આ વખતે પ્રચંડ બહુમતી મેળવીને અમેરિકાના રાષ્ટ્રપતિ બનેલ ટ્રમ્પે ધડાધડ નિર્ણયો લેવા માંડ્યા છે, અને આખી દુનિયામાં હલચલ મચાવી દીધી છે. ટ્રમ્પના આકરા નિર્ણયોની અસરો ભારત સહિત આખી દુનિયામાં થઈ રહી છે, ત્યારે ટ્રમ્પની નવી પ્લાસ્ટિક નીતિની ચર્ચા પણ 'ગ્લોબલ ટોક'નો વિષય બની ગઈ છે.
એવા અહેવાલો આવ્યા છે કે, પ્લાસ્ટિકથી થતું નુક્સાન અટકાવવા પૂર્વ રાષ્ટ્રપતિ જો બાઈડને પ્લાસ્ટિકની સ્ટ્રો વાપરવા પર પ્રતિબંધ મૂક્યો હતો અને કાગળની સ્ટ્રો વાપરવાનો આદેશ કર્યો હતો, તેને રદ્ કરીને ટ્રમ્પે સરકારી તંત્રને કાગળની સ્ટ્રો પર પ્રતિબંધ મૂકીને ફરીથી પ્લાસ્ટિકની સ્ટ્રો વાપરવાની છૂટ આપવા સૂચના આપી છે.
ટ્રમ્પે અમેરિકાની ફેડરલ ખરીદ નીતિને પલટાવીને નવી પ્લાસ્ટિક નીતિ જાહેર કરી છે. હકીકતે બાઈડને જ્યારે કાગળની સ્ટ્રો વાપરવાની જાહેરાત કરી હતી, તે સમયે વર્ષ ર૦૧૯ માં બાઈડન સરકારની સીંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરવાની પોલિસીનો વિરોધ કર્યો હતો અને રિયુઝેબલ બ્રાન્ડેડ સ્ટ્રોના પેકેટ પોતાના સમર્થકોમાં વહેંચ્યા હતાં. નિષ્ણાતોના અભિપ્રાયો મુજબ દર મિનિટે એક ગાર્બેજ ટ્રક ભરીને પ્લાસ્ટિકનો કચરો દરિયામાં ઠલવાય છે, જે માનવજિંદગી જ નહીં, જીવસૃષ્ટિ તથા પર્યાવરણ માટે પણ ખતરનાક છે.
જો કે, ટ્રમ્પ આ તમામ જોખમો તથા ખતરાઓની વાતને જ હવામાં ઊડાડીને પ્લાસ્ટિકના પ્રોડક્શન તથા ટ્રેડ સાથે સંકળાયેલા 'મોટામાથાઓ'નું હિત સાચવી રહ્યા હોવાના આક્ષેપો પણ દબાયેલા સ્વરે થવા લાગ્યા છે.
ભારત પણ સીંગલ યુઝ પ્લાસ્ટિકના વપરાશનો વિરોધ કરતું રહ્યું છે, અને આ કોન્સેપ્ટ હેઠળ ગયા વર્ષે દક્ષિણ કોરિયામાં પ્લાસ્ટિકના પ્રદૂષણના ઉકેલ માટે વૈશ્વિક સમજુતિ કરવા વિવિધ દેશોના નેતાઓ એકઠા પણ થયા હતાં. તે સમયના અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડનની પ્લાસ્ટિક નીતિને અનુરૂપ સીંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ સામે વૈશ્વિક સમજુતિ સાધવામાં નિષ્ફળતા જ મળી, કારણ કે અમેરિકા, ચીન, જર્મની સહિતના પ્લાસ્ટિક ઉત્પાદક દેશોના મોટા માથાઓ આવી સમજુતિના વિરોધમાં હતાં. દર વર્ષે આટલો મિલિયન ટન પ્લાસ્ટિકનું ઉત્પાદન કરતા દેશોના ઉદ્યોગપતિઓનો પ્રભાવ પર્યાવરણવાદીઓની ઝુંબેશ પર ભારે પડ્યો હતો.
જો કે, વિશ્વમાં સીંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ લગાવવાના મુદ્દે ઘણાં દેશો સંમત થાય તેમ છે, અને માનવજિંદગીઓ, જીવસૃષ્ટિ તથા પર્યાવરણને નુક્સાન થતું જ હોય તેવા પ્લાસ્ટિક સામે કોઈ વિરોધ નથી, પરંતુ સીંગલ યુઝ પ્લાસ્ટિકના ઉત્પાદકો, વ્યાપારીઓ અને દલાલોનો પ્રભાવ એટલો છે કે દ. કોરિયામાં આ મુદ્દે જ એકઠા થયેલા દેશો પણ તમામ મુદ્દે સર્વસંમતિ સાધી શક્યા નહોતા.
ટ્રમ્પે આ નવો આદેશ આપવાની સાથે અમેરિકાની જનતાને પ્લાસ્ટિકની સ્ટ્રો તરફ પાછા વાળવાનું સૂત્ર આપ્યું હોવાના અહેવાલને જોતા એવું જણાય છે કે ડોનાલ્ડ ટ્રમ્પ જનહિતના બહાને હવે ધનહિત અથવા ધનપતિઓના હિતને જ પ્રાધાન્ય આપી રહ્યા છે.
ભારતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાનો પ્રવાસ શરૂ કરે, અને ટ્રમ્પને તેઓ 'મિત્ર' ગણાવતા હોય તેની પહેલા જ અમેરિકામાં ગેરકાયદે વસવાટ કરતા ભારતીયોને અમેરિકાનું વિમાન ભારતમાં મૂકી જાય, જુદી જુદી ચીજવસ્તુઓ પણ ટ્રમ્પ 'ટેરિફ'ની જાહેરાત કરે અને સીંગલ યુઝ પ્લાસ્ટિકની વિરૂદ્ધનો કોન્સેપ્ટ ધરાવતા નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસે હોય ત્યારે જ સીંગલ યુઝ પ્લાસ્ટિકની પરથી અમેરિકામાં પ્રતિબંધ હટાવવાની જાહેરાત થાય તે માત્ર યોગાનુયોગ ન જ હોઈ શકે ને?
હકીકતે ડોનાલ્ડ ટ્રમ્પના આ પહેલાના કાર્યકાળમાં ટ્રમ્પ-મોદીની ગાઢ દોસ્તી વિશ્વવિખ્યાત બની હતી, તે પછી રશિયા-યુક્રેન યુદ્ધના કારણે રશિયા પર અમેરિકાએ પ્રતિબંધો લગાવ્યા હતાં, તે સમયે ભારતે અમેરિકાના પ્રતિબંધોની ઐસીતૈસી કરીને રશિયા પાસેથી 'ભારત ફર્સ્ટ' એટલે કે દેશના હિતોને સર્વોપરિ ગણાવીને સસ્તુ ક્રૂડ-ઓઈલ ખરીદ્યુ હતું. કદાચ તેના જવાબમાં ટ્રમ્પ 'અમેરિકા ફર્સ્ટ'ની નીતિ હેઠળ આ પ્રકારના ભારતના હિતો પણ જોખમાય, તેવા કદમ ઊઠાવી રહ્યા હશે, તેમ ઘણાં વિશ્લેષકો માને છે, અને તે સમયે ભારતે અમેરિકા સામે ઝુક્યા વગર આઝાદી પછીથી ચાલી આવતી ભારતની બિનજુથવાદી વિદેશનીતિને મજબૂત બનાવાઈ હતી, તેવા તારણો પણ નીકળી રહ્યા છે.
અમેરિકા પછી હવે યુનાઈટેડ કિંગ્ડમમાં પણ ગેરકાયદે ઈન્ડિયન સામે કાર્યવાહી શરૂ થઈ છે, અને ત્યાંથી પણ ગેરકાયદે વસવાટ કરતા ભારતીયો તથા તેને કામ આપનાર કે સહયોગ આપનાર લોકો સામે પણ કાર્યવાહી શરૂ થઈ હોવાના અહેવાલો પછી વિપક્ષો હવે મોદી સરકાર સામે વધુ તીખા પ્રહારો કરશે, તે નક્કી છે.
અત્યારે ભારત જ નહીં, આખી દુનિયામાં ધૂની મગજના ટ્રમ્પના શ્રેણીબદ્ધ વિવાદાસ્પદ અથવા ચર્ચાસ્પદ નિર્ણયોના ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે. જો કે, આ વખતે મોટાભાગના નિર્ણયો કોઈ ધૂનમાં આવીને નહીં, પણ સમજી વિચારીને ટ્રમ્પ લઈ રહ્યા છે, અને તેમાં અમેરિકા ફર્સ્ટની સાથે સાથે ધનપતિઓ, ઉદ્યોગપતિઓ તથા મસ્ક જેવા મિત્રોના હિતો ફર્સ્ટની બેધડક નીતિ પણ ખુલ્લેઆમ અપનાવી રહ્યા છે.
આજે ટ્રમ્પના ચોંકાવનારા નિર્ણયો ઉપરાંત આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સની પણ ચર્ચા થઈ રહી છે. ફ્રાન્સની રાજધાની પેરિસમાં યોજાયેલી એ.આઈ. એક્શન સમિટમાં ભારતે સહ-અધ્યક્ષતા કરી અને એ.આઈ.ના કારણે નોકરીઓ પર કોઈ ખતરો નથી, અને નવી રોજગારીની તકો ઊભી થશે, તેવું વડાપ્રધાન મોદીએ મંતવ્ય વ્યક્ત કર્યું. તેના પણ મિશ્ર પ્રત્યાઘાતો પડી રહ્યા છે.
આ વખતે ફ્રાન્સ અને અમેરિકાની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યાત્રા પર પણ અમેરિકા અને ભારતના ઘણાં મોટા માથાઓની નજરો મંડાયેલી છે અને આ બન્ને દેશોની મુલાકાત દરમિયાન ટ્રમ્પ-મોદીની મિત્રતા પણ કસોટીની એરણે ચડી છે, ત્યારે જોઈએ, હવેં શું થાય છે તે...
આજે એ.આઈ. અને સીંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધના મુદ્દા ઉપરાંત પ્રયાગરાજના મહાકુંભનો મહાટ્રાફિક જામ પણ વૈશ્વિક ચર્ચાનો મુદ્દો બન્યો છે...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial