Sensex

વિગતવાર સમાચાર

ફરી એકવાર, 'જૈસે થે'ના મુદ્દે ગુજરાત હાઈકોર્ટની ફટકાર... જામ્યુકો જાગશે? કોઈ અવાજ ઊઠાવશે?

સરકારી અને અર્ધસરકારી તંત્રોના ઘણાં કામો તાકીદના હોય છે તો ઘણાં કામો રોજીંદા હોય છે. ભારતના બંધારણ મુજબ  દેશના નાગરિકોનું હિત ટોચ અગ્રતાનું હોવું જોઈએ, પણ આજે દેશનો નાગરિક જુદી જુદી કચેરીઓ, બેંકો, રાશનની દુકાનો  કે પછી રેલવે- સ્ટેશનોની ભીડ વચ્ચે કતારોમાં ઊભવું પડી રહ્યું છે અને એક ધક્કે કામ ભાગ્યે જ પતે છે. નાના સરખા કામ  માટે પણ ધરમધક્કા ખાવા પડી રહ્યા છે, તો અમીરો-લાગવગિયા લોકોના કામો ઘેરબેઠા થઈ જતા હોય છે, અને  શાસન-પ્રશાસનના બેવડા ચહેરાઓ જનસેવકોના નકાબ પહેરીને ભોળી જનતાને છેતરતા રહે છે.

ગાંધીજીએ ગામડું, ગરીબ અને નિરક્ષર લોકોને અગ્રીમ હરોળમાં લાવવા માટે ગ્રામસ્વરાજ તથા અંત્યોદયના સપનાઓ  જોયા હશે, પરંતુ તેનો વારસો કોઈએ નિભાવ્યો નથી, અને આઝાદી પછી આ સપનાઓ સાકાર થયા નથી અને આજે પણ  મહત્તમ નાગરિકોને કતારોમાં રહીને તથા હાથ ફેલાવીને ભટકવું પડી રહ્યું છે. અમીરો વધુ અમીર બની રહ્યા છે, તે પણ  હકીકત જ છે ને?

જામનગર સહિત હાલારના ઘણાં સ્થળોએ છેલ્લા કેટલાક મહિનાઓથી 'દબાણ હટાવ ઝુંબેશ' ચાલી રહી છે, અને વિશાળ  અને કિંમતી જમીનો મુક્ત કરાવાઈ રહી છે. બીજી તરફ એ પ્રકારના દબાણ હટાવ ઝુંબેશો પણ ચાલી રહી છે, જે કદાચ  તંત્રોએ મને-કમને કરવી પડી રહી હોય કે પછી ફોર્માલિટી ખાતર કરવી પડતી હોય તેવું લાગે, તો કેટલીક દબાણ હટાવ  ઝુંબેશોમાં તો ચોખ્ખી ડ્રામેબાજી થઈ રહી હોય, તેવું જણાય. તંત્રના બેવડા ચહેરાઓની પાછળ ઘણાં બહુરૂપિયા પરિબળો તથા ભ્રષ્ટ  રીતિનીતિ સાથેની ગુપ્ત રાજનીતિ કામ કરી રહી હોય તેમ નાથી લાગતું?

તાજેતરમાં કેટલાક યાત્રા સ્થળો સહિત દરિયાકાંઠાના ગામો-નગરો-ટાપુઓ પર જે દબાણો હટાવાયા, તેની સામાન્ય  જનતામાં પ્રશંસા થઈ રહી છે, અને કેટલાક સ્થળે તો દબાણો હટાવ્યા પછી ફરીથી તે જ સ્થળે ફરીથી દબાણો ન થઈ જાય, તેવા નક્કર કદમ ઊઠાવાયા, અથવા ત્યાં સાર્વજનિક પ્રવૃત્તિઓ, કોઈ સેવાભાવી પ્રવૃત્તિઓ શરૂ થઈ જાય અથવા સરકારી કે  કાયદો વ્યવસ્થા સંબંધિત કચેરીઓ કે ચોકીઓ ઊભી કરવામાં આવે, તેવો અભિગમ અપનાવાઈ રહ્યો છે, તેની સારી છાપ  પડી રહી છે તથા તંત્રોમાં લોકોની વિશ્વસનિયતા વધી રહી હોય તેમ જણાય છે.

એવી આશંકાઓ પણ જાગી રહી છે કે, આ વિશ્વસનિયતા ક્યાંક આભાસી તો નથી ને? થોડો સમય વિત્યા પછી કે થોડા  મહિનાઓમાં જ ક્યાંક મુક્ત થયેલી જમીનો પર ફરીથી દબાણો તો ખડકાઈ નહીં જાય ને?

આ પ્રકારની આંશકાઓ ઊઠે તેની પાછળ મજબૂત કારણ પણ છે. જામનગરમાં કેટલીક જગ્યાએથી રેંકડી-પાથરણાવાળાઓને હટાવાયા હોય, તે જ સ્થળે ફરીથી 'જૈસે થે' જેવી સ્થિતિ સર્જાવા લાગતા મોટા ઉપાડે દબાણ હટાવ ઝુંબેશ પછી  તેનો 'જશ' ખાટી રહેલા તંત્રવાહકો માટે શરમજનક સ્થિતિ ઊભી થઈ રહી છે.

ગુજરાત હાઈકોર્ટમાં પણ અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં જાહેર માર્ગો પર લારી-ગલ્લા, ગેરકાયદે વાહન પાર્કિંગ  રખડતા ઢોર અને બિસ્માર માર્ગોનો મુદ્દો ચર્ચાયો અને અદાલતે એક વખત ફરીથી તંત્રોને તતડાવ્યા, તે અહેવાલો પણ  આજે હેડલાઈન્સમાં છે.

ગુજરાત હાઈકોર્ટમાં એક એડવોકેટે ફૂટપાથ પર થતા ગેરકાયદે પાર્કિંગના મુદ્દે કન્ટેમ્પ્ટ પિટિશન કરી હતી, જેની સુનાવણી  થતા ગુજરાત હાઈકોર્ટના બે જસ્ટિસોએ આ મુદ્દે પોલીસતંત્ર, મ્યુનિ. તંત્ર તથા સંબંધિત સરકારી તંત્રો પ્રત્યે ગંભીર  નારાજગી પણ વ્યક્ત કરી હોવાના અહેવાલો છે. આ મુદ્દે વધુ સુનાવણી ૬ઠ્ઠી ફેબ્રુઆરીના થવાની છે. અદાલતે કહ્યું કે આ  મુદ્દે સત્તાવાળાઓ ગંભીર નથી, અને હળવાશથી રૂટીન પ્રક્રિયા સમજીને આ તમામ બાબતોની તંત્રો અવગણના કરી રહ્યા  છે. જાહેર રસ્તાઓ લારી-ગલ્લા-પાથરણાવાળાઓ તથા કાયમી સ્વરૂપના દબાણોએ કબજે કરી લીધા છે. ફુટપાથો પણ  દબાઈ ગઈ છે, તેથી વાહનો ચલાવવા માટે પણ પૂરતી જગ્યા રહેતી. પોલીસતંત્ર તથા મ્યુનિસિપલ તંત્રોની ઝાટકણી કાઢતા  હાઈકોર્ટે સ્પષ્ટ સૂચના આપી કે એક વખત દબાણ હટાવ્યા હોય, ત્યાં ફરીથી દબાણ થાય, તો તેની સામે આકરી અને  પરિણામલક્ષી કડક કામગીરી કરવી જોઈએ.

અરજદાર વકીલની દલીલ એવી હતી કે આ મુદ્દે અત્યાર સુધીમાં હાઈકોર્ટમાં ૧૦૦ થી વધુ સુનાવણી થઈ અને અદાલતે  ૬૦ થી વધુ આદેશો કર્યા, છતાં સત્તાવાળાઓ દ્વારા તેનું અસરકારક પાલન કરાવાતું નથી, અને હાઈકોર્ટના આદેશોનું  ખુલ્લેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે. અરજદાર વકીલે માર્ગો-ફૂટપાથો પર દબાણો સહિતના ટ્રાફિકને અવરોધતા તમામ મુદ્દે  કસૂરવાર તંત્રો સામે ચાર્જફ્રેમ કરવાની માંગણી કરી છે. હવે ૬ઠ્ઠી ફેબ્રુઆરીના તંત્રોની દલીલો સાંભળ્યા પછી હાઈકોર્ટ કેવું  વલણ અપનાવે છે, તે અંગે પણ અનુમાનો થઈ રહ્યા છે. જો હાઈકોર્ટ અદાલતની અવગણના (કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ) નો ચાર્જ  ફ્રેમ કરશે, તો સંબંધિત તંત્રોના ચોક્કસ જવાબદાર અધિકારીઓ તો કાનૂની સકંજામાં આવી જ જશે, પરંતુ શાસકો (પોલિટિકલ  બોડી) માટે પણ એ ક્ષોભજનક હશે.

હાઈકોર્ટમાં આ સુનાવણી દરમિયાન બેન્ચના એક ન્યાયાધિશે તો પોતાને જ થયેલા કટૂ અનુભવો વર્ણવ્યા અને ટ્રાફિક  પોલીસની બેદરકારી પ્રત્યે અણગમો વ્યક્ત કર્યો હતો. તે ઉપરાંત અદાલતે કહેલું કે હાઈકોર્ટની જુદી જુદી બેન્ચો સમક્ષ  સુનાવણી નીકળે તે સમયે થોડા દિવસો માટે કોર્ટને બતાવવા માટે કામગીરી દેખાડાય છે, અને પછી જેમ હતું તેમ ('જૈસે  થે') થઈ જાય છે. માર્ગો-ફૂટપાથોના દબાણો, રોંગસાઈડમાં વાહન ચલાવવા, ગેરકાયદે આડેધડ પાર્કિંગ, રખડતા ઢોર,  આવારા કૂતરા વગેરે સમસ્યાઓથી ત્રાહિમામ્ જનતાને તેમાંથી છૂટકારો અપાવા ગુજરાત હાઈકોર્ટે કરેલી ટકોરો એએમસી  ઉપરાંત રાજ્યની તમામ પાલિકા-મહાપાલિકાઓના તંત્રો, પોલીસ તંત્ર તથા સરકારને પણ લાગુ પડે છે. આ તમામ મુદ્દે  જામનગરમાંથી કોઈ નાગરિક, વકીલ, સંસ્થા કે વિપક્ષી નેતા આ સુનાવણીનો સંદર્ભ લઈને હાઈકોર્ટમાં ધા નાખે, તે પહેલા  જામ્યુકો તથા સ્થાનિક તમામ અન્ય તંત્રો સમજી જાય તો સારૂ છે ખરૃં ને?

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial