હુંતાશણી-ધૂળેટી પછી ગૃહિણીઓ ઘરમાં 'ઘઉં ભરવા' લાગશે, એટલે કે આખા વર્ષની જરૂરિયાતનો અંદાજ કરીને સારા ઘઉંની વાજબી ભાવે જથ્થાબંધ ખરીદી કરવા લાગશે. આ વર્ષે ઘઉંનું ઉત્પાદન વધવા જઈ રહ્યું છે હોવાથી ઘઉંના ભાવ ઘટશે, તેવી સંભાવનાઓ હતી, પરંતુ તેનાથી ઉલટું થયું છે, અને માર્કેટમાં ઘઉંના ભાવો વધવાના સંકેતો મળી રહ્યા છે.
ગુજરાતમાં ગયા વર્ષની સરખામણીમાં ઘઉંનું ઉત્પાદન સાડાચાર લાખ ટન જેટલું વધ્યું હોવા છતાં ભાવવધારાના સંકેતોએ ગૃહિણીઓની ચિંતા વધારી દીધી છે, તો માર્કેટમાં પણ અનિશ્ચિતતાઓનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં વિવિધ પ્રકારના ઘઉંનું ઉત્પાદન થાય છે, તેમાં પોપટિયા અથવા દેશી ઘઉંનો ભાવ વધુ હોય છે, જ્યારે રાજ્યમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ઘેર-ઘેર રોટલી બનાવવા માટે વપરાતા ટૂકડા ઘઉંના ભાવપર સૌની નજર વધુ રહેતી હોય છે. કૃષિ અને વ્યાપાર ક્ષેત્રના વર્તુળો મુજબ ગઈકાલે ટુકડા ઘઉંના ભાવ ૬૧ર થી ૭ર૬ વચ્ચે સૌરાષ્ટ્રમાં રહ્યા હતાં. આથી પ્રિ-સિઝન ભાવવધારો સામાન્ય પરિવારોની થાળી મોંઘી કરશે, તેની ચિંતા પણ વ્યક્ત થવા લાગી છે.
આજે ગુજરાતથી ગ્લોબ સુધી ભાવો અને ટેરિફની જ ચર્ચા ચાલી રહી છે. ગઈકાલે ડોનાલ્ડ ટ્રમ્પ અને પી.એમ. નરેન્દ્ર મોદી વચ્ચે થયેલી વાટાઘાટો પછી 'ક્યા ખોયા, ક્યા પાયા... અને કોને શું મળ્યું તથા ભારતને ક્યો ફાયદો થયો, તો કઈ બાબતે ટ્રમ્પે ભારત સહિત બ્રિક્સના દેશોને પુનઃ ચેતવણી આપી, તેનું પોસ્ટમોર્ટમ થઈ રહ્યું છે. ટ્રમ્પની 'અમેરિકા ફર્સ્ટ'ની સામે ભારત (મોદી) ના 'નેશન ફર્સ્ટ'ના સૂત્રની ટક્કર પણ જોવા મળી રહી છે, ખરૃંને?
ડોનાલ્ડ ટ્રમ્પે શક્તિવર્ધક સત્તાપ્રાપ્તિ કર્યા પછી અમેરિકા આક્રમક બન્યું છે અને એક પછી એક 'ટ્રમ્પકાર્ડ'નો ખેલ આખી દુનિયાને હચમચાવી રહ્યો છે, ત્યારે પ્રથમ સમયગાળાના ટ્રમ્પ કરતા બીજા તબક્કામાં ટ્રમ્પ કાંઈક અલગ જ જણાઈ રહ્યા છે, જ્યારે ત્રીજી વખત વડાપ્રધાન બનેલા મોદી થોડાક વધારે પડતા 'પ્રેક્ટિકલ' બની ગયા હોય, તેમ નથી લાગતું?
તાજેતરમાં રિસિપ્રોકલ ટેરિફની ચર્ચા વધુ થઈ રહી છે, અને આ શબ્દો ગ્લોબ ટોકનો વિષય પણ બન્યા છે. હકીકતે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અપનાવેલી રિસિ પ્રોકલ ટેરિકની અસરો દુનિયાભરની માર્કેટો તથા વિશ્વના મહત્તમ દેશો સુધી પહોંચી છે, અને ભારત સહિત તમામ દેશો સાથે જો અમેરિકા આ જ પ્રકારની નીતિ અપનાવવાનું હોય તો ટ્રમ્પ-મોદીની દોસ્તી તથા પર્સનલ કેમેસ્ટ્રીનો દેશને શું ફાયદો? તેવો વ્યંગ પણ થઈ રહ્યો છે.
દેશી ભાષામાં ટ્રમ્પની નવી અર્થનીતિને સમજવી હોય તો ગુજરાતી કહેવત 'જેવા સાથે તેવા' અથવા પ્રચલિત સંસ્કૃત સૂત્ર 'શઠમ્ પ્રતિ સાઠયમ્'ના ભાવાર્થ સાથે ટ્રમ્પનીતિને સરખાવી શકાય. ભાવતાલ અને કરવેરાના ક્ષેત્રે ટ્રમ્પની નીતિ એવી છે કે જે દેશ અમેરિકા સાથે જે પદ્ધતિથી વ્યાપાર-વ્યવહારો કરતો હોય, તેઓની સાથે તેવું જ વલણ અપનાવવું. જે દેશો આયાત પર વધુ ટેક્સ લેતો હોય, તે દેશોમાં નિકાસ અને તે દેશોમાંથી આયાત કરવામાં પણ તેવી જ નીતિ અપનાવવી, અને આયાત-નિકાસ વચ્ચેની દ્વિપક્ષીય ગણતરી કરીને ખાધ રહેતી હોય ત્યાં ટેક્સ અથવા ટેરિફ વધારવાની પોલિસી અપનાવવી, તે પ્રકારનો આ કોન્સેપ્ટ માત્ર ભારત નહીં, દુનિયાભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. કેટલાક લોકો એવું પણ માને છે કે, પી.એમ. મોદીનો પ્રભાવ પહેલા જેવો રહ્યો નથી અને ટ્રમ્પ બીજી ટર્મમાં વધુ મજબૂત જણાય છે, જ્યારે મોદી ત્રીજી ટર્મમાં પહેલી ટર્મ જેવા પ્રભાવી જણાઈ રહ્યા નથી, જ્યારે ઘણાં લોકો વિવિધ મુદ્દે મોદી પહેલા જેવા જ સ્પષ્ટ અને મક્કમ જણાયા હતાં. ખુદ ટ્રમ્પે અને મસ્કે પણ વડાપ્રધાન મોદીને ચતૂર નેગોશિએટર ગણાવ્યા હતાં, સાથે સાથે ભારતને બિઝનેસટફ પણ ગણાવી દીધું હતું.
ભારત-અમેરિકા વચ્ચે વર્ષ ર૦૩૦ સુધીમાં વેપાર બમણો કરવો, મુંબઈ હુમલાના માસ્ટર માઈન્ડ તહવ્વુર રાણાના પ્રત્યાર્પણની જાહેરાત, ઈસ્લામિક આતંકવાદ સામે સહિયારી લડત, ઊર્જા કરાર, ભારતને યુદ્ધ વિમાનો એફ-૩પ આપવાની જાહેરાત, સંરક્ષણ ક્ષેત્રે સહયોગ, વેપારખાધ ઘટાડવાની રણનીતિ પર સહમતિ સહિતના થયેલા કરારોને વડાપ્રધાન મોદીની અમેરિકાની વર્તમાન મુલાકાતની ઉપ્લબ્ધિ પણ ગણાવવામાં આવે છે.
સામાન્ય અભિપ્રાય એવો છે કે 'જેવા સાથે તેવા'ની રણનીતિ વર્તમાનયુગની જરૂરિયાત છે, પરંતુ જ્યારે વૈશ્વિક નીતિમાં તથા ખાસ કરીને વ્યાપારિક-આર્થિક નીતિઓની વાત આવે, ત્યારે બાંધછોડની નીતિ પણ અપનાવવી જ પડતી હોય છે, અને આ સિદ્ધાંતને ધ્યાને રાખીને જ ટ્રમ્પે નવી ટેરિફ નીતિનો તથા રિસિપ્રોકલ ટેક્સની માત્ર જાહેરાતો જ કરી છે, અને તે તત્કાળ નહીં, પરંતુ દરેક દેશ માટે અલગ-અલગ વાટાઘાટો કરીને જ લાગુ થશે, તેવું સ્પષ્ટ કર્યું છે, કારણ કે ટ્રમ્પ પણ જાણે છે કે આવી નીતિ વ્યવહારમાં ચાલે, વ્યાપારમાં નહીં... જડતા તો ન જ ચાલે ને?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial