મહાકુંભમાં કરોડો લોકોના સ્નાનના અહેવાલોની સાથે સાથે ત્યાંની વ્યવસ્થાઓ તથા અદાલતની અટારી તથા ન્યાયિક તપાસ સુધી પહોંચેલો તાજેતરની ભાગદોડનો મુદ્દો પણ આજથી શરૂ થઈ રહેલા સંસદીય સત્રમાં ચર્ચાનો મહત્ત્વનો મુદ્દો બની જશે, તેવા એંધાણ પહેલેથી જ વર્તાઈ રહ્યા છે.
બીજી તરફ અમેરિકાના જંગી બહુમતથી ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જે ધડાધડ નિર્ણયો લઈ રહ્યા છે, તેની ભારત તથા ભારતીયોને કેટલીક અસરો થશે, તેની ચર્ચા વચ્ચે અમેરિકાની નેશનલ ઓશનિક એન્ડ એટમોસફિયરિક એડમિનિસ્ટ્રેશન નામની સરકારી એજન્સીએ પણ ભારત સહિત સમગ્ર વિશ્વમાં હલચલ મચાવી દીધી છે.
આ તદ્ન તાજી વોર્નિંગ મુજબ સૂર્યનારાયણ જાણે કોપાયમાન થયા હોય તેમ સૂર્યની સપાટી તથા બાહ્ય કિનારાઓ (કોરોના) માં વિરાટ કોરોનલ હોલ સર્જાયો છે. સૂર્યના બાહ્ય વાતાવરણની વચ્ચે વિશાળ કદનું કાળુ ધાબુ સર્જાયું છે, તેને કોરોનલ હોલ કહે છે. સૂર્યના બાહ્ય વાતાવરણમાં પાંચ લાખ માઈલ એટલે કે લગભગ ૮૦ હજાર કિલોમીટરનો આ કોરોનલ હોલ સર્જાતા તેની ભયાનક અસરો ગ્રહમંડળને થઈ શકે છે, અને પૃથ્વી પર સૌર તોફાનોનું સંકટ સર્જાઈ શકે છે તેવી સંભાવનાઓ પછી પૃથ્વી પર આજે રેડિયો બ્લેક આઉટ સાથે વાતાવરણને ગંભીર અસરો પહોંચી શકે છે. આ કારણે વીજ ઉપકરણો તથા સંદેશા વ્યવહારને માઠી અસર પહોંચે તેવી ચેતવણી અપાતા પૃથ્વી પર તંત્રો સાબદા થયા છે. બીજીતરફ કેટલીક સેટેલાઈટ (ઉપગ્રહો) ને ક્ષતી પહોંચે કે સળગી ઊઠે તેવી સંભાવનાઓ દર્શાવાઈ હોવાથી વૈજ્ઞાનિકો, ખગોળશાસ્ત્રીઓ તથા સંબંધિત સરકારી તંત્રો આજે આકાશ તરફ મીટ માંડીને ગહન નિરીક્ષણ કરી રહ્યા છે, તો ભારતમાં દેશવાસીઓની નજર દિલ્હી તરફ મંડાયેલી છે.
દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણીને લઈને ગરમાગરમી વચ્ચે મહાકુંભમાં ઉમટતા કરોડો લોકો તથા તાજેતરની ભાગદોડના અહેવાલો તો છવાયેલા જ છે, પરંતુ તેની સાથે સાથે આજથી શરૂ થઈ રહેલા સંસદીય સત્ર પર પણ દેશવાસીઓની નજર મંડાયેલી છે. આવતીકાલે સંસદમાં કેન્દ્રિય નાણામંત્રી નિર્મલા સીતારમણ કેવું બજેટ રજૂ કરશે, ક્યા વર્ગને રાહતો મળશે, કઈ કઈ નવી યોજનાઓ લોન્ચ થશે, તથા આ બજેટ સત્રમાં સરકાર ક્યા ક્યા બિલો પસાર કરાવવાનો પ્રયાસ કરશે, તેની ચર્ચા પણ 'ટોક ઓફ ધ નેશન' બની છે.
આજની એન.ડી.એ.ની બેઠક, સર્વપક્ષિય બેઠક, રાષ્ટ્રપતિનું અભિભાષણ અને તેના પર થનારી ચર્ચા તથા મોંઘવારી, બેરોજગારી, ગરીબી અને ભ્રષ્ટાચાર જેવા મુદ્દાઓ અંગે રાજકીય પક્ષોની રણનીતિને લઈને પણ દેશભરમાં ટીકા-ટિપ્પણીઓ થઈ રહી છે. મહાકુંભ મેળામાં ભાગદોડના મુદ્દે શોર-બકોર હોબાળા વચ્ચે અન્ય મહત્ત્વના મુદ્દાઓ હાંસિયામાં ધકેલાઈ જશે તથા રાબેતામુજબ સરકાર હોકારા, પડકારા, દેકારા, હંગામા વચ્ચે પણ કેટલાક મહત્ત્વપૂર્ણ બિલો બન્ને ગૃહોમાં રજૂ કરી દેશે, અને તે પૈકી સિલેકટેડ પ્રસ્તાવો કે બિલો પસાર પણ કરાવી લેશે, તેવા અનુમાનો પણ થઈ રહ્યા છે. ખાસ કરીને જેપીસીએ મંજુર કરી દીધેલું વકફ (સુધારેલુ) બિલ સંસદમાં પાસ કરાવવાનો પણ સરકારનો ભરપૂર પ્રયાસ હશે, તેવા સંકેતો જોતા આખું બજેટસત્ર હંગામેદાર રહેવાની સંભાવના છે.
ગયા સત્રમાં પેન્ડીંગ રહી ગયેલા ૧૦ બિલો, ફાયનાન્સ બિલ-ર૦રપ અને ઈમીગેશન એન્ડ ફોરેનર્સ બિલ પણ આ સત્રમાં મૂકાશે, તે ઉપરાંત ધ પ્રોટેક્શન ઓફ ઈન્ટરેસ્ટ્સ ઈન એરક્રાફ્ટ ઓબ્જેક્ટ્સ બિલ, ત્રિભુવન સહકારી બિલ સહિતના અન્ય કેટલાક નવા બિલો પણ આ સત્ર દરમિયાન રજૂ થઈ શકે છે.
એવા અહેવાલો આવ્યા છે કે, સુરક્ષા બાબતોની કેબિનેટ કમિટીએ એરિયા ડિનાયલ મ્યુનિશન તથા પિનાકા રોકેટ વિગેરે ઉપકરણો સહિત રૂ. દસ હજાર કરોડથી વધુ કિંમતનો દારૂગોળો સ્વદેશી હથિયારોની પ્રણાલીને વેગ આપવાના ઉદ્દેશ્યથી ખરીદવાની મંજુરી આપી દીધી છે. આ મંજુરી મુજબ પિનાકા રોકેટની ૧ર૦ કિ.મી.નું મારક ક્ષમતાનું પ્રથમ પરીક્ષણ થયા પછી પડોશી દેશોની સરહદો પરથી આક્રમક તથા પરિણામલક્ષી પ્રહાર કરવાની ક્ષમતા મળી જશે.
ગયા બુધવારે મળેલી કેન્દ્રિય કબિનેટની બેઠકમાં મંજુર કરાયેલા રોકેટની મારક ક્ષમતા પણ ૪પ કિલોમીટર જેટલી છે, જેથી તે પણ પડોશી બન્ને દુશ્મનદેશો પર જરૂર પડ્યે ઘાતક પ્રહારો કરી શકે છે. પિનાકાના અંતિમ પરીક્ષણ પછી ભારતીય સેનાને વધુ મજબૂતી મળશે અને સૈન્ય સામગ્રી અને ઉચ્ચ-મધ્યમ ક્ષમતાના દારૂગોળાનું જંગી નિર્માણ જોતા આ વખતે સંરક્ષણ બજેટમાં પણ નોંધપાત્ર વધારો થાય, તેવા એંધાણ દેખાય છે.
અત્યારે બજેટની મોસમ શરૂ થઈ છે, ત્યારે ગઈકાલે જ જામનગર મહાનગરપાલિકાનું ડ્રાફ્ટ બજેટ રજુ થયું છે. બજેટ પ્રક્રિયાની જાણકારી અને સમજદારી ધરાવતા લોકો જાણે જ છે કે આ ડ્રાફ્ટ બજેટ મહાનગરપાલિકાના તંત્રે તૈયાર કર્યું હોય છે, અને મ્યુનિસિપલ કમિશનર આ બજેટ સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેનને સોંપે છે. સ્ટેન્ડીંગ કમિટી દ્વારા બજેટના સમગ્ર પ્રસ્તાવો પર મુદ્વાવાર ચર્ચા થાય છે, અને મૂળ ડ્રાફ્ટમાં સ્ટેન્ડીંગ કમિટી સુધારા-વધારા સૂચવે છે. આ સુધારા-વધારા-ઘટાડા સાથે બજેટ છેવટે જનરલ બોર્ડમાં મૂકાય છે, જ્યાં તેના પર ચર્ચા થાય છે, અને ચર્ચાના અંતે જનરલ બોર્ડમાં રજૂ થયેલા તથા સ્ટેન્ડીંગ કમિટીએ સૂચવેલા સુધારા-વધારા-ઘટાડા અંગે અંતિમ નિર્ણય લેવાય છે.
છેવટે જનરલ બોર્ડમાં અંતિમ બજેટ પાસ થાય છે, તેથી અત્યારે ડ્રાફ્ટ બજેટમાં સૂચવેલા નવા કરવેરા, પ્રસ્તાવો-દરખાસ્તોમાં ફેરફારને અવકાશ રહે છે, અને મોટા ભાગે સ્ટેન્ડીંગ કમિટી કેટલાક કરવધારાની તંત્રની દરખાસ્તોમાં કાપ મૂકે રદ કરે, તેવું બનતું હોય છે, તેથી મનપાની અંતિમ બજેટની જ રાહ જોવી રહી... તેથી જ હવે તો ડ્રાફ્ટ બજેટને લોકો ડ્રામેટિકલ બજેટ પણ કહેવા લાગ્યા છે!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial