Sensex

વિગતવાર સમાચાર

કેન્દ્ર સરકારનું બજેટ...કહાં ખુશી કહાં ગમ? કહાં પે નિગાહે... કહાં પે નિશાના?

આજે સંસદમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ વર્ષ ર૦રપ-ર૬ નું બજેટ રજૂ કરી રહ્યા છે. ગઈકાલ સુધી કેન્દ્રિય બજેટમાં કેવી જોગવાઈઓ થશે, તેની અનેકવિધ અટકળો થઈ રહી હતી, તે પૈકી કેટલી અટકળો સાચી પડી અને કેટલી અટકળો યથાર્થ ઠરી નથી, તે પણ આપણી સામે આવી રહ્યું છે. આજે બપોર પછી આ બજેટના પ્રત્યાઘાતો પણ સામે આવી જશે.

ગઈકાલે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના અભિભાષણમાં મોદી સરકારની ઉપલબ્ધિઓ ઉપરાંત ભવિષ્યની યોજનાઓ અંગે કેટલોક ઉલ્લેખ થયો હતો, જે આજના બજેટમાં પ્રતિબિંબિત થશે, તેવી ધારણા હતી તે ઉપરાંત ગઈકાલે રજૂ થયેલા આર્થિક સર્વેક્ષણમાં પણ વર્ષ ર૦રપ-ર૬ ને લઈને કરેલી ધારણાઓ આજે ચર્ચામાં છે.

ગઈકાલે કેન્દ્રિય નાણામંત્રી નિર્મલા સીતારમણે વર્ષ ર૦ર૪-રપ નો ઈકોનોમિક સર્વે સંસદના બન્ને ગૃહોમાં રજૂ કર્યો હતો. આ સર્વેક્ષણ મુજબ નાણાકીય વર્ષ ર૦રપ-ર૬ માં ૬.૩ થી ૬.૮ ટકાના દરે જીડીપીનું અનુમાન કરાયું છે. આ અનુમાન અંગે મિશ્ર પ્રત્યાઘાતો પડી રહ્યા છે અને આ ગતિ દુનિયાની ત્રીજી અર્થવ્યવસ્થાના સપનાને સાકાર કરવા માટે પર્યાપ્ત નથી, તેવા તારણો પણ નીકળી રહ્યા છે.

ઈકોનોમિક સર્વેમાં એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે, ઈકોનોમિક પ્લાનીંગ તથા સ્ટેબલ એક્સ્પેન્ડીચરના કારણે ભારતીય અર્થવ્યવસ્થાની બુનિયાદ વધુ મજબૂત બની છે, જેથી જાહેર ક્ષેત્રમાં મૂડીખર્ચ તથા દેશમાં ઔદ્યોગિક વિકાસની અપેક્ષાઓમાં સુધારો થતા ઈન્વેસ્ટમેન્ટ વધશે.

ઈકોનોમિક સર્વેમાં કેન્દ્ર સરકારે ઈકોનોમીની સ્થિરતા તથા પ્રોગ્રેસને ધ્યાને રાખીને ગત્ વર્ષે ઊઠાવેલા મહત્ત્વપૂર્ણ કદમનું વિવરણ પણ રજૂ કર્યું છે, જેમાં ઋતુચક્ર મુજબ ખાદ્ય પદાર્થોના બફરસ્ટોકમાં વધારો, શાકભાજીના ભાવોમાં ઘટાડો, ઓપન માર્કેટમાં ખાદ્ય ચીજોનો પુરવઠો વધારવા આયાતમાં ઢીલ આપવા જેવા પગલાંને સમયોચિત અને પરિણામલક્ષી ગણાવાયા છે, જો કે એવો અણસાર પણ અપાયો છેકે વેપાર (ટ્રેડ) માં અનિશ્ચિતતાઓ અને જીઓ-પોલિટિકલ પરિસ્થિતિઓના ઉતાર-ચઢાવ આર્થિક વિકાસ માટે અવરોધક બન્યો હતો.

આ અનુભવોને ધ્યાને લઈને આગામી નાણાકીય વર્ષ (ર૦રપ-ર૬) માટે ભારતીય અર્થતંત્રને મજબૂત બનાવા અને ઈકોનોમિકલ પોટેન્શિયલ (આર્થિક સંભાવનાઓ) ને સંતુલન રાખવા માટે લેવાયેલા કેટલાક પગલાંની વિગતો પણ રજૂ થઈ છે.

આ ઈકોનોમિક સર્વેમાં પણ દેશમાં છેક છેવાડાના વર્ગો તથા વિસ્તારો સુધી વૈશ્વિક પ્રતિસ્પર્ધાત્મક્તા તથા સંરચનાત્મક રિફોર્મ્સની જરૂર પણ જણાવાઈ છે, જે ઘણી જ સૂચક છે.

મોંઘવારી અટકાવવા વિકસતી અર્થવ્યવસ્થા ધરાવતા દેશોમાં ખાદ્ય ઉપજમાં બદલવા લાવીને ભાવવધારા પર અંકુશ લાવવાના વૈશ્વિક પ્રયાસોનો અડક્તરો ઉલ્લેખ કરીને આગામી નાણાકીય વર્ષમાં ભૌગોલિક, પોલિટિકલ અને સંયોગાત્મક તણાવના જોખમો પણ આ સર્વેમાં વર્ણાવાયા છે, અને જીવનજરૂરીચીજોના ભાવો પહેલેથી જ ઊંચા હોવાથી હવે ભાવવધારાનું રિસ્ક ઘટી રહ્યું હોવાનો કટાક્ષ પણ થઈ રહ્યો છે.

આ ઈકોનોમિક સર્વેમાં દેશમાં આઈ.ટી. ક્ષેત્રે મળેલી સફળતા તથા સ્વચ્છ ભારત અભિયાન જેવા કાર્યક્રમો થકી મૂળભૂત સુવિધાઓમાં થયેલા સુધારા તથા કૃષિસુધારનો ઉલ્લેખ કરીને ઋતુચક્ર મુજબ ખેત-ઉત્પાદનો વધારીને અને ખાસ કરીને ડુંગળી, દાળ, ટમેટા જેવી કાયમી જરૂરિયાતોના ઉત્પાદનોમાં જંગી વધારો કરવાની જરૂર પણ જણાવાઈ છે.

આર્થિક સર્વેક્ષણમાં જીએસટી કલેક્શનમાં ૧૧ ટકાના વધારાનો અંદાજ સૂચવાયો, તે ચાલુ વર્ષના બજટમાં કેટલો પ્રતિબિંબિત થાય છે, અને વર્ષાંતે વાસ્તવમાં જીએસટીના માધ્યમથી કેન્દ્ર તથા રાજ્ય સરકારોને કેટલી આવક થઈ, તેના અંદાજો પર આધારિતા ખર્ચના અંદાજો પણ રખાયા હશે. આ વખતે બજેટમાં રજૂ થઈ રહેલા મહત્ત્વપૂર્ણ ફેરફારોનું પણ વિશ્લેષણ થવા લાગ્યું છે.

આર્થિક સર્વેક્ષણોના અંદાજોને અનુરૂપ વૈશ્વિક તથા રાષ્ટ્રીય કક્ષાની સંસ્થાઓના જીડીપી ગ્રોથના અંદાજો વચ્ચે પણ મેન્યુફેક્ચરીંગ સેક્ટરની નબળાઈનો ઉલ્લેખ થઈ રહ્યો છે, જો કે ગત્ વર્ષે સર્વિસ સેક્ટરનો ગ્રોથ ૭.૧ ટકા નોંધાયો હતો. નિકાસમાં પ.૬ ટકાનો છમાસિક વધારો અને આયાતમાં ૭.૭ ટકાનો વધારો પણ આર્થિક ક્ષેત્રના નિષ્ણાતો તથા નાણાવિભાગ માટે મહત્ત્વપૂર્ણ છે.

એકંદરે આર્થિક સર્વેક્ષણનો રિપોર્ટ ભલે મુખ્યત્વે દેશની આર્થિક પ્રગતિ અને આવતા વર્ષની ઉજળી સંભાવનાઓનું ચિત્ર રજૂ કરતો હોય, પરંતુ આ જ અહેવાલમાં કેટલીક નબળાઈઓ, કેટલાક પડકારો તથા જોખમોને પણ પરોક્ષ રીતે દર્શાવી દેવામાં આવ્યા છે, જેને વિપક્ષો દ્વારા વર્તમાન સરકારની નિષ્ફળતા તથા અણઆવડત ગણાવી રહ્યા છે.

આજે સંસદમાં રજૂ થઈ રહેલું કેન્દ્રિય બજેટ લોકોની અપેક્ષાઓ, વિવિધ ક્ષેત્રોની આકાંક્ષાઓ તથા ખાસ કરીને ગરીબ-મધ્યમ વર્ગની જરૂરિયાતોને લઈને કેટલું ખરૃં ઉતર્યું છે, તેનું આજે પૂરેપૂરા બજેટનો અભ્યાસ કર્યા પછી વાસ્તવિક વિશ્લેષણ થશે, પરંતુ મુખ્ય મુખ્ય જોગવાઈઓ તથા પ્રસ્તાવોના અહેવાલો આવવા લાગ્યા છે. જેથી ક્યાં ખુશી છવાઈ અને ક્યાં થોડી નિરાશા અથવા ગમનો માહોલ છે, તેની ચર્ચા પણ શરૂ થઈ ગઈ છે. નાણામંત્રી દ્વારા રજૂ થયેલા બજેટમાં થયેલી જોગવાઈઓ દિલ્હી વિધાનસભા ઉપરાંત નજીકના સમયમાં આવી રહેલી ચૂંટણીઓને કેટલી પરોક્ષ અસરો કરશે, તેની ચર્ચા પણ થવા લાગી છે. તેથી એવો કટાક્ષ પણ થઈ રહ્યો છે કે 'કહાં પે નિગાહ કહાં પે નિશાના?'

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial