અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લોકોને પોતે જે ઘાટથી નજીક હોય, ત્યાં જ સ્નાન કરે અને તંત્રના નિર્દેશોનું પાલન કરે તેવી જે અપીલ કરી છે, તે પછી આજે ભીડ નિયંત્રણમાં આવી જશે, તેમ જણાય છે. એક મહામંડલેશ્વરે તો રડતાં રડતાં કહ્યું કે, આ મહાકુંભની વ્યવસ્થા સેનાને સોંપવાની જ જરૃર હતી!
આ પ્રકારના વિરાટ આયોજનોમાં જેટલી પૂર્વ તૈયારી આયોજકો-તંત્રો-સંસ્થાઓની હોય તેટલી જ જરૃર જનસહયોગની પણ રહેતી હોય છે, અને તંત્રો-આયોજકોએ પણ સતત મોનીટરીંગ કરતા રહીને તથા અદ્યતન ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરીને દૈનિક ત્રણ-ચાર વખત સમીક્ષા કરીને વ્યવસ્થાઓ અપડેટ કરતા રહેવી જોઈએ. આ ઉપરાંત અફવાઓથી દૂર રહેવાની પણ ખૂબ જ જરૃર હોય છે. લોકોને સોશ્યલ મીડિયામાં ફેલાતી અપુષ્ટ ખબરોને અધિકૃત રીતે અપાતા સમાચારો, ન્યૂઝ ચેનલો તથા સ્થાનિક તંત્રો દ્વારા પી.એ. સિસ્ટમથી અપાતી સૂચનાઓનું જ પાલન કરવું જોઈએ.
જે લોકો કુંભમેળામાં ગયા હોય, ત્યાં ઘાટ તરફ માનવપ્રવાહ હોય છે, અને જેઓની પાસે ટેલિવિઝન નથી હોતું, તેથી મોબાઈલ સેલફોનમાં અપાતા સમાચારોનો સહારો લેતા હોય છે, ત્યારે મોબાઈલ સેલફોન દ્વારા પણ વિશ્વસનિય ન્યૂઝ ચેનલોનો જ વિશ્વાસ કરે અને સોશ્યલ મીડિયા મારફત અપાતી અનધિકૃત ખબરો પર વિશ્વાસ કરે, તે જરૃરી હોય છે. કુંભમેળામાં પહોંચી ચૂકેલા અને સ્નાન ઘાટો તરફ આગળ વધી રહેલા શ્રદ્ધાળુઓ પોતાના સગા-સંબંધીઓ સાથે ટેલિફોનિક સંપર્કમાં રહીને ટેલિવિઝન ચેનલોમાં આવતા સમાચારોની સતત માહિતી મેળવતા રહે, તે પણ અત્યંત જરૃરી છે. આવુ કરવાથી જે લોકો કુંભમેળામાં પહોંચી ગયા છે, તેને સાચી માહિતી મળતી રહેશે અને તેઓના સગા-સંબંધી-પરિવારજનોની ચિંતા પણ ઓછી થશે. એટલું જ નહીં, દેશભરમાં અફવાઓ ફેલાતી પણ અટકશે.
આજે અખાડા પરિષદે આ મુદ્દે તદ્ન હકારાત્મક અને સંજોગોને અનુરૃપ સંયમ દાખવ્યો અને શોભાયાત્રા કે તામ-જામ વિના સામાન્ય શ્રદ્ધાળુઓની જેમ જ બપોર પછી અમૃતસ્નાન કરાશે, તેવી જે જાહેરાત કરી, તે પછી પ્રયાગરાજ મહાકુંભના સ્થળે ભીડની વ્યવસ્થા જાળવવાની દિશામાં તંત્રોને થોડી સુગમતા થઈ, આમ છતાં આજે મોડીરાતની ઘટના પછી હવે પછીના દિવસોમાં આ વ્યવસ્થાઓની પુનઃ સમીક્ષા કરીને સુધારા-વધારા કરવાની તજવીજ થાય, તે પણ જરૃરી છે.
મહાકુંભની મુલાકાતે ગયેલા શ્રદ્ધાળુઓ પણ ત્યાં થયેલી વ્યવસ્થાઓની પ્રશંસા કરતા સંભળાય છે, અને સ્થિતિ કંટ્રોલમાં હોવાના અહેવાલો વચ્ચે વ્યવસ્થાઓમાં જરૃરી ફેરફારો થઈ રહ્યા છે, અને લોકો (શ્રદ્ધાળુઓ) પણ સહયોગ આપી રહ્યા છે, તેથી મહાકુંભમાં જવા નીકળેલા અને હવે પછી જવાના હોય તેઓને પણ રાહત થઈ હશે.
એવા અભિપ્રાયો પણ આવી રહ્યા છે કે કેન્દ્ર-રાજ્ય સરકારોના મંત્રી-મહોદયો, સાંસદો, ધારાસભ્યો, ઉચ્ચ અધિકારીઓ વગેરે વીઆઈપી અને વીવીઆઈપી લોકો પણ પરિવારો સાથે ગંગાસ્નાન માટે આવી રહ્યા છે, તેઓ માટે સુરક્ષાની દૃષ્ટિએ વિશેષ વ્યવસ્થાઓ કરવી પડતી હોય છે તેથી સંગમઘાટ નજીકના કોઈ ઘાટ પર તેઓને પણ ડાયવર્ટ કરવા જોઈએ, અને લોકોને માત્ર સંગમઘાટ તરફ જ ધસારો કરતા અટકાવવાની શરૃઆત વીવીઆઈપી મહાનુભાવોથી જ થવી જોઈએ, તેવા પ્રત્યાઘાતો સાથે કેટલાક વી.આઈ.પી. મહાનુભાવો અન્ય ઘાટ પર સ્નાન કરી રહ્યા હોવાના અહેવાલો પણ છે.
પ્રયાગરાજ મહાકુંભના આયોજન અને આ પહેલા થયેલી ભાગદોડની કરૃણાંતિકાઓને સાંકળીને શાસન-પ્રશાસને કેટલાક બોધપાઠ લેવાની પણ જરૃર છે. આ પ્રકારના દાયકાઓ કે સદી-દોઢ સદી પછી આવતા ધાર્મિક પ્રસંગોમાં હવે ટ્રાન્સપોર્ટેશન તથા ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારા-વધારા સાથે મળતી આધુનિક સુવિધાઓના કારણે શ્રદ્ધાળુઓની સંખ્યાનું અનુમાન કરવામાં થાપ ખાઈ જવાય, તો પણ તે મોટી અવ્યવસ્થા, અસુરક્ષા કે ભાગદોડનું કારણ બની શકે છે. આથી પ્રયાગરાજમાં જે લોકો છે, તેઓ જે ઘાટ નજીક હોય ત્યાં સ્નાન કરીને તરત જ પરત આવી જાય, તેવી સૂચના તથા કોઈપણ ઘાટ પર સ્નાન કરશે, તો પણ મહાકુંભનું પૂરેપૂરૃં પુણ્ય મળશે, તેવી સમજણ અપાઈ રહી છે, તેથી હવે આ પ્રકારની ભાગદોડ નહીં સર્જાય, તેવી આશા રાખીએ... હર હર ગંગે... હર હર મહાદેવ હર...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial