Sensex

વિગતવાર સમાચાર

હાલાર સહિત મહત્તમ ગુજરાતમાં ભૂગર્ભ જળ બન્યું ભયાનક...હવે શું?

આખી દુનિયામાં વાતાવરણ બદલાઈ રહ્યું છે. હવે રણ પ્રદેશોમાં પૂર આવે તેવા વરસાદ થાય છે, તો જ્યાં હંમેશાં અતિવૃષ્ટિ થતી હતી, ત્યાં દુષ્કાળ પડવા લાગ્યા છે, ઋતુચક્ર બદલાઈ રહ્યું હોય તેમ જ્યારે કડકડતી ઠંડી પડી રહી હોય, ત્યારે કમોસમી વરસાદ થાય તથા બપોરે ગરમી અનુભવાય ત્યારે એક જ દિવસમાં ત્રણેય ઋતુની અનુભૂતિ થતી હોય છે. ગ્લોબલ વોર્મીંગ અને ક્લાઈમેટ ચેઈન્જ જેવી સમસ્યાઓ હવે વૈશ્વિક ચિંતાનો વિષય બની છે, ત્યારે હવે ભૂગર્ભજળ પણ બગડી રહ્યું હોવાના અહેવાલોએ પ્રશ્નસર્જક ચિંતાઓ વધારી દીધી છે. આપણે ઋતુચક્રમાં જીવતા હોવાથી ચોમાસામાં જ વરસાદ થાય, તેના આધારે જ બાકીનું આખું વર્ષ જીવવું પડતું હોવાથી આપણાં જનજીવન અને જીવસૃષ્ટિનો બધો જ આધાર ભૂગર્ભ જળ તથા જમીનની સપાટી પર કરાતા જળસંગ્રહ પર રહેતો હોય છે. હવે ભૂગર્ભ જળ જ ભયાનક રીતે પ્રદૂષિત થવા લાગે ત્યારે સ્વાભાવિક રીતે જ તેની પ્રથમ સીધી અસરો માનવજીવન પર થાય છે, અને તેના પ્રત્યે દુનિયાની મોટાભાગની સરકારો દુર્લક્ષ્ય સેવી રહી હોવાથી આ મુદ્દો પણ હવે ગ્લોબલ વોર્મીંગ અને ક્લાઈમેટ ચેઈન્જ જેવો ખતરનાક બનવા જઈ રહ્યો છે.

આપણાં શાસ્ત્રોમાં બ્રહ્માંડ, આકાશલોક, પાતાળલોક, ગૌલોક, વૈકુંઠ વગેરે શબ્દો ઘણાં જ પ્રચલિત છે, અને આ જ ભાવાર્થ ધરાવતા કેટલાક શબ્દો ખગોળશાસ્ત્ર, સાયન્સ અને ભૂગોળમાં પણ વપરાય છે. એકંદરે આપણે પ્રાચીનકાળથી જ ભૂલોક એટલે પૃથ્વી, પાતાળલોક એટલે ભૂગર્ભ અને ડીપ સી (ઊંડો સમુદ્ર) તથા વિવિધ લોક એટલે બ્રહ્માંડ અથવા સ્પેસને લઈને માહિતગાર અને સતર્ક હતાં, પરંતુ ૧૮ મી સદી પછી વિકાસની દોટ તથા ભૌતિક સુખ-સુવિધાઓની સ્પર્ધાના કારણે આપણે (સમગ્ર દુનિયાના લોકો) આકાશ, પાતાળ અને પૃથ્વીને પ્રદૂષિત કરવાા લાગ્યા, અને તેના દુષ્પરિણામો પણ હવે સામે આવી રહ્યા છે, તેમ નાથી લાગતું?

વિશ્વમાં કેટલાક દેશોમાં વસતિ વધારો એક સમસ્યા છે, જ્યારે કેટલાક દેશોમાં ઘટી રહેલી વસતિની સમસ્યા છે. ભારત અને ચીન જેવા દેશોમાં વસતિ વિસ્ફોટમાં વિકાસના ફળો પાંગરતા નથી, જ્યારે રશિયા જેવા દેશોમાં ઓછી વસતિ હોવા છતાં વિશ્વસત્તા બનવાની ઘેલછામાં વિકાસના ફળો સડી જાય છે. આ વિષમતાની સાથે સાથે હવે ભૂગર્ભજળની બરબાદી, ભગર્ભજળમાં ઘટાડો તથ હવે ભૂગર્ભજળમાં ફેલાઈ રહેલા ભયંકર પ્રદૂષણની સમસ્યાએ એક એવી ચિંતાજનક સંભાવના ઉભી કરી દીધી છે, જેની સામે જો વિશ્વસમુદાય સહિયારી અને સમયોચિત જાગૃતિ નહીં દર્શાવે, તો તેના ગંભીર અને માઠા પરિણામો આપણે અથવા આપણી આગામી પેઢીને જ ભોગાવવા પડે તેમ છે.

આખી દુનિયાની 'પંચાત' કરતા પહેલા આપણે આપણા 'ઘરઆંગણે' ઊભી થઈ રહેલી પરિસ્થિતિ સામે જાગૃત થવું પડે તેમ છે. ભારત સરકારના જ એક અહેવાલમાં દર્શાવેલી ખતરનાક સંભાવનાઓ સામે આપણે તરત જ જાગવું પડે તેમ છે.

ભારત સરકારના જળશક્તિ મંત્રાલયે જાહેર કરેલા ભૂગર્ભજળને લગતા એક રિપોર્ટમાં ગુજરાતના ર૩ જિલ્લાઓમાં ભૂગર્ભજળમાં નાઈટ્રેટ કન્ટેઈન્મેન્ટનું પ્રમાણ વધારે હોવાથી આ પાણી પીવાથી હાઈ બી.પી., ગેસ્ટિક કેન્સર, ફેંફસાની બીમારીઓ તથા હૃદયરોગ થવાની ભયાનક સંભાવનાઓ હોવાનું, જાહેર થયું છે, જેમાં મહત્તમ ગુજરાતના વિસ્તારો તથા વસતિને માઠી અસર પડે તેવી શક્યતાઓ પણ દર્શાવાઈ છે.

રિપોર્ટ મુજબ ગુજરાતમાં નાઈટ્રેટ, નાઈટ્રેટ એનઓ-૩નું લિટરદીઠ ૪પ મિલિગ્રામથી વધુ પ્રમાણે ધરાવતા જિલ્લાઓ વધી રહ્યા છે, અને હાલમાં આ પ્રકારના જોખમી ર૩ જિલ્લાઓ છે. આ ર૩ જિલ્લાઓમાં હાલારના બન્ને જિલ્લા એટલે કે જામનગર અને દ્વારકા જિલ્લ ઉપરાંત સૌરાષ્ટ્ર-કચ્છના મોટાભાગના જિલ્લાઓનો સમાવેશ થઈ જતો હોવાથી રાજ્ય સરકાર ઉપરાંત તમામ જિલ્લાતંત્રો, જનપ્રતિનિધિઓ તથા કૃષિ-ઉદ્યોગ ક્ષેત્રો તથા ખાસ કરીને હેલ્થ સેક્ટરની જાગૃતિ જરૂરી છે. રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ પ્રજાનું પ્રતિનિધિત્વ કરતા ચૂંટાયેલા નેતાઓએ પણ આ મુદ્દે સજાગ રહીને સક્રિય થવાની જરૂર છે, તેમ નથી લાગતું?

જો કે, ગુજરાત સરકાર ભૂગર્ભજળની ગુણવત્તા સુધરે તે માટે કેટલીક યોજનાઓ ચલાવી રહી હોવાનો દાવો પણ થાય છે અને તે કરોડો રૂપિયા પણ ખર્ચાય છે, તેમ છતાં પ્રતિલીટર ૪પ મિલિગ્રામથી વધુ એનઓ૩ ધરાવતા જિલ્લાઓ વધી રહ્યા છે, તેથી ક્યાં કચાશ છે, તે શોધીને આ મુદ્દે વધુ ગંભીરતા દાખવીને પ્રો-એક્ટિવ કદમ ઊઠાવવા જ પડે, ખરૃં કે નહીં?

રાજ્યમાં જળસંગ્રહ અભિયાન, જળસંચય અભિયાનો હેઠળ પૃથ્વીની સપાટીની ઉપર તથા ભૂગર્ભમાં જળબચતની ઘણી યોજનાઓ તો હાલના વડાપ્રધાન જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતાં, ત્યારથી શરૂ થયેલી છે, અને ભૂગર્ભ જળ રિચાર્જ માટે તો દાયકાઓથ્ર્ી અભિયાનો ચાલી રહ્યા છે, તેમ છતાં ભૂગર્ભજળ વેડફાઈ રહ્યું હોય, બગડી રહ્યું હોય, અને બરબાદ થઈને જ્યારે જીવસૃષ્ટિ પર જોખમ તથા જાહેર આરોગ્ય માટે ખતરો બની રહ્યું હોય, ત્યારે માત્ર સરકાર જ નહીં, વિપક્ષો તથા તદ્વિષયક એનજીઓના સંચાલકોએ પણ જાગૃત થવાની જરૂર છે, ખરૃં ને?

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial