Sensex

વિગતવાર સમાચાર

મહિને લાખ રૂપિયા કમાવનારને ફાયદો, પણ બેરોજગારનું શું? કેન્દ્રિય બજેટનું પૃથક્કરણ...

શનિવારે કેન્દ્રિય નાણામંત્રી નિર્મલા સીતારમણે વર્ષ ર૦રપ-ર૬ નું બજેટ રજૂ કર્યું અને તે પછી તેનું પૃથકકરણ શરૂ થયું હોય તેમ વિવિધ પ્રત્યાઘાતો બે દિવસથી સામે આવી રહ્યા છે. જામનગર અને હાલાર સહિત રાજ્યના વિવિધ ક્ષેત્રો અને વર્ગોમાંથી પણ બજેટના મિશ્ર પ્રતિભાવો આવી રહ્યા છે, અને રાષ્ટ્રીય કક્ષાએ બજેટને લઈને રાજનીતિ પણ શરૂ થઈ ગઈ છે. નવાઈની વાત તો એ છે કે શનિવારે હજુ તો નાણામંત્રી બજેટ રજૂ કરી રહ્યા હતાં અને તેનું સમાપન પણ થયું નહોતુ, ત્યાં કેટલાક લોકો આ બજેટની વાહવાહી કે ટીકા કરવા લાગ્યા હતાં. હકીકતે બજેટ રજૂ થયા પછી તેનો થોડો-ઘણો પણ અભ્યાસ કરીને તેના પ્રતિભાવો અપાય કે પ્રત્યાઘાતો પડે, તો તેમાં વધુ તથ્ય તથા લોજીક હોય છે, પરંતુ બજેટ રજૂ થતા જ તેના પ્રત્યાઘાતોમાં વધારે પડતા વખાણ થવા લાગે કે તીવ્ર આલોચલના થવા લાગે, ત્યારે તેની પાછળની રાજકીય ગણતરીઓ ખુલ્લી પડી જતી હોય છે, ખરૃં કે નહીં?

જો કે બજેટ રજૂ થયા પછી આજે સડકથી સંસદ સુધી જે ટીકા-ટિપ્પણીઓ થઈ રહી છે અને તર્કો-અભિપ્રાયો રજૂ થઈ રહ્યા છે, તે જોતા આ તમામ કવાયતની ફલશ્રૂતિમાં બજેટનું પૃથકકરણ પરિણામદર્શી તથા સંસદમાં બજેટ પર થનારી લાંબી ચર્ચા માટે ઘણું જ ઉપયોગી નિવડશે, તેમ જણાય છે.

મોટાભાગે પાર્ટી લાઈનથી કાંઈક અલગ અને વાસ્તવલક્ષી નિવેદનો કરનાર કોંગી નેતા અને સંસદસભ્ય શશિ થરૂરે ગઈકાલે ખૂબ જ સચોટ પ્રત્યાઘાત આપ્યો હતો. એનડીએ સરકારે શનિવારે રજૂ થયેલા વર્ષ ર૦રપ-ર૬ ના બજેટના વખાણમાં લપેટીને તેમણે એક સણસણતો સવાલ પૂછ્યો, જે આજે સંસદના ગલિયારાઓ સુધી પડઘાયો છે.

દર વર્ષે ૧ર લાખ સુધીની આવક મેળવતા નાગરિકોને ઈન્કમટેક્સ ભરવો નહીં પડે, એટલે કે દર મહિને એક લાખ સુધીની આવક કે પગાર મેળવતા લોકોને ઘણી જ મોટી રાહત નાણામંત્રીએ આપી છે, અને આ કારણે પ્રામાણિકતાથી નોકરી-ધંધો કરીને ઈન્કમટેક્સ ભરતા મધ્યમ વર્ગ તથા નોકરિયાતોને ફાયદો થશે, તે અંતે પ્રશંસાત્મક સૂરમાં પ્રત્યાઘાત આપતા શશિ થરૂરે પૂછ્યું હતું કે આ કરરાહત આવકાર્ય છે, પરંતુ તે વર્ષે ૧ર લાખ સુધી કમાતા ધંધો-નોકરી કરતા લોકો માટે ફાયદાકારક છે, જ્યારે તેનાથી પણ વધુ જરૂર બેરોજગારોને નોકરી-ધંધો-રોજગારની છે, અને તેમના માટે બજેટમાં શું છે?

તેમણે કહ્યું કે, મધ્યમ વર્ગ માટે ટેક્સમાં ઘટાડો થાય તે સારી બાબત હોઈ શકે છે, અને જેની પાસે સારો ધંધો કે ઊંચા પગારની નોકરી છે, તેને હવેથી ટેક્સ નહીં ચૂકવવો પડે, અથવા ઓછો ચૂકવવો પડશે, પરંતુ મહત્ત્વનો પ્રશ્ન એ છે કે જેની પાસે નોકરી જ ન હોય, પગાર જ ન હોય, તો તેનું શું થશે, તેની કોઈ સ્પષ્ટતા જણાતી નથી. આ બજેટ સ્પીચમાં નાણામંત્રીના મોઢેથી બેરોજગારી કે મોંઘવારી દર જેવા શબ્દો જ સાંભળવા મળ્યા નથી, તેમ જણાવીને શશિ થરૂરે પછેડીમાં બાંધીને પાંચશેરી મારી હોય તેમ જણાય છે.

શશિ થરૂરે કેન્દ્રિય નાણામંત્રી પર બજેટમાં ભેદભાવભરી ફાળવણી કરી હોવાનો આક્ષેપ કરતા કહ્યું હતું કે, નાણામંત્રીએ ચૂંટણીઓમાં ભાજપ-એનડીએને ફાયદો થાય તે રીતે નાણાકીય ફાળવણી કરી છે. એનડીએના સાથીદાર પક્ષોનું શાસન હોય, તેવા બિહાર જેવા રાજ્યને વધુ ફાળવણી થઈ છે, જે આગામી વિધાનસભાની ચૂંટણીમાં ફાયદો કરાવી શકે છે.

એકંદરે સ્ટાન્ડર્ડ ડિડકશન સહિત હવે રૂ. ૧ર.૭પ લાખ એટલે કે ૧ર લાખ ૭પ હજારની વાર્ષિક આવક પર નોકરિયાતને ઈન્કમટેક્સ નહીં લાગે.

જો કે, નવો ઈન્કમટેક્સ કાયદો આવ્યા પછી આ મર્યાદાથી વધુ આવક મેળવનારને તો કરવેરો સમયોચિત રીતે ચૂકવવો જ પડશે, તેવું કહેવાય છે, પરંતુ તજજ્ઞોના અભિપ્રાયો મુજબ કેન્દ્ર સરકાર નવો કાયદો સંસદમાં રજૂ કરે, ત્યારે જ તેની પાછળના ઉદ્દેશ્યની ખબર પડશે, જસ્ટ વેઈટ એન્ડ વોચ...

અન્ય એક પૃથકકરણ મુજબ જો બાર લાખથી થોડીક આવક વધી જાય તો, ૬૧,પ૦૦ રૂપિયાનો ટેક્સ ચૂકવવો પડે તેવી સ્થિતિમાં ઈન્કમટેક્સ એક્ટની કલમ-(૭૮એ) હેઠળ રિબેટ બંધ થઈ જાય છે. એવું કહેવાય છે કે આવી સ્થિતિમાં માર્જિનલ રિલિફ લાગુ થશે, તેથી ૧ર લાખથી ૧ર લાખ ૭પ હજારની આવક સુધી રૂ. ૧૦ હજારથી ૭૧,રપ૦ રૂપિયા સુધીનો ટેક્સ લાગુ પડી શકે છે. આ બધી બાબતો વધુ સ્પષ્ટતાઓ માંગે છે, જેની ચર્ચા સંસદમાં થવાની જ છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial