માંડ મળેલો અડધો રોટલો પણ ભૂખ્યાને આપી દો, તે ખરો દાનવીર
મુંબઈમાં રોટલો મળે પણ ઓટલો ન મળે, તેવી કહેવત છે. તેનો મતલબ એવો થાય કે મુંબઈમાં રોજગારીની વિપુલ તકો ઉપલબ્ધ છે, અને જેને હાથ-પગ હલાવવા છે, મહેનત કરવી છે અને અનૈતિક અયોગ્ય કે ગેરકાનૂની ન હોય, તેવું કોઈપણ કામ કરવાની તૈયારી છે, તેને મુંબઈમાં રોજગારી તો મળી જાય છે, પરંતુ કાયમી રહેવાનું આશ્રયસ્થળ મળવું મુશ્કેલ છે. આ કારણે જ ત્યાં ધારાવી જેવી ઝુંપડટ્ટીઓ ઉપરાંત ફૂટપાથો, જાહેર સ્થળો, રેલવે-બસસ્ટેશનોમાં ગીચતા જોવા મળે છે. આર્થિક રાજધાની અને મોહમાયા ગણાતી મુંબઈ નગરીની ઘણી વિશેષતાઓ છે, મહત્ત્વ છે અને તદ્વિષયક ભવ્ય ઈતિહાસ છે, તેવી જ રીતે કેટલીક કાયમી સમસ્યાઓ પણ છે, અને તેને નિવારવા વિવિધ સમાજો-સંગઠનોએ વધુ સક્રિય થવાની જરૂર છે, તેમ નથી લાગતું?
મુંબઈમાં મહેનત કરે, તેને રોજગારીમળે, વધુ મહેનત કરે, તેને કદાચ નાનકડુ રહેણાંક પણ મળી જાય અને થોડા-ઘણાં આવકવાળા લોકો પણ ત્યાં મૂડીરોકાણ કરીને વ્યવસ્થિત વ્યવસાય કરે, તો તેઓ બે પાંદડે પણ થઈ જાય. તેવી જ રીતે શ્રીમંતો-ધનકૂબેરો જો અહીંથી ઈન્વેસ્ટમેન્ટ કરીને બુદ્ધિપૂર્વક ઉદ્યોગ ધંધાઓ વિક્સાવે, તો તેને વૈશ્વિક કક્ષાએ વ્યવસાય-ઉદ્યોગ વિક્સાવવાની વિપુલ તકો મળી જાય. આમ મુંબઈમાં શ્રમિકથી શ્રીમંત સુધી- બધા વર્ગો, વયજુથો માટે વિપુલ તકો પડેલી છે, અને ત્રેવડ હોય, તેટલું કમાઈ લેવાના ઘણાં બધા વિકલ્પો પણ મોજુદ છે. બોલિવૂડ અને ખેલકૂદના ક્ષેત્રો પણ દેશભરના જ નહીં, દુનિયાભરના સેલિબ્રિટીઝને મુંબઈ તરફ આકર્ષે છે, અને આ મુંબઈમાં જ ઘણાં દાતા પરિવારો છે, જેઓ પોતપોતાના વતનમાં દાનની સરવાણી વહેવડાવતા રહે છે.
શ્રીમંત કોને ગણવો તેની જુદી જુદી વ્યાખ્યાઓ થઈ શકે છે, પરંતુ સામાન્ય સમજણ એવી છે કે જેની પાસે અઢળક સંપત્તિ અને પુષ્કળ ધન હોય, તેને શ્રીમંત, ધનવાન, પૈસાદાર કે અમીર ગણવામાં આવે છે. ઘણાં લોકો આ લગભગ સમાનાર્થી શબ્દોના અલગ અલગ અર્થઘટનો કરતી હોય છે, કારણ કે તે અલગ અલગ સંદર્ભોમાં વપરાતા હોય છે.
જો કે, વ્યંગ્ય, આધ્યાત્મ, આર્થિક, સામાજિક અને સાહિત્યની ભાષામાં પણ આ તમામ શબ્દોનો ઉપયોગ થતો જ રહ્યો છે. કેટલાક પ્રદેશોમાં પ્રતિષ્ઠિત વ્યક્તિ અથવા આદરણિય વ્યક્તિના પર્યાય તરીકે 'અમીર' શબ્દ વપરાય છે, જ્યારે રાજતંત્રોમાં 'અમીર' નામની એક પોસ્ટ (હોદ્દો) પણ પ્રચલિત હતી. મુખ્યત્વે અમીર એટલે ખૂબ જ સંપત્તિવાન અને ધનવાન વ્યક્તિ, એવો જ અર્થ વધુ પ્રચલિત છે.
અડધાનો ય અડધો કહે,
ભૂખ્યા ન રહે કોઈ જન,
થાળી પોતાની દઈ ભૂખ્યો રહે,
સર્વોત્તમ દાતા-સજ્જન
પોતાની પાસે એક જ રોટલો હોય, તો પણ તેમાંથી અડધો ભૂખ્યા જનને આપે, અને વધુ ભૂખ્યા લોકો હોય, તો પોતાની પીરસેલી થાળી પણ ભૂખ્યાજનોને આપીને પોતે ભૂખ્યો રહે, તે સજ્જનને જ સાચો દાતા કહેવાય, તેમ કવિ કહે છે.
અઢળક ધન-સંપત્તિ ધરાવતા લોકો કદાચ દાન-પુણ્ય કરે, કે સેવાકાર્ય કરે, તો તે પણ તેના પોતાના સદ્નસીબ જ કહેવાય, કારણ કે એવું મનાય છે કે જેમ જેમ માનવી ધનવાન થતો જાય, તેમ તેમ તેનામાં કંજુસાઈ થતી જતી હોય છે, જો કે આ માન્યતાને ૧૦૦ ટકા સાચી નહીં માનનારો પણ બહોળો વર્ગ છે.
સાચો અમીર કોણ?
ધનવાન, સંપત્તિવાન, અમીર, પૈસાદાર વગેરે શબ્દપ્રયોગો પુષ્કળ ધન અને અઢળક સંપત્તિ હોય તેના માટે વપરાતા હશે, પરંતુ વાસ્તવમાં અમીર તે જ છે, જે પોતાને મળેલા અડધા રોટલામાંથી અડધો રોટલો આપી દેવો પડે કે પોતે ખૂબ જ ભૂખ્યો હોવા છતાં પોતાની પીરસેલી થાળી કોઈ જરૂરતમંદ ભૂખ્યાજનોને આપી દેવી પડે, તો પણ જરાયે કોચવાયા વગર પ્રેમથી અન્યની જઠરાગ્નિ ઠારતો હોય, તેને જ સાચો અમીર કહેવાય. કન-સંપત્તિ અને પ્રતિષ્ઠા કરતા યે ઉદારતા મહાન છે. 'ઉદાર' વ્યક્તિ ભલે તદ્ન ગરીબ હોય, તો પણ વખત આવ્યે તેની દિલની અમીરી ઝબરી ઊઠતી હોય છે, અને જો કોઈ ધનિક વ્યક્તિ પણ જો ખરેખર દિલથી ઉદાર હોય તો સોનામાં સુગંધ ભળે છે, પરંતુ જો ભગવાનની કૃપા હોય અને દોમ દોમ સાહ્યબી હોય, ધનના ભંડાર હોય, અગણ્ય-અઢળક સંપત્તિ હોય, છતાં જે વ્યક્તિ કોઈના આંસુ ન લૂછી શકે, કોઈ ગરીબને રોટલો ન આપી શકે, કોઈ જરૂરતમંદનો જીવ બચાવવા મદદ ન કરી શકે કે સ્વજનોની કાળજી ન લઈ શકે, તેના જેવો 'ગરીબ' આ દુનિયામાં કોઈ નથી, તેમ કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી.
શ્રમસેવા મહાન
ધનસેવા કરતા યે શ્રમસેવાનું મૂલ્ય વધુ ગણાવાયું છે. ભગવાને દીધુ હોય અને થોડું-ઘણું દાન-પુણ્ય કે કોઈની સેવા માટે ધન વપરાય, પણ પ્રશંસનિય છે, પરંતુ જે લોકો દિન-રાત શ્રમસેવા કરીને જરૂરતમંદો, ગરીબો, ભૂખ્યજનો, બાળકો, વૃદ્ધો અને બીમાર-દિવ્યાંગ લોકોની પડખે અડીખમ ઊભા રહે છે, તેની સેવાનું મૂલ્ય પણ અઢળક ધન-સંપત્તિના દાન કરતા જરાયે ઓછું નથી. તેમાં પણ ઈશ્વરે જે થોડુંઘણું ધન આપ્યું હોય, તેમાંથી પણ થોડું ખર્ચીને દાન પણ કરે અને કાયમી ધોરણે માનવસેવા કે પ્રાણી-પશુ-પંખીની સેવા પણ કરે, તેનું મૂલ્ય તો કદાચ લાખો-કરોડોના ધન કરતા યે વધી જાય છે, કારણ કે દાનમાં પૈસા આપનારા જેટલી જ આવશ્યક્તા કોઈપણ સેવાકાર્યોમાં જોતરાઈ જઈને શ્રમસેવાઓ કરનારાઓની પણ છે, ખરૃં ને?
જલા તું તો અલ્લાહ કે'વાણો...
આજે વીરપુરનું એક રામમંદિર જલારામ બાપાની જગ્યા તરીકે વિશ્વવિખ્યાત છે, અને આ અજોડ મંદિરમાં કોઈ રોકડ ભેટ કે ચીજવસ્તુ ધરાવવા કે સ્વીકારવામાં આવતી નથી, આમ છતાં દરરોજ બન્ને ટાઈમ સેંકડો લોકો અહીં ભોજનપ્રસાદ મેળવે છે. જલારામબાપા અંગે જેટલી કથાઓ પ્રચલિત છે, તે મુજબ નાનકડી દુકાન ચલાવતા જલારામબાપા અને વીરબાઈ માં પોતે ઘંટી ચલાવી, લોટ દળી અને રોટલા ઘડીને વટેમાર્ગુઓને આગ્રહપૂર્વક જમાડતા, તે 'સત'ના જોરે આજે પણ વીરપુરમાં બન્ને ટાઈમ ભોજનપ્રસાદ પીરસાય છે. આ ઉપરાંત પણ ઘણાં નાના-મોટા સદાવ્રતો ચાલે છે. આથી જ પેલું ગીત પ્રચલિત થયું છે કે 'જલા તું તો અલ્લા કે'વાણો...'
જનસેવા એ જ પ્રભુસેવા
ગાંધીજી પણ કહેતા કે 'જનસેવા એ જ પ્રભુસેવા'... ગાંધીજીનો પરિવાર સુખીસંપન્ન હતો, પરંતુ દેશ માટે બધાનો ત્યાગ કરીને સ્વાતંત્ર્ય ચળવળમાં જોડાયા પછી તેઓ શ્રીમંત કે ધનવાન રહ્યા નહોતા, છતાં આ પોતડીધારી મહામાનવની પાછળ આખો દેશ ઊભો થઈ ગયો હતો. તે ચમત્કાર પાછળ કાંઈ ગાંધીજીની ધન-દોલત કે સમૃદ્ધિ જોવામાં આવી નહોતી, 'ગાંધીજીએ જનસેવા એ જ પ્રભુસેવા'નું સૂત્ર અપનાવ્યું હતું, તેથી જ તેઓની સેવા અને 'ત્યાગ' અબજોપતિ અને તાકાતવાન અંગ્રેજોને પણ હંફાવી શક્યો હતો. તે પહેલા જલારામબાપાએ પણ જનસેવાના માધ્યમથી પ્રભુસેવા કરી હતી, તેથી જ આજપર્યંત આ બન્ને મહામાનાવોને લોકો આદરપૂર્વક નમન કરે છે.
સેવાના અનેક સ્વરૂપો
ધનસેવા, શ્રમસેવા, ગૌસેવા, પ્રભુસેવા, પશુ-પંખીની સેવા અને પ્રકૃતિની સેવા વગેરે 'સેવા'ના અનેક સ્વરૂપો છે. માત્ર ભૂખ્યાને અન્ન જ નહીં, પરંતુ વૃદ્ધો-નિરાધાર, દિવ્યાંગોની રોજીંદી, સ્નેહભરી સેવા, થેલેસેમિયાથી પીડાતા બાળકોના પરિવારોને બોર્નમેરોના ઓપરેશન માટે મદદ તથા ગરીબ શ્રમિકોના બાળકોને ઉચ્ચ અભ્યાસ માટે સહાયભૂત થવું, એ પણ અમીરી જ છે, પછી ભલે તે આર્થિક હોય, સેવાકીય હોવા કે પ્રક્રિયાત્મક હોય...
ઘણાં લોકો પૈસાને જ સર્વસ્વ માને છે, અને પૈસા (ધનસંપત્તિ) નું માનવ જીવનમાં મહત્ત્વ પણ છે, પરંતુ દિલની ઉદારતા અને કરૂણતાના માપદંડો પર ખરા ન ઉતરતી હોય તેવી ધનસંપત્તિ કરતા ટૂકડામાંથી પણ ટૂકડો કરીને કોઈને મદદરૂપ થનારની મનોવૃત્તિ વધુ મહત્ત્વપૂર્ણ હોય છે, તેથી જ શ્રીકૃષ્ણે દુર્યોધનના છપ્પનભોગ ત્યજીને વિદુરજીની ભાજી ખાધી હતી ને?!
વિનોદ કોટેચા
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial