Sensex

વિગતવાર સમાચાર

બોર્ડની પરીક્ષાઓનો અંતરનાદ્...

આધુનિક યુગને 'શિક્ષણયુગ' નામ આપી શકાય એવી રીતે ગુજરાતમાં શિક્ષણની ચર્ચાઓ, પરિસંવાદો, સરકારની છાશવારે બદલાતી નીતિઓ, એડમિશન-ડોનેશનની મથામણો, સરકારી શાળામાં ગુણોત્સવો વગેરે અત્યારે અખબારોની હેડલાઈન બની વારે-વારે નજર સામે આવે છે.

આ બધી સમસ્યાઓનું મૂળ છે, આજની શિક્ષણ પ્રણાલી. કે.જી.થી લઈને દરેક વિદ્યાર્થીઓને આપણે જોઈએ એટલે કોઈ બાળક નહીં, મજૂર જતો હોય એમ દફ્તરરૂપી કોથળો ખભે ટાંગીને જતો હોય જાણે ખીંટીએ ગુણી ટીંગાડી હોય અને ખીંટી તૂટું-તૂટું થતી હોય એવું દૃશ્ય લાગે મને તો! અને જેમ જેમ આગળ શિક્ષણ વધે અને વિદ્યાર્થીઓ ધોરણ ૧૦/૧ર બોર્ડના વર્ષ સુધી પહોંચે ત્યાં તો તેઓ 'રેસના ઘોડા'! વાલીઓ, શિક્ષકો, સગા-વહાલાઓ બધા જાણે એની લગામ જુદી જુદી દિશામાં ખેંચતા હોય તેમ વિદ્યાર્થીને મોઢે ફીણ આવી જાય, કમર બેવડી વળી જાય એટલી અપેક્ષાઓના પોટલા!

બોર્ડનું વર્ષ ચાલુ થતા અમુક ઘરમાં તો 'બોર્ડ'મય કાળું ધાકોર જાણે! એમાં પણ પરીક્ષા આવતા સુધી તો એલાન-એ-જંગ... ટી.વી. બંધ, રમતગમત બંધ, મનોરંજન બંધ, મોબાઈલ-કોમ્પ્યુટર બંધ, પાર્ટી-ફંક્શન બંધ, ઘર આખું સજ્જડ બમ.

અમુક વિદ્યાર્થીઓ કોઈપણ પ્રકારનું ટેન્શન લીધા વિના કે કોઈની સલાહ ગણકાર્યા વિના 'જે થાય તે થવા દેવું' એમ માની બિન્દાસ ગમે તે પરિણામ સ્વીકારી લે છે. અમુક વિદ્યાર્થીઓ અતિ હોંશિયાર હોય, મહેનતુ હોય એમને પણ સરવાળે ઓછું ટેન્શન રહે છે, પણ બોર્ડની પરીક્ષાઓમાં જેમનો બુદ્ધિઆંક મધ્યમ હોય તેવા વિદ્યાર્થીઓનો મોટો સમૂહ હોય છે. તેમની મનોવ્યથા સમજવા પ્રયાસ કરવો એ આજના કથળેલા-કલુષિત થયેલા શિક્ષણની દિશા બદલવા સમજવું ખૂબ જરૂરી બન્યું છે.

બોર્ડનું આખું વર્ષ તો ખેંચાયા કરે, પણ વડીલોનું પ્રેશર ક્યારેક એટલું વધી જાય કે બોર્ડની પરીક્ષા વખતે અમુક વિદ્યાર્થીઓ માનસિક રીતે સાવ ભાંગી પડે છે. સાથે સાથે હળવા થવા માટેના આ સમ દરમિયાન ઘણાં આકર્ષણો તરફ તેમનું ધ્યાન ફંટાવા લાગે છે. આ સમયમાં ચાલતા મેરેજ-ફંક્શન્સ, મેચ, હોળી-ધૂળેટીના તહેવારો, શિયાળામાં વધુ થા પ્રવાસ-પિકનિક વગેરે લલચાવનારા આકર્ષણો સામે પુસ્તકોમાં જ માથું રાખવું એ અઘરૂ લાગે છે.

આ બધી વાતો વિદ્યાર્થીઓના આંતરમનમાં ચાલતી રહે છે, ત્યારે ક્યારેક એના હૃદય પાસે કાન માંડીએ તો સંભળાશે કે એનું અંતર પણ બોલે છે.

અમે દિલથી મહેનત કરીએ છીએ, તમે એ જુઓ.

સતત ખીજાવાને બદલે ક્યારેક અમારી હાલત સમજવા પ્રયત્ન કરો તો અમે હળવા રહીશું.

ઘરના વૃક્ષોની જેમ જ અમને પણ તમારા પ્રેમ, અમારા પ્રતિ સમજણ અને આ થોથામાંથી બહાર શ્વાસ લેવા દેવાની માનવતારૂપી ખાતર-પાણીનું સિંચન આપી તમારા બાગના આ ફૂલ-છોડને બોર્ડ નામની બીકથી કરમાવા ન દ્યો.

તમારી અપેક્ષાઓમાં ખરા નહીં ઉતરીએ તો? એ શરમ અને સતત વિચારોથી ગભરામણ અને સંઘર્ષમાં અટવાઈ જઈએ છીએ.

અડધી-અડધી કલાકે અમારા રૂમમાં કોઈને કોઈ બહાના હેઠળ આંટો મારી અમારી પ્રવૃત્તિ પર નજર રાખવાના કિમિયા જોઈ ધ્યાનભંગ થવાની સાથે સાથે ક્યારેક અમારૃં દિલ દુભાય છે કે શું અમે એટલા ભરોસાને લાયક સંતાન નથી?

અમારી પરીક્ષા વખતે તમને ચિંતામાં જોઈ અમે નર્વસ થઈ જઈએ છીએ કે પપ્પાની મહેનતના પૈસા અને મમ્મીના રાતોના ઉજાગરા તેમજ અમારા માટે તમે પણ ટી.વી. બંધ, મનોરંજન બંધ રાખેલ એ બધું વેડફાય નહીં, ત્યારે અમને મન થાય કે આ ફાસ્ટલાઈફમાંથી થોડો સમય કાઢી આપણે બધા સાથે ટી.વી. જોઈએ, ક્યારેક દોસ્તો સાથે રમીએ.

અમારા જમાનાના આ ગ્રંથો જેવડા થોથામાં પુસ્તકિયા કીડા બનાવી એના જ આધારે અમારૂ મૂલ્યાંકન કરી અમને વામન ન બનાવો.

એક વિનંતી મનમાં વારે-વારે બોલાઈ જાય છે કે બીજા કોઈપણ વિદ્યાર્થી સાથે સરખામણી કરી જાહેરમાં અમને ઉતારી ના પાડો પ્લીઝ! અમારા સાથીદારોમાં અમુકને તો માતૃભાષાની સારી ફાવટ હોવા છતાં વાલીની મહત્ત્વાકાંક્ષા અને આગ્રહથી અંગ્રેજી મીડિયમમાં નાખવાને લીધે સારા ગુણ આવી શકતા નથી. એ અમારો વાંક કહેવાય? કહોને પ્લીઝ!

અમો સંજોગોવશાત કદાચ નાપાસ થઈએ કે ઓછા ટકા આવે તો પણ બીજુ ગમે તે જીવનોપયોગી કાર્ય કરી શકીએ એટલી આવડત તો તમે અમારામાં મૂકી જ હશે ને? તો શા માટે તમારો જ ભરોસો તમે ડગાવો છો?

અમો જાણીએ છીએ કે તમારી આ કડકાઈની પાછળ પ્રેમ છૂપાયો છે, પણ તમારી અપેક્ષા સામે ક્યારેક ઘૂંટાઈને મનમાં હજારોવાર મરીએ છીએ. અમુક સાથી વિદ્યાર્થીઓના બોર્ડની પરીક્ષા-પરિણામની બીકથી આપઘાત કરતા જોઈ-સાંભળી અમે પણ હલી જઈએ છીએ.

અમારા અંતરનાદ્ને સાંભળો, સમજો, અમારા મૌન આક્રંદને નબળાઈ ના માનો, તમારા પ્રેમ, વિશ્વાસ અને સમજણથી અમારી તાકાત બનો તો બોર્ડની પરીક્ષા કે જીવનના કોઈપણ ક્ષેત્રમાં અમે તમને નિરાશ નહીં કરીએ કે કોઈપણ અવરોધો ઓળંગવામાં અમને કોઈ ડર રોકી નહીં શકે.

આ અવાજ કઈ એકલ-દોકલ નહીં, મોટાભાગના એવરેજ વિદ્યાર્થીઓનો છે. આજના ગૂંચવાડા ભરેલ શિક્ષણ, અંગ્રેજી શિક્ષણનીતિ અને 'રટ્ટા માર...' પદ્ધતિમાં એટલા ખૂંપી ગયા છીએ કે એ કાદવથી આપણા બાળકો ખરડાઈ છે એવી સરકારી નીતિઓ સામે વિચારશીલ થઈ અવાજ ઊઠાવવાને બદલે એક બિસ્તરાની  જેમ આપણા બાળકોને વેનમાં સામાનની જેમ ભરીને, 'તેજસ્વી તારલા બનાવવાના કારખાનાઓમાં (ટ્યૂશન ક્લાસીસ) ધકેલીએ છીએ.'

આ તે કેવી કસોટી, લાગે છે ખાટલે ખોડ મોટી,

વીંઝો છો સિતમની સોટી, આમાં ન આવે જ્ઞાનની હથોટી.

બોર્ડની પરીક્ષાઓ એટલે જાણે સપ્તપદીના સાત વચનો ડગલે અને પગલે જે વિદ્યાર્થીઓનું હીર ચૂસે અને અંતે વિદ્યાર્થી એક ડગલું પણ આગળ ન વધી શકે પણ માનસિક સ્વસ્થતાના સાત સ્તર ખરી પડે!

આપણે શું કરી શકીએ? એવા બળાપાને બદલે આપણે શું ન કરી શકીએ? એમ વિચારી વિદ્યાર્થીઓની તાકાત બનીએ તો માર્ચની બોર્ડની પરીક્ષાઓ પછી મે-જૂનમાં રિઝલ્ટ પછી 'સુસાઈડ-મન્થ' કે 'ડિપ્રેશન-મન્થ' ન બનતા આનંદથી ભીંજવતી શ્રાવણનો 'સરવણિયો-મન્થ' બને!

સપોર્ટીંવ ચોટઃ

બોર્ડ-બોર્ડની બીકથી ના કરો ક્લીન-બોલ્ડ પ્લીઝ

સપોર્ટ બની અમારો અમને બનાવો બોલ્ડ પ્લીઝ

વૈશાલી રાડિયા, જામનગર