Sensex

વિગતવાર સમાચાર

કાલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતદાન... છેલ્લી ઘડીના મંડાતા ગણિત...

ગુજરાતમાં આવતીકાલે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ એટલે કે પાલિકા-પંચાયતોની ચૂંટણી માટે મતદાન થશે, જેમાં જે નગરપાલિકાઓ, તાલુકા-જિલ્લા પંચાયત માટે ચૂંટણી-પેટાચૂંટણી થવાની છે, ત્યાં પ્રચાર-પડઘમ શાંત થયા પછી ડોર-ટુ-ડોર સંપર્ક ઉપરાંત ખાનગી બેઠકોનો દોર પણ ચાલી રહ્યો છે, અને છેલ્લી ઘડીના ગણિત મંડાઈ રહ્યા છે. આ વખતે ચૂંટણીઓમાં કેટલાક સ્થળોને બાદ કરતા બહુ ઉત્સાહ કે રસાકસી જોવા મળતી નથી, તો કેટલીક એવી બેઠકો પણ છે, જ્યાં પ્રતિષ્ઠાનો જંગ હોઈ, રાજ્ય-કેન્દ્રિય કક્ષાના નેતાઓ પણ પ્રચાર પછી ગોઠવણો કરતા જોવા મળ્યા છે.

આવતીકાલે ચાર હજારથી વધુ મતદાન મથકો પર મતદાન થવાનું છે, અને ચૂંટણીતંત્ર સજ્જ છે, અને ચૂસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાઈ રહ્યો છે, ત્યારે ઘણાં સ્થળે એક જ ઉમેદવાર હોવાથી કેટલીક બેઠકો બિનહરિફ પણ જાહેર થઈ છે, એટલે કે ત્યાંના એકમાત્ર ઉમેદવાર બિનહરિફ વિજેતા થયેલા ગણાશે. રાજ્યની ર૬ પાલિકાઓની ૧૬૭ બેઠકો બિનહરિફ જાહેર થેલી છે, અને તેમાં ૧૬ર નિર્વિરોધ ચૂંટાયેલા ઉમેદવારો ભાજપના છે, એક કોંગ્રેસના ઉમેદવાર પણ બિનહરિફ થયા છે, તો ચાર અપક્ષો પણ નિર્વિરોધ ચૂંટાશે. આ બિનહરિફ થતી બેઠકો માટે પણ મતદાન પહેલાની ઘણી જ રસપ્રદ રીત-રસમો અજમાવતી હોય છે, જે ઓપન સિક્રેટ જ છે ને?

વાતાવરણમાં હવે ક્રમશઃ ઠંડી ઘટી રહી છે, અને બપોરે ઉનાળાનો અહેસાસ કરાવે, તેવી ઉષ્ણતા ધીમે ધીમે વધી રહી છે, તો વહેલી સવારે ઝાંકળ પડે છે. ઠેર-ઠેર છવાયેલા ધૂમ્મસના કારણે વાહન-વ્યવહાર તથા રોજીંદુ જનજીવન પ્રભાવિત થાય છે. સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓમાં પણ પ્રારંભમાં ઠંડી (સુસ્તી) પછી છેલ્લા કેટલાક દિવસોથી ગરમી દેખાણી હતી અને હવે મતદાન તથા પરિણામો અંગે અટકળોનું ધુમ્મસ છવાયું છે. આવતીકાલે સૂરજ ઉગશે, મતદાન શરૂ થશે અને ધીમે ધીમે ધુમ્મસ હટી જશે. તા. ૧૮ ફેબ્રુઆરીના મતગણતરી શરૂ થયા પછી ધુમ્મસ તદ્ન હટી જશે અને ચિત્ર સ્પષ્ટ થઈ જશે ખરૃં ને?

આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં મોસમનો પૂરેપૂરો સાથ મળી રહ્યો છ, અને એકંદરે પ્રચાર કાર્ય શાંતિપૂર્વક સંપન્ન થઈ ગયું છે, જો કે પરીક્ષાઓનો માહોલ છે, તે ઉપરાંત ઘણાં લોકો મહાકુંભસ્નાન કરવા પ્રયાગરાજ ગયા છે, મતદાન પર કેટલી અસર પડશે, તે અભ્યાસનો વિષય છે.

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો જંગ જામ્યો છે, અને મતદારોને રિઝવવાના ઉમેદવારોના પ્રયાસ છેલ્લી ઘડી સુધી ચાલી રહ્યા છે, પરંતુ ઘણી બેઠકો પર કાં તો મતદારોમાં ઉત્સાહ જણાતો નથી, અથવા તો એકપક્ષિય મુકાબલો હોય તેમ જણાય છે. કેટલીક નગરપાલિકાઓમાં તો અત્યારથી જ એકપક્ષિય મતદાન થવાનું હોય, તેમ પ્રચારયુદ્ધ બહું થયું નથી, ત્યારે કેટલીક નગરપાલિકાઓમાં ખરાખરીનો જંગ જામવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.

દ્વારકા જિલ્લામાં સલાયા-ભાણવડ ને દ્વારકા નગરપાલિકાઓમાં ખરાખરીનો જંગ છે, જ્યારે સલાયામાં તો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે મુખ્ય સ્પર્ધા હોવાનું કહેવાય છે, જો કે જીતનો દાવો બધા પક્ષો કરતા હોય, તે સ્વાભાવિક છે, પરંતુ આ સ્થાનિક મુદ્દાઓ ઉપરાંત પણ કેટલાક રાજકીય, રાષ્ટ્રીય તથા સંવેદનશીલ મુદ્દાઓ પણ કામ કરી રહ્યા હોય, તેમ જણાય છે. સલાયામાં તો એઆઈએમઆઈએમ એટલે કે ઓવૈસીની પાર્ટીએ પણ ઉમેદવારો ઊભા રાખ્યા છે. સલાયામાં પહેલા કોંગ્રેસનું શાસન હતું, અને પછી વહીવટદારનું શાસન હતું, જેમાં રોડ, પાણી, ગટર, સ્ટ્રીટલાઈટ જેવી સ્થાનિક સ્વરાજ્યોના મુદ્દે પ્રવર્તતો અસંતોષ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે, છતાં બહુપાંખિયો જંગ હોવાનું મનાય છે.

ભાણવડમાં પણ ખરાખરીનો જંગ જામવાનો છે,અને અહીં કેબિનેટમંત્રી મૂળુભાઈ બેરા તથા સાંસદ પૂનમબેન માડમના કાર્યકર જુથો પણ સક્રિય છે. તદુપરાંત મતદારોનો મિજાજ અને ઈન્કમ્બન્સીની ભૂમિકા પણ રહેવાની છે.

દ્વારકાની નગરપાલિકાની ચૂંટણી તો ખુલ્લી કિતાબ જેવી હોય છે, અને ત્યાં ધારાસભ્ય પબુભા માણેક તથા અન્ય સ્થાનિક નેતાગીરીનો પ્રભાવ હંમેશાં દ્વારકા નગરપાલિકા તથા તાલુકા-જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં રહેતો આવ્યો છે.

આમ, સલાયા, ભાણવડ અને દ્વારકા નગરપાલિકાની ચૂંટણીઓમાં બહુપાંખિયો જંગ રહેવાનો છે, પરંતુ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે મુખ્ય મુકાબલો છે, જ્યારે સલાયામાં 'આપ' અને ઓવૈસીની પાર્ટીની ભૂમિકા પણ મહત્ત્વપૂર્ણ રહેવાની છે. તમામ સ્થળે એન્ટી-ઈન્કમ્બન્સી કે પ્રો-ઈન્કમ્બન્સીની અસર પણ રહેશે, તેમ જણાય છે.

જામનગર જિલ્લાની ધ્રોળ-કાલાવડ અને જામજોધપુર નગરપાલિકાઓમાં પણ મુખ્ય રાષ્ટ્રીય પક્ષો ઉપરાંત કેટલાક સ્થાનિક પરિબળો તથા પ્રાદેશિક પક્ષો અને અપક્ષોની ભૂમિકા મહત્ત્વપૂર્ણ રહેવાની છે. ધ્રોળ, કાલાવડ અને જામજોધપુર નગરપાલિકાઓમાં પણ કેટલાક પ્રાદેશિક અને રાષ્ટ્રીય કક્ષાની નેતાગીરી પણ સીધો કે પરોક્ષ રીતે રસ લઈ રહી છે. ધ્રોળ નગરપાલિકા માટે પણ કેબિનેટમંત્રી રાઘવજીભાઈ પટેલ તથા સ્થાનિક ધારાસભ્યોના કાર્યકરજુથો સક્રિય છે, જ્યારે કોંગ્રેસ, આપ, સપા-બસપા વિગેરે પાર્ટીઓની નેતાગીરી પણ સક્રિય જણાય છે. જામજોધપુરમાં ધારાસભ્ય હેમતભાઈ ખવાના કાર્યકર જુથો પ્રતિસ્પર્ધી ઉમેદવારોને પરાજીત કરવા પ્રયાસો કરે, તેમાં કેટલી સફળતા મળે, તેના પર ચૂંટણીની ગણતરીઓ મંડાઈ રહી છે. કાલાવડમાં આ વખતે સ્થાનિક મુદ્દાઓને લઈને જ વધુ ચૂંટણી પ્રચાર થયો હતો. અહીં ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાનું ગ્રુપ પણ સક્રિય હશે જ ને?

ટૂંકમાં આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ભરેલા નાળિયેર જેવી છે અને અટકળોનું બજાર ગરમ છે. કેટલાક સ્થળે તીવ્ર રસાકસીના પણ એંધાણ છે, તો કેટલાક સ્થળે ઉમેદવારોને પોતાના વિજયનો વિશ્વાસ દૃઢ છે. જોઈએ હવે...

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial