દિલ્હીની વિધાનસભાની ચૂંટણી માટે મતદાન ગઈકાલે સંપન્ન થયું અને તે પછી બહાર આવેલા એક્ઝિટ પોલ્સની ચર્ચા જ આજની હેડલાઈન્સમાં છે અને દિલ્હી વિધાનસભાની ચૂંટણીઓમાં વર્ષ ર૦૧૩ પછી વર્ષ ર૦૧પ, ર૦ર૦ અને લોકસભાની વર્ષ ર૦૧૯ તા. વર્ષ ર૦ર૪ ની ચૂંટણીઓના એક્ઝિટ પોલ્સ તથા વાસ્તવિક પરિણામોની સરખામણી કરીને આ વખતે એક્ઝિટ પોલ્સ કેટલા સાચા પડશે અને કેટલા ખોટા પડશે, તેના અનુમાનો પણ થઈ રહ્યા છે.
રાજકીય પક્ષો તો પોતપોતાની અનુકૂળતા પ્રમાણે આ એક્ઝિટ પોલ્સના અર્થઘટનો કરતા હોય છે, પરંતુ આ વખતે મોટા મોટા રાજકીય પંડિતો પણ માથુ ખંજવાળી રહ્યા હશે, કારણ કે દિલ્હીની જનતા હંમેશાં વિધાનસભા તથા લોકસભા માટે વિરોધાભાસી જનાદેશ આપતી રહી છે.
હકીકતે વર્ષ ર૦૧૪ માં કેન્દ્રમાં ભાજપને જનાદેશ મળ્યો, તે પહેલા વર્ષ ર૦૧૩ માં અન્ના આંદોલન થયું હતું અને તે સમયની યુપીએ સરકારના કેટલાક મંત્રીઓ સામે ભ્રષ્ટાચારના આરોપો લાગ્યા હતાં. તે પછી વર્ષ ર૦૧૩ માં દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં તત્કાલિન મુખ્યમંત્રી શીલા દિક્ષીત સામે ગંભીર આક્ષેપો લગાવીને અને આમ આદમી પાર્ટીની રચના કરીને કેજરીવાલે દિલ્હી વિધાનસભાની ચૂંટણી લડી હતી, જેમાં કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખિયો જંગ ખેલાયો હતો, અને કોઈપણ પક્ષને બહુમતી નહીં મળતા ભાજપને દિલ્હીમાં સત્તાથી દૂર રાખવા કોંગ્રેસે આમ આદમી પાર્ટીને ટેકો આપ્યો હતો અને કેજરીવાલ મુખ્યમંત્રી બન્યા હતાં, જો કે તે સરકાર અલ્પજીવી નિવડી હતી અને કેજરીવાલે રાજીનામું આપી દેતા દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસન આવ્યું હતું. બીજી તરફ વર્ષ ર૦૧૪ માં કેન્દ્રમાં ભાજપના નેતૃત્વમાં એનડીએની સરકાર રચાઈ હતી, અને નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા હતાં. તે પછી વર્ષ ર૦૧પ માં દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ૭૦ માંથી ૬૮ બેઠકો જીતીને બમ્પર વિજય સાથે દિલ્હીમાં સરકાર રચી હતી, અને અરવિંદ કેજરીવાલ મુખ્યમંત્રી બન્યા હતાં.
તે પછી યમુનામાં ઘણાં પાણી વહી ગયા છે. વર્ષ ર૦૧પ પછી વર્ષ ર૦૧૯ ની લોકસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને લોકસભાની દિલ્હીની એક પણ બેઠક મળી નહીં, પરંતુ વર્ષ ર૦ર૦ માં દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને ફરીથી બમ્પર જનાદેશ મળ્યો અને ૭૦ માંથી ૬ર બેઠકો મેળવીને કેજરીવાલ ફરીથી મુખ્યમંત્રી બન્યા હતાં. આ તમામ હિસ્ટ્રી એ પૂરવાર કરે છે કે દિલ્હીની જનતાએ કેન્દ્ર માટે ભાજપ (મોદી) અને દિલ્હી રાજ્ય માટે આમ આદમી પાર્ટી (કેજરીવાલ) ને છેલ્લા એક દાયકાથી પસંદ કર્યા છે, અને દિલ્હીના મતદારો લોકસભા અને વિધાનસભા માટે અલગ અલગ જનાદેશ આપે છે. આમ આદમી પાર્ટીને વિશ્વાસ છે કે આ વખતે પણ દિલ્હીના મતદારો જબ્બર જનાદેશ આપશે. બીજીતરફ ભાજપ પણ આ વખતે બહુમતીનો દાવો કરી રહ્યું છે.
કેન્દ્રમાં ભાજપને હરાવવા વર્ષ ર૦ર૪ ની લોકસભાની ચૂંટણીમાં ઈન્ડિયા ગઠબંધન બન્યું, પરંતુ તે પછી અત્યારની દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી સામે ભાજપ ઉપરાંત કોંગ્રેસ પણ લડી રહી છે. તેથી ત્રિપાંખિયો જંગ છે. તે ઉપરાંત છેલ્લા પાંચ વર્ષમાં કેજરીવાલે ઘણાં રંગ બદલ્યા, શરાબ કૌભાંડના માત્ર આક્ષેપો નહીં, કાનૂની કાર્યવાહી થઈ અને વર્ષ ર૦૧૩ થી વર્ષ ર૦રપ વચ્ચે ઘણાં દિગ્ગજો 'આપ' પાર્ટીને છોડી ચૂક્યા છે, અને ભ્રષ્ટાચાર ઉપરાંત મહિલાઓ વિરોધી નીતિરીતિના અક્ષેપો તથા સ્વાતિ માલીવાન પ્રકરણ સુધીના ઘટનાક્રમોના કારણે પણ આમ આદમી પાર્ટીને પહેલા જેવો બમ્પર જનાદેશ નહીં મળે, તેવું તો બધા સ્વીકારે છે, પરંતુ તેની સરકાર જ નહીં બને, તેવા અભિપ્રાયો સર્વસ્વીકૃત નથી. ઘણાં લોકો માને છે કે દિલ્હીમાં કેજરીવાલ સરકારની લોકપ્રિયતા હજુ એટલી નામશેષ થઈ ગઈ નથી કે તેને સત્તા ગુમાવી પડે. ઘણાં લોકો ભાજપની સરકાર રચાશે, તેવું માને છે, તો એક વર્ગ એવો પણ છે કે જે માને છે કે ચોંકાવનારા પરિણામો આવશે, અને બે બિલાડીની લડાઈમાં વાંદરો ફાવી જાય, તે કહેવત જેવું કાંઈક પરિણામ આવશે.
આ તમામ ઘટનાક્રમો વચ્ચે ગઈકાલે દસ-બાર એક્ઝિટ પોલ્સ આવ્યા તેમાં પણ મતમતાંતરો છે, અને અડધોઅડધ એક્ઝિટ પોલ્સ 'આપ'ને પુનઃ સત્તા મળશે, પરંતુ વર્ષ ર૦૧પ અને વર્ષ ર૦ર૦ જેટલી બેઠકો નહીં મળે, તેવા તારણો આપે છે, જ્યારે એટલા જ બીજા એક્ઝિટ પોલ્સ આ વખતે ભાજપને જનાદેશ મળશે, તેવા અનુમાનો આપે છે.
આ એક્ઝિટ પોલ્સને સાંકળીને આ પહેલા દિલ્હીની વિધાનસભાની ચૂંટણીઓમાં થયેલા એક્ઝિટ પોલ્સ કેટલા સાચા પડ્યા હતાં અને કેટલા ખોટા પડ્યા હતાં, તેની સરખામણી પણ થઈ રહી છે, અને દિલ્હી વિધાનસભાની ચૂંટણીઓને લઈને થતા અનુમાનો આ પહેલા પણ સચોટ ઠર્યા નહોતા, તેથી સાચી ખબર તો આઠમી ફેબ્રુઆરીના જ પડશે, જો કે મોટાભાગના એક્ઝિટ પોલ્સ ભાજપ અને આમ આદમી પાર્ટીનેે મળનારી બેઠકો વચ્ચેનો સાંકડો તફાવત દેખાડે છે અને ભાજપ તરફ ઝોકદર્શાવે છે, તેથી ચોક્કસ કાંઈ કહી શકાય નહીં.
આ એક્ઝિટ પોલ્સમાં કોંગ્રેસનું વિજયનું સપનું સાકાર થવું, તો દૂર રહ્યું, પરંતુ માત્ર એકાદ-બે બેઠકો મળતી દર્શાવે છે, જેથી આ એક્ઝિટ પોલ્સ મુજબનું પરિણામ આવે, તો કોંગ્રેસે વર્ષ ર૦૧૩ માં 'આપ'ને ટેકો આપ્યો, અને તે પછી વર્ષ ર૦ર૪ માં અન્ય પક્ષો માટે પોતાની બેઠકો ઘટાડીને સેક્રીફાઈસ કર્યું તેને ભૂલી ગણીને આત્મમંથન કરવું પડે તેમ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial