દિલ્હીમાં ભાજપનો ભગવો લહેરાયો, તે પછી ભાજપ ગેલમાં છે અને કેજરીવાલ ફરીથી જેલમાં જશે,તો 'આપ' કા ક્યા હોગા'ની ચર્ચા પણ થઈ રહી છે. કોંગ્રેસ જાણે કેજરીવાલને કહી રહી હોય કે, 'અપની તો જૈસે તૈસે, થોડી ઐસે યા વૈસે, કટ જાયેગી... 'આપ' કા ક્યા હોગા, જનાબે આલી... આપકા ક્યા હોગા?'
અહીં આમ આદમી પાર્ટીની સાથે સાથે કેજરીવાલ, સિસાદિયા અને સત્યેન્દ્ર જૈનની ત્રિપૂટી માટે ફરીથી જેલયોગ સર્જાઈ રહ્યો હોવાની અટકળો વચ્ચે હવે 'કેગ'નો રિપોર્ટ આવ્યા પછી આમ આદમી પાર્ટીના બીજા કેટલા નેતાઓના તપેલા ચડી જશે, તેની કલ્પનાઓ પણ થવા લાગી છે. શિશમહેલ તથા સ્વાતી માલિવાલના પ્રકરણમાં તો ઝડપભેર 'તપાસ' અને કાર્યવાહી થશે જ, પરંતુ તે ઉપરાંત પણ ટેન્કર કૌભાંડ, કચરા કૌભાંડ, યમુના સફાઈના નામે થયેલો ખર્ચ તથા શિક્ષણ-આરોગ્ય ક્ષેત્રે પણ 'આપ'ના દસ વર્ષના શાસનમાં ગુપચુપ ઘણાં કૌભાંડો થયા હોવાના જે આક્ષેપો થઈ રહ્યા છે, તે સાચા હોય કે ખોટા હોય, તો પણ એસઆઈટી રચીને થનારી તપાસ, ઈન્વેસ્ટીગેશન, ઈન્કવાયરી અને કાનૂની કાર્યવાહીના સકંજામાં તો મોટાભાગના નેતાઓ સપડાઈ જ શકે છે, આ સંજોગોમાં જો મુખ્ય મુખ્ય નેતાઓ જેલમાં જાય કે જામીન પર રહે, તો પણ 'આમ આદમી પાર્ટી'નું ગાડું કેમ ગબડશે, તે અંગે દાવા-પ્રતિદાવાઓ થઈ રહ્યા છે.
સામાન્ય રીતે જે પાર્ટીનો પરાજય થાય, તેને અફસોસ થાય, આત્મચિંતન કરે અને બોડી, હાવભાવ અને પ્રત્યાઘાતોમાં નિરાશા, હતાશા કે આશંકાઓ દેખાવા જોઈએ, પરંતુ દિલ્હી વિધાનસભાની ચૂંટણી પછી કોંગ્રેસને ફરીથી કોઈપણ બેઠક નહીં મળી હોવા છતાં કોંગ્રેસના પ્રાદેશિક નેતાઓના હાવભાવ જોતા ત્યાં અફસોસ કે આશંકા નહીં, પરંતુ આમ આદમી પાર્ટીની દિલ્હીની સત્તામાંથી થયેલી હકાલપટ્ટીની ખુશી તથા સંતોષ ડોકાઈ રહ્યો હતો, અને તેમાંથી જ એક 'ગુપ્ત' સમજુતિની સંભાવનાઓની ચર્ચા પણ રાજકીય ગલિયારાઓમાં ગુંજવા લાગી છે, અને 'આપ'નું ઉઠમણું કરવા માટે કદાચ દેશની બે મુખ્ય રાષ્ટ્રીય કક્ષાની પાર્ટીએ હાથ મિલાવ્યા હોય તેવી શક્યતાઓને નકારી પણ શકાય તેમ નથી.
એવું કહેવાય છે કે, હવે પંજાબમાં ભગવંતસિંહ માન મહારાષ્ટ્રના એકનાથ શિંદેની જેમ બળવો કરશે અથવા તેની જ સામે અસંતુષ્ટ ધારાસભ્યો બળવો પોકારશે, તે ઉપરાંત ભાજપ કોંગ્રેસ વચ્ચે કાંઈક રચાયું હોવાની પણ ચર્ચા છે. રાજનીતિમાં કાંઈપણ અસંભવ નથી હોતું.
રાજનેતાઓ અને રાજકીય પક્ષો પ્રતિસ્પર્ધીઓ સાથે ચૂંટણીના મેદાનમાં, સંસદ-વિધાનગૃહોમાં, નિવેદનો અને રણનીતિઓમાં એકબીજા સામે પૂરી તાકાતથી લડી લેતા હોય છે, પરંતુ પરસ્પર અંગત સંબંધો મોટાભાગે સારા રાખતા હોય છે, અને રાજનીતિને બાજુ પર રાખીને એકબીજાના વ્યક્તિગત કામો પણ કરી આપતા હોય છે, કારણ કે આજે સત્તામાં હોય, તેને લોકતંત્રમાં કાલે વિપક્ષમાં પણ બેસવું પડતું હોય છે, તેથી જ એકબીજાનું વ્યક્તિગત રીતે ધ્યાન પણ રાખતા હોય છે, અને એવો અભિગમ તંદુરસ્ત લોકતંત્રની વિશેષતા પણ ગણાય ને?
એવી જ રીતે કેટલાક ચોક્કસ મુદ્દાઓ પર ઘોર વિરોધી રાજકીય પક્ષો અને નેતાઓ વચ્ચે 'ગુપ્ત' સમજુતિઓ પણ થતી જ હોય છે, અને જાહેરમાં એકબીજાની તીવ્ર આલોચના કરતા હોવા છતાં ચોક્કસ મુદ્દા પર થયેલી સમજુતિનું પ્રામાણિક્તાપૂર્વક 'અનુસરણ' પણ થતું જ હોય છે.
એવું કહેવાય છે કે, દિલ્હીમાંથી 'આપ'નો સફાયો કરવા માટે ભાજપ અને કોંગ્રેસે દિલ્હી વિધાનસભાની ચૂંટણી પૂરતી ગુપ્ત સમજુતિ કરી હોય, તેવું બની શકે છે. હરિયાણા, પંજાબ, દિલ્હીના રાજકીય વિશ્લેષકો પણ આ પ્રકારની કોઈ ગોપનીય રણનીતિ ઘડાઈ હોવાની ચર્ચા કરી રહ્યા છે.
એક તરફ એવું કહેવાય છે કે કેજરીવાલ હવે દિલ્હી છોડીને માદરે વતન હરિયાણાની રાજનીતિ કરશે, અથવા પંજાબના મુખ્યમંત્રી ભગવંતસિંહ માન રાજકીય બલિદાન આપીને પંજાબનું મુખ્યમંત્રીપદ કેજરીવાલને આપશે, અને કોઈ સિક્યોર બેઠક પરથી ધારાસભ્ય તરીકે ૬ મહિનાની અંદર કેજરીવાલને જીતાડી દેશે.
બીજી તરફ 'આપ'ને પછાડવા ભાજપને કોંગ્રેસે દિલ્હીમાં ત્રિપાંખિયો જંગ ખેલીને વીસેક બેઠકો પર 'આપ'ને હરાવીને ભાજપનો વિજય નિશ્ચિત કર્યો. ગુપ્ત સમજુતિ મુજબ હવે પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ તમામ બેઠકો પર સક્રિયતાથી લડીને અને કોઈ અન્ય પક્ષ સાથે જોડાણ નહીં કરીને કોંગ્રેસને જીતાડી દેશે અથવા ભગવંતસિંહની વર્તમાન સરકારને જ તોડીને ત્યાં કોંગ્રેસની સરકાર માટે 'બેકડોર' મદદ કરશે! આ બધા અનુમાનો છે, પણ રાજકારણમાં કાંઈપણ થઈ શકે છે, થોભો અને રાહ જુઓ...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial