Sensex

વિગતવાર સમાચાર

દિલ્હીના મતદારોનો જનાદેશ સત્તા પ્રાપ્તિ સાથે જવાબદારી વધી મફત રેવડી ચાલુ જ રહેશે?

આજે દિલ્હી વિધાનસભાની ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે અને આજની આ મતગણતરી પર આખા દેશની નજર રહેલી છે. આ વખતે માત્ર આમ આદમી પાર્ટી કે કેજરીવાલની જ નહીં, પરંતુ મતદાન પછી બહાર પડેલા એક્ઝિટ પોલ્સની પણ કસોટી જ હતી ને?

એક ડઝનથી વધુ એક્ઝિટ પોલ્સમાંથી મોટાભાગના એક્ઝિટ પોલ્સમાં આમ આદમી પાર્ટીની હાર અને ભાજપની બહુમતિ દર્શાવાઈ રહી હતી અને તેના પર ગઈકાલે આખો દિવસ ચર્ચા પણ થતી રહી હતી. તે ઉપરાંત ગઈકાલે 'ઓપરેશન લોટ્સ' હેઠળ આમ આદમી પાર્ટીના ઉમેદવારોને ભાજપમાં સામેલ થવા માટે ૧પ કરોડની ઓફર થઈ રહી હોવાના આક્ષેપો પછી એસીબીની તપાસ તથા આક્ષેપો-પ્રતિઆક્ષેપોનું નાટક પણ ગઈકાલે આખો દિવસ ચાલ્યું હતું, હજે આજે જે કાંઈ પરિણામો સામે આવી રહ્યા છે, તે આપણી સામે જ છે. આ વખતે એક્ઝીટ પોલ્સ સાચા પડી રહેલા જણાય છે.

આજે સવારે પ્રારંભમાં આમ આદમી પાર્ટી આગળ હતી, પરંતુ જેમ જેમ મતગણતરી આગળ વધતી ગઈ તેમ તેમ ભાજપની સરસાઈ વધવા લાગી હતી, પરંતુ સાંકડી બહુમતીથી ઘણા ઉમેદવારો આગળ હોવાથી વારંવાર સ્થિતિ બદલતી રહી હતી. તે પછી આમ આદમી પાર્ટીના દિગ્ગજો પહેલા પાછળ જણાતા હતાં અને તે પછી સાંકડી લીડ સાથે આગળ-પાછળ થતા રહ્યા હતાં. આ વખતે દિલ્હીની જનતાએ જાણે કે પહેલેથી મન બનાવી લીધું હોય, તેમ જણાય છે. બપોર સુધી રોમાંચક રીતે સ્થિતિ બદલતી રહી હતી અને કેટલીક બેઠકો પર ઘણી જ રસાકસી પણ જોવા મળી રહી હતી. જ્યારે કેજરીવાલ અને સિસોદીયા પોતે જ હારી ગયા હોવાના અહેવાલો પછી અન્ના હજારેના પ્રત્યાઘાતો પણ ચર્ચાઈ રહ્યા છે.

દિલ્હીમાં કોંગ્રેસને ભલે બેઠકો મળી નહીં હોય, પરંતુ ભાજપને કોંગ્રેસની સક્રિયતાએ જ સીધો ફાયદો થયો છે, તે સ્પષ્ટ થઈ ગયું છે. ભાજપની વિરૂદ્ધના મતો કોંગ્રેસ અન આમ આદમી પાર્ટી વચ્ચે વહેંચાયા હોવાથી ભાજપને ફાયદો થયો હોવાથી આમ આદમી પાર્ટીને એકલા હાથે લડવું નુક્સાનકારક નિવડ્યું હોવાનું પૂરવાર થાય છે.

આ કારણે જ નેશનલ કોન્ફરન્સના નેતા અને જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ કટાક્ષ કર્યો છે કે 'હજુ અંદરોઅંદર લડતા રહો!'

આ પહેલા ઓમર અબ્દુલ્લાએ જ્યારે ઈન્ડિયા ગઠબંધન તોડીને કેજરીવાલે એકલા હાથે ચૂંટણી લડવાનું અને કોંગ્રેસે પણ ત્રિપાંખિયો જંગ ખેલવાનું સ્વીકારી લીધું, ત્યારે કહ્યું હતું કે કોંગ્રેસ અને આપ બન્ને મેદાનમાં ઉતરશે તો તેનો ફાયદો ભાજપને થશે.

બપોર સુધીમાં તો ભારતીય જનતા પાર્ટીને મજબૂત સરસાઈ જણાતી હોવાથી દિલ્હીના નવા મુખ્યમંત્રી કોણ હશે? કૌન બનેગા મુખ્યમંત્રી? શું ચૂંટાયેલા ધારાસભ્યોમાંથી જ મુખ્યમંત્રી મૂકાશે કે 'ઉપર'થી કોઈ મજબૂત નેતાને મુખ્યમંત્રીની જવાબદારી સુપ્રત કરાશે, તેવી ચર્ચા પણ થવા લાગી હતી.

દિલ્હીમાં નવી સરકાર માટે પણ પડકારો ઓછા નથી. જો મફત વીજળી-પાણી વગેરે મફત રેવડીઓ ચાલુ રાખવામાં આવશે તો ભાજપ સામે સવાલો ઊભા થશે, કારણ કે રાષ્ટ્રીય કક્ષાએ ભાજપ મફત રેવડીઓની પદ્ધતિનું વિરોધી રહ્યું છે, જો કે મફત રેવડીઓ બંધ નહીં થાય, તેવી ચોખવટ ચૂંટણી પ્રચાર દરમિયાન કરાઈ હોવાથી હાલ તુરત નવી કોઈપણ સરકાર આવે, તે અત્યારની મફત રેવડી તો બંધ નહીં જ કરે, પરંતુ આ કારણે દિલ્હીની સરકારી તિજોરી પરનું ભારણ સરભર કરવા જો કેન્દ્ર મદદ કરશે, તો 'રેવડીવિરોધી' પોલિસીમાં યૂ-ટર્ન લેવો પડશે, જે ભાજપ માટે બૂમરેંગ પૂરવાર થશે, તેમ નથી લાગતું?

દિલ્હીમાં સત્તાપ્રાપ્તિ પછી સરકારની જવાબદારી વધી જશે, કારણ કે એમસીડીમાં 'આપ'ની સત્તા હોવાથી પહેલાની જેમ જ કેન્દ્ર-રાજ્ય અને એમસીડી વચ્ચેની ખેંચતાણ વધશે, તો બીજી તરફ કેજરીવાલ સામેના ચાલી રહેલા કેસોની સીધી અસર પણ દિલ્હીની રાજનીતિ પર થવાની છે. કેજરીવાલે પોતે ઈમાનદાર છે કે નહીં, તેનું સર્ટીફિકેટ દિલ્હીની જનતા પાસે માંગ્યું હતું, તે વ્યક્તિગત હતું કે પાર્ટી માટે હતું, તે પ્રકારના કટાક્ષો પણ સંભળાવા લાગ્યા છે. તે ઉપરાંત હવે કેજરીવાલ રાજનીતિ છોડી દેશે? તેવો સવાલ પણ ઉઠી રહ્યો છે.

એવા તારણો પણ નીકળી રહ્યા છે કે જો ભાજપ દ્વારા દિલ્હીની વર્તમાન સમસ્યાઓ હલ નહીં થાય અને કેજરીવાલ એન્ડ કાું. સામેના કેસોમાં સકંજો કસાશે, તો હવે દિલ્હીની પબ્લિક પાસે આગામી વિકલ્પ કોંગ્રેસનો જ રહેશે!!

એવી કહેવત છે કે બધા લોકોને કાયમ માટે મૂર્ખ બનાવી શકાતા નથી. આ કહેવતો તથા આજના પરિણામો તમામ રાજકીય પક્ષો તથા પ્રખર વક્તાઓ અને કેજરીવાલ જેવા ચાલાક નેતાઓ માટે બોધપાઠરૂપ તો છે જ ને?

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial