Sensex

વિગતવાર સમાચાર

જીવલેણ ઘટનાઓનું જવાબદાર કોણ કોણ? ઢોરની ઢીંકથી બચવાની તરકીબો...!

જામનગરમાં એક વૃદ્ધાને ઢોરે ઢીંક મારતા તેણીએ જીવ ગુમાવ્યો હોવાના સમાચાર હોય કે કોઈને કોઈ માર્ગે માર્ગ અકસ્માતમાં કોઈએ જીવ ગુમાવ્યો હોય, કોઈ સ્થળે ડૂબી જવાથી સામૂહિક મૃત્યુની ગમખ્વાર ઘટના હોય કે આર્થિક ભીંસ અથવા વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યાના કિસ્સાઓ હોય, આ તમામ ઘટનાઓ માટે જવાબદાર કોણ કોણ હોઈ શકે, તેવા પ્રશ્નોના જવાબો મેળવવાનો સમય હવે પાકી ગયો છે, તેમ નથી લાગતું?

હંમેશાં આ પ્રકારની ઘટનાઓ માટે જવાબદાર કોણ? તેવો સવાલ પૂછાતો હોય છે, પરંતુ હવે આ તમામ ગમખ્વાર ઘટનાઓ માટે જવાબદાર કોણ કોણ? કેવો સવાલ પૂછવો પડે તેમ છે, કારણ કે કોઈ એક તંત્ર, શાસન કે સંસ્થા નહીં, પણ આ પ્રકારની ઘણી ઘટનાઓ પાછળ ઘણાં બધા પરિબળો પણ જવાબદાર હોય છે, ખરૃં કે નહીં?

રખડતા ઢોરની ઢીંકે કોઈપણ નાગરિકનું મૃત્યુ થાય, તો તે જવાબદારી સર્વપ્રથમ તો જે-તે ગામ, શહેર, વિસ્તારની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની છે, અને તેમાં સૌથી વધુ ભૂમિકા લાપરવાહ અને નપાવટ તંત્રોની ગણાય. તે ઉપરાંત પંચાયત, પાલિકા, મહાપાલિકાઓમાં ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ પણ એટલા જવાબદાર ગણાય, ખરૃં કે નહીં?

રખડતા ઢોરનો પ્રશ્ન હવે રાજ્યવ્યાપી બન્યો છે, અને ગામો, શહેરો, જાહેર સ્થળો જ નહીં, સ્ટેટ અને નેશનલ ધોરીમાર્ગો પર પણ રખડતા ઢોર ગંભીર અને જીવલેણ અકસ્માતોનું કારણ બનવા લાગ્યા છે, તેથી આ રાજ્યવ્યાપી સમસ્યાની જવાબદારી માત્ર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ એટલે કે પંચાયતો, પાલિકા-મહાપાલિકાઓ પર ઢોળી દેવાના બદલે રાજ્ય સરકારે પણ આ સળગતી સમસ્યાનો કોઈ રાજ્યવ્યાપી ઉકેલ લાવવો જોઈએ, તેમ નથી લાગતું? રાજ્ય સરકાર કેટલાક મુદ્દે તો રાતોરાત નિર્ણયો લઈને ગણતરીના દિવસોમાં જ કાયદો ઘડી કાઢે છે અને તત્કાળ લાગુ પણ કરી દેવાની ક્ષમતા ધરાવે છે, ત્યારે રખડતા ઢોરના મુદ્દે કોઈ નક્કર અને પરિણામલક્ષી કાયદો ઘડવો જોઈએ, ખરૃં કે નહીં?

રાજકીય પક્ષો અને સ્થાનિક નેતાગીરી પણ આ પ્રકારની ઘટનાઓ માટે જવાબદાર જ ગણાય, કેટલાક રાજકીય મુદ્દે અન્ય રાજ્યમાં કોઈ ઘટના બને કે ચૂંટણીમાં વિજય મળે, તો તેની ઉજવણી તરત જ જામનગર કે હાલારમાં થાય, કે પછી અન્ય રાજ્યમાં બનેલી ઘટનાને લઈને કે પછી રાષ્ટ્રીય કક્ષાના રાજકીય મુદ્દે વિપક્ષી રેલીઓ નીકળે જામનગર-હાલારમાં વિરોધ પ્રદર્શનો થાય, આવેદનપત્રો પણ અપાય, પરંતુ રખડતા ઢોર, આવારા કૂતરાઓના કારણે લોકો પર ઝળુંબતા જોખમના મુદ્દે સ્થાનિક નેતાગીરી અને શાસકો તથા વિપક્ષો પણ 'આંખ આડા કાન' કેમ કરતા હોય છે, તે 'ઓપન સિક્રેટ' જ છે ને? વોટબેંકની વેંતરણમાં રાજકીય પક્ષો તથા નેતાગીરીનું આ વલણ જોતા એમ નથી લાગતું કે આ મુદ્દે 'હમામ મેં સબ નંગે હૈ?'

આવી જ રીતે માર્ગ અકસ્માતો માટે તૂટેલા માર્ગો, ટ્રાફિક વ્યવસ્થાની ખામીઓ તથા ઓવરસ્પીડ પર અંકુશ રાખવાની નિષ્ફળતા પણ જવાબદાર છે. આ માટે પણ અહીં વર્ણવેલા તમામ પરિબળો પૂરેપૂરા જવાબદાર છે. આર્થિક ભીંસ કે વ્યાજખોરોના આતંકથી કોઈ આત્મહત્યા કરે તો તે સરકાર, સમાજ અને માનવતા માટે પણ કલંકરૂપ જ છે ને?

આ તમામ પરિબળો ઉપરાંત એક મહત્ત્વપૂર્ણ પરિબળ ભૂલાઈ રહ્યું છે. આ પરિબળની ભૂમિકા પણ આ પ્રકારના તમામ અનિચ્છનિય ઘટનાક્રમો માટે એટલી જ જવાબદાર છે જેટલા જવાબદાર અન્ય પરિબળોને ગણવામાં આવે છે, જો કે આપણે કદાચ આ 'મહત્ત્વપૂર્ણ' પરિબળને જવાબદાર ગણતા અચકાઈએ છીએ, અને તેથી પણ આ પ્રકારની ઘટનાઓ નિરંકુશ બની રહી છે.

આ પરિબળ 'આપણે પોતે' છીએ, જો કે સંપૂર્ણ નહીં, પણ આ પ્રકારની ઘટનાક્રમોમાં થોડીઘણી ભૂમિકા તો આપણી પણ છે જ ને?

માર્ગો પર થતા અકસ્માતોમાં વાહનોમાં ખામી ચલાવી લેવી, ઓવરસ્પીડમાં વાહન ચલાવવું, રોંગ સાઈડમાં વાહન ચલાવવું, ટ્રાફિકના નિયમોનો ઉલાળિયો કરવો તથા ઓવરટેક કરવા કે પાર્કિંગના મુદ્દે પણ જીવ સટોસટના ઝઘડાના કરવા વગેરે કારણો પણ ઘણી વખત જવાબદાર હોય જ છે ને?

ઘણાં લોકો ગાયને રોટલી કે રોટલો ખવડાવીને જ જમવાનું વ્રત ધરાવતા હોય છે, તો ઘણાં લોકો ગાયમાતાજીને નિયમિત ઘાસ નાખતા હોય છે. આ પ્રકારની ધાર્મિક વૃત્તિ પર કોઈ અંકુશ લાગી પણ શકતો નથી, પરંતુ ગાય કે અન્ય ઢોરની ઢીંકે ચડીને જીવ જતા હોય કે સડક કે હાઈ-વે પર કોઈ ઢોરને બચાવવા જતા જતા ગમખ્વાર અકસ્માતોમાં જિંદગીઓ હોમાઈ જતી હોય છે, અને ઘણાં લોકો જીવનભર દિવ્યાંગ પણ થઈ જતા હોય છે, તેથી આપણે બધાએ ઢોરની ઢીંકથી બચવાની તરકીબો અંગે વિચારવું જ પડશે અને ઉપાયો પણ શોધવા જ પડશે ને?

જામનગરમાં જાહેરમાં ઘાસ નાંખવા અને ઘાસના વેંચાણ પર પ્રતિબંધની જરૂર ઊભી થતા જ ઘાસના કેટલાક વિતરકો હવે ઘાસનું વેંચાણ કરીને પોતાની રિક્ષા કે વાહન દ્વારા સીધા ગૌશાળા-પાંજરાપોળમાં પહોંચાડી રહ્યા હોવાથી જાહેર રસ્તા પર ઘાસ નાંખનારાની સંખ્યા ઓછી થઈ રહી છે, (જો કે, સદંતર બંધ નથી થઈ), પરંતુ ઘણાં લોકો ગાયને રોટલા, રોટલી કે લાડુ બનાવીને જાહેર રોડ પર ખવડાવવા નીકળતા હોય છે, ત્યારે તેને ઝડપથી મેળવવા ગાયો કે અન્ય પશુઓ પાછળ દોડતા હોય છે, જેથી ગંભીર જોખમ ઊભું થાય છે.

આ પ્રકારે પુણ્ય કમાવા માટે ગાય, કૂતરા, પશુઓને જેવી રીતે ઘાસ કોઈ સ્થળે નીરી (નાખી) શકાય, તેવી જ રીતે ગાય કે પશુઓને રોટલા, રોટલી કે ભોજન કરાવવા માટે પણ કોઈ ચોક્કસ વ્યવસ્થા ઊભી ન કરી શકાય?

જામનગરમાં કેટલીક સોસાયટીઓમાં કેટલાક સેવાભાવી લોકો ગૌવંશ માટે આ પ્રકારનું રોટલી, રોટલા કે ભોજન આપવા માંગતા હોય તેની પાસે દરરોજ ઘેર-ઘેર ફરીને ડોર-ટુ-ડોર કલેક્શન કરીને લઈ જાય છે અને કોઈ અલાયદા સ્થળે રખાયેલી ગાયોને ખવડાવે છે. આ રીતે ગાયોને ખવડાવવાનું પુણ્ય પણ મળી જાય છે, અને કોઈ જોખમ પણ ઊભું થતું નથી.

આ રીતે આપણે બધા મળીને અન્ય ઢોરને કે ગાયોને માર્ગો પર રખડવું-ભટકવું જ ન પડે, તેવી જગ્યાઓ ઊભી કરીને તેવા ઉપાયો વિચારવા જોઈએ. આ સમસ્યાનું મૂળ શોધી કાઢી તેનું કાયમી નિરાકરણ થવાનું જ નથી, તેથી ચાલો, આપણે બધાં આ સમસ્યાના નિવારણની તરકીબો વિચારીએ, અને યોગ્ય જણાય તો તત્કાળ અમલમાં મૂકીએ...

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial