Sensex

વિગતવાર સમાચાર

ફરી એક વખત બજેટ...

ફરી એક વખત ફેબ્રુઆરી માસ આવ્યો છે, એટલે ફરી એક વખત બજેટ પણ આવશે, ટેક્સ પણ વધશે અને તેથી જ મોંઘવારી પણ વધશે. જો કે આપણી સરકાર તો એવું માને છે કે બજેટને કારણે મોંઘવારી વધતી નથી. એ તો સામાન્ય માણસોમાં ફેલાયેલો એક વહેમ છે.

સામાન્ય માણસોમાં ફેલાયેલા આ વહેમને દૂર કરવા માટે  બજેટ વિશે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું, જેમાં એક મોટીવેશનલ સ્પીકરને બોલાવવામાં આવેલા. તેમણે સરસ વાત કહી કે, *તમારું બાળક જ્યારે કેક ખાતું હોય ત્યારે તેના હાથમાંથી કેક ઝુંટી લો, અને તેમાંથી એક મોટું બટકું ભરી લો. પછી વધેલી કેક તમારા બાળકને ખાવા માટે આપો..*

*તેનાથી શું ફાયદો થશે ?* લાલાએ પૂછ્યું.

*તેનાથી ફાયદો એ થશે કે તમારું બાળક ઇન્કમટેક્સ વિશે સમજતું થશે,  અને તેને એ વાત પણ સમજાશે કે તમારી આવક પર પહેલો હક સરકારનો છે તમારો નહીં..! અને સરકાર પેટ ભરીને ટેક્સ કાપી લે પછી બાકી વધતી આવકમાં જ તેણે ઘર ચલાવવાનું છે. એટલે ભવિષ્યમાં જ્યારે સરકાર ઇન્કમટેક્સ કાપી લેશે ત્યારે તેને ઓછો આઘાત લાગશે..!*

*પરંતુ મારૃં બાળક તો, મારા હાથમાંથી કેક ઝુંટીને, પહેલા પોતે ખાઈ જાય છે, અને વધે છે તે મને આપે છે..! તો મારે શું કરવાનું ?* નટુએ પોતાનો પ્રોબ્લેમ કહ્યો.

*તમારે તો કશી જ ચિંતા કરવાની જરૂર નથી. તમારું બાળક ચોક્કસ રાજકારણમાં જ જશે અને નાણામંત્રી બનીને દેશ આખાની કેકમાંથી પોતાનો હિસ્સો કોતરી ખાશે..!!* સ્પીકરે હસતા હસતા નટુને અભિનંદન આપ્યા અને પોતાની વાત પૂરી કરી.

બજેટ આવે એટલે રૂપિયાની વાત થાય. નાણામંત્રી આપણને વિગતવાર સમજાવશે કે રૂપિયો ક્યાંથી આવશે અને ક્યાં જશે. જો કે આ સમજાવતી વખતે નાણામંત્રી એ વાત  ઇરાદાપૂર્વક ભૂલી જશે કે આજકાલ રૂપિયાની કોઈ કિંમત જ નથી.

એક પત્રકારે નાણામંત્રીનું ધ્યાન દોર્યું કે, આજકાલ રૂપિયો ખૂબ જ નબળો પડતો જાય છે, અને તેની કિંમત સતત ઘટતી જાય છે. તો નાણામંત્રીએ જવાબ આપ્યો કે, *આ વાત બિલકુલ ખોટી છે, વિરોધ પક્ષોએ ફેલાવેલી અફવા છે. રૂપિયો તો એકદમ મજબૂત જ છે. આ તો ડોલરના ભાવ વધે છે એટલે આપણને રૂપિયો નબળો લાગે છે..

આજકાલ દેશમાં રેવડીની બોલબાલા છે. જેવી કોઈ ચૂંટણીની જાહેરાત થાય છે કે બજારમાં અલગ અલગ પ્રકારની રેવડી આવવા લાગે છે, જેટલા રાજકીય પક્ષ એટલી રેવડી. હવે આ રેવડી બનાવવાનો અને વહેંચવાનો ખર્ચ કોણ આપે છે?

રેવડીનો આ બધો ખર્ચ તો મારા અને તમારા ખિસ્સામાંથી -- એટલે કે આપણે ભરેલા ટેક્સમાંથી જ ચૂકવવામાં આવે છે. કારણ કે રેવડીની દરેક જાહેરાત એ આવતા બજેટનો એક ભાગ બની જાય છે.

આપણી આવતી પેઢી એક બાબતમાં નસીબદાર છે કે, તેમને વધતા જતા ટેક્સની સામે મફત મળતી રેવડીનો લાભ પણ મળશે.. જો કે અહીં મને એક મોટી શંકા છે કે સરકાર બધાને મફત રેવડી તો વહેંચશે, પરંતુ એ રેવડીની રકમમાંથી પણ, પોતાની આદતથી મજબુર થઈને ટી.ડી.એસ. ચોક્કસ કાપી લેશે...!!  ઠીક છે, જેવા આપણા નસીબ.

વિદાય વેળાએ : સફળ માણસ તો એ છે કે જે તેની પત્ની વાપરી શકે તેનાથી પણ વધુ કમાઈ લે..

...અને સફળ પત્ની એ છે કે જે આવો સફળ માણસ શોધી કાઢે...!!

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial