આજે સવારનું છાપુ ખોલ્યું તો પ્રથમ પાના ઉપર જ વિજય માલ્યાના સમાચાર વાંચવા મળ્યા, કે ભારતની બેંકોએ વિજય માલ્યા પાસેથી તેને આપેલી લોન કરતાં પણ ડબલ રકમની વસુલાત કરી છે.. વિજય માલ્યાએ પોતે જ ટ્વિટ કરીને જણાવ્યું છે કે ભારતની બેંકોએ મારી પાસેથી તેમણે આપેલ લોન કરતા ડબલથી પણ વધુ રકમ વસુલ કરી લીધી છે.. સવારના છાપામાં આ સમાચાર વાંચ્યા પછી ખાતરી કરવા માટે બીજા બે ત્રણ છાપામાં પણ જોયું, તો તેમાં પણ આ જ સમાચાર હતા.
સમાચાર વાંચીને મને દુઃખ થયું. શું આપણી બેંકો પણ પઠાણી ઉઘરાણી કરવા લાગી છે...? અને તે પણ વિજય માલ્યા જેવા સજ્જન માણસ પાસેથી. આપણી બેંકોની તો એ ભવ્ય પરંપરા રહી છે કે પઠાણી ઉઘરાણી તો બે પાંચ કે પચ્ચીસ લાખ રૂપિયાની લોન લેનાર પાસેથી જ કરવાની હોય, નહીં કે પાંચ દસ હજાર કરોડ રૂપિયાની લોન લેનાર પાસેથી..!!
મને યાદ છે આજથી ૧૦ -- ૧૫ વર્ષ પહેલા આ વિજય માલ્યાએ જ ગુજરાત સરકારને ભલામણ કરેલી કે ગુજરાતમાંથી દારૂબંધી દૂર કરો. હવે આવા ગુજરાતી પ્રજાના સાચા હિતચિંતક એવા વિજય માલ્યા પાસેથી બેંકો પઠાણી ઉઘરાણી કરે તો શું આપણને દુઃખ ન થાય ? ચોક્કસ દુઃખ થાય
આટલા વરસો પછી ગુજરાત સરકારે તેની ભલામણનો અધકચરો અમલ કર્યો, ફક્ત ગિફ્ટ સિટીમાં જ આ ગિફ્ટ આપી. પરંતુ બાકીના ગુજરાતનું શું ? અને બાકીના ગુજરાતીઓનું કોણ ?
વિજય માલ્યાની આ ટ્વીટનો પણ ઘણાં લોકોએ સરસ જવાબ આપ્યો છે. એક વ્યક્તિએ તો તરત લખ્યું કે, *ઘર આજા પરદેશી તુજે હમારી બેંક બુલાયે..!*
તો બેન્કો ના વિવિધ પ્રકારના મોટા મોટા ચાર્જિસથી પરેશાન એક સામાન્ય ખાતેદરે લખ્યું છે કે, *સર તમે પાછા આવી જાઓ. અહીં તમારા પૈસા બેંકો અમારી પાસેથી લૂંટી, એટલે કે વસૂલી રહી છે..*
અને એક આમ આદમીએ તો રીતસરની કાકલુદી કરીને કહ્યું છે કે, *સર, તમે જલદીથી પાછા આવી જાઓ, શક્ય છે કે અમને સરકાર પાસેથી અમારા વર્ષોના બાકી લેણાં - રૂપિયા ૧૫ - ૧૫ લાખ, અમને મળી પણ જાય..!!*
જોકે વિજય માલ્યા પાસેથી તેને આપેલ લોન કરતાં પણ ઘણી બધી રકમ વસુલ થઈ હશે, તે વાત મને તો સાચી લાગે છે. અને તેની સાબિતી છે આ વર્ષનું નાણામંત્રીએ રજૂ કરેલું બજેટ.
વર્ષો થયા ઇન્કમટેક્સની લિમિટ વધારવામાં કંજૂસાઈ કરતી સરકાર આ વખતે એકદમ ઉદાર થઈ ગઈ છે. ઇન્કમટેક્સની લિમિટમાં એક મોટો હનુમાન કૂદકો લગાવ્યો છે, રૂપિયા બાર લાખ સુધીની આવક પર એક રૂપિયો પણ ટેક્સ નહીં.! મને તો હજુ પણ આ વાત સ્વપ્ન જેવી લાગે છે.
વર્ષો પહેલા એક સમય એવો પણ હતો કે ભારતમાં ઇન્કમટેક્સનો મેક્સિમમ રેટ ૯૭.૫% હતો. તે વખતે ભારત સરકારનો દાવો હતો કે ઇન્કમટેક્સના આ ઊંચા દરથી સરકારના હાથમાં જે રૂપિયા આવશે તેનાથી ભારતની પ્રજાની ગરીબી દૂર થશે. આમ જનતાનું કલ્યાણ થશે.
હવે આજે રૂપિયા બાર લાખ સુધીની આવક પર ઇન્કમટેક્સનો દર છે ઝીરો પર્સન્ટ. અને આ સમયે પણ સરકારનો દાવો તો એ જ છે કે આ કર રાહતથી પ્રજાની ગરીબી દૂર થશે અને આમ જનતાનું કલ્યાણ થશે...!
વિદાય વેળાએ : શેરબજારની પરિસ્થિતિ જોતા લાગે છે કે કુંભમેળામાં નાગાબાવાની સંખ્યા વધવાની શક્યતા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial