Sensex

વિગતવાર સમાચાર

ભ્રષ્ટાચારમાં કોણ આગળ કોણ પાછળ? ભારતમાં ભ્રષ્ટાચાર વધ્યો કે ઘટ્યો?

અન્ના આંદોલનમાંથી જન્મેલી આમ આદમી પાર્ટીની જેમજ દાયકાઓ પહેલા જયપ્રકાશ નારાયણની જનચળવળ પછી જનતાપાર્ટીનો જન્મ થયો હતો અને મોરારજી દેસાઈની સરકાર રચાઈ હતી. અત્યારે જે રીતે ભાજપ (મોદી) સામે વિપક્ષોએ લોકસભાની ચૂંટણીમાં 'ઈન્ડિયા' ગઠબંધન બનાવ્યું હતું, તેવી જ રીતે ઈમરજન્સી પછી (ઈન્દિરા ગાંધી) કોંગ્રેસ સામે વિપક્ષો એકજુથ થયા હતાં. તફાવત એટલો જ છે કે તે વખતે મહાગઠબંધન નહીં, પરંતુ મોટાભાગના મુખ્ય વિપક્ષોએ સાથે મળીને એક પાર્ટી રચી હતી, જેનું નામ જનતા પાર્ટી રખાયું હતું. આ જનતા પાર્ટીમાં કોંગ્રેસમાંથી છૂટી પડેલી સંસ્થા કોંગ્રેસ, ભારતીય લોકદળ, ભારતીય જનસંઘ સહિતના મોટાભાગના રાષ્ટ્રીય પક્ષો કોંગ્રેસને હરાવવા વિલિન થઈ ગયા હતાં.

મોરારજી દેસાઈ સરકાર લાંબી ચાલી નહીં, અને આંતરિક મનભેદો ઊભા થતા તેમાં જોડાયેલા રાજકીય પક્ષો ફરીથી છૂટા પડી ગયા હતાં અને કેટલાક રાજકીય પક્ષોએ પોતાનું મૂળ નામ યથાવત્ રાખ્યું હતું, જ્યારે કેટલાક પક્ષોએ નવું નામકરણ કર્યું હતું, જેમાં ભારતીય જનસંઘનો સમાવેશ થયો હતો, અને નવું નામ ભારતીય જનતા પાર્ટી રાખવામાં આવ્યું હતું. ભારતીય જનતા પાર્ટીની રચના થયા પછી એક સમય એવો પણ હતો, જ્યારે લોકસભામાં ભાજપના માત્ર બે સાંસદો જ હતાં, જેનું જુદા જુદા સમયે વિવિધ કારણોસર વિસ્તૃતિકરણ થતું રહ્યું હતું અને આજે કેન્દ્રમાં સત્તા ભોગવી રહ્યું છે.

ભારતીય જનતા પક્ષ વર્ષ ર૦૧૪ માં તો તોતિંગ બહુમતી સાથે સત્તારૂઢ થયો, તેનું કારણ ભ્રષ્ટાચાર, વિરોધી ઊઠેલો જનાક્રોશ હતો અને આમ આદમી પાર્ટી વર્ષ ર૦૧પ માં દિલ્હીમાં સત્તા પર આવી, તેનું કારણ પણ ભ્રષ્ટાચાર સામેનો જનાક્રોશ જ હતો ને?

આ બન્ને પક્ષોએ ભ્રષ્ટાચારનો વિરોધ કરીને સત્તા મેળવી, પરંતુ તે પછી પણ દેશમાંથી ભ્રષ્ટાચાર નાબૂદ થયો નહીં, તો દિલ્હીમાં પોતાને કટ્ટર ઈમાનદાર ગણાવતા કેજરીવાલ સહિતના આમ આદમી પાર્ટીના મોટા નેતાઓ પર પણ શરાબ કૌભાંડ સહિતના ભ્રષ્ટાચારના આરોપો લાગ્યા અને અત્યારે જામીન પર છે.

બીજી તરફ રાષ્ટ્રીય કક્ષાએ સુશાસન, પારદર્શક વહીવટ અને ભ્રષ્ટાચાર પર અંકુશનો દાવો થતો રહ્યો છે, અને તેને આંકડાઓ, વિવિધ માપદંડો તથા રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સર્વેક્ષણ કરતા એકમો, સંસ્થાઓ અને સંગઠનોના રિપોર્ટસને ટાંકીને આ દાવો સાચો હોવાનું પૂરવાર કરવાના પ્રયાસો પણ થતા રહે છે, પરંતુ તાજેતરમાં જ એક આંતરરાષ્ટ્રીય કક્ષાના રિપોર્ટે આ પ્રકારના દાવાઓની હવા જ કાઢી નાંખી છે. આ રિપોર્ટ આજે ટોક ઓફ ધ નેશન બની ગયો છે.

આજે દેશભરમાં ટ્રાન્સપેરેન્સી ઈન્ટરનેશનલના વર્ષ ર૦ર૪ ના કરપ્શન ઈન્ડેક્ષની ચર્ચા વૈશ્વિક કક્ષાએ તો થઈ જ રહી છે, પરંતુ ભારતમાં આ પક્ષોની સાથે તથ્યાત્મક તર્કો તથા દલીલો પણ થઈ રહી છે. આજે આ મુદ્દો ભારતમાં ટોક ઓફ ધ નેશન બન્યો, તેની પાછળ કેટલીક તથ્યાત્મક હકીકત પણ હશે જ ને?

ગઈકાલે જ આ ભ્રષ્ટાચાર વિરોધી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સીપીઆઈ-ર૦ર૪ એટલે કે વિશ્વના દેશોમાં વ્યાપેલા ભ્રષ્ટાચારના પ્રમાણ મુજબ સૌથી ઓછા ભ્રષ્ટાચારી દેશોથી લઈને સૌથી વધુ ભ્રષ્ટ દેશો દર્શાવતી ૧૮૦ દેશોની યાદી જાહેર કરી છે, જેમાં ભારત ત્રણ ક્રમાંક પાછળ ગયું છે, એટલે કે ભારતમાં ભ્રષ્ટાચાર વધ્યો છે. વર્ષ ર૦ર૩ માં વિશ્વના ઓછા ભ્રષ્ટ દેશોમાં ભારતનો ક્રમાંક ૯૩ મો હતો, જે હવે ૯૬ મો થયો છે. તેનો મતલબ એ થાય કે છેલ્લા એક વર્ષમાં ભારતમાં ભ્રષ્ટાચાર વધુ વધ્યો છે. આ ક્રમાંક છેલ્લા ૧૦ વર્ષમાં સૌથી પાછળ છે, જેને શરમજનક ગણાવાઈ રહ્યો છે.

આ આંતરરાષ્ટ્રીય સંસ્થા સૌથી વધુ ભ્રષ્ટ દેશને શૂન્યથી શરૂ કરીને ક્રમશઃ ઓછા ભ્રષ્ટચાર મુજબ સૌથી ઓછા ભ્રષ્ટ દેશને ૧૦૦ નંબર (ગુણાંક) આપે છે, એટલે કે ૧૦૦ ગુણાંક ધરાવતું ડેન્માર્ક ભ્રષ્ટાચારમૂક્ત દેશ ગણાવાયો છે. નિશ્ચિત માપદંડોના આધારે બિઝનેસ સાથે સંકળાયેલા લોકો તથા વિશેષજ્ઞો આ સારણી નક્કી કરતા હોવાનો દાવો કરવામાં આવે છે. આ માપદંડો મુજબ ભારતને ૧૦૦ માંથી ૩૮ ગુણાંક મળ્યા છે, જ્યારે વર્ષ ર૦ર૩ માં ૩૯ તથા વર્ષ ર૦ર૪ માં ૪૨ ગુણાંક હતાં. આ કારણે ભારત પાછળ ધકેલાયું છે, અને આ ઈન્ડેક્ષ મુજબ ભારતમાં ભ્રષ્ટાચાર વધ્યો છે.

જો કે, આ ઈન્ડેક્ષ આખા દેશના વિવિધ ક્ષેત્રો તથા નિર્ધારિત માપદંડો મુજબ તૈયાર થતો હોય છે અને તેમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો તથા અન્ય સેક્ટરો પણ ધ્યાને લેવાતા જ હશે, જેથી આ ચિંતાજનક રિપોર્ટને સૌ કોઈએ ગંભીર ગણવો જ જોઈએ, ખરૃં કે નહીં?

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial