Sensex

વિગતવાર સમાચાર

પોતે ધગધગતો તાપ ખમીને છાંયડો આપે, કોઈ પથ્થર મારે તો પણ ફળ આપે તે વૃક્ષ...

જગદીશચંદ્ર બોઝે પૂરવાર કર્યું હતું કે વનસ્પતિમાં જીવ છે, તેથી તેની હત્યા એ પાપ છે...

રામાયણમાં શ્રીરામને મળતી અયોધ્યાની ગાદી મળવા છતાં ભરતે મહેલના બદલે કૂટિરમાં ૧૪ વર્ષ કાઢ્યા, તે નિહાળીને કૈકેયીને એવો પસ્તાવો તો થયો જ હશે કે મંથરાની કાન ભંભેરણીમાં આવીને શ્રીરામને અન્યાય કર્યો ન હોત તો સારૂ થાત,...

એવી જ રીતે મહાભારતમાં પણ ઘણાં લોકો દ્વારા થયેલું કોઈને કોઈનું અપમાન જ મહાયુદ્ધનું કારણ બન્યું હતું. આ જ પ્રકારનો ઈતિહાસ પ્રાચીન કાળથી લઈને મધ્યયુગના રાજા-રજવાડાઓના થયેલા યુદ્ધોનો છે. સામ્રાજ્યવાદ, કટ્ટરતા અને સત્તાલોલુપતાના કારણે જ ઘણાં યુદ્ધો થયા અને દગાબાજીથી પોતાના જ પરિવારજનો કે વડીલોની હત્યાઓ થઈ, તેવી જ રીતે કોઈના સ્વમાન પર આક્રમણ કરવાના કારણે પણ અસંખ્ય હત્યાઓ તથા યુદ્ધો પણ થયા છે. આ બધી જ ઘટનાઓ ભલે ઘણાં લોકો માત્ર કાલ્પનિક, કાવ્યાત્મક, નાટ્યાત્મક કે અર્ધસત્ય ગણાવતા હોય, પરંતુ આધુનિક યુગમાં પણ આવી જ રીતે ઘણાં ઘટનાક્રમો બની જ રહ્યા છે ને!

સ્વમાનભંગ હત્યાથી યે ખતરનાક

કોઈનું સ્વમાન ઘવાય, તેવું વર્તન કરવું અયોગ્ય છે, અને કોઈનું જાહેરમાં અપમાન કરીને તેનું ચારિત્ર્યહનન કરવું તે તો હત્યા સમાન જ ગણાવાય છે. મહાન વૈજ્ઞાનિક જગદીશચંદ્ર બોઝે પૂરવાર કર્યું હતું કે વનસ્પતિમાં પણ જીવ હોય છે, તેથી વૃક્ષોનું છેદન કરવું એ હત્યા અને વૃક્ષોની જીવતી ડાળીઓ કાપવી એ હત્યાનો પ્રયાસ ન ગણાય?

આવો શિતલ છાંયડો આપતું વૃક્ષ પણ એક ઉદારદિલ સભ્યતાની જેમ જ કોઈપણ ભેદભાવ વગર ઠંડી-ગરમી-વાવાઝોડાનો માર સહન કરીને અડીખમ ઊભું રહે છે. પોતે ધગધગતો તાપ ખમીને શિતળ છાંયડો તો વૃક્ષો આપે જ છે, પરંતુ અનુકરણીય અને વૃક્ષ પાસેથી શીખવા જેવી વાત તો એ છે કે જો કોઈ વૃક્ષ પર પથ્થર ફેંકે તો પણ વૃક્ષ તેને મધૂર ફળ આપે છે. આ પ્રકારે ફળ મેળવવા પથ્થર મારનાર અને તે પથ્થર જેને લાગ્યો તે રાજાની વાતો તો બધાએ સાંભળી જ હશે. વૃક્ષો આટઆટલા કુદરતી અને માનવી દ્વારા કરાતા પ્રહારો સહન કરીને ફળો ઉગાડે છે, તે કોના માટે? વનસ્પપતિ, વૃક્ષો અને કંદમૂળના સ્વરૂપોમાંથી શિખવા જેવું એ છે કે, આ પ્રકારની પરોપજીવી કુદરતી સંપદાની જેમ આપણે પણ હંમેશાં વિનમ્ર અને દરિયાદિલ જ રહેવું જોઈએ. ફળ મેળવવા માટે પ્રેમથી ઝાડ પર ચડીને હળવેકથી કાપવા કરતાં યે વધુ ઈચ્છનિય એ રહે કે ફળ પાકીને ખરી પડે, તેનો ઈન્તેજાર કરવો જોઈએ, પરંતુ એ ઋષિકાળ-પ્રાચીનકાળ જેવું જીવન જીવવું વર્તમાન યુગમાં કઠીન છે. વૃક્ષ પાસે શિખવા જેવું ઘણું છે, પરંતુ પ્રવર્તમાન છળકપટ, જોરજુલમ અને ધૂર્તતાથી ભરેલા યુગમાં 'જેવા સાથે તેવા'નો સિદ્ધાંત પણ અપનાવવો પડે તેમ છે. ટૂંકમાં એક સુત્ર બધાએ કાયમ યાદ રાખવા જેવું છે કે 'એટલા કડવા ન બનો કે લોકો થૂંકી નાંખ, અને એટલા મીઠા પણ ન બનો કે લોકો તમને ગળી જાય.'

બીજી એક કહેવત એ છે કે જેવો વ્યવહાર તમે બીજા પાસેથી ઈચ્છતા હોય, તેવો વ્યવહાર પહેલા તમે પોતે બધા સાથે કરો, અને જે વ્યવહાર તમને ન ગમતો હોય તે તમે પોતે પણ બીજા સાથે ન કરો. જેવું કરો તેવું જ પામો. જેવું વાવો તેવું જ લણો, જેવા સાદ તેવો પ્રતિસાદ...

જો તમારે પોતાને વટભેર સ્વમાનથી જીવવું હોય, તો અન્યોનું સન્માન હંમેશાં જાળવો. જાહેરમાં કોઈનું અપમાન કરીને તેની પાસેથી પોતા માટે આદરની અપેક્ષા રાખવી એ મૂર્ખતા છે. જેવી રીતે પ્રત્યક્ષ સ્વરૂપે જાહેરમાં થતી પ્રશંસા હંમેશાં સાચી જ હોય તેવું નથી હોતું. તેવી જ રીતે જાહેરમાં, પરંતુ સન્માનભેર, આદર અને નમ્રતાપૂર્વક થતી આલોચના પાછળ પણ કોઈ દુર્ભાવના નથી હોતી. ઘણી વખત ક્ષણિક આવેશ કે લાગણીઓના ઉભરામાં અપાતા ઠપકા કે થતી ટીકા પાછળ પણ સદ્ભાવના જ હોય છે, અને નફરત તો હરગીઝ નથી હોતી.

દેશને આઝાદી મળી, તે પછી લોકતાંત્રિક વ્યવસ્થામાં રાજનેતાઓ પરસ્પર આદર સાથે મુદ્દાસર અને તર્કબદ્ધ રીતે એકબીજાની આલોચના કરતા હતાં અને ઘણી વખત સંસદમાં તીખી તમતમતી ચર્ચાઓ પણ થતી રહેતી હતી. ચૂંટણી સભાઓમાં પણ ટીકા-ટિપ્પણીઓ થતી હતી, પરંતુ તેમાં વ્યક્તિગત આક્ષેપો કે ચારિત્ર્યહનન અથવા અપશબ્દોને કોઈ સ્થાન નહોતું. છેલ્લા કેટલાક દાયકાઓથી આપણે જોઈએ છીએ કે રાજકીય ક્ષેત્રમાં હવે ગાલીગલોચ, ચારિત્ર્યહનન તથા માનમર્યાદાનું હનન કરવાની મનોવૃત્તિ વધી રહી છે. કોઈપણ પ્રકારના અયોગ્ય અને બિનપાયેદાર, જૂઠ્ઠા તથા કોઈનું ચારિત્ર્યહનન કરતા શબ્દપ્રયોગો એ હળહળતું અપમાન જ નહીં, પરંતુ નૈતિક્તાની હત્યા છે. કોઈનું પણ વ્યક્તિગત રીતે ચારિત્ર્યહનન કરવું, એ પાપ છે. આ પ્રકારના ચારિત્ર્યહનન પછી તેવા જ પ્રકારનો જવાબ આપશે, તો પોતાનાથી પણ સહન નહીં થાય, તે વિચારીને વ્યક્તિગત રીતે કોઈના ચારિત્ર્ય પર હુમલો કરતા પહેલા સો વાર વિચાર કરવો જોઈએ, તેમ નથી લાગતું?

હમણાંથી ઓક્સિજન પાર્ક બનાવવાની પ્રશંસનિય, અનુકરણીય અને આવકારદાયક ઝુંબેશ જોર પકડી રહી છે અને સામાન્ય રીતે રૂક્ષ ગણાતા કેટલાક વિભાગો તથા માત્ર એડમેનિસ્ટ્રેટિવ કે ફાયનાન્સિયલ કામ કરતી સંસ્થાઓ તથા સરકારી મહેકમો પણ વૃક્ષારોપણ, વૃક્ષ-ઉછેર અને દેખભાળ-નિભાવની જવાબદારી ઉપાડવા માટે આ ક્ષેત્રે કાર્યરત સ્વૈચ્છિક સંસ્થાઓ તથા તંત્રોના સહયોગી બની રહી છે, તેથી આ નૂતન અભિગમ તરફ સ્વાભાવિક રીતે જ સૌ કોઈનું ધ્યાન ખેંચાયું છે.

અમદાવાદમાં ત્રણસોથી વધુ ઓક્સિજન પાર્ક બન્યા પછી રાજકોટ, સુરત, કચ્છ, જામનગર, પાટણ, મહેસાણા સહિતના શહેરોમાં ઓક્સિજન પાર્ક બની રહ્યા છે, અને લાખો વૃક્ષો ઉછેરવાનું અભિયાન નવા નામે શરૂ થયું છે. આ પહેલા 'એક પેડ માઁ કે નામ' નામથી ભાવનાત્મક ઝુંબેશ ચાલુ થઈ અને તેમાં ૧પ કરોડ જેટલા વૃક્ષો વવાયા છે. આ ઉપરાંત મોરબી, અરવલ્લી, ઉપલેટા, વાપી સહિતના શહેરોમાં પણ ગ્રીનવોલ્ટ તથા ઓક્સિજન પાર્ક બન્યા છે અથવા બની રહ્યા છે.

આપણે ઓક્સિજન એટલે પ્રાણવાયુ લઈને ઉચ્છવાસમાં કાર્બન એટલે કે અંગારવાયુ બહાર કાઢીએ છીએ. કુદરતની કરામત જ કહેવાય કે વૃક્ષો પ્રાણવાયુ લઈને અંગારવાયુ બહાર કાઢે છે, અને અંગારવાયુ લઈને પ્રાણવાયુ પણ બહાર કાઢે છે, છતાં 'જીવી' શકે છે, જ્યારે હલતા ચલતા જીવો માત્ર ઓક્સિજન લઈને જ જીવી શકે છે. કુદરતના આ કરિશ્માનો લાભ લઈને વધુમાં વધુ વૃક્ષો ઉછેરીને તથા તેમનો નિભાવ કરીને વાતાવરણમાં વધુમાં વધુ કુદરતી પ્રાણવાયુ (ઓક્સિજન) વધારવાનો આ કોન્સેપ્ટ ભૂતકાળના વૃક્ષારોપણ અભિયાનોની જેમ અર્ધસફળ કે અસફળ ન થઈ જાય, અને વધુમાં વધુ ઓક્સિજન વનો બને, ઓક્સિજન પાર્કસ બને તેવું ઈચ્છીએ...

વર્ષ ૧૯૦૧ માં જગદીશચંદ્ર બોઝે પૂરવાર કર્યું હતું કે, વૃક્ષોમાં જીવ હોય છે. લગભગ સવા સદી વિતી ગઈ, છતાં હજુ પણ વૃક્ષછેદન માટે માનવ હત્યા કે જીવહત્યાની સજા થાય, તેવા કોઈ અત્યંત કાયદાનો કડક અમલ થતો હોય, તેવું સાંભળ્યું નથી, તમે સાંભળ્યું છે?

ઠરાવ થયા હોય તો અમલ પણ થશે હો...

પહેલી ફેબ્રુઆરીના દિવસે કેન્દ્રિય બજેટ રજૂ થયું હતું અને ૧ર લાખ સુધીની આવકને આવકવેરા મુક્તિ મળી હતી, તે 'નોબત'ના પહેલા પાને પ્રસિદ્ધ થયું હતું. બજેટ વર્ષ ર૦રપ-ર૬ નું હોવાથી તેનો અમલ એપ્રિલ મહિનાથી થશે. બજેટમાં જોગવાઈ થઈ છે, તો અમલ તો થશે જ ને?

એટલા જ વિશ્વાસથી પહેલી ફેબ્રુઆરીના 'નોબત'માં જ પાંચમા પાને એક સુધારણાત્મક પહેલની સ્ટોરી 'લોહાણાના લગ્નમાં હવે લેઈટ નહીં થાય... લખી રાખજો... ગેરંટી'ના મથાળા હેઠળ પ્રસિદ્ધ થઈ હતી, તેમાં જણાવેલી બાબતોનો અમલ થશે, તેમ કહેવું જોઈએ, તે પ્રકારના ફિડબેક પણ સાંભળવા મળ્યા છે. 'નોબત'માં સંગત વિભાગમાં તા. પહેલી ફેબ્રુઆરીના અંકમાં મન હોય તો માળવે જવાય, લેખ શ્રેણીમાં પ્રસિદ્ધ થયેલા સ્વાનુભાવના લેખના ઘણાં પ્રતિભાવો સંભળાયા અને કેટલાક સૂચનો પણ થયા. આ લેખના લેખક તથા તેમાં જણાવેલા અન્ય વ્યક્તિવિશેષોને પણ ખૂબ જ પ્રેરક પ્રતિભાવો મળ્યા, અને સાથે સાથે કેટલાક સંશયો પણ સંભળાયા.

વિનોદ કોટેચા

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial