Sensex

વિગતવાર સમાચાર

ફરી એક જીવલેણ દુર્ઘટના... કોંગ્રેસે માંગ્યું રેલવે મંત્રીનું રાજીનામું... હવે શું...?

આજે બહોળા પ્રમાણમાં લોકો ગંગાસ્નાન માટે ત્રિવેણી સંગમ-પ્રયાગરાજ તરફ જઈ રહ્યા છે, અને મહાશિવરાત્રિ સુધીમાં કરોડો લોકો ચારે તરફથી પ્રયાગરાજ તરફ જતા માર્ગો પર જોવા મળવાના છે, ત્યારે માત્ર પ્રયાગરાજ કે ઉત્તરપ્રદેશ સરકાર જ નહીં, પરંતુ પ્રયાગરાજ તરફ જતા દેશભરના મુખ્ય માર્ગો પર તમામ સંબંધિત રાજ્ય સરકારોએ પણ ટ્રાફિક તથા જરૂર પડ્યે તબીબી સુવિધાઓને લઈને પણ વિશેષ પ્રબન્ધો કરવા પડે તેમ છે. એટલું જ નહીં, વાહનચાલકો તથા સ્વયં યાત્રિકોએ પણ વિશેષ સતર્કતા રાખવી જ પડે તેમ છે.

જેમ જેમ મહાશિવરાત્રિ નજીક આવશે, તેમ તેમ માત્ર સડકો, હાઈ-વે, નેશનલ હાઈ-વેઝ જ નહીં, પરંતુ રેલવે તથા હવાઈ માર્ગે પણ ભાવિકો-યાત્રિકો તથા સંલગ્ન સેવાઓ તથા વ્યવસાયોને લગતો ટ્રાફિક ઘણો જ વધવાનો છે, તેને લક્ષ્યમાં લઈને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, રાજ્ય-કેન્દ્ર સરકારો તથા એનજીઓ-સ્થાનિક તંત્રોએ સુદૃઢ સંકલન સાથે સંપૂર્ણ સક્રિયતા સાથે સાવચેતી તથા સુવિધાઓના તમામ કદમ સમયોચિત રીતે તત્કાળ ઊઠાવવા જોઈએ, તેમ નથી લાગતું?

જ્યારે ભીડ ઉભરવા લાગે તેમ હોય, કે મોટી સંખ્યામાં બુકીંગ થતું હોય, ત્યારે ટ્રાવેલ્સ સંચાલકો, સ્ટેટ બસ સર્વિસો, રેલવે તથા એરપોર્ટસ ઓથોરિટીયે પણ સતત સતર્ક રહીને સંચાલન કરવું જોઈએ, અને જરૂર પડ્યે બુકીંગ અટકાવી કે ઘટાડીને પણ જાહેર સલામતી અને સુરક્ષાને પ્રાધાન્ય આપવું જોઈએ.

પ્રયાગરાજના સંગમ ઘાટ તરફ વધુ પ્રવાહ હોવાથી એકાદ-બે દુર્ઘટના સર્જાઈ હતી અને ભાગદોડમાં ઘણાં લોકોના જીવ ગયા હતંુ. જુદા જુદા સમયે નાની-મોટી આગ દુર્ઘટનાઓ પણ થઈ હતી. તે ઉપરાંત રેલવે સ્ટેશનો તથા બસમથકો પર અભૂતપૂર્વ ધસારો વધી રહ્યો હતો, તેમાંથી બોધપાઠ નહીં લેતા દિલ્હીના એક રેલવે સ્ટેશન પર સર્જાયેલી ભાગદોડની ઘટનામાં ૧૮ લોકોના જીવ ગયા, તેનું જવાબદાર કોણ? તેવા પ્રશ્નો ઊઠી રહ્યા છે.

નવી દિલ્હીના રેલવે સ્ટેશન પર થયેલી ભાગદોડની દુર્ઘટનામાં ઘણાં લોકો ઘાયલ પણ થયા છે. રેલવે તંત્રે દુર્ઘટના પછી રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ ખાલી કરાવીને જે રીતે તત્કાળ 'સફાઈ' કરી અને ભાગદોડ પછી મુસાફરોના વિખરાયેલા સામાન તથા બૂટ-ચંપલને હટાવવા તથા લાંબા સમય સુધી અધિકૃત રીતે તંત્ર કે રેલવે મંત્રી તરફથી કોઈ માહિતી જ અપાઈ નહીં, તેથી લોકોમાં આશંકાઓ પણ વધી હતી અને ગભરાટ પણ વધુ ફેલાયો હતો. રેલવે તંત્રે પોતાની ભૂલ છૂપાવવા કરેલા પ્રયાસોના કારણે સ્થિતિ સામાન્ય થવામાં વાર લાગી હોવાના આક્ષેપો પણ થયા છે.

વિપક્ષોએ પણ હવે આ મુદ્દે મોદી સરકાર પર તડાપીટ બોલાવી છે. કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ તો સરકારને આડેહાથ લીધી હતી અને કહ્યું હતું કે મોદી સરકાર સત્ય હકીકતો છૂપાવવાનો પ્રયાસ કરી રહી છે. દિલ્હી રેલવે સ્ટેશન પર ઘણાં લોકોના જીવ ગયા તે દુઃખદ છે. રેલવે સ્ટેશનની આ ઘટનાના વાયરલ થઈ રહેલા વીડિયો જોતા એમ લાગે છે કે સરકાર સાચા આંકડા જાહેર કરી રહી નથી. ઘાયલોની દશા ખરાબ હોવા તથા તેઓને સમયસર સારવાર મળી નહીં હોવાના આક્ષેપો પણ ગઈકાલે થયા હતાં.

એવા તારણો નીકળી રહ્યા છે કે, દિલ્હી રેલવે સ્ટેશને થયેલી ભાગદોડમાં રેલવેના સત્તાધીશોની ઘોર બેદરકારી તથા મિસમેનેજમેન્ટજ જવાબદાર છે. રેલવે સ્ટેશનમાં સંબંધિત પ્લેટફોર્મમાં ક્યાંય પણ પગ મૂકવાની જગ્યા ન હોય, તેમ છતાં જનરલ કોચની સંખ્યાબંધ ટિકિટો આપવી, એ કોઈપણ રીતે તર્કસંગત નહોતું તથા બેકીંગ ઓથોરિટી, રેલવે પોલીસ તથા ટ્રાફિક કંટ્રોલ ઓથોરિટી વચ્ચે કોઈ પ્રકારનું સંકલન જોવા મળ્યું નહોતું. ટ્રેનો મોડી થવી, રદ્ થવી અને પ્રયાગરાજની સ્પેશ્યલ ટ્રેનની જાહેરાત થવી વગેરે મુદ્દે ઊંડી તપાસની જરૂર છે, પરંતુ રેલવેની જ હાઈપાવર કમિટી તટસ્થ તપાસ કરશે ખરી?

ઘોડા છૂટી જાય, તે પછી તબેલાને તાળા મારવાની જેમ આજે પ્રયાગરાજની સ્પેશ્યલ ટ્રેનો ક્યા પ્લેટફોર્મ પરથી ક્યારે ઉપડશે અને મુસાફરોએ ક્યા રસ્તે જવું તેની જાહેરાત (એનાઉન્સીંગ) થઈ રહ્યું છે, પરંતુ આવી જ વ્યવસ્થા પહેલેથી થઈ હોત તો કદાચ ૧૮ જીવ બચી ગયા હોત. રેલવેએ સંબંધિત સ્ટેશનો પર દિવાળી તથા છઠ્ઠના પર્વે જે વિશેષ પ્રબન્ધો થાય છે, તેને અનુસરવાની જરૂર છે, તેમ નથી લાગતું?

હવે કોંગ્રેસે રેલવેમંત્રીનું રાજીનામું માંગ્યું છે અને દિલ્હી દુર્ઘટનાની ઉચ્ચ ન્યાયિક તપાસની માંગણી કરી છે, ત્યારે જોઈએ, હવે શું થાય છે તે...

મહાશિવરાત્રિ સુધી હવે કોઈ દુર્ઘટના ન સર્જાય અને તમામ પરિવહન-સંચાલન અને સંચાલન યોગ્ય રીતે સંપન્ન થાય, તેવું ઈચ્છીએ...

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial